લખાણ પર જાઓ

ખાખનાં પોયણાં/પહેલો તણખો

વિકિસ્રોતમાંથી
← દેવપુરુષ ખાખનાં પોયણાં
પહેલો તણખો
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
કાળજાનો ઘા →







પહેલો તણખો

શાસ્ત્રી કુટુંબની દેવ કન્યા રૂખીએ માસ્તરના કુટુંબની પ્રતિષ્ઠા વધારી દીધી એમ માનનારાઓ, રૂખીનાં આંસુ જોઈને માસ્તરને ફીટકાર દેતા હતા. ત્યારે માસ્તર મનોમન બળતા હતા અને વિચારતા હતા, કુટુંબની પ્રતિષ્ઠા વધી કે ઘટી ? કુટુંબની પ્રતિષ્ઠાનો આંક ઊંચે ચઢે છે એવા મિથ્યા પોરસથી ફુલાઈને પોતે ગંગાશંકરની વાત સ્વીકારી લીધી એમાં હવે માસ્તરને પોતાની જાતનો જ દોષ દેખાતો હતો; જો કે પોતે પોતાના દીકરાના અવગુણો વિષે જેટલી નિખાલસતાથી ગંગાશંકર સમક્ષ ઘટસ્ફોટ કરતા હતા તેટલી નિખાલસતા રૂખીના બાપનામાં હોત તો, કદાચ આ હૈયા સગડી પ્રગટી જ ન હોત. પણ હવે શું થાય ? કંકુમાં પાણી પડ્યાં છે તે છુટાં તો પડવાનાં જ નથી ને ? એટલે તેઓ પ્રસંગ મળે શિવાનેય કહેતા ને રસોડામાં બેઠી બેઠી યદ્વાતદ્વા બકતી વહુનેય શીખામણના બે શબ્દો સંભળાવતા હતા.

ત્યારે શિવો આકરો થઈ જતો અને કહેતો, ‘બાપુજી, તમે જ્યાં સુધી પૂરી વાત ન જાણો ત્યાં સુધી શીખામણ ન દેતા હો તો ?’

‘બેટા, પતિ-પત્નીની વાતો બધી જ વડીલોએ જાણવા જેવી નથી હોતી તો? પણ આ રોજના ફજેતા મારાથી જોવાતા નથી. બંને જણા જે જાર બાજરાનો રોટલો મળે તે આંખો ભેગી કરીને ખાઈ લેતા હો તો મારા જીવને પણ કેટલો આનંદ થાય ?’ માસ્તરના શબ્દોમાં નરી કરુણા વ્યક્ત થતી હતી.

જ્યારે તેઓ શિવાને કહી રહ્યા હતા ત્યારે તેમની નજર સમક્ષ તેમનો પોતાનો જ ભૂતકાર ઉપસ્થિત થતો હતો; પોતે જ્યારે પરણ્યા ત્યારે પોતાની ઉંમર પણ કાચી હતી અને પત્ની સાથે ઊભા રહેતાં તે શરમાતા હતા. ચંચળ અલ્લડ દેહ, રૂષ્ટપુષ્ટ કાયા, પહોળી આંખો, લાંબું પહોળું નાક અને પગલાં પડતાં ધરતી ધમધમી ઊઠે તેવી શક્તિ ધરાવતી પત્નીની સરખામણીમાં પોતાની દુબળી કાયા, ઝીણી આંખો, કદમાં ઠીંગણાપણું જોઈને તેઓ ગભરાતા હતા. ચંચળ પાસે જવાની પણ તેમની હિંમત ચાલતી ન હતી; તેઓ હંમેશા માતા પાસે જ ખાવાની માંગણી કરતા જ્યારે માતા હસીને કહેતી, ‘જાને રસોડામાં તારી વહુ છે, મારી પાસે શું કામ આવે છે ?’ પણ પોતે રસોડામાં જઈ શકતા ન હતા અને મા સામે દીન વદને ઊભા રહેતા ત્યારે મા ઊભી થતી અને રસોડામાં જતા કહેતી; ‘મારા રોયાને વહુની બીક લાગે છે. ખાઈ તો નહિ જાય ને?’

મા પોતે જૂનવાણી હતી, પોતાનો દીકરો ગામના બીજા છોકરાઓ કરતાં વહેલો પરણી ગયો તેનો તેને જાણે ગર્વ હતો, એટલે જ્યારે કોઈ તેને કહેતું કે ‘ગૌરીબા ! તમારા દીકરાને તો કજોડું થયું છે. વહુ તો મોટી લાગે છે.’

ત્યારે ગૌરીબાને પોતાનો દીકરો વહેલો પરણ્યો તેનું ગૌરવ ઘવાતું જણાતું ને મનોમન બબડતાં, આ લોકોની તો ઈર્ષા જબરી ! પોતાના દીકરાઓ હજી ઠંઠનગોપાલ જેવા ફરે છે ને મારો દેવુ પરણી ગયો એની જ બળતરા થાય છે માટે આવા છીદ્રો શોધે છે પણ ગૌરીબા કાંઈ કાચી માટીની ન હતી તો, તે ફડાક દઈને પ્રશ્ન કરનારના લમણામાં વાગે તેવો જવાબ દેતી હતી, ને એનો જવાબ સાંભળ્યા પછી ભાગ્યે જ કોઈ તેની સમક્ષ ફરીને એ વાત ઉચ્ચારવાની હિમ્મત કરતું.

તે કહેતી ‘સુખી માબાપની છોકરી તો આવી કદાવરજ હોય, છતાં મૂછો તો મારા દેવુને જ આવશે ને ? કાંઈ વહુને ઓછી જ આવવાની છે?’

ને પ્રશ્નકાર ચૂપ થઈ જતાં. છતાં તે જોતી કે ચંચળ અને દેવુ વચ્ચે હજી જીવ મળ્યા નથી. એટલે તે ઘરના ખૂણે વહુને કહેતી, ‘જો બાપ ! તું તો સમજે છે દેવું નાદાન છે પણ તને તો સમજ છે તેથી તારે એને પાંખમાં લેવો જોઈએ.’

ને બળાપો ઠાલવતી હોય તેમ કહેતી ‘બળ્યું ધણીને કેમ તાબામાં રાખવો એ તો કાંઈ શીખવાડવું પડે ?’

સાસુની પડખે જ બેઠેલી નવોઢા ચંચળને પણ સમજાતું ન હતું કે તેનો પતિ શા માટે તેનાથી દૂર ને દૂર રહે છે ? પોતે તો પ્રેમભરી નિગાહ પતિ સામે ઉત્સુકતાપૂર્વક નાંખીને મૂંગા મૂંગા આમંત્રણ દે છે; મનનો મોરલો તેને બોલાવતાં ટહુકો કરે છે. ‘આવો, મારા નાથ આવો, આવો ! આ રંગભરી પળો હમણાં વહી જશે ને જીવનમાં ફરી પાછી જોવા નહિ મળે; એ રંગ ઊડી જાય તે પહેલાં તેનો આસ્વાદ માણો !’

પણ દેવુ પત્નીના મૂક આમંત્રણને જાણે સમજતો જ ન હોય એમ એની નજરથી દૂર દૂર ચાલ્યો જતો. ને પોતે નિશ્વાસ નાંખતી હતી.

એની મૂંઝવણનો તે કોઈ પાર હતો ! નવોઢા ચંચળ એકલી પડતી કે વાવે પાણી ભરવા જતી અથવા તળાવે કપડાં ધોવા જતી ત્યારે ગામની વહુઆરુઓ પ્રશ્નો કરતી ને મજાક ઉડાવતી.

પૂછતી ‘અલી ચંચળ વહુ તારો ધણી તને બોલાવે છે કે ?’ તો વળી બીજી જવાબ દેતી ‘જવા દે ને એ વાત ! દેવશંકરમાં તે શા રામ બળ્યા છે તે ચંચળ વહુને બોલાવે?’

ને તળાવ કાંઠે ઊભેલી વહુઆરુઓ કહેતી ‘બિચારીનો ભવ બાળ્યો.’

ચંચળ અનુત્તર રહીને પોતાનું કામ કરતી અને કપડાં ધોવાઈ જતાં માથે તાંબાકુંડી મૂકીને ઘર પ્રતિ પ્રયાણ કરતી, એના પગ ફળિયા તરફ ઊપડતા હતા ત્યારે એનું મન તળાવને કાંઠે ઊભેલી સમવયસ્ક નારીઓની વાતો સાંભળવા પાછું દોડતું હતું.

તળાવનો કાંઠો કે તેની પાસેની વાવના પગથિયા ગામની જુવાન વહુઆરુઓ માટે દિલ ઠાલવવાનું એક માત્ર સ્થાન હતું, જ્યાં વહુઆરુઓના મોં પરનો શરમનો પડદો હઠી જતો. ઘરમાં મોં પર તાળું લગાવીને ફરતી વહુ અહીં મૂક્ત મને વાતો કરતી. સૌની વાતોનો પ્રધાન સૂર એક જ હતો. પોતાનો નાવલિયો કેવો રસઘેલો છે ? આખી રાત જંપવા જ દેતો નથી ને? દિવસે તો વડીલોની મર્યાદા એમના મિલનમાં અંતરાયભૂત બનતી. ક્યારેક વળી ચોરી છુપીથી તેઓ નજર ટકરાવી લેતાં ત્યારે એટલા સુખનું પરમ સૌભાગ્ય પામતાં બંને મરક મરક કલતાં. આંખો હસી લેતી પણ રાત્રિ તેમના માટે ટુંકી જણાતી. ને દિવસભરનો વિરહ વેઠીને અતૃપ્ત બનેલાં હૈયાં રાત્રિએ તૃપ્તિ મેળવવાનો રસાસ્વાદ માણતાં થાકતાં જ ન હતાં અને ભગ્ન હૈયે ઘરમાં પગ મૂકતી, જીવન હારી ગઈ હોય એમ તે ઘરમાં ફરતી હરતી. પણ જીવતાં મડદાં જેવી.

દેવશંકરની માતા ગૌરી ચંચળના મન દુઃખને સમજતી હતી. પરણીને સાસરે આવેલી કન્યાના મનોભાવ કેવા રંગીન હોય છે તેનાથી તે અજ્ઞાત નો’તી એટલે ક્યારેક તે મનનો બળાપો બહાર ઠાલવતી અને ચંચળ સાંભળી શકે અને ચંચળને સંભળાવવા માટે જ જાણે તે હૈયા વરાળ ઠાલવતી અને કહેતી, ‘બધી જિંદગી કાંઈ આવા ફજેતા ઓછા રહેવાના છે? અંતે દેવુ પણ સમજશે અને તને સાતે સુખ આપશે !’

સાસુના આશ્વાસન વેણ સાંભળીને અંદર બેઠેલી ચંચળ મનોમન બબડતી : બળ્યું ! જોબનીયું વીતી જાય, ઉરના અરમાનો કરમાઈ જાય, મનના આવેગ શાંત પડે, લાગણીઓ કુંઠિત થઈ જાય પછી જીવનમાં ભોગવવા જેવું શું રહેવાનું તે ભોગવશું ?’

અને ઊંડો નિશ્વાસ નાંખીને તે કામે વળગતી, પણ દિવસો વીતતા ગયા, તેમ તેમ ચંચળનો મનાવેગ વધી પડ્યો, રસોડામાં બેઠી બેઠી રોટલા ઘડતી હોય ત્યારે અચાનક વિચાર ચગડોળે એનું મન ઘૂમ્મરીઓ લેવા માંડતું અને ચૂલા પરનો રોટલો બળીને ભડથું થઈ જતો. અથવા તો ચૂલામાંનું બળતણ સંકોર્યા વિનાનું બહાર રહી જતું ને રોટલો કાચો રહેતો હતો ત્યારે ગૌરીની બૂમ તેને ભાનમાં લાવતી અને રોટલાને સંભાળી લેતી હતી.

તો ગૌરીને મન પોતાના દીકરા વિષે પણ ઉદ્વેગ હતો. દીકરાને કુળની પ્રતિષ્ઠાના મોહને વશ થઈને વહેલો પરણાવી દીધો એના પસ્તાવામાં એનુ મનં સતત શેકાતું હતું. તે સમજતી હતી કે દેવશંકર ચંચળની સામે કેમ જોતો નથી. બન્નેની વચ્ચે વયનો જ તફાવત ન હતો. પણ શારીરિક બાંધાનો જે તફાવત હતો એ એટલા પ્રમાણમાં હતો કે તેનો ઉપાય ગૌરીને મળતો ન હતો. એટલે હારીથાકીને તે બન્નેના ભાગ્યને જ દોષ દેતી અને ભવિષ્યમાં સૌ થઈ રહેશે એવા આશ્વાસનોમાં જીવતી હતી.

પણ સમય સદાકાળ હુકમનો એક્કો પોતાના હાથમાં રાખે છે. માનવી બાજી ખેલે છે અને પ્રતિકૂળ અનુકૂળના રંગમાં રાચતો રહે છે પણ એનો અંજામ તો સમયના હાથમાં જ રહે છે. સમય કેવી ચાલ ચાલે છે તેના ઉપર જ માનવીના આનંદનો કે દુઃખનો આધાર રહે છે. ચંચળ અને દેવશંકરના સંબંધમાં પણ સમય જ મહત્ત્વનો ભાગ ભજવતો હતો. એકબીજાથી અલિપ્ત રહેતા પતિ પત્નીને સમયના હુકમના એક્કાએ જ ભેગા કર્યા અને તેના મીઠાં પરિણામો પણ ગૌરીને જોવા મળ્યાં. ચંચળના ખોળામાં શિવો ખેલતો હતો.

માસ્તરની નજર સમક્ષ પોતાનો આ ભૂતકાળ એવી રીતે ડોકાયો હતો કે શિવા અને રૂખીના સંસારના પ્રારંભે ઊઠેલા તણખા વખત જતાં શાંત થશે એનો વિશ્વાસ દેતા હતા.

પણ માસ્તર શિવના શબ્દો સાંભળીને અવાક બની ગયા. પોતાનો દીકરો પોતાને શું કહી રહ્યો છે? પોતે શું નથી જાણતા, જે શિવ જાણે છે ?

તેમણે પૂછ્યું, ‘જાણવા જેવું શું છે એ તો કહે, કે જે હું જાણતો નથી ?’

શિવ પિતા પાસે શબ્દો મૂકી શકતો ન હતો. કસુંબલ રંગ થોડા સમયમાં જ ઊડી ગયો હતો ને લગ્ન જીવનના ઝીણા ઝીણા તણખા ઝરતા હતા અને પરિણામે શિવ પહેલાં કરતાં વધુ બગડતો જતો હતો. લગ્નની જવાબદારી શિવને માથે નાંખીને, તેને સીધો કરવાની માસ્તરની વિચારણા સફળ થવાને બદલે વધુ દુઃખકર બની રહી હતી એટલે તેમણે શિવને સહેજ આકળા થઈને પૂછ્યું.

ત્યારે શિવ પણ હવે વાત આડો પડદો રાખવા માગતો ન હોય એમ બોલી ઊઠ્યો ‘તમારી વહુને પુછો કે તેનાં લક્ષણ કેવાં છે ?’

‘લક્ષણ ? એટલે ?’ માસ્તરનાં ભવાં ચઢી ગયાં ને છતાં મનના ઘોડા ઉપર લગામ લગાવી દીધી ને હળવેથી બોલ્યા, શાસ્ત્રી કુટુંબની દીકરીઓમાં કે’વાપણું ન હોય પાગલ !’ ને ગુસ્સો કર્યો ‘મૂર્ખાઈભરી વાત ન કર !’

શિવ પિતા પાસે પોતાના દિલની વાત કઈ રીતે મૂકી શકે ? પોતાની પાસે રૂખી વિષે જે વાતો આવી હતી એ વાતો કોઈ પણ રીતે તે પિતાને કહી શકતો ન હતો પણ એ વાતોએ એના દિલમાં વૈરનો આતશ પેટાવ્યો હતો. પોતે બ્રાહ્મણનો દીકરો ન હોત તો કદાચ એણે વૈર તૃપ્તિનો માર્ગ ક્યારનોય શોધી લીધો હોત પણ પોતાનામાં એટલી હિંમત ન હતી અથવા તો તેને પિતાનો ભય લાગતો હતો.

છતાં તેણે કહ્યું, ‘તમારે મારી વાત ન માનવી હોય તો ન માનશો, જ્યારે તમે લોક મુખેથી સાંભળો ત્યારે માનજો!’

ને તે પિતાની નજરમાંથી દૂર થયો.

પોતે હવે લાજ શરમ છોડીને રૂખીને પૂછવા લાગ્યો ‘અરે વહુ દીકરા ! આ શિવ શા ગાંડા કાઢે છે? શું બળ્યું છે એની વાતોમાં ?’ ને રૂખીનો જવાબ સાંભળવા કાન સરવા કર્યાં. માસ્તરના શબ્દો રૂખીના હૈયામાં શાંત થઈને પડી રહેલા નાગને ઢંઢોળતા હોય એમ સ્પર્શી ગયા, એની ક્રોધજ્વાલા ભભૂકી ઊઠી ને છણકો કરતાં બોલી ઊઠી, ‘દીકરાના ઠેકાણાં ન હતા તો પરણાવાનો લ્હાવો લેવાનો અભરખો તમને ક્યાંથી થયો?’

કાળજામાં ઘા વાગે એવા એ શબ્દો હતા. દેવપુરુષ માસ્તરને જીવનમાં પહેલી જ વાર આવા તીખા શબ્દો સાંભળવા મળ્યા હતા. જિંદગીમાં ક્યારેય તેમને કોઈએ એક કડવો શબ્દ પણ કહ્યો ન હતો; એટલે રૂખીના શબ્દોથી તેમના કાળજામાં આગ લાગી ગઈ. ધુંવાંફુંવા થઈ ગયા. પોતે ક્યાં ગંગાશંકર પાસે રૂખીનું માંગુ કરવા ગયા હતા? ગંગાશંકર જાતે થઈને અહીં આવ્યા હતા ને? ને પોતે તો ગંગાશંકરથી કશું જ છાનું રાખવા માંગતા ન હતા. પણ ગંગાશંકર જ જો કાને ધરવા તૈયાર ન હોય તો પોતાનો શો વાંક? પણ દીકરાની વહુ બોલતી હતી, પોતે ઊંચા સાદે કદી પણ બોલ્યા નથી એટલે દીકરાની વહુના તીખા શબ્દો પણ તેમણે ખમી લીધા ને જાણે પોતાને કોઈ જ દુઃખ નથી થયું એમ તેમણે હળવેથી જવાબ દીધો.

‘શું વહુ દીકરા ! મારે એકલાને જ લ્હાવો ક્યાં લેવાનો હતો ? ગંગાશંકરને પણ દીકરી પરણાવવાનો લ્હાવો લેવાનો હતો ને બા ! અને દીકરી પરણી જાય એટલે સોમ નાહ્યાનો શાશ્વત સંતોષ પણ એમને લેવો હતો ને?’

માસ્તર જેમ નરમાશથી બોલતા હતા, વાતને કલહના અગ્નિમાં નાંખવાથી દૂર રહેતા તેમ રૂખી વાતને વધારતી હતી. ગુસ્સાભરી વાણી અને આક્રંદનું મિશ્રણ કરીને તે કલહનો અગ્નિ પેટાવતી હતી.

પણ માસ્તરે ખામોશી પકડી, તેઓ મનોમન વિચારવા લાગ્યા જેમ પોતાને વિષે સમયના હાથમાં હુકમના એક્કાએ પોતાનું કામ કર્યું હતું તેમ દીકરા વિષેની ચિંતા પણ તેમણે સમયને જ આધિન કરી દીધી.

પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ હવે રોજનો બની ગયો હતો. લગ્ન જીવનના પ્રારંભમાં જ જાગેલાં વમળો ક્યારેક શાંત પડતાં હતાં ને ક્યારેક વધતાં જતાં હતાં અને એમ શિવ રૂખીનું નાવડું વહી જતું. અટકતું, આગળ વધતું હતું. દરમ્યાન રૂખીના ખોળામાં પ્રસાદ રમતો થયો ત્યારે માસ્તરના જીવને નિરાંત વળી અને સમયના પ્રાબલ્યમાં વિશ્વાસ વધતો ગયો, છતાં જીવનમાં શાંતિ ન હતી. રોજને રોજ શિવ વધુને વધુ બગડતો જાય છે એને વિષેની ફરિયાદો એમના કાને આવતી જ રહી અને છાનાં આંસુ તેઓ સારતા જ રહ્યા.

મુખી હમણાં જ માસ્તરને કહી ગયા હતા. ‘માસ્તર સાહેબ તમારા જેવા દેવને ત્યાં આવો રાક્ષસ દીકરો થઈને ક્યાંથી આવ્યો ?’

એક વાત નિશ્ચિત હતી કે માસ્તરને વિષે ગામમાં જે આદરભાવ ભાવ હતો એના કારણે શિવના કૃત્યો જોઈને સહુનાં દિલ દ્રવી ઊઠતાં હતાં. માસ્તર પ્રત્યેની અનુકંપા સૌના દિલમાં પેદા થતી હતી છતાં માસ્તરની સમક્ષ રાવ ખાવાની કોઈ હિંમત કરતું ન હતું કારણ કે તેઓ જાણતા હતા કે એથી માસ્તરના દિલને ભારે આઘાત લાગશે. મુખી પણ ઘણા વખતથી માસ્તરના મોંએ થવા માંગતા હતા, કેટલીક વાર તો એમ પણ બનતું કે મુખી માસ્તરના મોંએ સાફ સાફ શબ્દોમાં શિવનાં પરાક્રમો વિષે કહી દેવા માંગતા હતાં ને આવેગમાં તેઓ માસ્તરના ફળિયા પાસે આવી પહોંચતાં પણ ત્યાંજ એમનો આવેગ શાંત પડી જતો. સ્ટેશનને જોઈને ધસમસતા એન્જીનની સ્ટીમ જેમ શાંત થઈ જાય તેમ હાંફી ગયેલા કોઈ દમિયલ જીવની જેમ તે ઢીલા પડી જતા, પછી તો કોઈક ધક્કો દઈને જાણે તેમને આગળ હાંકતું હોય એમ તેઓ ફળિયામાં પ્રવશતાં ને માસ્તર સમક્ષ પોતે ફરિયાદે આવ્યા છે એ વાત જ ભૂલી જઈને તે હસતા મોંએ ફળિયામાં ઊભા રહીને બૂમો મારતાં ‘માસ્તર છો કે ઘરમાં ?’

ને મુખીનો સાદ સાંભળતાં જ માસ્તર ઘરમાંથી ઉતાવળા આંગણામાં આવીને મુખીને હરખભર્યો આવકાર દેતાં ‘આવો આવો મુખી સાહેબ ?’ ને માસ્તરના આંગણાંમાં જ ઢાળેલા ખાટલા પર બેસતાં મુખી હાથમાંની લાકડી રમાડતાં રમાડતાં બોલતા ‘અરે માસ્તર તમારા માટે તો વળી સાહેબ હોય ?’ ને કહેતા ‘તમારા માટે હરખચંદ મુખી પણ નહિ !’

માસ્તર પ્રત્યુત્તરમાં કહેતા ‘તમે હરખચંદ સાચા પણ મુખી તો ખરા? જેમ હું માસ્તર, તેમ તમે મુખી !’

મુખી વાતોએ વળગતા ત્યારે ઘણી વખત એમના અંતરમાં ઉગતું : ‘શિવની વાત કહી દઉં ? પણ તરત જ માસ્તરના દિલ પર પોતાની વાતથી જે ઘા થશે તે કેવો હશે એની કલ્પના કરતાં અટકી જતા હતા.

પણ આજે તો તેઓ નિશ્ચય કરીને જ આવ્યા હતા. ગઈ રાત્રે શિવ અને તેના જુગારી મિત્રોએ જે ધાંધલ મચાવ્યું હતું. એથી એમના મનનો સંતાપ જાણે વધી ગયો હતો. મનના ઊંડાણમાંથી એવો ભય પણ લાગ્યો હતો કે, જો શિવને અત્યારથી કાબુમાં લેવાશે નહિ તો ભવિષ્યમાં તેનાં માઠાં પરિણામો સહન કરવાં પડશે.

કદાચ...ના, ના, એ અમંગળ કલ્પનાને મુખી આગળ ધપાવી શક્યા નહિ, પણ આખી રાત તેમનો મનોવ્યાપાર ચાલુ જ રહ્યો. આખી રાત એમની સમક્ષ માસ્તરની જ મૂર્તિ રમતી જણાઈ. ક્યારેક એ મૂર્તિ કારુણ્યની પ્રતિમા શી ભાસતી તો ક્યારેક તે પોતાને ઠપકો દેતી હોય એમ પણ જણાતું હતું, માસ્તર તેમને કહેતા હતા, ‘તમે પણ વાત મારાથી છાની રાખી ? ભલા તમે તો મારા વાલેસરી... છતાં તમે પણ મને ન ચેતવ્યો !’

એટલે જ જ્યારે તેમની પાંપણો બીડાઈ ગઈ અને નિદ્રા દેવીની કૃપા તેમના પર ઊતરી ત્યારે મનને તેમણે એટલું દૃઢ બનાવ્યું હતું કે પોતે આ વાત હવે માસ્તરને કાને નાંખશે જ. સવારે ઊઠ્યા ત્યારે પણ મનની એ દૃઢતા તો કાયમ જ રહી હતી અને એ દૃઢતાને તેમણે અમલમાં પણ મૂકી. માસ્તરના ફળિયા સુધી આવ્યા છતાં રોજની જેમ આજે આવેગ શાંત ન પડી જાય એ માટે તેમણે પૂરતી કાળજી રાખી હતી. ફળિયામાં ઊભા રહીને હસતા મોંએ માસ્તરને બૂમ મારવાના બદલે બહારના ઓટલા પર બેઠા બેઠા પ્રસાદને રમાડતા માસ્તરની પડખે જ તેઓ ગંભીર મુખમુદ્રા સાથે બેસી ગયા.

માસ્તરને પણ મુખીના આ બદલાયેલા વલણથી આશ્ચર્ય તો થયું જ. તેમણે પૂછ્યું પણ ખરું ‘કેમ મુખી સાહેબ આજે તમે કાંઈક બહુ ગંભીર લાગો છો ? શું કોઈ આપત્તિ આવી છે?’

‘છે જ તો, માસ્તર!’ માસ્તરની કારુણ્ય છલકાતી આંખો સામે જોઈને મુખી પોતાની ગંભીરતા જાળવી શક્યા નહિ. તેમણે જવાબમાં કહ્યું, ‘માસ્તર ! ઘણા દિવસથી હું તમને મારા મનની વાત કહેવા ઈચ્છતો હતો પણ કહી શકતો નથી, છતાં આજે તો કહ્યા વિના છૂટકો જ નથી !’

માસ્તરને પણ મુખીની વાત ગંભીર તો જણાઈ. તેમણે પ્રસાદને ખોળામાંથી નીચે મૂકીને મુખી સામે જોઇને કહ્યું, ‘વાહ ! તમારો અધિકાર છે. જે કહેવું હોય તે જરૂર કહો અને આપણે બન્ને થઈને તેમાંથી માર્ગ શોધી કાઢીશું.’

માસ્તર જ્યારે મુખીને જવાબ દેતા હતા ત્યારે એમના મનમાં એવો ભય હતો કે મુખીને કાંઈક નવું લફરું આવ્યુ હશે !

ને મુખીને હિંમત કરીને માસ્તરને પ્રશ્ન કર્યો. મુખીનો પ્રશ્ન સાચો હતો; માસ્તર દેવપુરુષ હતા એમને ત્યાં આવો અક્કરમી દીકરો ક્યાંથી ?

માસ્તર પોતાના દીકરાના કોઈ પરાક્રમોથી અજ્ઞાત ન હતા. તેઓ ગામમાં બહુ ઓછું જતા, પહેલાંની તમામ બેઠકો તેમણે છોડી દીધી હતી, કારણ કે એમને જ્યાં ને ત્યાં શિવ વિષેની ફરિયાદ જ સાંભળવા મળતી હતી. પરિણામે તેઓ શાંત પ્રફુલ્લ વદને પાછા ફરવાને બદલે ઉદ્વિગ્ન થઈને ઘેર પાછા ફરતા અને મનમાં ને મનમાં અસંતોષની જ્વાલાઓમાં શેકાતાં હતાં એટલે તેમણે ગામમાં જવાનું માંડી વાળ્યું હતું. પરિણામે શિવ વિષેની ફરિયાદો તેમને સાંભળવા મળતી ન હતી. છતાં શિવ કેટલી હદે બગડી ગયો છે તેનાથી તેઓ અજાણ પણ ન હતા. મોડી રાત્રે ગમે ત્યારે તે ઘેર આવતો અને પાછલી રાતના શાંતિમાં પણ પતિ પત્ની ઝઘડતાં. એ બધું તે પોતાની શૈય્યામાં જાગૃતવસ્થામાં પડ્યા પડ્યા સાંભળી લેતા હતા પણ કાંઈ જ બોલી શકતા ન હતા, બોલીને પણ શું કરવાનું હતું ? પાછલી રાતની શાંતિમાં ફળિયાના લોકોને જગાડીને પોતાના ઘરની ફજેતીનો ઝંડો જ ફરકાવવાના હતા ને?

મુખીના પ્રશ્નના જવાબમાં અફસોસ કરતાં માસ્તરે કહ્યું, ‘મુખી તમારી વાત સાવ સાચી છે. હું પણ તમારી જેમ ઘણીવાર વિચાર કરું છું કે મારે આ કયા ભવના પાપની સજા ભોગવવી પડે છે ? નહિ તો આ પાછલી વયમાં મારે હૈયે વળી આ ધગતા અંગારા શાના?’

ઘણા વખતથી હૈયામાં સંઘરાઈને પડેલી વેદનાઓ, આંસુ દ્વારા બહાર વહેવા લાગી. એમની આંખોમાંથી આંસુની ધારા ટપકવા લાગી. હૈયામાં એટલું બધું ભર્યું હતું કે તે વ્યક્ત થવાનો માર્ગ શોધતું હતું પણ એને જગ્યા મળતી ન હતી. બહુ બહુ તો એકાંતમાં થોડાંક આંસુ સારી લેતા, પણ મુખીની વાત સાંભળતાં જ એમનું હૈયું હાથ ન રહ્યું. દિલની વેદના ઘણા પ્રયત્નો છતાં પણ આંસુ બનીને બહાર ધસી જ રહી.

‘માસ્તર !’ મુખી પણ માસ્તરની આ હાલત જોઇને દ્રવી ગયા. મનમાં પસ્તાવો કરવા લાગ્યા. પોતે ક્યાં માસ્તરના દિલને આઘાત પહોંચાડવા આવી ગયો.

‘હરખચંદભાઈ !’ હૈયાના અતલ ઊંડાણમાંથી માસ્તર બોલતા હોય એમ તેમણે મુખીને સ્વાભાવિક નામે બોલાવવાને બદલે હરખચંદભાઈ કહ્યું: માસ્તર એમની સમક્ષ દિલ ખોલવા માંગતા હતા.

માસ્તરે કહ્યું, ‘દિલની વાત કોની સમક્ષ કહું ? ને આ જીવતર પણ હું શી રીતે જીવું છું એ મારું મન જાણે છે. શિવને કહી કહીને થાકી ગયો પણ મારું માનતો જ નથી ને?’

ને અફસોસ ઠાલવતાં ઉમેર્યું, ‘શું કરી શકું ? હવે એની પર હાથ તો ઉપડાય નહિ એટલે ભગવાનને ભરોસે બેઠો છું, મારા નસીબમાં જે ભોગવવાનું લખાયું હશે તે ભોગવી લઈશ.’

તેમણે આંખો સાફ કરી લીધી અને બારણા તરફ જોઈ લીધું. રૂખી સંતાઈને પોતાની વાત સાંભળતી તો નથી ને એની ખાત્રી કરવા તેઓ પ્રસાદને લઈને ઊભા થયા ને ઘરના અંદરના ભાગમાં ગયા. તેમણે પ્રસાદને મૂકી દીધો ને કહ્યું, ‘વહુ પ્રસાદને હવે તમે લેજો તો?’

પાછા બહાર આવીને તેઓ મુખી સામે ગોઠવાયા. ઉદ્વિગ્ન ચહેરા પર હવે શાંતિની આભા પથરાયેલી હતી.

‘માસ્તર ! અત્યાર સુધી મેં મનને મારી નાંખ્યું હતું પણ ગઈ રાત્રે શિવે જે તાફાન મચાવ્યું છે એ જોઈને પછી થયું કે હવે હદ થઈ છે. એનાં માઠાં પરિણામો આવે ત્યારે તમે જ ઠપકો દેવા માંડો કે મેં તમને સવેળા ચેતવ્યા કેમ નહિ, એટલે આજે ભારે હૈયે તમને આ વાત કહેવા આવ્યો છું!’

‘હાસ્તો. તમે મારા વાલેસરી જ છોને? જે કાંઈ કહેશો તે પણ મારા હિતમાં જ હશે ને મુખી ?’ માસ્તરે કહ્યું ને પૂછ્યું, ‘શું બન્યું હતું ગઈ રાત્રે ?’ ને પાછું ઉમેર્યું ‘પણ ગઈ કાલે સવારનો ગયો છે તે હજી આવ્યો જ નથી’ ચિંતાતુર બની ગયા ને પ્રશ્ન કર્યો ‘કાંઇ અનિષ્ટ થયું છે?’

‘એ તો બધું ગઈ કાલે ભગવાનની કૃપાથી સમેસુતુર ઊતરી ગયું. પણ હવે ચેતવા જેવું છે !’ મુખીએ કહ્યું, ને માસ્તરના મુખ પરના પલટાતા ભાવો જોઈ રહ્યા.

તેમણે કહ્યું, ‘ગઈ રાત્રે જુગારીઓ વચ્ચે મરામારી થઈ હતી અને લાકડીઓ, ધારિયાં લઈને સામસામા મેદાનમાં પડ્યા હતા, પણ સમયસર ફોજદાર પહોંચી ગયા તે વળી કોઈની લાશ પડતાં રહી ગઈ પણ હવે પછી...’ મુખી વધુ બોલી શક્યા નહિ.

‘પણ હવે તમે જો શિવને અંકુશમાં નહિ રાખો તો પરિણામ સારું નહિ આવે માસ્તર !’ જે શબ્દો હૈયામાં રમતા હતા, તે જ શબ્દો મુખીને લાચારીથી મોંએ લાવવા જ પડ્યા. કારણ ગઈ રાત્રે ફોજદારે જ મુખીને કહ્યું હતું. ‘મુખી માસ્તરને કહી દેજો કે આ વખતે તો શિવને જવા દઉં છું. પણ હવે પછી જો આવા ધાંધલ કરશે તો મારે પગલાં લેવાં પડશે.’

‘મુખી!’ માસ્તરની વ્યથા કેટલી પાર વિનાની હતી તે મુખી જોઈ શકતા હતા. એવા જ વ્યથાભર્યા દિલે માસ્તરે કહ્યુ, ‘હવે એ શિવ પર કોઈ જ અંકુશ રાખી શકે તેમ નથી.’

‘તો પછી હવે તેને છોડશે નહિ !’

‘એ વાત પણ સાચી છે!’ માસ્તરે ડોકું હલાવીને કહ્યું, ‘ફોજદાર પણ શું કરે? આવું ધાંધલ થાય અને કોઈની લાશ પડે તો ફોજદારને નામોશી લાગે ને?’

‘એ તો ગઈ રાત્રે જ હું પહોંચી ગયો કે બધું માંડી વાળ્યુંં !’ મુખીએ પોતાની હાજરી કેટલી ઉપયોગી નીવડી હતી તેનો ખ્યાલ આપતાં ઉમેર્યું, ‘આમ તો ફોજદારે કાગળિયાં કર્યાં હતાં પણ મેં તેમને સમજાવ્યા ને કહ્યું આ વખતે જવા દો, હું માસ્તરને કહીને બધું ઠેકાણે પાડી દઈશ. એટલે વળી ફોજદાર માની ગયા ને કાગળિયાં ફાડી નાંખ્યા.’

‘ભલું થજો તમારું, હરખચંદભાઈ !’ માસ્તરે આવેગમાં આવીને મુખીના ખભા પર હાથ મૂકીને પોતાનો આભાર વ્યક્ત કર્યો.

‘ના, ના, એ મારી ફરજ છે ને માસ્તર ! આપણો કેટલા વર્ષોનો સબંધ ? મારા દેખતાં શિવને પોલીસ પકડી જાય તો ધૂળ પડી આપણા આટલા વર્ષોની મૈત્રીમાં?’ મુખીએ જવાબ દીધો ને ઊઠતાં ઊઠતાં યાદ આપતાં હોય એમ કહેવા માંડ્યું ‘માસ્તર હવે તમે સાચવી લેજો!’

પ્રત્યુત્તરમાં મુખીને ઊભા થઈને વિદાય દેતા માસ્તર દબાયેલા સ્વરે બોલ્યા, ‘સાચવવાવાળો તો ઉપર બેઠો છે, મારો ભગવાન ! એને ઠીક લાગે તેમ કરશે !’

હતાશાનો પાર ન હતો: હજી મુખીને વળાવીને માસ્તર ઘરમાં પ્રવેશે છે ત્યાં રૂખીના આગના તણખા જેવા શબ્દો સંભળાયા.

‘કાલ સવારનો દીકરો વહાણ કમાવવા ગયો છે તે પાછો આવ્યો નથી છતાં બાપને હૈયે કેવી ટાઢક છે ? જરાય ઉચાટ છે કે ક્યાં ગયો હશે ?’

‘વહુ’ રૂખીના શબ્દો માસ્તરના મુખની વાતથી વીંધાઈ ગયેલા હૈયાને વધુ જોરદાર જખમ કરી ગયા, ભીંતને ટેકો દઈને ઊભેલા માસ્તરે માત્ર આટલા જ શબ્દો ઉચ્ચાર્યા ને શાંત થઈ ગયા.

રૂખી માસ્તરની હાલત જોવા બહાર આવી હોત તો તેને ખબર પડત કે જેને તે ઉનો ડામ દઈ રહી છે તેની હાલત કેવી છે ? એના દિલમાં કેવો ઉલ્કાપાત ઉછાળા મારે છે?

‘અને પ્રસાદ! તારા દાદાને તો હવે એમના દીકરાની ચિંતા નથી પણ તને તો તારા બાપની ચિંતા છે કે નહિ મુઆ ? તું જા, શોધી લાવને ક્યાંકથી ?’

ને એની વાણી આગળ વધતી હતી કે પછી મારે સ્ત્રી થઈને ઊભી બજારે શોધવા જવું પડશે? હું જઈશ તે દિ તમારી આબરુ શી રહેશે?’

‘વહુ !’ રૂખીના શબ્દો માસ્તરના હૈયાને ડામ દેતા હતા. એથી જાણે ચીસ પાડતા હોય એમ માસ્તર બોલ્યા ને કહ્યું, ‘તમે જ શોધવા જાવ બાપલા! મારી આબરુની ચિંતા ન કરશો! એના તો ધજાગરા ગામમાં ક્યારનાય બંધાઈ ચૂક્યા છે, મારા બાપ !’ ને માસ્તરે પોતાના બે હાથે પોતાનું કપાળ જોરથી કૂટવા માંડ્યું, એ જોઈને રૂખી બહાર આવી તો માસ્તર જમીન પર પડ્યા પડ્યા કણસતા હતા. દિલમાં સંઘરાઈને પડેલો વેદના એમની આંખોમાંથી આંસુની ધારા બનીને વહેતી હતી.

અને પ્રસાદ રૂખીની કાખમાંથી ઉતરીને ધરતી પર ઘૂંટણીએ થતો દાદા પાસે આવ્યો. એમના દેહનો ટેકો પકડીને ઊભો થયો. દાદાની સાથે ગેલ કરવા મથતો હતો.

માસ્તર પ્રસાદના મસ્તકે પ્રેમાળ કર ફેરવતા કહી રહ્યા હતા. રૂખીને સાંભળાવવા જ તેઓ બોલતા હતા ‘હવે તો અદીઠી આગમાં આ તનડું શેકાયા કરે છે, મારા દીકરા !’

પણ પ્રસાદ તો એના તાનમાં મસ્ત હતો. દાદાના ખોળામાં ખેલવા એ ઉત્સુક બન્યો હતો. હળવે રહીને તેણે દાદાના પેટ પર આાસન જમાવ્યું ને પોતે દાદાને કેવા પરાસ્ત કર્યા છે તેનો આનંદ માણતો હોય એમ ખિલખિલાટ હસી રહ્યો હતો.

દુઃખના દાવાનળમાં સળગતા માસ્તરના મનને પ્રસાદનું નિર્દોષ હાસ્ય શાંત્વન દેતું હતું.