લખાણ પર જાઓ

ખાખનાં પોયણાં/તુલસી પાસે માગણી

વિકિસ્રોતમાંથી
← ખાનગી વાત ખાખનાં પોયણાં
તુલસી પાસે માગણી
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ →






૧૩
તુલસી પાસે માગણી

બપોર ધરતીને બાળતો હતો, મધ્યાકાશે આવેલો સૂર્ય લાલઘૂમ બનીને તપી રહ્યો હતો; પંખીઓ વૃક્ષની પર્ણાવલીમાં છૂપાઈ ગયા હતા. માનવ બાળ દૂર દૂર સુધી નજર કરતાં ક્યાંય પણ નજરે પડતું ન હતું. નિરવતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. એવા સમયે પસીનાથી રેબઝેબ થતાં માસ્તરે તુલસીના ખેતરમાં પ્રવેશ કર્યો, અને શેઢે ઊભા જ ખેતરમાં દૃષ્ટિપાત કર્યો. ઉનાળુ બાજરી ખેતરમાં ડોલી રહી હતી. દૂર ઊભો કરેલો માંચડો ખાલી હતો. એનાથી થોડેક દૂર એક ઓરડી બંધ હતી. પહેલી નજરે માસ્તરના મનમાં ધ્રાસ્કો પડ્યો; પોતે આવા મધ્યાન્હે તુલસીની શોધમાં અહીં ખેતર સુધી આવ્યા અને તુલસી તો અહીં જણાતો નથી. મનમાં થયું પોતાને ધરમનો ધક્કો પડ્યો કે શું? પણ ત્યાં તો છાતી સમા ઊભેલા બાજરીના પાકની ગીચતામાંથી કાંઈક સળવળાટ થતો જણાયો ને તેમને પાનાચંદે કહેલું પેલું વાક્ય યાદ આવ્યું. ‘કોક કબૂતરીને લઈને ઊપડ્યો હશે એ તો ખેતરમાં !’ ને માસ્તરે ઘડીક ભર તો મૂંગા રહીને પાનાચંદે જેને કબૂતરી કહી છે એ કબૂતરી કોણ છે તે જોવાનો નિર્ણય કર્યો અને આતુરતાભરી ઝીણી દૃષ્ટિ કરીને ઊભા મોલની વચ્ચે જાણે થતો સળવળાટ જોવા માંડ્યાં.

પણ માસ્તરને ઝાઝો વખત થોભવું ગમતું ન હતું. માથે તાપ હતો. ઉકળાટ હતો અને ઉઘાડા આકાશ નીચે આમ ઊભા રહેવાની તેમની હામ ન હતી. તૃષાથી એમનો કંઠે શોષાતો હતો. વળી તુલસી જો આમ ચોરી ચુપકીદીથી તેની લીલા જોતા પોતાને જોઈ જાય તો પોતાની મનિષાને ફટકો પડે એટલે આસ્તે કદમે માસ્તર માંચડા તરફ ઊપડ્યા અને માંચડા નીચે ઢાળેલા ઢાળિયામાં બેસી, પાસે પડેલા માટીના ઘડામાંથી પાણીનો લોટો ભરી આસ્તે આસ્તે આખો લોટો પાણી ગટગટાવી ગયા પછી મનને જરાક શાંતિ વળી.

અને ઢાળિયામાં પડખે જ ટોપી ને લાકડી મૂકી ઉઘાડા માથા પરનો પ્રસ્વેદ હાથ વડે લૂછી નાખ્યો પછી તુલસીને બૂમ મારી.

‘તુલસી, ઓ તુલસી ઓ ! ક્યાં છો ભાઈ ! જરા જો તારા ખેતરે કોણ આવ્યું છે?’

ને માસ્તરને તુલસીની લાંબો વખત પ્રતીક્ષા કરવી પડી નહિ. ઊભા મોલમાં જ્યાં સળવળાટ થતો જણાયો હતો તે દિશામાંથી જ તુલસી હાંફળો હાંફળો બહાર આવતો ડોકાયો. જ્યાં કેવળ નિર્ભયતા હતી ત્યાં પોતાના નામનો પોકાર થતાં જ તુલસીના હૈયામાં ફાળ પડી હોય એમ તેની ગભરાયેલી મુખમુદ્રા પરથી જણાતું હતું.

‘કોણ છે?’ માસ્તરને જોયા વિના જ તેણે છાસીયું કર્યું.

‘અરે ભાઈ! જરા જો તો ખરો ?’ માસ્તરે હિમશા ઠંડા સ્વરે જવાબ દીધો ને કહ્યું, ‘મહેમાન તો અચિંતવ્યા જ આવે હોં કે ?’

તુલસીએ માસ્તરને જોયા, ને શરમિંદો બની ગયો. માસ્તરનો પ્રભાવ જ એવો હતો કે તુલસી જેવા અધમમાં અધમ જુવાનને પણ બે હાથ જોડીને માસ્તરના ચરણમાં ઝુકી પડવાનું મન થાય.

‘માસ્તર તમે...?’ બોલતાં બોલતાં તુલસી ડરતો હતો, એની નજર ઊભા મોલ તરફ હતી. રખેને ત્યાંથી પોતાનું પાપ પણ પ્રગટ થાય ને માસ્તરની નજરે પડે તો ?

‘હા ભાઈ!’ માસ્તર ઈરાદાપૂર્વક તુલસીનો ડર દૂર કરવા તેના કૃત્યથી પોતે સાવ અજાણ હોવાનો ડોળ કરતા હતા. તુલસી પાસેથી તેમને જે કામ લેવાનું હતું તે એટલું તો ગંભીર હતું કે માસ્તર જાણી જોઈને તુલસીને ઉશ્કેરવા માંગતા ન હતા, મનમાં બબડ્યા પણ ખરા, જાણી જોઈને છાણે વીંછી શા માટે ચઢાવવો?

ને તેમણે કહ્યું, ‘આ બળતા બપોરે પણ મને થયું કે મારે તુલસી સમક્ષ મારું હૈયું ખોલવું જ જોઈએ. ઠીક થયું કે તું અહીંં જ હતો, ઘેર તપાસ કરી ત્યાં તું ન હતો એટલે ધાર્યું કે તું ખેતરે જ હોઈશ, તારા જેવો જુવાન ખેતરની સાર સંભાળ લીધા વગર રહે જ કેમ ?’

અને અફસોસ ઠાલવતા કહેવા માંડ્યું, ‘એક અકરમી તો હું છું કે તારા જેવડો મારે દીકરો હોવા છતાં મારે આવા દહાડા જોવા પડે છે. ભાઈ ખેડૂત ગમે તેમ તો પણ પરાયો કહેવાય ? આપણી દેખભાળ ન હોય તો ખેડૂત આપણને શું બતાવવાનો હતો ?’

અને તુલસીના મોંફાટ વખાણ કરતાં કહેવા માંડ્યું ‘ધન્ય છે તુલસી તને! જો ને આ ઉનાળુ બાજરીથી ખેતર કેવું હર્યુંભર્યું લાગે છે?’

માસ્તરના મુખેથી પોતાના મોંફાટ વખાણ સાંભળતાં તુલસીની છાતી ગજ ગજ ફૂલવા લાગી. પોતે જાણતો હતો કે આખા ગામમાં પોતાને માટે ક્યાંયે સારી છાપ નથી અને પોતાના કૃત્યથી આખું ગામ સારી પેઠે પરિચિત છે. પણ માસ્તર જેવા ગામના આદર પાત્ર માનવી પોતાની પ્રશંસા કરે છે એ જોઈને ગામના લોકોનો અણગમો તે ભૂલી ગયો. તેણે હળવેથી માસ્તરની પાસે બેસતાં પૂછ્યું ‘પણ આવા ખરા બપોરે અહીં આવવાની તમારે શી જરૂર હતી? મને સંદેશો મોકલાવ્યો હોત, તો હું સાત કામ છોડીને તમારી પાસે આવી જાત !’

માસ્તરે તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ‘ભાઈ ! કેટલાંક કામ એવાં હોય છે કે એને માટે બપોર તાપ કે ધોધમાર વરસાદની હેલી પણ જોવાય નહિ !’

‘પણ સાંજે તો હું ઘેર આવ્યો હોત ને?’

‘હા! પણ વાત ઘેર થાય તેવી નથી તો ?’

‘તો બજારમાં ક્યાંક મળી જાત ?’

‘ના રે ના, એનાં કરતાં આ ખેતર શું ખોટું છે? એને દીવાલ નથી ને, કે જેથી તે આપણી વાત સાંભળી શકે! નિરાંતે આપણે બે જણ વાતો કરી લઈએ કે જેથી ત્રીજાને તેની ગંધ પણ ન આવે.’ માસ્તરે પગ લંબાવી જરા આડા પડતાં પડખે થતાં પાસે બેઠેલા તુલસીનો હાથ પોતાના હાથમાં લઈને રમાડવા માંડ્યો.

વાતનો પ્રારંભ શી રીતે કરવો એની ગૂંચ માસ્તરના મનમાં પડી હતી. એ ગૂંચ ઉકેલવા તેઓ આડે પડખે થયા હતા ને તુલસીનો વિશ્વાસ જીતવા તેના હાથને રમાડતા હતા.

‘તો કહો...’ તુલસો પણ માસ્તરની વાતથી શંકાશીલ બન્યો હતો.

ત્યાં તો સહસા તે ઊભો થઈ ગયો ને જોરથી ગર્જના કરવા લાગ્યો ‘અલ્યા કુણ છે એ ?’

માસ્તરે ફાંગી નજરે જોયું તો ઊભા મોલમાંથી એક યુવતી આસ્તે કદમે ખેતરના છેવાડા ભાગમાં જઈ રહી હતી; તુલસી એને જ સાદ દેતો હતો.

‘અલ્યા કુણ છે એવો માથાભારે કે મારા ખેતરમાં ઢોર પેસાડે છે ?’ એમ બોલતો તુલસી હડફ કરતો દોડ્યો ને માસ્તરે જોયું તો તેણે પેલી યુવતીને ધક્કો મારીને ખેતરના છીંડામાંથી બહાર ધકેલી દીધી.

અને માથા પરના સાત મણનો બોજો ફગાવી દીધા પછી માનવી જેમ હળવો બની જાય તેમ તુલસી પણ પેલી યુવતીને વિદાય કર્યા પછી હળવો બની ગયો. છતાં ક્રોધ કરતો હોય એમ માસ્તર પાસે પાછો આવતાં બબડતો હતો. ‘મારા હાળા આ લોકો કેવા ફાટી ગયા છે? જાણે એમના બાપનું હોય તેમ વાડે છીંડા પાડીને ઢોરોને ઘૂસાડી દે છે?’

માસ્તર મનમાં જ બોલ્યા ‘ભાઈ વાડે છીંડા તો માલિક પાડે છે પછી એ છીંડામાંથી ઢોરો પ્રવેશે છે.’

પણ અંતરના ભાવો અવ્યક્ત રહેવા દઈને માસ્તરે મુખ પર કેવળ હાસ્ય જ રેલાવ્યું હતું એ જોઈને તુલસીને પણ સંતોષ થયો કે પોતે માસ્તરની આંખમાં ઝડપાઈ ગયો નથી.

પ્રફુલ્લતાથી તુલસીએ માસ્તરને પૂછ્યું, ‘કહો સાહેબ આપની શી આજ્ઞા છે?’

‘તુલસી !’ પ્રત્યુત્તરમાં ગંભીર બનતાં માસ્તરે કહ્યું ‘હું તારી પાસેથી એક વચન લેવા આવ્યો છું.’ ને બોલ્યા ‘મને વિશ્વાસ છે કે તુલસી બાપના બોલથી બંધાય છે ત્યારે તેને અમલમાં મૂકે જ છે.’

‘વચન ?’ તુલસી માસ્તરની માંગણીથી આભો બની ગયો. પોતાને સુધારવા માટેનું બીડું ઝડપીને તો માસ્તર ખરા બપોરે અહીં આવ્યા નથી ને ? એવી શંકા પણ એના મનમાં જાગ્રત થઈ. અને એ શંકાનો તંતુ લંબાતો જતો હતો, તો માસ્તરે અહીં બેઠા બેઠા પોતાનો ખેલ પણ જોયો જ હશે?

‘હા તુલસી !’ માસ્તરે મક્કમતાથી કહ્યું ને ઉમેર્યું, ‘મારો દીકરો તો હવે નકામો બની ગયો છે એટલે તારી પાસે આશા રાખીને આવ્યો છું અને પછી પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય એમ ગંભીર બની ગયા. કહ્યું : ‘મને શાંતિથી મરવા દેવો હોય તો તારે મને વચન આપવું પડશે.’

તુલસી માસ્તરના વચનો સાંભળતો અને મૂંઝાતો હતો અને માસ્તર પોતાના મૃત્યુની વાત કરે છે તો એને અને પોતાના કરતૂતોને કોઈ સંબંધ નથી એવી પ્રતિતી તેને મનોમન થઈ ગઈ છતાં મૂંઝવણ ઘણી મોટી હતી. માસ્તર પોતાની પાસે શાનું વચન માંગવા આવ્યા છે? પોતાને અને માસ્તરને એવો કોઈ ઘરોપો નથી કે જેથી માસ્તર મૃત્યુ ટાણે પોતાની પાસે કાંઈક માંગવા આવી શકે.

માસ્તર તુલસીની મનોમૂંઝવણ સમજતા હતા તો પોતે પણ હવે વાતના દોરને આગળ કેમ વધારવો તેની જ મથામણમાં હતા. તુલસી શંકાભરી દૃષ્ટિએ પોતાને જોઈ રહ્યો હતો.

‘કહો તો ખરા તમે શાનું વચન માંગો છો ?’ માથું ખંજવાળતાં તુલસીએ માસ્તરને પ્રશ્ન કર્યો.

‘વચન આપે તો જ નક્કી વાત કરી શકું ને?’ માસ્તર પોતાના અંતરની વાત સ્પષ્ટપણે વ્યક્ત કરતા અચકાતા હતા. તુલસીના જે સ્વરૂપના તેમને દર્શન થયા હતા તે સ્વરૂપને જોતા તેઓ મંગળા વિષે કાંઈ પણ કહેતા અચકાય તે સ્વાભાવિક હતું પણ સાથે જ માનવતા પ્રત્યેનો તેમના આત્મવિશ્વાસ જબરો હતો એથી તો તેઓ હિંમત કરીને અહીં સુધી આવ્યા હતા. હવે તુલસીના કાને પોતાના દિલની વાત નાંખ્યા વિના પાછા ફરવા પણ માંગતા ન હતા.

એટલે તેમણે તુલસી બીજા વધુ પ્રશ્નો કરે તે પહેલાં જ અંતરના દ્વાર ખોલવા માંડ્યા. ખાટલામાં સહેજ ટટાર થયા, મોં પરનો પરસેવો ધોતિયાના છેડાથી લૂછી નાંખી પાસે જ પડેલી મટકીમાંથી ઠંડુ પાણી લઈ આખો લોટો ગટગટાવી ગયા પછી જાણે મનનો ઉકળાટ શાંત થયો હોય એમ તુલસી સામે જોઈને કહેવા લાગ્યા.

‘જો ભાઈ ! ઝેરના ઘૂંટડા તો મેં જાણી જોઈને પીધા છે પણ હવે એનો અપચો થયો છે, એ અપચો દૂર કરવા હું તારી પાસે આવ્યો છું!’

‘માસ્તર કાકા!’ તુલસી પણ માસ્તરની આ લાંબી પિંજણથી અકળાઈ ઊઠ્યો હોય એમ બોલ્યો, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દો. મગનું નામ મરી પાડો ત્યારે ખબર પડેને કે કાકા મરીને નામે મગ વેચવા આવ્યા છે?’

ને તેણે પોતાના મનમાં પેદા થયેલી શંકા પણ સ્પષ્ટપણે વ્યક્ત કરી દીધી. ‘તમારા શિવને મેં જેલમાં મોકલ્યો નથી, હું તો જાણતો પણ નથી એટલે એને વિષે જો તમે કાંઈ કહેવા આવ્યા હો તો હું લાચાર છું.’

‘ના, તુલસી !’ માસ્તરે જવાબ દીધો ને કહ્યું, ‘સૌ પોત પોતાના કર્યાં ભાગવે છે એ માટે દોષ કોને દેવો ?’

‘તો ?’ તુલસીનો તો માસ્તરની છાતીમાં અથડાયો.

‘તો વાત મંગળાની છે, શિવની નહિ !’ માસ્તરે સાહસ કરી નાંખ્યું ને તુલસીનાં મોં સામે જોતાં જ તેનું મોં લેવાઈ જતું જણાયું.

છાસીયું કરતાં તુલસી બોલ્યો, ‘મંગળાની શી વાત છે? તમે ઘરડે ઘડપણ જીવતર બાળ્યું તે હવે મારી પાસે વચન લેવા આવ્યા છો ?’

મંંગળાનું નામ પડતાં જ જાણે કાળા વીંછીએ તેને ડંખ દીધો હોય એમ તે પાછો હઠી ગયો. અંતરમાં આગ પ્રગટી. આંખોમાં ગુન્હાહીત માનસના દર્શન થવા લાગ્યા છતાં માસ્તરને દબડાવવાનો તુલસી પ્રયત્ન કરવા લાગ્યો.

પણ માસ્તર માનવ સ્વભાવના પારખુ હતા, એમને તુલસીની માનસિક હાલત જોતાં સ્પષ્ટપણે સમજાઈ ગયું કે પોતાનો શબ્દ કામ કરી ગયો છે.

તુલસીની કાયા ક્રોધથી કાંપતી હતી, એનું મન ભયથી અસ્વસ્થ બની રહ્યું હતું, ત્યારે માસ્તર શાંત હતા. પૂરા સ્વસ્થ હતા. ખાટલામાં બેઠા બેઠા હાથમાંની લાકડીને આમતેમ ફેરવતા બેસી રહ્યા હતા.

‘તું કહે છે એ સાચું છે તુલસી.’ માસ્તરે સ્વસ્થતાપૂર્ણ સ્વરે તુલસીને કહ્યું ને ઉમેર્યું, ‘આ ધોળામાં મેં હાથે કરીને ધૂળ નાંખી છે એમ લોકો માને છે તે સાચું છે, પણ કોઈ મૂર્ખ માનવી જાણી જોઈને પોતાના ધોળામાં ધૂળ નાંખતો હશે ?’

ને માસ્તર હસી પડ્યા. એ હાસ્ય તુલસી જોઈ શકતો ન હતો. પોતાને માસ્તર પાસેથી હઠી જવાનું મન થતું હતું. પણ એના પગ ધરતી સાથે જાણે જકડાઈ ગયા હતા.

માસ્તરે કહ્યું, ‘જો ભાઈ તુલસી ! આ સંસારમાં કેટલાક માણસો એવા હોય છે કે જેઓને નસીબે પારકાનો જ બોજો ઉઠાવવાનું લખાયેલું હોય છે !’

‘તે તમે શા માટે મંગળાનો બોજો ઉઠાવવા તૈયાર થયા ? ઘણાય જુવાનો હતા ?’ તુલસી જવાબ દેવા ખાતર જ જવાબ દેતો હોય એમ જણાતું હતું.

‘તારી વાત સાચી છે!’ માસ્તરે હાથમાંની લાકડી જમીન પર ટેકવી તેના પર પોતાની દાઢી મૂકીને આંખો ઊંચી કરતાં કહ્યું ‘પણ જે જુવાને એના જીવતરમાં આગ લગાડી એ જુવાન કાંઈ એને અપનાવવા તૈયાર થવાનો હતો ? ને જો એ જુવાન એને અપનાવે નહિ તો પછી ખાટી છાશને ઉકરડે જ નાંખવાની રહેને ભાઈ ?’

ઊંડો નિશ્વાસ નાંખતા માસ્તર જાણે અંતરના ઊંડાણમાંથી બોલતા હોય એમ કહેવા લાગ્યા, ‘મારે જ ઉકરડો થવું પડ્યું કારણ કે મંગળા મારા મિત્ર તાપીની દીકરી છે. એની જિંદગી બની રહે એ માટે મારે જ ઉકરડો થવાનું હોય. અને સાથે સાથે એક જુવાનની જિંદગી પર ડાઘ પડતો અટકે એ જોવાનો પણ મારો ધર્મ હતો, અને મેં એ ઝેરનો ઘૂંટડો હસતે વદને પીધો!’

માસ્તર એકદમ જોશમાં આવી ગયા. ખાટલામાંથી ઊભા થયા. તુલસીના ખભે હાથ મૂકીને કહેવા લાગ્યા, ‘તુલસી ! આજે તારી પાસે ભીખ માંગવા આવ્યો છું કારણ કે મને મારી જિંદગીનો ભરોસો નથી એટલે જીવતાં જીવ હું જે વસ્તુ જેની છે તેને આપતો જાઉં તો કર્તવ્ય પૂર્ણ કર્યાનો સંતોષ લઈને હું વિદાય થાઉં ને તે પણ આજે નહિ. મારા મૃત્યુ પછી તું તારી મંગળાને સાચવી લેજે એટલું જ વચન માંગવા આવ્યો છું.’

માસ્તર જેમ જેમ શબ્દો બોલતા હતા તેમ તેમ તુલસીનું ગુન્હાહીત હૈયું હોલાની જેમ ફફડતું હતું. છતાં મોં વાઘનું રાખવા પ્રયત્ન કરતો હતો. જે વાત મહિનાઓ સુધી ગુપ્ત રહી અને જેને વિષે તુલસીને કશી જ ચિંતા ન હતી તે વાત આજે ભોંયમાંથી ભાલો ફૂટે તેમ માસ્તરે તેની સમક્ષ ઉપસ્થિત કરી અને ચિંતાના ઊંડાણમાં ધકેલી દીધો. માસ્તર તુલસીનો જવાબ મેળવવા ઉત્સુકતાથી તેની સામે જોઈ રહ્યા હતા.

મૂંગા રહેલા તુલસીને માસ્તરે પ્રશ્ન કર્યો, ‘ત્યારે તું વચન આપે છે ખરૂં ને ? ને સાંભળ તુલસી, બ્રાહ્મણનો દીકરો વચને બંધાયો તે આ ભવે છૂટતો નથી, વચન પાલન કર્યે જ છૂટકો છે.’

‘ના–’ છંછેડાયેલો વાઘ જેમ ત્રાડ નાંખે તેમ ત્રાડ નાંખી તુલસી બોલી ઊઠ્યો. અને થોથરાતી જીભે બોલ્યો, ‘મંગળાએ તમને મારા વિષે ખોટી વાત કહી છે; મારે ને મંગળાને કશો જ સબંધ નથી !’

‘હું ક્યાં એ વાત કરું છું ?’ માસ્તરે તેને શાંત પાડતાં કહ્યું ને ઉમેર્યું ‘ભૂતકાળને કોણ સંભારે છે. પણ મારા અવસાન પછી તને મંગળાની ભાળવણી કરવા માંગું છું. એક તો તારા વડીલના નાતે, મંગળા એક બ્રાહ્મણની દીકરી છે એ નાતે, અને મારો દીકરો નપાવટ છે એટલે તને મંગળાની ભાળવણી કરવા આવ્યો છું.’

ને ઊભા થતા માસ્તર બોલ્યા, ‘જો મંગળા માતા બનવાની છે !’ અને તુલસી પોતાની વાતનો ઈન્કાર કરે તે પહેલાં જ તેમણે કહ્યું, ‘જેમ કુમળા વૃક્ષને વાવાઝોડા સામે રક્ષણ આપવા માટે કાંટાળા થોરીઆની વાડની જરૂર છે તેમ મંગળાના કુમળા જીવનની રક્ષા માટે કાંટાળા થોરીઆની વાડ બનીને હું જીવું છું, પણ વાડ ચીભડાં ગળતી નથી. એની ખાત્રી રાખજે.’

અને માસ્તરે ટોપી માથા પર મૂકી. હાથમાંની લાકડીને આમતેમ હલાવી, ને પછી વિદાય થવા પગલાં માંડતાં કહ્યું, ‘તુલસી, જીવનમાં ક્યારેક મહત્ત્વના નિર્ણયો કરવાની વેળા આવે છે. એવે વખતે વિચારમાં ગોથાં ખાવાની જરૂર નથી. આવા નિર્ણયો જીવનનો રાહ પણ પલટાવી શકે છે.’

‘પણ માસ્તરકાકા...’ તુલસી હવે સાવ ઠંડો પડી ગયો હતો. માસ્તરે અસ્પષ્ટ રીતે જે કાંઈ કહ્યું તેનો ભાવાર્થ એવો હતો કે મંગળા માતા બનવાની છે, અને તે માટેની જવાબદારી તેની પોતાની છે. માસ્તરે તો કડવા ઘૂંટડા જ ભર્યાં છે.’

‘પણ ને બણ...’ માસ્તરે તેની વાતને ઉગતાં જ ડામવા માંડી અને કહ્યું ‘જો તુલસી ! કેટલી ચીજ એવી હોય છે નરી નજરે જોઈ શકાતી નથી. અને નરી નજરે જોવાય છે તે હકીકતમાં જુદી જ હોય છે !’

‘છતાં તમે મારી જ પાસે આવી વાત કેમ કરી છે ? મંગળાની જવાબદારી મને શા માટે ભળાવો છો ?’ તુલસીએ પૂછ્યું.

બધી વાત સાચી હોવા છતાં તુલસી ખુલ્લી રીતે તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતો. મંગળાની જવાબદારી પોતે ઉઠાવવા માંગતો ન હતો.

તેણે કહ્યું ‘માસ્તરકાકા ! જુવાન મંગળા મારી સાથે રહે તો લોકો શું ધારે ?’

‘શું ધારવાના હતા ?’ માસ્તર એમના નિશ્ચયમાં એટલા બધા મક્કમ હતા કે તુલસીની આ સ્વાભાવિક વાત પણ કાને ધરવા તે તૈયાર ન હતા. એમના મનમાં ભય હતો કે દલીલબાજીમાં જો ઉતરી પડાશે તો તુલસી હાથમાંથી છટકી જશે અને પોતાની ચિંતા તો એની એ જ રહેશે.

તેમણે કહ્યું, ‘મંગળા હવે તારા માસ્તર કાકાની પરણેતર છે, એની તું સાર સંભાળ રાખે તો એથી લોકોને તારા વિષે બીજું ધારવાનું કોઈ કારણ નથી, છતાં પણ તારેય થોડીક હિંમત તો રાખવી જ પડશે.’

ને સ્વગત બબડ્યા – ‘પ્રાયશ્ચિત પણ કરવું પડશે.’

માસ્તરે ખેતરના છેડા પ્રતિ ડગ ઉપાડ્યા ને થોડાક કદમ હળવે હળવે ચાલીને ખેતરમાંથી બહાર નીકળવાનુ છીડું આવતું હતું ત્યાંની ઝાંપલી ઉઘાડી બહાર નીકળ્યા તે માત્ર વિવેક ખાતર તુલસીની રજા લેતા હોય એમ કહ્યું ‘જાઉં છું તુલસી! હાશ, આજે મારા મનનો બધો બોજ હળવો થયો. હવે નિરાંતે ઊંઘી શકીશ.’

માસ્તરની વિદાય પછી પણ તુલસી ચિત્તશૂન્ય બનીને ખાટલામાં બેસી રહ્યો. સામે બાજરીનો પાક પવનની લહેરોમાં લહેરાતો હતો. બપોર નમી ગયા હતા. એટલે તાપ પણ ઓછો થયો હતો. અને વૃક્ષોના પર્ણોમાંથી ચળાઈને આવતો પવન ઠંડો લાગતો હતો.

તુલસીના મનમાં જબરજસ્ત ઉથલપાથલ મચી ગઈ હતી. પોતે મંગળાના જીવનને અભડાવ્યું હતું. ત્યારે જતા દિવસે એના પરિણામનો બોજ પોતાના માથે જ ઉઠાવવાના વારો આવશે એવી તો કલ્પના પણ ન હતી. જ્યારે જીવકોરે મંગળાને માસ્તર સાથે વળાવી ત્યારે તો એના મનને એવી નિરાંત થઈ ગઈ હતી કે પોતાના પાપ પર હંમેશનો પડદો પડી ગયો એમ માનતો હતો. પણ એ પડદો માસ્તર જાતે જ આવીને આમ ઉઠાવશે, અને પોતે નિર્બળ બનીને મૂંગો રહેશે એવો પણ તેને ખ્યાલ ન હતો. માસ્તરની હાજરીમાં તુલસીની વિચારધારા જ જાણે કુંઠીત બની ગઈ હતી. કશું જ વિચારી શકતો ન હતો. માસ્તરની આવી પકડમાં તે આબાદ ઝડપાઈ ગયો છે તેનો ખ્યાલ પણ તેને અત્યારે જ આવ્યો.

જેમ જેમ તે વિચારતો હતો તેમ તેમ તે માસ્તરના પંજામાં કેવો સપડાઈ ગયો છે તેનો ખ્યાલ આવતો હતો. માસ્તરે તો બધું જાણતા હોવા છતાં કટુતા કે ઉગ્રતા બનાવ્યા વિના જ, પોતાની પાસે પોતાના પાપનો એવી રીતે એકરાર કરાવી લીધો કે જેને માટે, પોતાને એક અક્ષર પણ બોલવો પડ્યો નહિ. એટલું જ નહિ પણ પોતે તો મંગળા અને તુલસીના પાપના ઝેરના ઘૂંટડા ભરી રહ્યા છે એમ કહીને પોતાના માથે એટલો બોજો મૂકી દીધો કે પોતાને તેનું ભાન પણ રહ્યું નહિ.

હવે માસ્તર નિરાંતે ગામમાં કહી શકશે કે પોતે તો મંગળાનો માત્ર રક્ષક જ રહ્યો છે. તુલસી જ એના પાપ માટે જવાબદાર છે. અને તુલસીનાં અંગેઅંગ આ વિચાર આવતાં સળગી ઊઠ્યાં. એકદમ રોષમાં તે ઊભો થયો ને દાંત કચકચાવીને બબડ્યો ‘માસ્તર ! મને બનાવી ગયા ? ગામમાં મને ફજેત કરવાનો પેંતરો કર્યો છે. તારી જાતનો...’ અને તેણે પાસે પડેલી પછેડી ખભે નાંખી ડાંગ ખભા પર મૂકીને જુતિયામાં પગ નાંખતા ઉતાવળો થયો ‘માસ્તરને હમણાં જ જઈને કહી દઉં, માસ્તર તમે મને મૂર્ખ બનાવવા આવ્યા હતા ?’

એના મુખ પર સખ્તાઈની છાયા છવાઈ ગઈ હતી. એની આંખો લાલઘૂમ બની ગઈ હતી. એના મનનો વિચારતરંગ રહી રહીને તેને ઉશ્કેરતો હતો. અને એ ઉશ્કેરાટમાં તે માસ્તર વિષે સ્વગત ગમે તેવા શબ્દો બોલતો હતો.

આગળ ચાલીને તે બાજરીના ઊભા મોલમાં પડ્યો. કબુતરી જે ચાલાકીથી વિદાય થઈ એથી તો તેની બાંધી મૂઠી ઉઘાડી ન પડી ગઈ. પણ ત્યાં હવે શું રહ્યું છે તે જોવા ગયો. અને એકાદ પળમાં જ નજર ફેરવીને તે બહાર આવ્યો ને ઉતાવળે ઉતાવળે ખેતરની ઝાંપલી ઉઘાડી બહાર પડ્યો ને ગુસ્સામાં છલાંગ મારતો હોય એમ તે ચાલવા લાગ્યો.

એના પગ રસ્તાથી પરિચિત હતા. એટલે તે તેને દોરી રહ્યા હતા. બાકી તો રસ્તામાં કાંટા ઝાંખરા પડ્યા છે તે જોવાની પણ તેનામાં શક્તિ ન હોય એમ વિચારના ચક્રાવે તે ઘૂમતો હતો.

જ્યારે તે ઘેર પહોંચ્યો ત્યારે પણ તેના મનની સ્થિરતા ન હતી. અશાંતિમાં એ ઘેરાયેલો હતો. ફળિયામાં જ ઢાળેલા ખાટલા પર પડતું નાંખ્યું ને ઉઘાડી આંખે આકાશ સામે જોઈ રહ્યો. જાણે શ્વેત આકાશમાં કોઈ અગમ્ય લીપીમાં લખાયેલા ભાવિના લેખ વાંચવામાં મશગુલ બન્યો હતો.

દીકરો ખેતરમાંથી પાછો આવ્યો છે એમ જાણતાં જ મકાનના અંદરના ભાગમાંથી તુલસીની માતા બહાર આવી ને તુલસીને ખાટલામાં આમ ચત્તોપાટ પડેલો જોઈને ગભરાઈ ગઈ.

‘તુલસી શું થયું છે તને ?’ ખાટલા પાસે જઈને સ્થિરતાપૂર્વક નભોમંડળ સામે જોઈ રહેલા તુલસીને તેની માતાએ પ્રશ્ન કર્યો.

પણ તુલસી હજી વિચારના ઊંડાણમાંથી બહાર આવ્યો ન હતો, નભોમંડળમાં તેને માસ્તર અને મંગળા જ દેખાતા હતા અને એ જોઈને તુલસીની કાયા અજાણતા કંપ પણ અનુભવતી.

‘તુલસી ! આમ કેમ થઈ ગયો છું, મારા દીકરા ?’ તુલસીનું આવું સ્વરૂપ જોઈને તેની માતાનું કાળજું હાથ ન રહ્યું. ખાટલાની ઈસ પર બેસી તેના માથા પર હાથ ફેરવતાં પૂછવા લાગી. ‘કાંઈ થયું છે?’

હવે તુલસી ભાનમાં આવ્યો, પાસે બેઠેલી માતા સામે જોયું અને તેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ડોક હલાવીને કહ્યું ‘ના !’

‘તો આમ નંખાઈ કેમ ગયો છે ?’ માતાનું સ્નેહાળ દિલ દીકરાની આવી હાલત જોઈને દ્રવી ઊઠ્યું હતું. મનમાં અમંગળ શંકા પણ જાગી ‘કાંઈક ઝપટમાં તો આવ્યો નથીને ?’

એ શંકા જાગતા જ એના મનના કાંઈક ખૂણામાં પડેલી પેલી વાત પણ યાદ આવી. એક વખત તેના પતિ જીવતા હતા ત્યારે એ વાત થએલી, ખેતરના ઉગમણે છેડે આવેલી આંબલી પર ભૂતનો વાસ છે પણ એ વાત તેના મનમાંથી ત્યાર પછી ભૂંસાઈ ગઈ હતી, પતિના મૃત્યુ પછી તુલસીએ ખેતરની સાર સંભાળ લેવા માંડી ત્યારથી ખેતરે રાત અધરાત પણ તુલસી જતો હતો. રાતવાસો પણ રહેતો હતો, અને ચોમાસાની મેઘલી રાતે પણ જરૂર પડતાં તે હિંમતપૂર્વક જતો. ભય જેવી ચીજને તે સમજતો ન હતો. અને પોતે પણ પેલી ભૂતની વાત તેને કહેતી ન હતી.

પણ આજે તુલસીને અચાનક આ શું થઈ ગયું ? બિચારી માતાને તુલસીના મનોપ્રદેશમાં ચાલતા વિચારયુદ્ધનો ખ્યાલ ન હતો એટલે તે અકારણ શંકાશીલ બની ગઈ અને તેના મનને ખાત્રી થઈ કે નક્કી તુલસી ઝપટમાં આવી ગયો છે. એટલે ઊઠીને અંદર ગઈ અને ઝપટ દૂર કરવાનો ઉતાર પણ લઈ આવી ખાટલામાં પડેલા તુલસીના માથા પરથી ઉતારીને તેને થાળીમાં મૂકી દઈ ઉપર છાણ પાણી નાંખ્યા ને છમ કરતોકને અવાજ થયો. પોતાના દીકરાના અછોછાયા કરતાં કહેવા લાગી ‘બેટા ! વેળા−કવેળા સાચવીને ચાલવું.’

‘પણ મને કશું જ થયું નથી મા!’ તુલસીએ માને જવાબ દીધો ને ખાટલામાં સૂતો હતો ત્યાંથી બેઠો થયો, બાજીમાં પડેલી ડાંગ હાથમાં લીધી ને ઊભો થતાં બોલ્યો. ‘મા! માસ્તરકાકાને ત્યાં જઈને આવું છું.’

'માસ્તરને ત્યાં શું દાટ્યું છે ?’ માસ્તરને ત્યાં જવા તૈયાર થયેલા તુલસીને તેની માતાએ વાળવાનો પ્રયત્ન કર્યો ને કહ્યું. ‘મૂઆનું મોં પણ જોવાનું મને તો ગમતું નથી.’

‘તે તું મોં ન જોતી, પણ મારે થોડુંક કામ છે!’ એમ કહીને તેના હાથમાંની ડાંગ ખભે મૂકીને જુતિયામાં પગ નાંખીને ચાલવા માંડ્યું.

‘વહેલો આવજે બેટા !’ ચિંતાતુર માતાએ આજ્ઞા કરી, ને પ્રત્યુત્તરમાં પાછળ જોયા વિના તેણે જ જવાબ દીધો ‘હોં મા !'