ખાખનાં પોયણાં/દેવપુરુષ
| ← એરુનો દંસ | ખાખનાં પોયણાં દેવપુરુષ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
પહેલો તણખો → |
દેવપુરુષ
કરમ કહાણી સાંભળી રહેલા પંડ્યા માસ્તરનું મન કહેવા લાગ્યું, ‘માસ્તર ! જીવકોરે મંગળાને ખાટી છાશ ગણીને તારા વૃદ્ધત્વના ઉકરડે ઢોળી છે.’
ત્યારે તેમનો આત્મા કહેતો હતો, ‘ભલે ! તાપીશંકર સાથેની મૈત્રીનો જવાબ મારે મંગળાને આ રીતે સાચવીને આપવાનો હોય તો, ભલે એ રીતે આપીશ. જીવકોરે તેને ફેંકી દીધી પણ હું એને ક્યાં ફેંકી દેવાનો હતો ? હું જો તેને ધુત્કારી કાઢું તો મંગળા કોના શરણે જવાની હતી ?’ એટલે વિદાય માંગતી મંગળાને માસ્તરે આશ્વાસન દીધું એટલું જ નહિ પણ હૈયાનો ઉમળકો પણ ઠાલવ્યો.
ને કહ્યું, ‘મંગળા ! સારું થયું કે મારી પાસે આવી, લોકો ભલે ગમે તે ધારે પણ તારૂં જતન કરવું એ મારી ફરજ છે ને હું તે જરૂર પૂર્ણ કરીશ, હવે આ તારું જ ઘર છે. પ્રસાદ પણ તારો જ દીકરો છે અને મને પણ હવે તારો જ ગણજે.’
મંગળા માસ્તરના ચરણ પાસે બેસી પડી: એ પોતે સમજતી હતી કે માસ્તરે કેટલું મોટું બલિદાન આપ્યું છે ? પોતાના પાપનું પોટલું છોડીને તેણે માસ્તર સમક્ષ ભવિષ્યમાં જે મહાન પ્રશ્નો ઉપસ્થિત થવાના છે તેનું તાદૃશ્ય દર્શન કરાવ્યાં છતાં પણ માસ્તર શાંતિથી પોતાને હૈયે વળગાડી રહ્યા હતા એ જોઈને તેની આંખો છલકાઈ ગઈ: માસ્તરને તેણે વારંવાર આજીજી કરીને કહ્યું હતું કે પોતાને તે જવા દે. અને તેમના પાછલા જીવનને બટ્ટો લગાડવા ન દે પણ માસ્તર મક્કમ હતા. જીવકોર તેને સોંપી ગઈ ત્યારે માસ્તરના મનમાં એક ભાવ હતો કે પોતાના સ્વર્ગસ્થ મિત્ર તાપીશંકર પ્રત્યેના પોતાના મૈત્રી ધર્મનું પાલન કરવા માટે મંગળાનો સ્વીકાર કરવો પણ મંગળાની વાત સાંભળ્યા પછી માસ્તરના મનમાં જે ભાવ પેદા થયો તે પેલી મૈત્રીની ભાવના કરતાં અનોખા પ્રકારનો હતો. જ્યારે મંગળા વિદાય થવા માગતી ત્યારે માસ્તર તેને વાળતાં હતાં; કારણ કે તેઓ જાણતા હતા કે આ સંજોગોમાં મંગળા પાસે પ્રાણ ત્યાગ કરવા સિવાય બીજો રસ્તો જ ન હતો. અને પોતે એની વાત જાણ્યા પછી એને આત્મહત્યાના માર્ગે જવા દે તો પોતાનો ધર્મ ન લાજે?
મંગળાની કથની સાંભળ્યા પછી તે મનોમન વિચારતા હતા: ‘પોતાની દીકરી તુલસી જેવા દાંડની હેવાનિયતનો ભોગ બની હોય તો પોતે શું કરે? એને આત્મહત્યા કરવા દે? જે કમનસીબ બનાવ બનવા પામ્યો છે એનો ધજાગરો બાંધે? અને એથી લાભ કોને? હાનિ કોને ?’ એમનું અંતરમન બોલી ઊઠતું, ‘ના, ના, એમ ના થાય!’
ત્યારે જ એમને જીવકોરે લીધેલા માર્ગનું સત્ય પણ સમજાયું અને એમનો આત્મા પુલકિત બન્યો, એમના હૈયામાં શાંતિ થઈને મુખ પર છવાયેલી વિષાદ છાયા દૂર થતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો. ચોમેરે આગ લાગી હતી. એક વખતના દેવ પુરુષ પંડ્યા માસ્તર આજે નિંદાને પાત્ર બની ચૂક્યા હતા. સૌ કોઈ એમની ઠેકડી ઉડાવતું હતું છતાં પંડ્યા માસ્તરનું ધૈર્ય અખૂટ રહ્યું. ગામના મોવડીઓ સમક્ષ એમણે મક્કમતા ડગવા ન દીધી, તેઓ મનમાં ને મનમાં વિચારતા હતા. ‘મેં ક્યાં કોઈ પાપ કર્યું છે? મારે ક્યાં સંસારના નવા રંગ માણવા છે ? આ તો એક આપદ ધર્મ છે. અને માનવી જેવો માનવી કોકની આબરૂની મૂડી બાંધેલી રાખશે નહિ તો કોણ રાખશે? મરનાર તાપીશંકરની આબરૂની મૂઠ્ઠી જીવકોર ભાભી બાંધેલી રાખી શકે તો પોતે એ બાંધેલી કેમ ન રાખી શકે ?’
એ વિચારે તેમના જીવનને બળ મળતું હતું. લોક નિંદા સામે હસતા વદને ઊભા રહેવાની તાકાત પ્રાપ્ત થતી હતી.
તેઓ મંગળાને પણ નિશદિન એક જ વાત કહેતા ‘જો મંગળા, જે કાળે જે બનવાનું હોય છે તે બનીને જ રહે છે. એનો અફસોસ કરવાની જરૂર નથી.’ પણ સંજોગવશાત આપણે જે સ્થિતિમાં મૂકાયા છીએ એ સ્થિતિમાં પણ સંતોષ મેળવીને આનંદથી જીવતાં શીખવું જોઈએ.’ પણ મંગળાનું મન માનતું ન હતું, જેમ જેમ દિવસો વ્યતિત થતા હતા તેમ તેમ તેનું અંતર કોરાઈ જતું હતું પોતે માસ્તરના જીવનની બરબાદી નજરે જોતી હતી. છતાં માસ્તરના વદન પરનું હાસ્ય કરમાતું ન હતું એ પણ જોતી હતી.
‘પણ જ્યારે મારી...’ મંગળા વધુ બોલી ન શકી. શરમથી ઝુકી ગયેલા મુખડાને પોતાના બે હાથની હથેલીમાં તેણે ઢાંકી દીધું.
‘એની પણ ચિંતા તું શા માટે કરે છે ? હવે તો લોકદૃષ્ટિએ તું મારી પરણિતા છે ને મંગળા ? પછી તારા સંતાનનો પિતા પણ, લોકદૃષ્ટિએ તો હું જ બની રહીશને?’
ને હથેલીમાંથી એના મુખને છોડાવી તેની સામે પ્રેમાળ દૃષ્ટિ નાંખતાં કહ્યું ‘મંગળા તારા આ લલાટ પર હવે કાળો ટીકો નથી, કુમકુમ વર્ણો ચાંદલો છે. તારી સામે હવે કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી.’
બે પળ મંગળા સામે સ્નેહ છલકાતી દૃષ્ટિ માંડી રહેલા માસ્તરે કહ્યું, ‘પણ તારેય મારી એક વાત માનવાની છે?’
‘કહો ?’ મંગળા ઉલ્લાસપૂર્વક બોલી : પોતાને માટે આટલું મોટું બલિદાન આપનાર માસ્તરની વાત માનવાને તે તત્પર હતી.
‘આ પ્રસાદ તને સોંપું છું !’ માસ્તરનો કંઠ ભરાઈ ગયો ક્ષણ પહેલાંની ધૈર્ય મૂર્તિ શા માસ્તર દ્રવી ગયા : અને ભારે સાદે કહેવા માંડ્યું, ‘તું તો જાણે છે મંગળા, કે શિવો કપાતર પાક્યો. ને રૂખીએ તો મારું કુટુંબ લજાવ્યું છે. જે દિવસે રૂખી ચાલી ગઈ તે દિવસે જ મારા જીવનનો દીવો બુઝાઈ જવાનો હતો પણ આ પ્રસાદે તેને સળગતો રાખ્યો. હવે એની જવાબદારી તને સોંપુ છું!’
ને આંખમાંના આંસુ ધોતિયાના છેડાથી સાફ કરતાં કહેવા લાગ્યા, ‘હાશ ! હવે મને મોત આવશે તો પણ અજંપો નહિ રહે અને બોલ્યા, ‘ભગવાન કેટલો દયાળુ છે? મારી ચિંંતા ઉપાડવા તેણે મંગળાને મોકલી આપી !’
આંસુ લૂછાયા પછીની બીજી જ પળે તે ખડખડાટ હસવા લાગ્યા. મંગળાની પીઠ થાબડતાં કહ્યું, ‘મંગળા જીવનનો આ પણ એક તમાસો છે, હવે એને સફળ બનાવજે.’
મંગળા પ્રસાદને લઈ રસોડામાં ચાલી ગઈ. બહાર પરસાળમાં બેઠા બેઠા માસ્તર ગીતા પાઠ કરી રહ્યા હતા. કર્મ યોગમાં એમને રસ હતો. અને તેનું મનન કરતાં તેમની નજર સમક્ષ પોતાના જ ભૂતકાળનાં જ દૃશ્યો ખડાં થવા લાગ્યાં.
‘શિવો કેવો કપાતર નીકળ્યો ?’ એવો પ્રશ્ન મનમાં ઊભો થતાં જ એમની આંખ સામે એક મોટી રાક્ષસની પ્રતિમા જાણે કોતરાઈ ગઈ. પહોળી આંખોમાંથી ખૂન્નસ વરસતું હતું, ને એના લાંબા લાંબા ઝુલ્ફા હવામાં આમતેમ ઊડતાં હતાં.
શિવાની માતા જ્યારે ગત થઈ ત્યારે શિવાને વિષે તેની માતાના મનમાં પણ ભારે વસવસો હતો. તેણે માસ્તરને અંતિમ સમયે પોતાની પાસે બોલાવીને શિખામણ આપી હતી કે, ‘આ શિવો તમારી વૃધ્ધાવસ્થા બગાડશે, મને એનો ભરોસો નથી માટે તમે…’
‘અરે ગાંડી આવી વાત શા માટે કરો છો તમે?’ માસ્તર છેલ્લા શ્વાસ લેતી પત્નીને દિલાસો દેતા હતા. ને એની પાસે જ બેસી તેના ભાલ પ્રદેશ પર હાથ ફેરવતાં કહેતાં, ‘હજી શિવો કાચી બુદ્ધિનો છે સમજણો થશે એટલે આપોઆપ ઠેકાણે આવશે? તમે નાહકની ચિંતા ન કરશો.’
પણ સ્વામીના દિલાસા વચનો આખરી અવસ્થામાં જીવતી તેમની પત્નીને શાતા દઈ શકે તેમ ન હતા, ‘તેઓ આગ્રહ કરીને કહેતા હતા, ના, તમે ઠાલા એમ ન બોલો ! હું જાણું છું ને કે શિવો કપાતર પાક્યો છે ! મારી કૂખ લજવી પણ હું તો જાઉં છું, હવે તમારે જ સંતાપ ભોગવવાનો છે.’
‘જેવી ભગવાનની મરજી !' સ્થિરતાથી માસ્તરે જવાબ દીધો.
‘તો મારી વાત તમે માની લેજો, તમે ફરીથી લગ્ન કરીને સુખી થાવ એવી મારી ઇચ્છા છે.’ પતિનો હાથ પોતાના હાથમાં લઈને ઊંડી ઉતરી ગયેલી આંખો પતિ સામે ઝુકાવીને પત્નીએ માસ્તર સમક્ષ અંતરની વાત ઠાલવી.
મૃત્યુ શૈયા પર પડેલી પત્ની દુઃખથી વ્યથિત થઈ રહેલા માસ્તર પત્નીની આ સલાહ સાંભળીને ખડખડાટ હસી પડ્યા ને તત્ક્ષણ ગંભીર બનતા બોલ્યા. ‘તું તો સરળતાથી ભવસાગર તરી જવા માંગે છે ને મને અહીં ભવસાગરમાં ડૂબકા દેવાની શિખામણ આપે છે. વાહરે...’
માસ્તરનાં વચન સાંભળીને પત્નીનું મોં પણ મલકી રહ્યું. કેટલા લાંબા વખત પછી પત્નીના મુખ પર આવો મલકાટ માસ્તરને જોવા મળ્યો હતો ?
પત્ની બોલી, ‘સૌ આવરદા લખાવીને આવે છે, મારો આવરદા પૂરો થાય છે એટલે તમને છોડીને જવું પડે છે. છતાં શાંતિ નથી. આ કપાતરની ચિંંતા રહે છે. પણ મરશે એ એના પાપે. તમારી વૃદ્ધાવસ્થાનો વિચાર મને સતાવી રહ્યો છે. તમારી ઉંમર થતી જાય છે. ત્યારે આ દીકરો તમારી હાથ લાકડી બને તેમ લાગતું નથી.’
પોતાના પ્રત્યેના પત્નીના અસીમ પ્રેમથી માસ્તરની આંખો ભીની થઈ, પણ તેમણે આડું જોઈને આંખો લૂછી નાંખી ને ડગી ગયેલી ધૈર્યતાને પુનઃ ધારણ કરતાં કહ્યું, ‘એ તો બધું થઈ રહેશે વખત જતાં શિવના લગ્ન થશે, ઘરમાં તેની વહુ હશે, પછી મારે શી ચિંતા ?’
ને હસવાનો પ્રયત્ન કર્યો પણ તેમની સામે નજર માંડી રહેલી તેમની પત્ની સમજતી હતી કે માસ્તર પોતાને છેતરી રહ્યા છે.
એ પછી ક્યારેય પતિ-પત્ની વચ્ચે આ વિષે વિવાદ થયો ન હતો, પણ માસ્તર જાણતા હતા કે મરનાર શિવાની વેદના ગાંઠે બાંધીને ગઈ છે.
શિવાને તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. સંસ્કારો આપવાના પ્રયત્ન કર્યા. અને તેમનું દિલ ગવાહી દેતું હતું કે સમય સમયનું કામ કરશે જ. જવાબદારી એને માથે પડતાં તે ઠેકાણે આવશે એટલે શિવાને માથે જવાબદારી નાંખવાનો તેમણે નિર્ધાર કર્યો.
‘શિવા ! હવે તારી માતાની વિદાય થતાં પિંંખાઈ ગયેલા આ માળાને ફરીથી કિલ્લોલ કરવો જ જોશે બેટા ! હું પણ હવે ઉંમરે પહોંચ્યો છું ને ?’ એકદા શિવાને પોતાની પાસે બેસાડીને માસ્તરે નર્યું વહાલ વરસાવતા શબ્દોમાં કહ્યું, ને ઉમેર્યું, ‘હું પણ હવે નિવૃત્ત થયો છું. શાળામાં કામ કરી શકું તેમ નથી તેમ ખેતરની પણ સંભાળ લઈ શકું તેમ નથી એટલે હવે એ જવાબદારીઓ તારે જ ઉપાડવાની રહે છે !’
શિવો શાંતિથી પિતાની વાત સાંભળી રહ્યો હતો. તે જાણતો હતો કે માતાના મૃત્યુ પછી થોડાક મહિનામાં જ તેઓ શાળામાંથી નિવૃત્ત થયા હતા એમનો વિદાય સમારંભ પણ ભવ્યતાથી ઉજવાયો હતો. આખું ગામ ત્યારે માસ્તરનાં મોંફાટ વખાણ કરતું હતું.
શા માટે ન કરે? કરે જ ને ? માસ્તરે પણ જુવાન વયે શાળાની જવાબદારી ઉઠાવી ત્યારથી માત્ર શાળાના ઓરડામાં આવતા વિદ્યાર્થીઓ વિષે જ નહિ પણ આખા ગામને શાળા કલ્પીને તમામ માણસો વિષે પણ કેવી કાળજી રાખી હતી? ગામના નાના મોટા સૌની સાથેનો મિષ્ટ વ્યવહાર, મધુ વહાવતી વાણી, નયનોમાં સ્નેહ અને કાંઈક કરી છૂટવાની ભાવના એ સૌ માસ્તરને, વયે નાના હોવા છતાં ગામમાં વડીલના સ્થાને સ્થાપવા માટે પૂરતા હતા.
લોકો એમની સલાહ-સૂચનો લેતા ને મોં ફાંટ વખાણ કરતા કહેતા, ‘સલાહ તો પંડ્યા માસ્તરની ! સો ટચનું સોનું.’
માસ્તર સૌને સાચી સલાહ આપતા, એમના જીવનનો મંત્ર હતો. સુખી જીવન જીવવું હોય તો એકબીજા પ્રત્યે અમી ભાવ અને સદ્ભાવ રાખો. આ મંત્ર તેમણે ગામ લોકોને પણ આપ્યો હતો તેથી તો તેમને વિષે કહેવાતું કે માસ્તર તો સાસુ વહુના ઝઘડામાં પણ બન્ને પક્ષોને સલાહ આપે છે ને વળી તે વ્યાજબી સલાહ હોય છે.’
ગામની શાળામાં તેમણે જીવનનો ઉષઃકાળ પૂરો કર્યો હતો અને મધ્યાન્હ પણ વટાવી ચૂક્યા હતાં. તેમની ઇચ્છા તો નિવૃત્ત થવાની ન હતી એટલે તેમણે પોતાની નિવૃત્તિ વય આવી પહોંચી અને કાનુનને આધિન બનીને જ્યારે તેમને માટે ફરજિયાત નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે તેમણે ખાતાને પ્રાર્થના કરી કે તેમને અવેતન પણ સેવા કરવાની તક આપે. શાળા પ્રત્યેનું એ કેવું મમત્વ હતું ? જે શાળાના પાયામાં તેઓ પૂરાયા તે શાળામાંથી નિવૃત્ત થતાં એમનો જીવ ચાલતો ન હતો.
માસ્તરની આ પ્રાર્થનાથી ખાતાના વડાને પણ આશ્ચર્ય થયું. પણ જમાનાની અસર તળે આવેલા વડાને માસ્તરની આ પ્રાર્થના વિષે શંકા પેદા થઈ; સંભવ છે કે માસ્તરે આટલા વર્ષ દરમ્યાન શાળામાં પોતાનું સ્થાપિત હિત ઊભું કર્યું હશે અને આવી શંકાથી ઘેરાયેલાં મને તેઓ સ્થળ પર આવ્યા ત્યારે જ તેમને પંડ્યા માસ્તર વિષે પોતાનાં મનમાં ઊઠેલી શંકાનાં જાળાં અકારણ પેદા થયેલાં હતાં તે માટે ખેદ થયો.
માસ્તરે તેમની સમક્ષ પોતાના દિલની વાત કહી ત્યારે મોવડીઓ પણ હાજર હતા. ખાતાના વડાએ કહ્યું, ‘માસ્તર ! અત્યાર સુધીમાં મેં તમારા જેવા માસ્તર જોયા નથી કે જે નિવૃત્તનો સમય પણ શાળા પાછળ અવેતન આપવા તૈયાર થાય! તમારી ભાવના સાચે જ આવકારદાયી છે પણ...’
‘પણ શું સાહેબ? હું હજી સશક્ત છું. અને અત્યાર સુધી મને જે અનુભવ પ્રાપ્ત થયો છે તે અનુભવ હુંં મારા ગામના બાળકોને આપવા માંગુ છું....’ માસ્તરે પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો ને પ્રાર્થના કરતાં હોય એમ કહેવા માંડ્યું, ‘મારે બીજો કોઈ વ્યવસાય નથી, ઘેર પાંચ સાત વીઘા જમીન છે એટલે જીવન નિર્વાહની કશી ચિંંતા નથી, તેમજ લાંબુ પહોળું કુટુંબ નથી કે એની જંજાળ હોય. એક દીકરો છે તે પણ હવે થઈ આવ્યો છે એટલે મને થાય છે કે આ બાળકોની જ હું જિંદગીભર સેવા કરું. સાચી પ્રભુ સેવા પણ એને જ માનું છું.
માસ્તરની વાણી સાંભળતાં જ ખાતાના વડાનું દિલ પ્રસન્ન થઈ ઊઠ્યું, એમની નિત્યની ગંભીર મુખમુદ્રા પણ પ્રફુલ્લિત બની રહી. તે એકદમ ઊભા થયા ખાતાના વડાની મોટપ ભૂલી ગયા ને બે હાથ પહોળા કરી માસ્તરને પોતાના હૈયે ચાપતાં ગદ્ગદ્ કઠે કહ્યું, ‘માસ્તર ! તમે સાચા અર્થમાં ગુરૂ છો!’ તે કહેવા લાગ્યા, ‘ગુરૂ જ્ઞાન આપે છે એની પાછળની ભાવના તો એ છે કે ગુરૂ પોતાના શિષ્યોને જીવનભર જ્ઞાન આપતો રહે છે. શિષ્યને જીવનના તમામ પ્રસંગોએ જ્ઞાન આપવાનો ગુરૂનો ધર્મ છે. પણ આજે તો ગુરૂ માત્ર અક્ષર જ્ઞાન આપવામાં જ પોતાનાં ગુરૂપદની પૂર્ણાહુતિ સમજે છે.’
ગામના મોવડીઓ પણ ધન્યતા અનુભવવા લાગ્યા ને માસ્તરે અવેતન શાળાની સેવામાં જ જિંદગી સમર્પણ કરી.
પણ પોતાના જીવનસાથીની ચિર વિદાય પછી તેમનો ઉત્સાહ ભાંગી ગયો. સ્વેચ્છાએ તેઓ જે બાલ પ્રભુની સેવામાં જીવન સમર્પણ કરી બેઠા હતા ત્યાંથી તેઓ પાછા ફર્યા, ઘરની જવાબદારી તેમણે ઉઠાવવી પડી.
શિવા વિષે જેમ તેની માતા અસંતોષનો લાવા સાથે લઇને ગઈ તેમ માસ્તર પણ અસંતોષના લાવામાં જ બળતા હતા.
સવારના એ ઘરની બહાર નીકળી પડતો. અને સમાજના સૌથી નીચલા થરના જુવાનો સાથે ઘૂમતો અને એમની સોબતથી જુગારની લતે પણ ચઢી ગયો. પ્રારંભમાં તો તે ડરતો હતો કે પોતે જુગાર રમે છે એ વાત પિતાની પાસે ન પહોંચે એટલે એની કાળજી રાખતો. પિતાના આળા થયેલા દિલને પોતાના વર્તનથી ધોકો ન લાગે તેની ચિંતા કરતો. પણ સમય જતાં તેની ચિંતા પણ તેણે છોડી દીધી. જેને જે કહેવું હોય તે કહે, પોતે શા માટે એની પરવા કરે ?’
માસ્તરના કાને શિવાની સોબત વિષે વાતો આવતી જ હતી અને તેઓ દુઃખી થતા હતા. તેમણે એકબે વખત તો શિવાને પ્રશ્ન પણ કર્યો હતો કે ‘અલ્યા તું જુગારની લતે ચઢી ગયો છે ને કાંઈ ?’
પ્રત્યુત્તરમાં શિવો ગુસ્સે થઈ જતો. પિતાની માનમર્યાદા તેણે એક જ ઝપાટે તોડી નાંખી ને ઊંચા સાદે જવાબ દીધો કહ્યું, ‘હા રમું છું તમારે શું છે ? તમારી પાસે તો હાથ લાંબો કરતો નથીને ?
બસ, માસ્તરને ચેતા પહોંચી ગયા. હવે શિવો હાથથી છેક ગયો છે એની તેમને પ્રતીતિ થઈ ગઈ: અને તેમને અફસોસ તો એ વાતનો હતો કે પોતે ગામના બાળકોને સદ્ગુણોથી અલંકૃત કરવા માટે જીવન સમર્પણ કરી દીધું પણ એ સમર્પણ પોતાના દીકરાના જીવન માટે કેમ ન કર્યું ? પોતે ઘર બાળીને તીર્થ કરવા નીકળ્યા હતા ? આખું આયખું ખોટું ગયું ?
ને તેનો જવાબ ન મળતાં લમણે હાથ મૂકીને તેઓ નિસાસો ભરતા રહ્યા.
અંતે એમને વિચાર સ્ફુર્યો. શિવાને લાંબો વખત સુધી નિર્બંધ રહેવા દેવામાં તેમને ઘણા મોટા જોખમનો ભય લાગતો હતો એટલે તેમણે તેના લગ્ન માટેની યોજના વિચારી ને શિવાને અંકુશમાં રાખી શકે એ માટે યોગ્ય યુવતીની શોધ આરંભી.
શિવાના જીવનને બનાવવાની કલ્પનામાં પોતાની જાતને તેઓ ભૂલી ગયા. તેમણે શિવાને શાંતિથી પોતાના દિલની વાત કહી ‘હવે તું જ આ બોજો ઉઠાવી લે તો, હું પાછલા દિવસોમાં ભગવાનનું નામ દઉં. મારી ઈચ્છા તો હવે ભગવાનના મંદિરમાં જ બેસી જવાની છે !’
શિવો અનુત્તર રહ્યો. શરમથી નીચું જોઈ રહ્યો હતો. એટલે માસ્તરે વધુ સ્પષ્ટતા કરવા માંડી.
‘જો શિવા, પાસેના ગામના ગંગાશંકર શાસ્ત્રીની દીકરી રૂખીની વાત તારા માટે આવી છે. આમ તો ઘરકામમાં ટેવાયેલી હોવાથી આ ઘરનો બોજો તે ઉઠાવી લેશે તું કહે તો ?...’ માસ્તર નીચી નજરે બેસી રહેલા શિવા સામે જોઈ રહ્યા.
માસ્તરના મનોભાવ શિવો જાણતો હતો. અને હવે માસ્તરને માથેથી ઘરના બોજો ઉતરી જાય એમાં તેને કશો જ વાંધો ન હતો. કદાચ એની જુવાની પણ કોઈ નારીનો સહવાસ ઝંખતી હતી એટલે તેણે માસ્તર સામે નીચી નજરે જોતાં કહ્યુ ‘તમને ઠીક લાગે તેમ કરોને!’
‘હાશ !’ શિવાની અનુમતિ મળતા પથારીમાં લંબાવતા જાણે તેઓ જીવનભરનો થાક ઉતારી રહ્યા હતા ને પછી ભગવાનનું સ્મરણ કરતા બોલ્યા ‘હે ભગવાન બાપલા !...’
શબ્દોમાં જીવનભરનો થાક વ્યક્ત થતો હતો: તેઓ ઉઘાડી આંખે દીકરાનાં લગ્ન વિષેની મનોમન ગોઠવણ કરતા હતા. ગંગાશંકર શાસ્ત્રી બે દિવસ પછી જાતે જ આવવાના હતા એટલે તેમને હવે તેઓ જવાબ આપી શકે તેમ છે એ વાતનો જાણે મોટો સંતોષ તેમને હતો.
ગંગાશંકરે તેમની સમક્ષ પ્રાર્થના કરી ત્યારે તેઓ કેવા દીન ભાવે પોતાની સમક્ષ બેઠા હતા. તે કહેતા હતા ‘માસ્તર ! ગમે તેમ કરીને પણ મને હવે બંધનમાંથી છોડાવો?’
પહેલાં તો માસ્તર ગંગાશંકર શાસ્ત્રીનો એ બંધનની વાત સમજ્યા જ નહિ. એમને ઉચાટ થયો કે કોઈ વખત નહિ ને ગંગાશંકર આ વખતે નાણા માંગવા કેમ આવ્યો હશે ?
‘શાનુ બંધન છે ગંગાશંકર તમને ?’ વિસ્મયતાથી માસ્તરે પ્રશ્ન કર્યો.
માસ્તર પોતાની હાલત જાણે છે, છતાં અજાણપણાનો ડોળ કરે છે એમ માનતા ગંગાશંકરે શરમિંદા બનતા કહ્યું ‘માસ્તર જાણવા છતાં પૂછો છો?’
‘ના ભાઈ હું કાંઈ જાણતો નથી, માસ્તરે કહ્યું ને ઉમેર્યું, ‘જાણતો હોત તો હું જાતે જ ન છોડાવત !’
ગંગાશંકરે કહ્યું, ‘માસ્તર ! ઘેર દીકરી મોટી થઈ છે એ જ્યાં સુધી પોતાને ઘેર ન જાય ત્યાં સુધી માબાપને મન મોટું બંધન જ છેને?’
‘ઓ હો હો ...’ માસ્તર ગંગાશંકરની વાત સાંભળતાં જ હસી પડ્યા ને શાંત પડતા કહેવા લાગ્યા ‘હવે સમજ્યો !’
ને આશ્વાસન દીધું, ‘હું તપાસ કરીશ ! પણ હવે મને ઉંમરના અવરોધો નડવા લાગ્યા છે એટલે ગામ છોડીને બહાર જવાતું નથી.’
‘પણ બહાર શા માટે જવું પડે માસ્તર ?’
‘તો કાંઈ મારી ઓટીમાં છે મુરતિયો કે તરત જ તને કાઢી દઉ ?’ માસ્તરે જવાબ દીધો.
‘છે જ સ્તો !તમારા ઘરમાં જ !’ ગંગાશકરે કહ્યું ને પછી પોતાની શોધની માસ્તર પર કેવી અસર થાય છે તે જોવા માંડ્યું.
પણ માસ્તર ગંગાશંકરના શબ્દો કાને પડતાં જ સાબદા થઈ ગયા. તે ખડખડાટ હસી પડ્યા બોલ્યા ‘હા હા ! ગંગાશંકર તમે ઠીક યાદ દેવડાવ્યું. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ને કે ઘરના ઉંંબરા મૂકીને લોકો ડુંગરા પૂજવા જાય છે તે આનું જ નામ !’
ગંગાશંકરનું પણ મોં મલકી રહ્યું. એમને તો માસ્તર જેવો વેવાઈ મળે તેનો આનંદ લૂંટવો હતો ત્યારે માસ્તર ગંગાશંકરની વાતને વિષે બીજી રીતે, પોતાની રીતે વિચારતા હતા, તેમને પોતાના પેટના દીકરા વિષે સંતોષ ન હતો છતાં શિવાને પરણાવ્યા વિના છૂટકો ન હતો, પરંતુ એ માટે ગંગાશંકરને દુઃખી કેમ કરાય ? કાલે કાંઈક થાય તો ગંગાશંકર સાથેનો સંબંધ જોતાં એ વહાલામાં વેર થવા જેવું થાય ને એટલે તેઓ અચકાતા હતા.
ત્યારે વિચારમગ્ન બનેલા માસ્તરને જોઈને ગંગાશંકરના મનનો વિશ્વાસ ડગી જતો જણાતો હતો.
તેમણે શંકાશીલ બનીને પૂછ્યુંં, ‘માસ્તર કેમ વિચારમાં પડી ગયા ? ઘરના ઉંબરા ગમતા નથી શું?’
વિચારમાંથી ઝબકી ઉઠેલા માસ્તર બોલ્યા : ‘ના, ના, એવું તો નથી પણ....’
‘એમાં પણ શું છે? તમને મારી રૂખીમાં કાંઈ કહેવાપણું લાગે છે?’
‘છી એવી વાત તો ન કરો ગંગાશંકર !’ મનની મૂંઝવણ વ્યક્ત થઈ શકે તેમ ન હોવાથી માસ્તરે જરાક મોં મચકોડીને કહ્યું ને શ્વાસ ખેંચ્યો.
‘શાસ્ત્રી કુટુંબની દીકરીમાં કહેવાપણું શું હોય ?’ માસ્તર બોલ્યા ને ઉમેર્યું, ‘એમ તો મારી આબરૂ વધે છે છતાં પણ...’
‘અને છતાં પણ બાકી રહી જાય છે કેમ ?’ ગંગાશંકરને ઊંડે ઊંડે વ્હેમ પડ્યો કે માસ્તર ચાલાકીપૂર્વક પોતાની વાત ટાળવા માગે છે એટલે તેમણે જરાક આવેશમાં આવીને બે શબ્દો કડવા કહ્યા.
‘તમારા આંગણે શાસ્ત્રીની દીકરી આપવા આવ્યો છું માસ્તર એ તો સમજો છો ને ? નાત જાતમાં શાસ્ત્રી કુટુંબ કરતા કોઈ ઊંચો જોયો છે ?’ ને અફસોસ કરવા માંડ્યો ‘મને એમ કે માસ્તર જેવો સગો મળે તો દીકરી સુખી થાય ને સાત સગાનું સગું થાય પણ તમને હજીયે ગળે.......’
‘બસ કરો ગંગાશંકર !’ ગંગાશંકરના મેણાં માસ્તરના હૈયામાં અકથ્ય જલન પેદા કરી રહ્યા હતા. દુઃખ એ વાતનું હતું કે પોતાના દીકરા વિષે તે કહી શકતા ન હતા અને ગંગાશંકરના મનમાં અકારણ શકાનાં જાળાં બાઝતાં હતાં.
‘તો આપણી વાત પાકી ?’ ગંગાશંકરે હાથ લબાવ્યો ને માસ્તરે પોતાનો હાથ ગંગાશંકરના હાથમાં મૂક્યો, પરંતુ એમના વદન પર ખિન્નતા છવાયેલા હતી, પ્રતિષ્ઠાની દૃષ્ટિએ આજે આટલી મોટી કમાણી પોતાને થતી હોવા છતાં એમના મનમાં ઉમળકો જ પેદા થતો ન હતો, મનની કળીઓ ખીલતી ન હતી.
માસ્તરે કહ્યું, ‘ગંગાશંકર ! દિલના ખૂણામાં પડેલી કેટલીક વાતો મારે તમને કહેવી છે. મારો દીકરો શિવ...’
‘હા, હા, હું ક્યાં તેને નથી જાણતો ?’ ગંગાશંકરના મોં પર સફળતાનું અને સંતોષનું હાસ્ય પ્રગટ્યું હતું.
‘હમણાં હમણાં એને વિષે ઘણી કડવી ફરિયાદો હું સાંભળું છું.’ માસ્તરે નિસાસો નાખ્યો.
‘એ તો નાના હોય ત્યારે એમ જ ચાલે !’ ગંગાશંકરે આશ્વાસન દીધું ને કહ્યું, ‘જવાબદારી માથે પડશે એટલે આપોઆપ ઠેકાણે આવશે.’ ને ઉમેર્યું, ‘કોના ગાડા અધવચ્ચે રહ્યા છે, કહેશો ?’
‘તો પણ...’ માસ્તરે સંમતિ આપી ને કહ્યું, ‘પાછળથી તમે મને કાંઈ કહો તેના કરતાં મારે જ પહેલેથી તમને જણાવી દેવું જોઈએ કે જેથી તમારા મનમાં દુઃખ ન થાય.’
‘ગાંડા જેવી વાત કરો છો તમે માસ્તર !’ ગંગાશંકર માસ્તર પ્રત્યે હસીને કહેવા લાગ્યા; અને ઉમેર્યું ‘અરે રૂખી તમારા ઘરનો બધો બોજો ઉઠાવી લે તેવી છે તેના જેવી કહ્યાગરી, કામગરી દીકરી તો સાત ભવે પુણ્ય કર્યા હોય તેને મળે અને એવા પુણ્યશાળીના ઘર ઉજાળે, માસ્તર !’
માસ્તરે સંમતિ આપ્યા છતાં તેમનું મન માનતું ન હતું, પણ હવે પોતાનું કાંઈ ઊપજે તેમ ન હતું, ગંગાશંકર પોતાને જળોની જેમજ વળગ્યા હતા તો બીજી બાજુ શિવાને પણ જવાબદારીની ઝંઝટમાં નાંખવાનો વિચાર પાકો હતો : લાચારી સિવાય તેમની પાસે કાંઈ જ ન હતું.
ગંગાશંકર સંતોષપૂર્વક વિદાય થયા ત્યારે માસ્તરે પણ સંતોષનો શ્વાસ લીધો ને ભવિષ્યની તમામ ચિંતા ભગવાનને સુપ્રત કરી દીધી શિવો મૂંગો હતો એટલું જ નહિ પણ તેને માસ્તરની વાત સાંભળ્યા પછી જ સમજાયું હતું કે હવે પોતે લગ્નને યોગ્ય બની ગયો છે અને ત્યારથી તેના મનમાં પણ સહવાસની ઝંખના જાગતી હતી. પરણવાના કોડ એના અંતરમાં મોરી રહ્યા હતા.
યથા સમયે શિવાના વિવાહની જાહેરાત થઈ. ગંગાશંકર શાસ્ત્રીની દીકરી રૂખી સાથે તેના વાગ્દાન જાહેર થયા ત્યારે બ્રાહ્મણ જ્ઞાતિના ઘણા વૃદ્ધો હલબલી ઊઠ્યા : મનોમન કહેવા લાગ્યા, ‘માસ્તરને ત્યાં શાસ્ત્રી કુટુંબની કન્યા તે હોતી હશે ? એમની સાત પેઢીમાં ક્યારેય એવું બન્યું છે?’
ત્યારે જીવકોર તો આનંદઘેલી બનીને નાનકડી મંગળાને લઈને માસ્તર પાસે આવતાં જ બોલી, ‘માસ્તર તમારો દીનમાન તેજ છે હોં?’
માસ્તર જાણતા હતા કે શાસ્ત્રી કુટુંબની કન્યા સાથેના પોતાના દીકરાના વાગ્દાનથી જ્ઞાતિજનો ખળભળી ઊઠ્યા છે પણ તેમને શાસ્ત્રી કુટુંબ સાથેના પોતાના કુટુંબના આ નવા સંબંધને વિષે ન તો ઉત્સાહનું પ્રચંડ વાવાઝોડું ઊઠ્યું કે ન તો ગૌરવનું અભિમાન જાગ્યું. સ્થિતપ્રજ્ઞ હાલમાં જ તે નિત્ય કર્મો કરતા હતા. જે કોઈ પ્રશ્ન કરતું તેના જવાબમાં દીનભાવે બે હાથ જોડીને તેને જવાબ દેતા હતા, ‘ભગવાનની કૃપા બીજું શું?’
ને તત્ક્ષણ મનોમન પ્રાર્થના કરતા હતા, ‘ભગવાન તું જ બધું સાચવી લેજે, મારા નાથ !’
જીવકોરના ઉત્સાહથી છલબલ ભરેલા શબ્દોને ગળી જતાં માસ્તરે આવકાર દેતા કહ્યું, ‘ભાભી ! જે દિ શિવાની મા વિદાય થઈ તે દિથી મારો દિનમાન તો પરવારી ગયો છે. હવે તો શિવાના દિનમાનની વાત કરો !’
‘ભલે એમ હશે પણ શાસ્ત્રી કુટુંબની કન્યા તમારે ત્યાં આવી એથી તો મને ઘણો જ આનંદ થયો, પણ ઘણાંના જીવ બળી ગયા !’ જીવકોરે કહ્યું.
‘હા તમને આનંદ થાય તે સ્વાભાવિક છે !’ માસ્તરે બાજુમાં જ ઉભેલી કિશોરાવસ્થામાં મહાલતી મંગળાના ગાલે પ્રેમભરી ટપલી મારી ને જીવકોરને ઉદ્દેશીને કહ્યું, ‘મારે પણ ગંગાશંકરની જેમ જ કોઈકની પાસે ખોળો પાથરવા જવું પડશે ને ?’
જીવકોર માસ્તરની વાત સમજી ગઈ અને તેનું મન આનંદમાં તરબોળ બની ગયું, હસીને બોલી ‘હાસ્તો ! તમારી જ જવાબદારી છે ને માસ્તર ! મંગળા તો તમને જ સોંપેલી છે. જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવજો.’
‘ભલે ભલે. મારી મંંગળાને તો કોઈ દેવ મળી રહેશે.’ માસ્તર પણ ઉમંગમાં આવી ગયા હતા. મંગળાના ભાલે લખાયેલા લેખ જાણે તેઓ વાંચતા હોય એમ કહેતા હતા. ‘મારી મંગળા તો સાક્ષાત જોગમાયાનો અવતાર છે.’
ત્યારે એવો જ આનંદ અનુભવ કરતી જીવકોર પણ સ્વગત બબડતી હતી. ‘માસ્તર ! દેવ પુરુષ જેવા છે ! માટે તો તેમને ત્યાં શાસ્ત્રી કુટુંબની કન્યા આવી.’
બંને મૂંગાં હતા છતાં બન્નેના હૈયામાં આનંદનો મોરલો નાચતો હતો. વાતાવરણ પણ આનંદભર્યું હતું, ને મંગળા માસ્તરની સાવ નજીકમાં જ બેઠી બેઠી માસ્તરને સમજવા મથતી હોય એમ માસ્તર સામે જોતી રહી.