ખાખનાં પોયણાં/વખના ઘૂંટડા
| ← ખાટી છાશ ઉકરડે ! | ખાખનાં પોયણાં વખના ઘૂંટડા પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
મેં ફરજ અદા કરી છે → |
વખના ઘૂંટડા
પંડ્યા માસ્તર વખના ઘૂંટડા ભરી રહ્યા હતા.
મંગળાને પોતાની પાસે મૂકીને જીવકોર વિદાય થઈ ત્યારથી પંડ્યા માસ્તરની ચેતના જાણે ઠંડી પડી ગઈ હતી. શિયાળાની પાછલી રાત્રિ વધુ ઠંડી બની રહી હતી. પવન સૂસવાટા કરતો વહી રહ્યો હતો. આભની અટારીએ રમતો ચંદ્ર પણ ક્ષીણ થઈ રહ્યો હતો.
ફળિયામાં સૂમસામ હતું. તો ગામમાં પણ એવી જ ભયાનક નીરવતા છવાઈ ગઈ હતી.
ગોખલામાં ટમટમતા કોડિયાનો દીવો પણ છેલ્લા ઝબકારા લઈ રહ્યો હતો. પંડ્યા માસ્તર ચેતનવિહીન બનીને ખાટલામાં ટેકો લઈને બેસી રહ્યા હતા. ત્યારે માસ્તરની સામે પૂંઠ ફેરવીને પ્રસાદ પર પોતાનો હાથ મૂકી બીજા હાથે સાડીનો પાલવ આંખો પર ઢાંકી દઈને મંગળા પણ કઠપૂતળીની જેમ બેસી રહી હતી.
દીવો ક્યારે બુઝાઈ ગયો અને બંધ બારણાની તરાડોમાંથી દિવસનો પ્રકાશ ક્યારે ઓરડામાં પથરાવા લાગ્યો, તેનું પણ બન્નેમાંથી કોઈને ભાન ન હતું. અને જો પ્રસાદે રડવાનું શરૂ કર્યું ન હોત તો સંભવ છે કે બન્ને જણાં કઠપૂતળીની જેમ અચેતન હાલતમાં બેસી જ રહ્યાં હોત.
પ્રસાદે રડવાનો પ્રારંભ કરતાં જ મંગળાએ તેને ઊંચકીને પોતાના ખોળામાં લીધો. ગુલાબી નિદ્રામાં બીડાયેલાં પ્રસાદનાં રમ્ય પોપચાં હળવે હળવે ઊઘડી રહ્યાં હતાં. પોપચાં નીચે ઢંકાયેલી રમતીયાળ આંખો મંગળા સામે મંડાઈ. મંગળાની આંખો હસી ઊઠી તો પ્રસાદ પણ મંગળાના ખોળામાં પડ્યો પડ્યો હસવા લાગ્યો. હાથપગ ઉછાળીને તોફાને ચડ્યો.
મંગળાએ તેને ઊંચક્યો. હૈયા સરસો ચાંપ્યો. થોડોક ઉછાળ્યો ને પ્રસાદ ખડખડાટ હસવા લાગ્યો.
‘લે ચાલ હવે તારે દૂધ પીવાનું છે ને ?’ ઘડી પહેલા જીવનમાં છવાયેલી હતાશા દૂર કરી દેતાં મંગળાએ પ્રસાદ સામે મોં મલકાવ્યું, એને તેડીને ઊભી થતાં માસ્તરને પૂછ્યું, ‘પ્રસાદ માટે દૂધ ક્યાં છે?’
મંગળા અને પ્રસાદ જ્યારે રમતે ચઢ્યાં હતાં ત્યારે પણ માસ્તર તો ગમગીનીના સાગરમાં જ ડૂબેલા હતા. મંગળાનો પ્રશ્ન અનુત્તર રહ્યો.
મંગળાએ બારણું ઉઘાડ્યું ને પ્રસાદને લઈને બહાર જતાં કહેવા લાગી. ‘પ્રસાદ તારા દાદાને માથે હિમાલય તૂટી પડ્યો છે તે બિચારા બોલી પણ શકતા નથી. પણ તારું પેટ ખાલી જ છે ને ભાઈ. લે ચાલ આપણે હરખાકાકીને ત્યાંથી દૂધ લઈ આવીએ.’
ને બારણામાં ઊભા રહીને ફળિયાને પેલે છેડે આવેલા હરખાકાકીને બૂમ મારી. ‘હરખાકાકી ! ઓ હરખાકાકી ! ભેંસ દોહી રહ્યા કે? મારા પ્રસાદને ભૂખ લાગી છે જરા ઉતાવળા થજો તો !’
અને પ્રસાદના મુલાયમ ગાત્રોને પોતાના ગાત્રો સાથે ઘસતાં કહેવા લાગી, ‘હમણાં આપી જાય છે હોં !’
ખુલ્લા બારણામાંથી સૂસવાટા કરતો પવન અશાંત બેસી રહેલાં માસ્તરના દેહ પર ઝાપટો મારવા લાગ્યો, પરિણામે માસ્તર ઊભા થયા ને ખાટલામાં પડતું નાંખી ગોદડામાં મોં સંતાડીને પડી રહ્યા.
દરમ્યાન હરખાકાકી પ્રસાદ માટે દૂધ આપવા આવ્યાં. તેમણે માસ્તરને ખાટલામાં સૂતેલા જોયા ને પ્રસાદને તેડીને ઉભેલી મંગળાને જોતાં જ પ્રશ્ન કર્યો, ‘કેમ માસ્તરની તબિયત ઠીક નથી શું ?’
મંગળા હરખાકાકીના પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં તો હરખાકાકીએ જ વહાલ વરસાવવા માંડ્યું. કહ્યું, ‘બિચારા દેવ જેવા માસ્તરને માથે કાંઈ ઓછી વીતી છે? માથે ઝાડ ઊગવાં જ બાકી રહ્યાં છે. ને તેમાં આ દોઢ બે વરસનું છોકરું ઉછેરવું એ તો કંઈ જેવી તેવી વાત છે? આપણા જેવું બૈરું થાકી જાય તો આ તો પુરુષ !’
ને ભગવાનની દયા યાચતા હોય એમ કહેવા લાગ્યાં, ‘ભગવાન સૌનો બેલી છે બાપા ! દુઃખ નાંખે છે તો ઉપાડનારા પણ દે છે.’
અને મંગળાને ઉદ્દેશીને કહેવા લાગ્યાં, ‘તારી ઓથ માસ્તરને ભારે હોં મંગળા !’ ને ઉમેર્યું ‘આ પ્રસાદ જો ને તને કેવો વળગી પડ્યો છે જાણે જનેતાને વળગી રહ્યો હોય એમ !’
હરખાકાકી તો નિર્દોષ ભાવે જ બોલતાં હતાં, કદાચ એમ પણ કહી શકાય કે હરખાકાકી મંગળાને સવાસલા કરી રહ્યા હતા. પણ મંગળાના દિલના ભાવો જાગી ઊઠતા હતા, એનું નારીત્વ ઉમળકા લેતું હતું અને એની અભિવ્યક્તિ મંગળાએ પ્રસાદને બોકી દઈને કરી.
હરખાકાકીએ જતાં જતાં મંગળાને કહ્યું, ‘ત્યારે મંગળા તું હમણાં અહીં જ માસ્તર પાસે રહેતી હોય તો? તારા તો બાપ જેવા છે માસ્તર !’
મંગળાએ જીભ કરડી : ગઈ રાત્રે માતાએ જેના હાથમાં પોતાનો હાથ આપી દીધો છે, એ માસ્તર હવે તો એના સૌભાગ્ય નાથ હતા. પોતાના પિતાના મિત્ર દાવે મંગળા માસ્તરને કાકા કહેતી હતી. પણ હવે તો અજાણતા પણ જીવ્હા પર એવો અર્થકારી શબ્દ બેસી ન જાય તેની તકેદારી તેને રાખવાની હતી.
છતાં હરખાને મંગળાએ જવાબ દીધો : ‘હા કાકી ! હવે તો હું અહીં જ રહીશ. પ્રસાદને જાળવીશ.’
મંગળાના આ વચનો પાછળનો ભાવાર્થ હરખાકાકી સમજી શકે તેમ ન હતું, એટલે તેમણે ભોળા ભાવે કહ્યું, ‘હા બિચારા માસ્તરને એટલો અજંપો ઓછો!’
હરખાના ગયા પછી મંગળાનુ ચિત્ત વિચારના ચગડોળે ઘૂમવા લાગ્યું.
પોતે માસ્તરના જીવનના છેવાડામાં કેવો મોટો ઉલ્કાપાત મચાવી દીધો છે? હજીય માસ્તરને ગઈ રાતના ઘાની કળ વળી નથી!’ અને મનમાં તરંગો ઊઠવા લાગ્યા. માએ આખરે આવો અત્યાચાર શા માટે કર્યો? પોતે શા માટે એ બધા પ્રસંગે નિરુત્તર રહી ? અને માસ્તરના જીવનને બરબાદ બનાવી દીધું. માતાને ઉજળા મોંએ મરવું હતું માટે આ માસ્તર પર બોજો ફગાવી દીધો ? ના, ના મંગળા તેં કારમો અત્યાચાર કર્યો છે! ઊઠ નાસી જા, નાસી જા ! આ દેવ જેવા પુરુષના જીવનને શા માટે બરબાદ કરે છે? શા માટે એને કમોતે મોતને ઘાટ ઉતારે છે?’
ને એના મનઃપ્રદેશમાં વિચારનો પ્રચંડ વંટોળ ઊઠ્યો હતો. તરંગોનું તુમુલ મચી રહ્યું હતું.
‘નાસી જા !’ એક તરંગ તેને ઉશ્કેરતો હતો. એ કહેતો હતો તારો હાથ માસ્તરને સુપ્રત થયો છે કોણ જાણે છે? અને માસ્તર તને ક્યાં પોતાની અર્ધાંગ્ના તરીકે સ્વીકારી છે? જા, ઊભી થા ! માસ્તર સ્વસ્થ થાય તે પહેલાં આ ઘર છોડી જા !’
‘પણ ક્યાં જાઉં ?’ બીજો તરંગ પૂછતો હતો ‘પરણેલી નારી પોતાનું ઘર છોડીને ક્યાં જવાની હતી ?’
‘તું પરણેલી છું ?’ પહેલો તરંગ એની મજાક કરતો હતો. મંગળાની સામે જ સદેહે જાણે તરંગ ઊભો હતો અને મંગળા પ્રત્યે તિરસ્કાર દાખવતો હોય એમ બોલતો હતો, પૂછતા હતો ‘તું પરણેલી છું કોને ? આ દેવ પુરુષને ?’
‘મારો હાથ તો એમના હાથમાં મારી માતાએ મૂક્યો જ છે ને?’ ડરતાં ડરતાં મંગળા જવાબ દેતી હતી.
‘પાગલ થઈ છે તું ? એ તે કાંઈ લગ્ન કહેવાય ? કોની સાક્ષીએ તમારા લગ્ન થયા એ તો કહે?’ ને બોલનારની તિરસ્કારની માત્રા એકદમ વધી ગઈ. કહેવા લાગ્યો, ‘તારી માએ ખેલ કર્યો હતો ખેલ !’
ને સત્તાવાહી સ્વરે તેણે કહ્યું,‘આ માસ્તરને જીવવા જેવો રહેવા દેવો હોય તો ભલી થઈને પાછી ફર! તારી માતા પાસે જા અને કોઈક જુવાનને શોધીને તેનું ઘર માંડ તો તું પણ સુખી થઈશ.’
‘પણ શી રીતે જાઉં ? આ કાયા તો અભડાઈ ચૂકી છે, પછી−’
‘હત્ તારીની ! તો તું આ માસ્તરના ગળે પડીને તારા પાપને છુપાવવા માંગે છે એમજ ને ?’ પેલાએ વક્ર દૃષ્ટિ કરતાં પ્રશ્ન કર્યો ને ઉમેર્યું, ‘કલંકીની ? તારુ કલંક તું માસ્તરની આડમાં છુપાવવા માંગે છે કેમ ?’ ઉશ્કેરાટમાં આવીને તેણે કહ્યું, ‘ચાલ નીકળ અહીં થી ?’
મંગળા ગભરાઈ ગઈ હતી. કલ્પનાતીત ભયથી તેની કાયા ધ્રુજતી હતી. એનું મોં જાણે સિવાઈ ગયું હતું. પોતાના પાપને વિષે તે મૂંગી રહીને માસ્તરને છેતરવાનો તે પ્રયત્ન કરી રહી છે એમ તેને સમજાયું અને પોતાની આંખ સામે જ ચિત્તશૂન્ય બનીને ખાટલામાં ટૂંટિયું વાળીને મોઢે માથે ઓઢીને પડેલા માસ્તર સામે જોઈ રહી. ગોદડા તળે ઢંકાયેલા માસ્તરના દુબળા દેહનો સ્પષ્ટ ખ્યાલ જાણે મંગળાને આવી ગયો : અને તેની મનોમૂંઝવણ વધી ગઈ. શું કરવું ને શું ન કરવું તેની તેને સમજ પડતી ન હતી.
‘માસ્તરને આમ ને આમ મૂકીને પ્રસાદને ખાટલામાં સુવાડીને પોતે નાસી છૂટે તો ? હજી લોકોમાં તો પોતાના માસ્તર સાથેના લગ્નની વાત વહેતી થઈ નથી ને? તો શા માટે માસ્તરની જિંદગી પોતે બરબાદ કરવી ? માતાનું મૃત્યુ સુધારવા માસ્તરની જીવતી જિંદગીને શા માટે બાળી મૂકવી ?’
વિચારોના તરંગો જોર જોરથી એના નાનકડા કુમળા મગજ સાથે અથડાતા હતા અને તે ભાંગી પડી હોય એમ નીચે બેસી ગઈ. પ્રસાદ પાસે જ રમતો હતો. મંગળા સાથેની તેની ઓળખાણ જૂની હતી એટલે મંગળા સામે જોઈને તે ક્યારેક હસતો, આડા પડીને ટેકે ઊભા થવા મથતો અને પોતે પુરુષાર્થી છે એ બતાવવાનો જાણે પ્રયત્ન કરતો હતો.
આખરે મંગળાએ કાંઈ નિશ્ચય કર્યો. તે ઊભી થઈ પ્રસાદને ઊંચક્યો ને માસ્તરના ખાટલા પાસે જઈને ઊભી રહી: માસ્તરને કયું સંબોધન કરવું એની વિમાસણમાં પડી ગઈ. આમ તો તે માસ્તરને માસ્તરકાકા કહીને જ બોલાવતી અને માસ્તર પણ પ્રત્યુત્તરમાં ઉમળકાથી તેને કહેતા ‘આવ બેટા!’
પણ હવે એ વ્યવહારનો અંત આવતો હતો, ગઈ કાલના માસ્તરકાકા હવે એના માટે બદલાઈ ગયા હતા. એટલે જીવ્હા પર કાકા શબ્દ આવતો ન હતો ને પરણેતરને પ્રેમાલંકારભર્યા સંબોધન કરવાની બીજી નવોઢા જેવી તેની હિંમત પણ ચાલતી ન હતી. કેટલીય વખત આવીને આમ માસ્તરના ખાટલા પાસે સ્થિતપ્રજ્ઞ હાલતમાં પ્રસાદને લઈને ઊભી રહી અને તેણે માર્ગ શોધ્યો. પ્રસાદને જ ઉદ્દેશીને તે માસ્તરને સંભળાવા લાગી.
‘પ્રસાદ, તારા દાદાને કહે કે આમ પેલી બાળ વાર્તામાં આવે છે તેમ રાજકુમારની જેમ તૂટલી ખાટલીમાં ટ્રૂટિયાં વાળીને ક્યાં સુધી પડી રહેશો ? જરા મારી સામે તો જુઓ ?’
પણ પ્રસાદ તો મંગળાની ચિબુક પકડીને તેની સામે જોઈને ખિલખિલાટ હસતો હતો, નિર્દોષ ભાવો વ્યક્ત કરતો પ્રસાદ, દાદા અને મંગળાના અંતરને સમજી શકે તેમ ન હતો.
છતાં પણ માસ્તર તો અચેત શા પડી રહ્યા. સળવળ્યા પણ નહિ, એટલે મંગળાએ માસ્તર સાંભળે તેમ કહ્યું. એમની પડખે જ પ્રસાદને મૂકતાં તે બોલી, ‘આ તમારા પુત્રને સંભાળો ! હું જાઉં છું.’ ને તેણે કદમ ઉઠાવ્યા. પ્રસાદે માસ્તરની છાતી પર ચઢીને દાદાનો ઘોડો કરવાનો પ્રયત્ન કર્યો !
માસ્તર ઝબકીને જાગ્યા હોય એમ ઓઢેલું ગોદડું દૂર કરી દીધું. ગરદન સહેજ ઊંચી કરીને મંગળાને પ્રશ્ન કર્યો. ‘ક્યાં જાય છે, મંગળા ?’
‘એની સાથે તમારે શી નિસ્બત છે ?’ મંગળાએ પૂંઠ ફેરવીને જવાબ દીધો ને પૂછ્યું, ‘તાપીશંકરની મંગળા સાથે તમારો નાતો હતો પણ જીવકોરની મંગળા સાથે તો તમારે કોઈ નાતો નથી ને ?’
‘એટલે ?’ છાતી પર બેસવા જતા પ્રસાદને દૂર કરીને માસ્તર ખાટલામાં બેઠા થયા, ને મંગળાને પૂછ્યું, ‘જીવકોરની મંગળા સાથે મારે કોઈ નિસ્બત નથી શું?’
‘ના, તમારું વર્તન તો એમ કહે છે.’ મંગળાએ ઉદાસીનતાભર્યાં મોંએ જવાબ દીધો ને કહ્યું, ‘હું સમજું છું કે મા તમારા જીવનને બરબાદ કરી ગઈ છે. એણે તમારા પ્રત્યે ઘણો મોટો અન્યાય કર્યો છે. અને એ માટે મારી મજબુરી જ જવાબદાર છે. ગઈ રાત્રે જો હું મા સાથે આવી ન હોત અને આવી તો મૂંગી મરી રહી ન હોત તો તો મા તમારી સાથે આવડો મોટો અન્યાય કરી શકી ન હોત.’
અને તે જાણે નિશ્ચય કરીને જ બેઠી હોય તેમ પાસે આવીને હળવેથી કહેવા લાગી. ‘હું તમને અન્યાય નહિ થવા દઉં ! તમારું મોત પણ નહિ બગડવા દઉં !’
‘તો તું શું કરશે મંગળા ?’ માસ્તરે સ્વસ્થ થતાં પ્રશ્ન કર્યો ને પૂછ્યું, ‘તારી માતાને દુભાવીશ ? એનું મોત બગાડીશ ?’
‘ના એનું મોત પણ શા માટે બગાડું ? મને માર્ગ કરતાં ક્યાં નથી આવડતો?’ મંગળાએ કહ્યું ને ઉમેર્યું, ‘તમે જ શાળામાં શીખવ્યું હતું ને કે ત્યાગ જ સર્વ સુખનું ઉદ્ભવ સ્થાન છે. હું ત્યાગ કરીશ.’
‘ત્યાગ ? શેનો ત્યાગ?’
‘જીવન ને સંસારનો ! દુનિયાનો !’ ગરદન સહેજ ટટાર કરીને મંગળા બોલી ને ઉમેર્યું, ‘સ્ત્રીને જીવનનો અકાળે ત્યાગ કરવો પડે છે. માટે તો ભગવાને જળદેવતાને આજ્ઞા કરી છે કે તેણે પોતાના ખોળામાં જે સ્ત્રી આવે તેને શાંતિથી સમાવી લેવી. હું પણ એવી જ શાંતિથી જળદેવતાના ખોળામાં પહોંચી જઈશ.’
અને ઠેઠ પાસે આવી પોતાની સામે નાનકડા બે હાથ લાંબા કરીને પોતાને લેવા આજીજી કરતાં પ્રસાદને ઊંચકી, અને બોકી દેતાં બોલી, ‘માસ્તર, મંગળા તમારા જીવનમાં વખ ઘોળવા માંગતી નથી, માએ પોતાનું કર્તવ્ય પૂરું કર્યું, હવે મારું કર્તવ્ય હું પૂરું કરીશ.’
‘તો શું તું આત્મહત્યા કરશે ?’ મંગળાની વાત સાંભળીને માસ્તરનું દિલ પીગળી ગયું. મંગળા પ્રત્યે એમના દિલમાં ભાવ તો હતો જ, એટલે મંગળા કોઈ અઘટિત પગલું લઈ બેસે તે વાત માસ્તરના દિલને માટે વજ્રઘાત જેવી હતી.
‘તો તમને શા માટે છેતરું એ તો કહો ?’
‘મને છેતરવાનો પ્રશ્ન જ ક્યાં છે. મંગળા ?’
‘હા, તમને મા છેતરી રહી છે. ખાટી છાશ ઉકરડે ફેંકે શા માટે એ તો કહો ?’ ને ઉમેર્યું, ‘કોઈ એને આરોગી શકતું નથી. માટે જ ને! મા પણ માટે જ મને તમારા ગળે બાંધવા આવીને ?’ એની આંખોમાં આંસુ બાઝ્યાં.
‘ના, મંગળા તને ખાટી છાશ કોણ કહે ?’ મંગળાના કથનથી માસ્તરનું હૈયું દ્રવી ઊઠયું ને મંગળા તાપીશંકરની-પોતાના મિત્રની દીકરી છે તેનું ગૌરવ જાણે એમના હૈયામાં ઝળકી ઊઠ્યું હોય એમ માસ્તરે કહ્યું, ‘ભાભી નાહક ઉતાવળાં થઈને અનર્થ કરવા બેઠાં છે.’
‘હા, માસ્તર, મા ભારે અનર્થ કરવા બેઠી છે.’
‘પણ તું શા માટે એના અનર્થને તાબે થવા તૈયાર થઈ છે એ તો કહે ? કાલ રાત્રે તેં જ ભાભીને ના ભણી દીધી હોત તો? આ ઘરડાને ગળે લાલ લગામ તે શોભતી હશે? હવે તો સ્મશાન મારી રાહ જુએ છે, ચારછ મહિનાનો હું મહેમાન છું. એ જાણવા છતાં હું તારા જીવનને બરબાદ કરવા કેમ તૈયાર થાઉં? મારો ભગવાન કેમ રાજી રહેત ? આ ભવે તો હું આટલું ભોગવું છું તે વળી આવતા ભવમાં કેટલુંય ભોગવવું પડે ?
માસ્તરની આંખોમાં ગમગીની છવાયેલી હતી. એમના દિલના દર્દને તેઓ કારૂણ્યભર્યાં શબ્દો દ્વારા વ્યક્ત કરી રહ્યા હતા.
તેમણે જરા જોશમાં આવીને પ્રશ્ન કર્યો, ‘મંગળા, તું કેમ મૂંગી રહી? શા માટે તેં જીવકોરને ના પાડી ન દીધી કહે તો ?'
મંગળા સમજતી હતી. પોતે જો મૂંગી રહી નહોત તો, મા આવડો મોટો અન્યાય કરી શકત નહિ, પણ પોતાના મોં પર તાળું લાગી ગયું હતું. પોતે કાંઈજ બોલી શકે તેમ ન હતું. માત્ર માતાની ઈચ્છા જ તેને માટે આખરી વાત હતી, પણ હવે માસ્તરની વેદના જોયા પછી જ તેને સમજાયું કે આવડા મોટા અનર્થની જવાબદારી પોતાની છે. પોતે જ માસ્તરના જીવનને બરબાદ કરવા તૈયાર થઈ છે, અને હવે પોતે જ માસ્તરના જીવનને બચાવી શકે તેમ છે. એમના મનને કરાર પણ પોતે જ આપી શકે તેમ છે.
‘મૂંગી કેમ છો મંગળા કહે તો? તું પણ આવા અનર્થમાં રાજીખુશીથી સામેલ થઈ? તનેય આ બુઢ્ઢા માસ્તરની દયા ન આવી? મેં તારો કોઈ અપરાધ તો કર્યો ન હતો ને?'
ખોળામાં બેઠેલા પ્રસાદને માથે માસ્તરની આંખમાંથી વહેતાં આંસુનાં ટપકાં પડતાં હતાં. પ્રસાદ ઘડીકમાં મંગળા સામે તો ઘડીકમાં માસ્તર સામે જોવે, અને બંનેની સામે જોયા પછી એના મોં પર છવાયેલું હાસ્ય પણ વિલય પામતું. ગમગીન બનીને તે યથાવત બેસી રહેતો.
‘માસ્તર, માને પણ આવું પગલું મારા માટે જ લેવું પડ્યું ને ?' અને પોતાની સાડીના પાલવમાં પોતાનું મુખ છુપાવતાં બોલી, ‘મારા જ પાપનું આ પરિણામ છે. જે પરિણામ મારે ભોગવવું જોઈએ, એ પરિણામ ભોગવવા માએ તમને પસંદ કર્યાં, કારણ કે તમે જ અમારા માટે એક માત્ર આધાર સમા છો !'
‘તારું પાપ !' માસ્તરે ચીસ નાંખી. ખોળામાં બેઠેલો પ્રસાદ પણ ચમકી ઊઠ્યો ને રડવા લાગ્યો.
ત્યારે માસ્તર ઉત્તેજીત થઈને પૂછતા હતા, ‘મંગળા તારું પાપ ?’
શરમથી ઝૂકી ગયેલી ગરદન, અને જમીન સરસી જડાઈ ગયેલી નજર મંગળા ઊંચી કરી શકે તેમ ન હતું.
નત્ મસ્તકે, વેદનાથી ભર્યો શબ્દ ઉચ્ચાર્યો, ‘હા, માસ્તર !'
અને ફરીને પોતાની શ્યામ બની ગયેલી મુખાકૃતિને પોતાના બંને હાથની હથેળીમાં છુપાવી રહી.
પળ-બેપળ માસ્તર વિચક્ષણતાથી આ અલ્લડ યુવતી સામે જોઈ રહ્યા. વર્ષો થયા જે મંગળાને તેઓ નિહાળતા હતા તે આંખ જુદી હતી અને આજે મંગળાને તે નિહાળી રહ્યા છે એ આંખ પણ જુદી છે. પેલી આંખમાં વાત્સલ્ય ઉભરાતું હતું. અમીઝરણાં વહેતાં હતાં, પુત્રીવત્ ભાવનાના મંગળ એ આંખોમાં ત્યારે વંચાતા હતા. જ્યારે આજની આંખ મંગળના દેહમાં તરવરાટ માચાવતા યૌવનને જોઈ રહી હતી. એ આંખોમાં લાલચ ભરી હતી. એથી તો, પોતાના બે હાથની હથેળી બનાવીને, પોતાની મુખમુદ્રાને ઢાંકી રહેલી મંગળાના ઉર પ્રદેશ પરના નાનકડા સ્તનપ્રદેશને તેઓ જોતા હતા. નિર્દોષતાનો અંત આવ્યો હતો. જે પુષ્પ પોતાના મિત્રના જીવનની ક્યારીમાં ઊગ્યું હતું અને જે પુષ્પ કોક મહાદેવને અર્પણ થવાનું હતું તે પુષ્પ આજે અનાયાસે જ પોતાને ભોગવવા પ્રાપ્ત થયું હતું. અને તેથી જ આજે માસ્તરની મંગળા પ્રત્યેની દૃષ્ટિમાં પણ ફરક પડતો હતો.
મંગળાના યૌવન પર માસ્તરની નજર મંડાયેલી હતી, અને સાથે જ મનમાં તરંગો ઊઠતા હતા. ‘આ યૌવન કોકની વાસનાનો ભોગ બનીને લુંટાઈ ગયું છે? નિર્દોષ મંગળા અજાણતાં પણ કોકની વાસનાનો ભોગ બની છે?'
‘ના, ના, એમ બની શકે જ નહિ !' માસ્તરનું મન મંગળાની વાત સ્વીકારવા તૈયાર ન હતું. તેમને મંગળા વિષે ભારોભાર વિશ્વાસ હતો, અને એથીય અધિક તો મંગળા પરની જીવકોરભાભીનો જીવતી ચોકીમાં તેમને અપાર વિશ્વાસ હતો.
‘તો મંગળા પોતાને છેતરે છે?' વળી પાછો તરંગ ઊઠ્યો. એ તરંગનો તંતુ આગળ વધતો હતો. મંગળા કલંકનો ટીકો લઈને, જીવનભર માસ્તરના નામનું સૌભાગ્ય ઓઢણું ઓઢીને સમાજમાં પ્રતિષ્ઠાભર્યું જીવન જીવવા માંગે છે?'
‘વાહ !' માસ્તરનું મન બોલી રહ્યું, ‘મા દીકરીએ ભેગા મળીને કાજળઘેરી રાતના કાળા કરતુતો ઠીક ગોઠવી દીધા ! ખાટી છાશ આખરે તો ફેંકી જ દેવાનીને? કોઈ તંદુરસ્ત માનવી કંઈ ખાટી છાશ આરોગીને બીમાર પડવાનું સાહસ કરવા આગળ આવે ખરો? એટલે જ મંગળા જેવી અપવિત્ર યુવતીને, કોઈક જુવાનને ગળે બાંધતાં જીવકોરભાભીનો જીવ દુભાયો હશે. તે અહીં મારે ગળે બાંધી ગયા. ઘરડો દિયર ઉકરડા જેવો ને અપવિત્ર મંગળા જેવી ખાટી છાશ તેણે તેના પર ઢોળી દીધી !'
સ્વગત બબડ્યા પણ ખરા : ‘વાહ રે વાહ ભાભી. તમારી હોશિયારી તો ભલભલા પુરુષને પણ છક્કડ ખવડાવે તેવી છે હોંકે ?'
માસ્તરને વિચારના ઊંડાણમાં ઊતરી ગયેલા જોઈને મંગળાએ પોતાના મોં પરનું હાથનું આવરણ દૂર કર્યું ને કહ્યું, ‘માસ્તર ! હું જઈશ, મારા માર્ગે જઈશ ! મને મારા પાપની સજા ભોગવવા દો ! તમે શા માટે મારા પાપની સજાના ભાગીદાર બનો ?’
ને મંગળાએ ફરી પાછા બારણા પ્રતિ પગ ઉપાડ્યા. પણ તે આગળ વધે તે પહેલાં તેના સાડલાનો છેડો કોક પકડી રહ્યું હતું. એણે પાછળ જોયા વિના જ આવેશમાં આવીને સાડલો ખેંચી લીધો ને બોલી, 'મને જવા દો માસ્તર !'
પણ માસ્તર ક્યાં હતા ? તેઓ તો હજી વિચારના ઊંડાણમાંથી બહારની સપાટી પર આવ્યા જ ન હતા. પ્રસાદે વિદાય થતી મંગળાના સાડલાનો છેડો પકડ્યો હતો. દાદાજીના ખોળામાંથી ઊતરીને તે મંગળા પાસે જવા માંગતો હતો. તેણે ફરીને મંગળાના સાડલાનો છેડો પકડ્યો ને પોતાના વિજયને વ્યક્ત કરતો હોય એમ હસી પડ્યો.
મંગળાએ પાછળ જોયું તો પોતાના પગનો ટેકો લઈને પ્રસાદ ઊભો થવા મથતો હતો. મંગળા સામે આશાભરી નજર નાંખીને મંદ મંદ હસતો હતો. બે હાથ લાંબા કરીને મંગળાને કહી રહ્યો હતો, ‘મને તેડી લોને ?'
મંગળાનુ નારી હૈયું પ્રસાદને જોતાં હાલી ઊઠ્યું. તેણે તરત જ નીચા નમીને પ્રસાદને તેડી લીધો અને બોકી દેતાં બોલી ઊઠી, ‘પ્રસાદ મને શા માટે રોકે છે ભાઈ ? હું તે તારી કોણ થતી હતી? મને જવા દે ભાઈ, આ દાદાજીનો ખોળો જ તારા માટે સાતે સુખનું સ્થાન છે.' અને આંસુભરી આંખે, એના ગોરા ગોરા ગાલોને ચૂમી લીધા. બંને હાથે તેને હળવેથી થોડો ઉછાળ્યો, રમાડ્યો ને પુનઃ માસ્તરના ખોળામાં મૂકી દેતાં તેણે વિદાય લેવા માંડી.
પણ આ વખતે માસ્તરે તેનો હાથ પકડ્યો ને કહ્યું, ‘મંગળા, ક્યાં જાય છે?'
માસ્તરની સામે જોયા વિના જ, એક હાથ માસ્તરે પકડી રાખ્યો છે, તેઓ બેઠા છે ને પોતે વિદાય થવાને કૃતનિશ્ચયી બની હતી એ હાલતમાં જ તેણે કહ્યું, ‘માસ્તર, મારો હાથ છોડી દો. મને જવા દો !’
'હવે તો તારો હાથ શી રીતે છોડું મંગળા ?' માસ્તરે કહ્યું ને ઉમેર્યું, ‘ગઈ રાત્રે તારો હાથ તારી માતાએ જ મને આપ્યો હતો. ને એટલી વારમાં જ છોડી દઉં ?' ને પૂછ્યું, ‘તું ક્યાં જશે ?' ‘ભગવાને સ્ત્રીને માટે બે સ્થળો નિર્માણ કર્યાં છે. એક એના પતિનું ધર, જેને તે પોતાનું ઘર બનાવીને પોતાનો સંસાર રચે છે, અને બીજું પિતાનું ગૃહ, જ્યાં તેણે બાલ્યાવસ્થાના સુખદુઃખના દિવસો વિતાવ્યા હોય છે.'
‘માસ્તર !' હજી પણ એવી જ દૃઢતાથી ઉભેલી મંગળાએ જોશમાં આવીને કહ્યું, ‘તમે ભૂલો છો. સ્ત્રીને માટે ત્રીજું પણ એક સ્થળ છે જ્યાં સ્ત્રી પોતાના સમગ્ર જીવનને ભૂલી જાય છે. દુઃખનો દાવાનળ પણ જ્યાં શાંત થાય છે.'
‘હા મંગળા, એ ત્રીજું સ્થળ કૂવો તળાવ છે. એ ખરું, પણ એ પ્રભુએ નિર્માણ કર્યું નથી. એ તો સમાજે નિર્માણ કર્યું છે અને સંસારના પરિતાપોથી પરેશાન થઈને હિંમત હારી બેઠેલી નારીએ એને પોતાનું બનાવ્યું છે. પણ એ ભૂલી જાય છે કે, જે કૂવો-તળાવનું નારી શરણ સ્વીકારે છે તે કૂવો-તળાવને માટે તે સાથે જ બદનામીનો ટીકો પણ મૂકતી જાય છે. લોકો એ નિર્દોષ કૂવા તળાવને ગોઝારાને નામે સંબોધે છે!'
અને મંગળાની હાથની પકડને મજબૂત બનાવતાં પંડ્યા માસ્તરે કહ્યું, ‘મંગળાને હું બેઠો છું ત્યાં સુધી એ માર્ગે નહિ જવા દઉં.'
‘ને તમે આ પાપને સાચવશો ? તમારા પવિત્ર જીવનને માથે કલંકની કાલિમા લગાડશો ?' મંગળાએ પૂછ્યું.
‘મંગળા,' માસ્તરનું હૈયુ મંગળાના શબ્દોથી વીંધાઈ ગયું હતું. એ વીંધાયેલા હૈયામાંથી કરુણા વહેતી હતી.
‘કહો તો?' મંગળાએ જવાબ દીધો ને પૂછ્યું, ‘જીવનભર તમે દાઝતા રહેશો મંગળાને રાખીને ? ’
‘ભલે, હું દાઝતો રહીશ, પણ મંગળાનું જીવન તો બન્યું રહેશે ને? લોકદૃષ્ટિએ મંગળા આંગળી ચીંધણું તો નહિ બને ને.’
ને મંગળાના દિલમાં વિશ્વાસ સ્થાપિત કરવા માંગતા હોય એમ માસ્તર ઊભા થયા. મંગળાના મલિન મુખ સામે જોઈને કહેવા લાગ્યા. ‘મંગળા ! મેં તારા પિતાને વચન આપ્યું હતુ, અને તેમને મૂંઝવતી તારા વિષેની ચિંતા મેં મારા માથે લીધી હતી. આજે એ બોજો હું ઉપાડીને તાપીશંકરના આત્માનું તર્પણ કરું છું.' અને તેના હાથમાં પ્રસાદને મૂકતાં બોલ્યા, ‘બદલામાં હું તારી પાસે માંગુ છું આ પ્રસાદની જવાબદારી તું ઉઠાવ!' આમ કહીને તેમણે પ્રસાદને તેને આપી દીધો, અને પ્રસાદના ગાત્રને રમાડતાં માસ્તરે કહ્યું, ‘બેટા, હવે તું ઓછો ઓછો ન થતો. હવે તને સાચવનાર મંગળા આપણી સાથે જ રહેશે. મારા ગયા પછી પણ તે તારાં જતન કરશે.’
નાનકડો પ્રસાદ માસ્તરની આવી ગંભીર વાતો કાંઈ સમજતો નહોતો. પણ માસ્તર સામે જોઈને તે હસતો હતો, ક્યારેક વળી ઊંચી ડોક કરીને મંગળા સામે પણ જોઈ લેતો, મલકાતો હતો.
‘મંગળા ! પાછી ફર. આ ઘર હવે તારું જ ઘર છે.' પંડ્યા માસ્તરે તેને આવકાર દીધો.
છતાં મંગળાનું ચિત્ત સ્થિર થતું ન હતું. જેમ જેમ તે માસ્તર વિષે વિચારતી હતી તેમ તેમ તેનું હૈયું ભરાઈ આવતું હતું. માસ્તરના દિલની ઉદારતા, એના ચિત્તતંત્રને હલબલાવી ગઈ. આ પુરુષ ! મોતની રાહ જોતાં જોતાં પણ એક નવયૌવનાનો કર પકડીને જીવનના અંતિમ કાળે સંસાર માણવા નીકળ્યો છે એમ કહીને લોકો તેમની પ્રત્યે તિરસ્કાર વર્ષાવશે, ફીટકાર પડશે, એ જાણવા છતાં પણ, હસતાં હસતાં પોતાને સાચવવા તૈયાર થયા છે. કેવા અદ્ભૂત ત્યાગી પુરુષ છે ?
અને સહસા તેણે માસ્તરના ચરણો પકડી લીધા. આંસુની ધારે એ ચરણોને પ્રક્ષાલિત કરતાં ગદ્ગદ કંઠે તે કહેવા લાગી, ‘માસ્તર ! તમે દેવ છો.'
અને ફરીને પાછો એનો આત્મા ડંખતો હોય એમ તે બોલી, ‘આવો દેવપુરુષ સમાજમાં તિરસ્કારને પાત્ર બને, લોકનિંદાનો ભોગ બને એ હું કેમ સહન કરી શકું?'
પોતાના ચરણો પાસે બેઠેલી મંગળાના મસ્તક પર પોતાનો હાથ મૂકીને એના દેહમાં જાણે નવું ચેતન ભરતા હોય એમ માસ્તર બોલ્યા, ‘મંગળા ! સમાજનો તિરસ્કાર મને ડગાવી શકતો નથી. લોકનિંદાથી હું ડરતો નથી. અને લોકપ્રશંસાથી હું ફુલાતો નથી. માત્ર મારું કર્તવ્ય પૂર્ણ કર્યાનો સંતોષ જ મારા માટે ચિર આનંદદાયી બની રહેશે.’
તેને ઊભી કરતાં કહ્યું, ‘ઊઠ, ઊભી થા ! હવે તારું કર્તવ્ય તારા પતિના જીવનને નવું બળ આપવાનું છે. તોતીંગ વૃક્ષના પાંદડાને જેમ પવનના ઝાપટા હલાવી મૂકે છે, ખળભળાવી દે છે તેમ તું જો લોકના કે સમાજના તિરસ્કારથી હાલીશ નહીં, ખળભળી ઊઠીશ નહીં, અને મસ્ત થઈને જીવીશ તો, પવનના ગમે તેવા ઝાપટા વચ્ચે પણ વૃક્ષ તૂટી પડતું નથી તેમ હું પણ લોકનિંંદા અને સમાજના તિરસ્કારના ઝાપટાંથી તૂટી નહિ પડું.'
માસ્તર જેમ જેમ મંગળાના ભાંગેલા દિલમાં ઉત્સાહના પૂર વહાવવા પ્રયત્ન કરતા હતા તેમ તેમ માંગળાના દિલમાં માસ્તર પ્રત્યેનો અહોભાવ જાગૃત થતો હતો. માસ્તર જે મક્કમતાથી ઊભી થનારી પરિસ્થિતિ સામે લડી લેવા તૈયાર થઈ રહ્યા હતા એ જોઈને મંગળાનુ દિલ દ્રવી જતું હતું. હજી પણ પોતાનું મન માનતું નહતું કે પોતે માસ્તરના ઘરમાં રહે, અને માસ્તરની બદનામીનું કારણ બની રહે.
તેના દિલમાં ડૂમો ભરાઈ આવ્યો. આંખોમાંથી આંસુ તો વહી શકતાં ન હતાં, પણ મૂંઝવણ વધતી જતી હતી. એ ડૂમા દ્વારા વ્યક્ત થતી હતી.
‘મંગળા ! હવે તું શા માટે નિરાશ થાય છે? હવે તું નિરાધાર નથી તો? હવે માસ્તર જેવો પુરુષ તારા જીવનનો સાથી બન્યો છે પછી તને ભય શો છે? હવે તારી સામે આંખ ઊંચી કરવાની તાકાત કોનામાં છે?'
ને મંગળાને ભૂતકાળ ભૂલી જવા માસ્તરે કહ્યું, ‘મને તારા પાપ વિષે જાણવાની જરૂર નથી. તું પોતે કોઈ પાપ માર્ગે ગઈ નથી જ એવો મને વિશ્વાસ છે. મારી મંગળાને હું ન ઓળખું એમ તે કાંઈ બને ? નાનપણથી તને બરાબર ઓળખું છું અને કોઈકના અત્યાચારનો તું ભોગ બની તેમાં તારો શો દોષ ? સ્ત્રી અંતે તો અબળા જ છે ને ? પુરુષની પાશવી તાકાત આગળ અબળાની તાકાત કેટલી ?'
‘પણ માસ્તર !'
‘ના, હવે મારે કાંઈ જ સાંભળવું નથી !'
‘તમારે સાંભળવું જ પડશે.'
‘ના, મારે કાંઈ જ સાંભળવુ નથી.' ફરીને માસ્તરે એટલી જ મક્કમતાથી કહ્યું.
‘પણ આ તો હળાહળ વખ છે.' મંગળા બોલી.
‘ભલે જે હોય તે !'
‘તમે એને જીરવશો ? વખના ઘૂંટડા ભરી જશો ?'
‘એમ કરવું અનિવાર્ય હશે તો એમ પણ કરીશ ! ! મંગળા, વખના ઘૂંટડા ભરતાં ભરતાં પણ મનને એક વાતનો સંતોષ હશે કે મારી મંગળાના જીવનને ખાતર જ હું વખના ઘૂંટડા ભરું છું.'
‘માસ્તર !' મંગળા આવેગમાં આવીને માસ્તરના ગળે વળગી પડી, તે બે હાથની માળા રચીને તેણે માસ્તરના કંઠમાં આરોપી દીધી અને એમની વિશાળ છાતી પર પોતાનું માથું નાંખી દીધું, બોલી, ‘માસ્તર, તમારા જેવો પતિ પામતાં મને જીવતરની કશી ચિંંતા થતી નથી.'
માસ્તર હળવે હળવે મંગળાની જુવાન કાયા પર પોતાનો કરચલીઓથી ભરેલો હાથ પ્રસારી રહ્યા હતા, પણ મંગળાની કાયાને એ ખરખચડો હાથ પ્રિયકર લાગતો હતો.
માસ્તર સ્વગત બોલતા હતા, ‘મંગળાને જો અમૃત મળતું હોય તો વખના ઘૂંટડા હું જરૂર પી જઈશ.’