ગંગા - એક ગુર્જર વાર્તા/"ઉમરાવજાદાની દીકરી"

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કમળાના ઉભરા ગંગા - એક ગુર્જર વાર્તા
"ઉમરાવજાદાની દીકરી"
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
વઢકણાં સાસુજી →


પ્રકરણ ૫ મું.
ઉમરાવજાદાની દીકરી

વૈશાખ મહિનાની રાત્રિ ઘણી ટુંકી હોય છે. પરોઢિયાના પાંચ વાગતાંમાં જોઈયે તેટલું અજવાળું થાય છે. કિશોર, કમળા જ્યાં સૂતી હતી, તે ઓરડામાં ગયો ત્યારે પરોઢિયું થઈ ચૂક્યું હતું. એારડામાં જતાં તેને માલુમ પડ્યું કે, બહેન તદ્દન નિદ્રાવશ છે, તેથી તે બીજી બાજુએ ખુરસી લઈને બેઠો. પાંચેક મિનિટ થઇ નહિ તેટલામાં શેઠાણી ઓરડામાં આવ્યાં ને કિશેારને એકલો વિચારમાં બેઠેલો જોયો, એટલે તેમનું પાકી આવ્યું. પોતાના ખાનગી ઓરડામાં એક દીકરાને બેઠેલો જોવાને એક હિંદુ માતા રાજી થઈ નહિ. તે તેના મનથી ઘણું અમર્યાદિત લાગ્યું, હિંદુ માતાએ પોતાના દીકરાને પરણાવતી વખતે જે ઉમંગથી દીકરા વહુ તરફ પ્રીતિ બતાવે છે, તે ઉમંગ ને પ્રીતિ પછાડીથી રહેતી નથી. દીકરો ને વહુ એકેક તરફ સારા પ્રેમથી વર્તે તો સાસુજીના પેટમાં કોયલી પડે. મા કરતાં વહુનો એક શબ્દ વધારે સાંભળે ને અજાણતાં મા તરફ વિવેકથી જોવાયું નહિ તો દીકરાની છાબડી, વહુ સાથે કાપી નાંખવાને મા ચૂકે નહિ. દીકરો વહુ પોતાના ઓરડામાં બેસી એકાંતમાં વાતે કરે તો “વહુને મુવો વશ થયો;” “રાંડે કંઈ મારા લાડવાયા દીકરાને કરી મૂક્યું,” એવા અપવાદને પામે. ભોગ ચોઘડીયે કંઈ સારા વસ્ત્રાલંકાર તે પોતાની પત્ની માટે લાવ્યો તો પછી ઘરમાં રણસંગ્રામ નહિ મચે તો ખરે તે હિંદુ કુટુંબ જ નહિ કહેવાય !! દરેક હિંદુ સ્ત્રી સાસુ તરીકે સિક્કો બેસાડવાને એટલી બધી તો આતુર હોય છે કે, વહુના હાથથી જમવાને નારાજ હોય છે; એટલું જ નહિ પણ વહુને રાંધવાના કામમાં જ્યાં સુધી પોતાના હાથ પગ ચાલે ત્યાં સધી મદદ પણ કરવા દેશે નહિ. તે સાફ નિર્લજ્જપણે કહેશે કે “વહુને ફૂલો દેખાડિયે, ચૂલો ના દેખાડિયે.” આવા જ્યાં રંગ હોય ત્યાં પછી સાસુની વહુ તરફ કે વહુની સાસુ તરફ અગાધ પ્રીતિ કેમ બંધાય ? ને સાથે દમ્પતીમાં પ્રેમ કેમ વહે ? અને સાંગોપાંગ ઘરસંસાર કેમ ચાલે ? મોહનચંદ્રનાં ધણીયાણી, દીકરાવહુ વચ્ચે પ્રીતિ થાય, તેવું જોવાને કદી રાજી હોય, એ માનવા યોગ્ય નથી. જો કે તે પોતાની દીકરીને ધણીપર સિક્કો બજાવતાં શીખવવામાં પક્કાં ઉસ્તાદ છે. તેમની દીકરી ને દીકરા માટેની તાલીમ જૂદી જ છે. પણ સારાં ભાગ્યે તેમના જેવા ગૃહસ્થાઈથી વિરુદ્ધ તેમનાં દીકરી ને દીકરાના વિચાર હતા નહિ. તેઓ મોઢે હા કહ્યાં કરે, પણ કામ તો પોતાને મનમાન્યું જ કરતાં. કિશેાર તેના ઓરડામાં એકલો બેઠેલો ને તે પણ વળી વિચારમાં, શેઠાણીએ જોયો એટલે તેણે જાણ્યું કે તે ગંગાને અહિયાં મળવાને બેઠો છે. ત્રણ વરસે આજે કિશેાર ઘેર આવ્યો છે, ત્યારે કદી તે ગુણવંતી ગંગાને મળવાને આતુર હોય તો તેને તક આપવી જોઈયે, પરંતુ હમણાં કિશેારના રના મનમાં કે ગંગાના મનમાં એવો વિચાર હતો જ નહિ. કિશેાર માત્ર એટલો જ વિચાર કરતો હતો કે, કમળીની હવે પૂર જુવાની છે ને આ હાલની તેની દુ:ખદ અવસ્થા માત્ર વિધવાપણાથી જ છે, માટે તેનો શો ઉપાય કરવો. પણ શેઠાણીએ તો તરેહવાર વિચાર કીધા. તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “જોઉં, મુવો એ રાંડને કેમ મળે છે.” ખરેખર જો શેઠાણીનું ચાલે તો હજી બીજાં ત્રણ વર્ષ કિશોરને ગંગાનો વિયોગ રહે તેમ કરવાને ચૂકે નહિ; કેમકે ગંગા સદ્દગુણી, કહ્યાગરી, હોશિયાર અને આખી ન્યાતમાં સારું માન પામેલી હતી. પણ સૌથી વધારે મોટું કારણ એ હતું કે, તે પૈસાદાર માબાપની દીકરી હતી ને તેથી જ સાસુજી તેને દુ:ખ દેવાને રાજી હતાં.

પા, અડધો ને પોણો કલાક વીતી ગયો, પણ કિશોરે પોતાની વૃત્તિમાંથી મોઢું ફેરવ્યું નહિ ને શેઠાણી હાલ્યા ચાલ્યા વગર જ્યાંનાં ત્યાં ઉભાં રહ્યાં. અંતે શેઠાણી થાક્યાં, કેમકે છૂપાઈને એની જે જોવાની ધારણા હતી કે હમણાં ગંગા આવશે, ને બન્ને વાતચિતે વળગશે તે ખોટી પડી, તેથી કંટાળીને તે બેાલી:–

“અલ્યા કિશેાર, હવે ઓરડામાં જ ઘલાઈ રહેવાનો કે ? ” ઘણી કઠોર કડવાસ ભરેલી વાણીએ તે બોલી, “વહુ વહુ ઝંખી રહ્યો છે, પણ માબાપને મળવાનું કંઈ ભાન છે ? મને બોલાવી સરખી પણ નથી, ને પેલી નવાબ સાહેબની દીકરીને મળવા માટે – બહેનની ખબર લેવાને બહાને આવીને ભરાયો છે, પણ તે રાંડની પછાડી એટલો ઘેલો નહિ થા, તે તો નીકળી જવાની છે !! એ ઉમરાવજાદાની દીકરી માટે જે વાત ચાલે છે, તે મારાથી સંભળાતી નથી, તે થનથન નાચી રહી છે, તે કોઈ મુઆ જાંગલા બાંગલા સાથે નીકળી જશે ત્યારે તું સમજશે. તું તો વહુ વહુ કરી રહ્યો છે, પણ તે તને જરાય પત પણ કરવાની છે કે ? વાટ જોઈને બેઠો છે તે માટીનો ચાટલો જોવાને આવી કે ? મુઆ બળિયેલ, વિચારમાં ગોથાં ખાજે, તે તો તારા માથાની છે. નથી માને મળ્યો, નથી બાપને મળ્યો ને કલાકના કલાક થયા તારી સગલીને અહીં મળવા આવીને ભરાયો છે, તે આવી કે ?” અામ થોડા શબ્દોમાં પોતાનો ઉભરો સમાવી સારી પેઠે પ્રાતઃકાળની પુષ્પાંજલિ ત્રણ વરસે ઘેર આવેલા દીકરા૫ર શેઠાણીએ કીધી !

“માજી, બાપાજી ઉઠ્યા ?” જાણે પોતાની મા કંઈ બોલી જ નથી, તેવે ઠંડે સાદે કિશેારે સવાલ કીધો, “મેં ધાર્યું કે, પહેલાં કમળા બહેનને મળીને પછી પિતાજીને મળું. તમને તો હું કહીને આવ્યો છું. પિતાજી જાગ્યા હશે, ચાલો માજી દીવાનખાનામાં, હજી બહેનને જાગતાં વાર લાગશે.”

“તારા બાપ તો ઉઠશે જ તો, હવે બાપને મળવાને તૈયાર થયો છે, આટલી વાર તે યાદ સરખા પણ નથી આવ્યા. અમારા જીવ કેટલા તલ્પી રહ્યા હતા, પણ અમે તે કંઈ હિસાબમાં છીએ ? હવે તો મરીએ તો જ છૂટકો થાય. આ દુઃખ તો નહિ ખમાય, વહુઓએ તો અમારા કહાર પાડી મૂક્યા છે, પણ આ દીકરાઓ પણ તેવા થયા છે, એટલે પછી અમારા નસીબનો વાંક ! નથી મને કોઈ પૂછતું, નથી કોઈ ગાછતું. અમારા મૂઆ જીવતાંની પણ ખબર કોણ લે છે ? આટલીબધી વાર કઈ રાંડની મોકાણ માંડવા બેઠો હતો ?” હજી પણ આપણા મોહનચંદ્રનાં ધણીયાણીનો ગુસ્સો નરમ પડ્યો ન હતો.

“માજી! બહુ કૃપા થઈ, મેં શું ગુન્હો કીધો છે કે તમે સવારના પહોરમાં મને આમ કહો છો ?” ઘણી નમ્રતાથી, જાણ્યું કે હમણાં વધારે બેાલવાથી પાછું વધારે સળગશે, એમ ધારી ધીમે સાદે કિશેારે જવાબ દીધો, “તમારા તરફ મારાથી કંઈ અઘટિત થયું હોય તો-”

“ચૂપ રહે મૂવા ભાંડ-” જો લાંબાં લાંબાં ભાષણો કરીને મને મુઓ સમજાવવા આવ્યો છે ! કરપા મુઆ તારી મને નથી જોઈતી ને તારાથી મારે પેટે પથ્થર પડ્યો હોત તો ભલો, પણ આ તારી પેલી બેગમ સાહેબ મને આટલાં આટલાં વાનાં કહે ને વિધવિધનાં મહેણાં મારે, તે મારે સાંભળવાં ! એ વહુએ મારું નામ ડૂબાવ્યું. એ ગવંડરની દીકરી છે તો એને ઘેર રહી, મારે ત્યાં નહિ પાલવે. મારા અવતારના થઈ ગયા છે. ન્યાત જાતમાં મારાથી મોં કાઢીને બોલાતું નથી, તે છતાં એ રાંડને એક શબ્દ કહેતો નથી ને મુઓ ગુન્હા ને બુન્હાની વાતો પૂછે છે !!! પૂછને તારી રાંડને, કે આજ બબે મહિના થયા તે બંનેએ મારી સામા સંપ કરીને ઝગરણ શા માટે માંડ્યા છે ? ને આ રાંડને (પોતાની દીકરીને) પણ શીખવીને મારી સામા કીધી છે. હવે તે હું કીયે મોઢે બોલું ? જ્યાં પેટ પાક્યું ત્યાં પાટો ક્યાં બંધાય ? અમે તો મરીએ તોએ ભલાં. આજકાલની રાંડો નહિ ઘટે તેવા શબ્દોથી સામા તડાતડ ઉત્તર આપે છે. હવે મારો તે અવતાર છે? બળ્યા અમારા અવતાર ! રાંડ મઢમ થઈને નીકળી જશે ને મુઆ તું પછી જોયા કરજે ! જજે તેની પાછળ ઝખ મારતો ! હત્ તારું સત્યાનાશ જાય મૂવા નિર્લજ્જ !” આટલું બોલતામાં તો શેઠાણીએ છેડો વાળવા માંડ્યો.

એ સઘળું એક નવું તૂત જ ઉભું કીધું હતું. ગંગાએ તો સાસરાના ઘરમાં પગ મૂક્યો, તે દહાડાથી ઊંચે કે નીચે સ્વરે એક શબ્દ પણ મોં બહાર કાઢ્યો નથી, તો પછી લડવાની તો વાત જ શી ? પણ આમ ઉશ્કેરીને પોતાની વહુ સાથે દીકરાને લડાવવા, એક સાસુ જેટલા પ્રપંચ ને ઢોંગ કરે તેટલા ઢોંગ લલિતા શેઠાણીએ કરી ઘર ગજાવી મૂક્યું.

કમળા જાગી ઉઠી. તુળજા, વેણીગવરી ને છોકરાં પણ જાગી ઉઠ્યા. મોહનચંદ્ર પડશાળમાં દાતણ કરતા હતા તે ચમકી ઉઠ્યા; ને જ્યાં શેઠાણીએ ઢોંગ મચાવ્યો હતો ત્યાં ઘરના ચાકર નકરો સાથે સૌ દોડી આવ્યાં. ગંગા પણ દોડી આવી. સૌને એમ લાગ્યું કે, કમળા બહેનને કાંઈ થઈ આવ્યું હશે. પણ ઓરડામાં પેસતાં જ કમળાને કોચપર તંદુરસ્ત હાલતમાં બેઠેલી જોઈ કે, આ શું છે, તે કોઈને પૂછવાનું કારણ રહ્યું નહિ, સૌ સમજી ગયાં કે, શેઠાણીએ કંઈ નવો ઢોંગ કીધો છે. ગંગા સૌથી વધારે ગભરાઈ. તે કંઈ પોતાથી ગુન્હો થયો છે તેથી નહિ, તેનાથી કંઈ અણઘટતું થયું છે તેથી નહિ, કંઇ ભૂલ કે અવિવેક માટે નહિ, પણ પોતાનો પ્રિયતમ હજુ હમણાં આવ્યા છે, રાતનો ઉજાગરો થયો છે, તેમાં પ્રારંભમાં જ આ ગડમથલ ચાલી, તેથી રખેને પ્રિય પતિને તેને માટે, તેની વર્તણુક કે મર્યાદા માટે શંકા આવે; રખેને તે એમ ધારે કે, તેનાં માતપિતાની મારાથી કંઈ અવગણના થઈ છે - તેથી તે ગભરાઈ.

મોહનચંદ્ર ઘણા ગુસ્સામાં દોડી આવ્યા. તેમનો મિજાજ રાતનો જ ગયો હતો, તેમાં સવારના પહોરમાં આ નવો મામલો જોઈને તે ઘણા ખીજવાઈ ગયા.

“વળી શી મોકાણ મંડાઈ છે કે સવારમાં આ રડારોળ કરી મૂકી છે;” ઘણા ખીજવાટ સાથે તેઓ બેાલ્યા. “સવાર, સાંઝ, વખત કવખત આ ઘરમાં તકરાર ને લડાઈ ! ઓ પરેસાન ! તારું મોઢું બાળ, કે સૌને સુખ થાય. હજી તો હમણાં હું ઉઠ્યો છું, તેટલામાં આ તારા દાદાના નામની પોક મૂકતાં તને શરમ નથી લાગતી ? જરા મોઢું ઢાંક, ને શરમા ! રોજ રોજ સંતાપવું હોય તો તારું કાળું કર, કે સૌને નિરાંત થાય.” આ બધા શબ્દો મોહનચંદ્ર એટલા તો ગુસ્સામાં ઝડપથી કહ્યા કે સૌ સાથે શેઠાણી પણ ક્ષણભર સડક જ થઈ ગયાં. પણ તે કાંઈ એમ ગાંજ્યાં જાય તેવાં નહોતાં. ભલા ધનેત્તરને પૂરાં પડે તો પછી એમના શા ભાર !

“આ બધા દુશ્મનો સાથે તમે પણ મારો જીવ લેવાને તૈયાર થયા છો કે ?” તેમણે દાંત કચકચાવીને કહ્યું. “શું હવે મારું કોઈ નથી જ કે ? ગઈ રાતના જ તમે તાનમાં આવ્યા છો અને આ બધી કર્કશાઓને છકાવી દીધી છે, પણ એમ નહિ ચાલે, નહિ ચાલે. હું તમારું કે તમારાં વહુ દીકરાનું નહિ સાંભળું.”

“ચુપ કમજાત ! અભાગણી !” એકદમ તેને બોલતી અટકાવીને મોહનચંદ્રે ડોળા ફેરવ્યા ને આ વખતે તેમનો ગુસ્સો એવો તો સખ્ત હતો કે, લલિતા શેઠાણીનો વાંસો, પાસે પડેલી લાકડી હાથમાં લેતા હતા તેથી બેવડ કરત. પણ તરત કિશેારે ઉઠીને મોહનચંદ્રને શાંત કીધા ને બીજા ઓરડામાં તેમને તેડી ગયો. હવે શેઠાણી ખૂબ ઉછળ્યાં, ને ગાળો દેવામાં કશી કચાસ રાખી નહિ. પાછાં સૌ એારડામાં વિખરાઈ ગયાં; ને લગભગ અડધો કલાક સુધી તે એકલી બખારી, પછી થોડીવારે ઉઠીને દીવાનખાનામાં ગઈ.

મોહનચંદ્ર ઘણો દિલગીર થયો, પણ પોતાનો સુપુત્ર પાસે હતો તેથી તે કંઈક શાંત થયો. પડશાળમાં જઈને બંને જણાએ દાતણપાણી કીધાં. પાછા બન્ને કમળા પાસે આવ્યા, ને તે વેળા કમળાની અાંખ તદ્દન ભીંજાઈ ગયેલી હતી. તે ડુસ્કે ડુસ્કે રડતી હતી. કિશોરે ઘણા અાગ્રહથી તેને પૂછ્યું, પણ કેટલોક વખત તે કંઈ બોલી નહિ, પણ જ્યારે ઘણા સમ ખાધા ને આગ્રહ ધર્યો ત્યારે, કહીશ, એમ જણાવ્યું.

વેણીલાલ, કિશોર ને મોહનચંદ્ર એ જ ઓરડામાં તે પછી વાતો કરવા લાગ્યા. બીજાં સૌ પણ કમળા બહેનની ખબર લેવાને નિમિત્ત ત્યાં આવી બેઠાં હતાં, ત્યાં જ ચાહ લાવવાનું કહેવાથી ગંગાએ તૈયાર કીધી હતી તે લાવી. પ્યાલાં ને રકાબી મૂક્યાં ને સાસુજીને બોલાવી લાવવા ગઈ. રોષ ઘણેાએ હતો, પણ આગલે દિવસે રાતના વાળું કીધું નહતું એટલે પેટમાં કકડીને લાગી હતી, તેથી ઉઠીને તેઓ આવ્યા. ઓરડામાં આવીને એક બાજુએ બેઠાં. તેમના ડોળા ખૂબ ઘુરકતા હતા. સઘળાં ચાહ પી રહ્યાં ને ગંગાએ પ્યાલા રકાબી ઉઠાવ્યાં, તેવામાં એક રકાબી હાથમાંથી છટકીને ભાંગી ગઈ !!

કજીયાદલાલ કર્કશા સાસુજીનું હવે પૂરતું ચઢી વાગ્યું ને લડવાને માટે જે બારી શોધતાં હતાં તે હાથ લાગી. તેઓ ખૂબ જોરમાં બોલી ઉઠ્યાં;

“આ તે કેમ ખમાય ? રોજ એકેક બબે પ્યાલા રકાબી ભાંગે ને વાસણો જાય તે કેમ ખમાય ?” “સાસુજી ! રોજ ક્યારે પ્યાલા રકાબી ભાંગ્યાં છે ?” કંઈ કમબખ્તીએ ઘેરી હશે તેથી ગંગા બોલી, “મારા જાણવા પ્રમાણે તો હમણાં કંઈ નુકસાન થયું નથી ને ચાકરો પણ વાસણકુસણુની બરાબર સંભાળ રાખે છે.”

“ત્યારે હું જૂઠી? હું બોલી તે જૂઠું, ને તું લૂંડી બોલી તે સાચું !! વાસણ ગયાં નહિ ત્યારે હું આપી આવી ? હાય હાય રે બાપ ! વહુઓ તો મારે માથે આળ ચઢાવે છે, હવે એ કેમ ખમાય ? હું રાંડ ચોર, આજે મને ચોર કરી તો કાલે તો કોણ જાણે મારે માથે કેવાંએ આળ મૂકશે. હવે આ ઘરમાં મારાથી નહિ રહેવાય, મને તો મારી નાંખવાનો ત્રણે વહુઓએ સંપ કીધો છે. તે મને જીવતી જવા નહિ દે; મારો જીવ લેશે જીવ, ત્યારે જંપીને બેસશે ! આ તો મને ઘરમાંથી કહાડી મૂકવાનો ઘાટ ઘડ્યો છે.”

“સાસુજી, તમે આમ ન બોલો, વારુ મેં આપને એવું તે શું કહ્યું કે, આ૫ આટલાં બધાં મને ભાંડવા તૈયાર થયાં છો ?” ઘણું નમ્રતાથી ગંગાએ કહ્યું.

“જો ઉમરાવજાદાની દીકરી બોલી !” શેઠાણીએ નાકનું ટીચકું ચઢાવી ઠુંગરાટ કીધો. “પૈસાદારની દીકરી છે, તેમાં તું મને સતાવે છે ? પણ તારા બાપના કંઈ અમે એશિયાળાં છીએ કે તું ધનપાળશાહ ગેાડીની દીકરી છે તે મને ખબર છે. નાચણવેડા થોડા કર, અત્યારમાં ફાટી શાની જાય છે ? અહંકાર તો કોઈના રહ્યા નથી ને રહેવાનાએ નથી. રાજા રાવણ સરખો રોળાઈ ગયા તો તારો બાપ તે શા હિસાબમાં ! મુઓ તારો બાપ કંઈ અમને કામનો છે ? તારા બાપની શેઠાઈ તેને ઘેર રહી, તે મોટો છે તો તેને ઘેર રહ્યો. અમારે શું તેને તાપીમાતામાં ચઢાવવો છે ? છાકટી જેવીઓ તડતડ જવાબ દે છે ને આ મુવા ભડવાઓ જોયા કરે છે; પણ એ રાંડો નીકળી નહિ જાય તો મને દશ ખાસડાં મારજો. અત્યારથી તો રામજણીના વેશ કરે છે, તેમ ચેાટલો ને ચાંદલો તો સવારના પહોરમાં જ કરવો જોઈએ. લૂગડાં ઘરેણાં પણ પહેરવાં જોઈએ ! પણ એક રાંડનો તો બાપ પૈસાદાર છે તે જેમ કરશે તેમ તેને પાલવશે, પણ આ રાંડ ભીખારડાની દીકરી પણ તેનું જોઈને શીખી છે. તે પણ હવે ગાટપીટ સાટપીટ શીખવા બેસે છે. કઈ દોલત૫ર ફાટી જાય છે તે તો જાણતી નથી. ભીખારીની દીકરીને બરો કેટલો છે?”

“તમારો બાપ ભીખારી હતો તે તમને યાદ આવતો હશે;” તુળજાગવરી બોલી ઉઠી, કેમ કે શેઠાણીએ છેલ્લા શબ્દો તેને માટે કહ્યા હતા. “ખબરદાર, મારા બાપનું નામ દીધું તો, તમારી વાત તમે જાણી. તે કંઈ તમારે બારણે ખાવાબાવા આવે છે ? તે તો તમારે બારણે અ-એ નહિ આવે ! જાણ્યું?”

“ધનપાળશાહની દીકરી ! તને જાણું છું, ભાગોળે બેસીને તારો બાપ ભીખ માગતો હતો, તે આજે વેપારી થઈ પડ્યો છે તેથી છકી ગઈ છે. મારા બાપ સુધી ગઈ, પણ તારી ઓલાદ તો સારું ગામ જાણે છે. અંગ્રેજી શીખીને પેલા જાંગલાએાને ત્યાં ભઠીયારું કરવા જા. મારા બાપને કહેતાં તને લાજ નથી આવતી કુભારજા !”

“જેટલી તમને તેટલી મને–” પણ તુળજાને તરત વધારે બોલતાં કિશોરે અટકાવી.

“મોટી ભાભી, બહુ રૂડું કરો છો ! ઠીક ઠીક.” આટલું તે બોલી નહિ રહ્યો, તેટલામાં તો સલજ્જ થઈ તુળજા, ગંગાની પછાડી ચાલી ગઈ. થોડા વખત મનમાં ને મનમાં ફુંગરાઈને લલિતા સાસુએ ખૂબ ગાળો દીધી, પણ અંતે થાકીને બળિયલ ચેહેરે હેઠળ ગઈ. દાદરેથી ઉતરતાં ઉતરતાં પણ તેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે, “માટીઓની હુંફપર ફાટી ગઈ છે, પણ હું ખરી કે એમનો બરો ભાંગું !! "ગંગાએ આ સાંભળ્યું ને તે ઘણી દિલગીર થઈ.