લખાણ પર જાઓ

ખેતી (હિંદદેવીની પોતાના બાળકોને શીખામણ)

વિકિસ્રોતમાંથી
ખેતી (હિંદદેવીની પોતાના બાળકોને શીખામણ)
બ. ક. ઠાકોર
સવૈયાજાતિ


ખેતી
(હિંદદેવીની પોતાના બાળકોને શીખામણ)

રાજકાજ મૂકો ને પડતાં, નાખિ નજર જ્યાં પુગે નહિ.
દરિયાપારે ગિરિયો પાછળ રાજરમત સંતાઈ રહી, બાલક મ્હારાં.
શસ્ત્રઅસ્ત્ર ફેંકી દ્યો અગળાં, કર્યો ઘાવ જ્યાં ફળે નહીં :
આગ વીજના ગોળા ફાડે પર્વત, તમ ક્યમ શકો સહી ? બાલક મ્હારાં.
અને વળી નાકાંઓ ઘેરી જૉન બુલ્લ ઊભો હરિરાજ –
ફિકર ત્હમારે રાજકાજ ને શસ્ત્રઅસ્ત્રની શી છે આજ !

વેદ પુરાણ મહાવિદ્યાઓ મુકો ઉંચી છજલીએ હાલ,
કલમવિણા ને એવિ મોહિનીમાં પડવાનો નથિ આ કાલ, બાલક મ્હારાં.
જંગી સંચા જગ વ્યાપારો ત્હમે ન હજિ ખેડી શકશો, -
ગજૂં ત્હમારું વિચારશો કે આંખ મિંચી ફોકટ મથશો ? બાલક મ્હારાં.
અને વળી એ વિદ્યાઓ એ કલા અને એ વ્યાપારો,
કાલાતીત, ગમે તે કાળે, શક્તિ છતાં, કરવા વારો, બાલક મ્હારાં.

પેટપુરૂં મળતૂં નથિ ત્હમને, બાળ ત્હમારાં સુકાં તને,
જુવાન ફરતા ઘરડા વદને, સ્ત્રિયો ન જાણે જોબનને, બાલક મ્હારાં.
મહારોગ ને દુષ્કાલોએ નવો કેર વળિ વર્તાવ્યો,
દિવસ દિવસથી બારિક આવે, કલિયુગ ફરે ફુલ્યો ફાવ્યો, બાલક મ્હારાં.
કુદરત ને માનવની જોડી એકમેકથી હસે ફુલે,
ચકવા જોડી એ જ ખરી છે, વિયોગથી કરમાય ઝુરે, બાલક મ્હારાં.

પુરાણ પૂર્વજ હતા ત્હમારા વનવાસી, કૃષિ કરનારા,

ઢોર ઉપર મમતા ધરનારા, કઠણ નિયમમાં પળનારા, બાલક મ્હારાં.
દેશ જિત્યા, બહુ રાજ્યો સ્થાપ્યાં, – ધર્મ કળા ને વ્યાપાર.
શાસ્ત્ર ફિલસુફી હુન્નર નીતિ, કહો ન શૂં ઉતર્યા પાર ! બાલક મ્હારાં.
જંગલ ભેદ્યાં, પશુઓ રાની પાળ્યાં કૈં કૈંને માર્યાં,
અનાર્ય નરપશુ અસંખ્ય ટોળાં પવિત્ર પરસે ઉદ્ધાર્યાં; બાલક મ્હારાં.

નરહૃદયે સુર ને દાનવનાં સૈન્ય ઉભય વસતાં સાથે :
દાનવસૈન્ય હણી સુર પોષી પૌરુષજ્યોતિ ધરી માથે, બાલક મ્હારાં.
એહ જ્યોતિના બની ઉપાસક સેવક ધસ્યા નિડર જગમાં,
ખાળિ શક્યૂં નવ કોઈ એમને, – વધાવતા સૌ કો પગલાં ! બાલક મ્હારાં.
મ્હને મુકાવી પશુ અનાર્ય વિપિનો તમ ઘોર અધર્મોથી
ધસ્યા મુકાવા ખંડ અન્ય, – અટક્યા કેવલ જ્યાં ધરા ખુટી ! બાલક મ્હારાં.

શ્રમિત થયા, કંઈ લોહિ ઘસાયૂં, તિમિરજૂથ ત્યાં આવ્યું ચડી
મથ્યા બહૂ અર્ધૂ બેસાડ્યૂં, ઉપર આણ નિજ કરી ખરી, બાલક મ્હારાં.
પણ એ અર્ધા આર્ય રજપુતો પુરા આર્ય જ્યાં થયા નહીં
વળી તિમિરદલ ઊતર્યૂં ત્યાં તો આભ ત્રુટ્યો, ગઈ જ્યોતિ શમી ! બાલક મ્હારાં.
એહ જ્યોતિ પ્રકટાવો પાછી, એ પૌરુષ વર્તાવો ફરી,
કુદરતપ્રીત ફરી આદરતાં સમૃદ્ધ યુગ ઉગશે જલ્દી. બાલક મ્હારાં.

દુકાળ ઉપરાઊપર આવે, છળશો નહિ તેથી જ જરા,
મ્હારાં બાલક, તમ માટે છે મુજ ધાવણના અખુટ ઝરા ! બાલક મ્હારાં.
પણ અક્કલવાળા તે આર્યો, મુજ બાલક તે તે જ ખરા,
બેઅક્ક્લ લોકડિયાં મ્હારા અણમાનીતા પુત્ર ઠર્યા, બાલક મ્હારાં.
સમય વિચારો, સમય સુધારો, સમય વિશે સાવધ વર્તો,
‘ઉત્તમ ખેતી’ સુત્ર ત્હમારું પુરાણ પાછૂં ઉરે ધરો, બાલક મ્હારાં.

નવે ખંડની દેવીઓમાં બ્રહ્માએ હું પ્રથમ ઘડી,

સૌના બચપણની હું સાક્ષી, મુજ બચપણમાં હૂં જ છડી, બાલક મ્હારાં.
ભૂતકાલ પૂરો મેં દીઠો, ભવિષ્યમાં મુજ નજર તિણી,
માટે કહું છું ચેતો, ચેતો ! સાવધ બનો સમય જાણી ! બાલક મ્હારાં.
કોટિ તણી સંખ્યાથી જો જો ફોકટ ગર્વ ન ધરશો, બાળ,
મ્હને નવત્સી પરવત્સોથી કરશો મા આખર બેહાલ, બાલક મ્હારાં.

શ્હેરો ને શ્હેરી રોગો ને કંતાયેલાં શ્હેરી તન,
ટૂંકા જીવન, નિર્બલ કલુષિત શિથિલ બિચારાં શ્હેરી મન, બાલક મ્હારાં.
શ્હેરિ ગરીબી, શ્હેરી સુસ્તી, વ્યર્થ શ્હેરતણી જંજાળ,
શ્હેરી પાપો, શ્હેરિ જુઠાણાં, શ્હેરતણા કલહો કંગાળ,
એ સૌ ઉપાધિઓને છાંડો, એ માયાને પરી કરો,
હિત ને હિતનાં સાધન શાશ્વત સ્વચ્છ લોચને ઉરે ધરો, બાલક મ્હારાં.

વનો વસાવો, ખેડો ખેતર, રચો, વાડિયો, પશુ પાળો,
ખાતર બીજ ઋતૂ ચારા ધરતીના ભેદ પુરા ન્ય્હાળો,
નદિયો સાંધો, કૂપો ગાળો, સમુદ્ર વારી મિષ્ટ કરો,
જલમાં સ્થલ, સ્થલમાં જલ આણો, કુદરતનાથી મિત્ર કરો,
નીકો ખોધો, બંધો બાંધો, આગ વીજ ને રસાયનો,
ખનિજ સૃષ્ટિ વળી વાયુચક્રને અધીન કરિ ખપમાં આણો, બાલક મ્હારાં.

એ વનવાસ વિશે ઊછરતાં દૂધમલ્લ ત્હમારાં બાળ,
નહીં વ્યાઘ્રથી હઠશે પાછાં, નહીં એમને છળશે વ્યાળ, બાલક મ્હારાં.
ધોધ કુદી એ હસશે સામાં, નદીપૂર તરિ ઊતરશે,
ખરે બપોરે જોજન ખેતર લણી કણસલાં ઢગ રચશે, બાલક મ્હારાં.
જોબનપૂર વિશે એ આર્યો નિરખી જગ વિસ્મિત બનશે,
ભસ્મ થશે કલિયુગ આ ખંડે, નવીન યુગ ઝળકી રહેશે. બાલક મ્હારાં.

એ ખેતીના વિરામકાલે, રાતે ઉડુગણ નીરખતાં,

દિવસે કુદરતલીલા પીતાં, ઢોર જિહાં વિખરે ચરતાં, બાલક મ્હારાં.
વેદ નીતિ ને કલા પુરાણો ધર્મ ફિલસુફી વિશે તિહાં,
તર્કઘોડલા દોડી રહેશે, અવતરશે ઉપનિષદ જહાં. બાલક મ્હારાં.
ઋષિ દષ્ટાઓ યુગસ્ત્રષ્ટાઓ, પૌરુષ જય, આત્મા સ્વાયત્ત :
પ્રકટ થશે એ વનવાસે સાત્વિક બરકત ને શીલ સમસ્ત. બાલક મ્હારાં.