ગંગા - એક ગુર્જર વાર્તા/અવ્યવસ્થા

વિકિસ્રોતમાંથી
← મોતનું બીછાનું ગંગા - એક ગુર્જર વાર્તા
અવ્યવસ્થા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
ગર્ભવતી ગંગા →


પ્રકરણ ૧૯ મું
અવ્યવસથા

મોહનચંદ્રની મરણ ક્રિયા વીતી કે એક દિવસ સવારમાં ટપાલનાં સિપાઇએ લાવીને એક પત્ર કિશોરના હાથમાં આપ્યો. તેમા એના ઉપરીએ તરત મુંબઇ આવવાને જણાવ્યાથી ઘણી ચટપટી થઇ. ગંગાએ ઘણીક રીતે તેના ઉદ્વેગને શાંત પડ્યો, પરંતુ મનમાં જે સજ્જડ ફિકર પેઠી તેથી તે એકદમ શાંત થયો નહિ. ઘરની સઘળી સંભાળ તેને માથે આવી પડી હતી. આ બોજો જિંદગીની શરુઆતમાં તેને ઘણો ભારે થઇ પડ્યો. વડીલ બંધુ કેશવલાલનો પગાર ઘણો કમતી હતો, ને તેની સ્ત્રી તુળજાનો તેનાપર ઘણો સક્કો બાઝતો હતો તેથી ઘરમાં તે પૈ પણ આપવાને અખાડા કરતો હતો કવચિત્ તે પાંચ પચીસ રૂપીયા મોકલતો હતો. એથી સઘળી પીડા કિશોરને હતી, ને તેને દુ:ખે ચાર દિવસમાં એ બહુ દુબળો થઇ ગયો.

જે દિવસે પોતાના સિનોરનો પત્ર મુંબઈ આવવાનો આવ્યો તે જ દિવસે ગંગાના પિતાજી તેને મળવાને સૂરત આવ્યા. ગંગા પોતાના પૂજ્ય પિતાનાં દર્શન લેવાને ઘણી આકરી ને અધીરી થઇ ગઇ તેથી જેવા માણસે આવીને તેમના આવ્યાના સમાચાર કહ્યા તેવી જ તે દોડી. કર્કશા સાસુજીને તો તે ઘણું વસમું લાગ્યું, ને બડબડાટ ચલાવ્યો. તેણે કહ્યું કે “દોડી બાપને ભોંય નાખવા ! જોની રંડાને કંઇ શરમ છે કે સાસરાના ઘરમાં કેમ વર્તવું ! અમારાએ બાપ હતા પણ અમે તો એવાં ગાંડાં નહોતાં કાઢતાં.” આવા આવા ઘણા અપશબ્દો કહ્માથી ગંગાને લાગ્યું તો ઘણું પણ આ સમય બેાલવાનો નથી, એમ ધારી મૂંગી મુંગી ચાલી ગઇ. કિશેાર પણ આગળ ધસ્યો, ને પોતાના વડીલને ઘરમાં લાવીને બેસાડ્યા.

“કેમ શરીરે તો આરોગ્ય છેાની?” બિહારીલાલે પૂછ્યું.

“આપની કૃપાથી કુશળ છું. કંઇ પત્ર વગર એકદમ પધાર્યા ? આપને ત્યાં તો સર્વ કુશળ છેની?”

“તમને તથા ગંગાને ઘણો વખત થયા મળ્યા નહોતો તેથી એકદમ ચાલ્યો આવ્યો છું. પાછા પૂને જવાનો વિચાર છે, કેમકે સોલાપુરના સબ જડજની જગ્યા ખાલી પડે છે તેપર સારો ચાન્સ છે, ને જો જગ્યાપર હોઇએ તો હક સંબંધી ધ્યાનમાં રહે.” આ વગેરે ઘણીક પ્રેમભરી વાતો થયા પછી બંને છૂટા પડ્યા. ગંગા પોતાના પિતાને પૂર્ણ પ્રેમથી મળી. બિહારીલાલે ગંગાને જણાવ્યું કે “કિશોરની તબીયત ઠીક રહેતી નથી, માટે પૂરતી સંભાળ રાખજે ને એને જરાપણ પૈસા સંબંધી પીડા ભોગવવા દેતી નહિ.” એમ કહીને, રુ. ૧૦૦૦ ની બેંકનોટ આપી. બીજે દિવસે બિહારીલાલ તથા કિશોર મુંબઇ ગયા. ઘરમાં સઘળું અવ્યસ્થિત હતું. ઘર ખટલાની દુગ્ધામાં પડ્યાથી તેનું કામ ઓફીસમાં ઘણું ચઢી ગયું હતું. આ કામની ઉકેલ કરતાં એ શરીરે ઘણો નંખાઈ ગયો, પણ કશી દરકાર રાખી નહિ દર માસે પોતાના પગારમાંથી બચાવીને થોડા ઘણા પૈસા ઘર ખર્ચને માટે એ મોકલવાને ચૂકતો નહોતો. જો કે ગંગાએ ઘણી વેળાએ લખી જણાવ્યું હતું કે તમારે ઘરની જરા પણ ચિંતા રાખવી નહિ, તથાપિ એનાથી તો કરકસર કર્યા વગર રહેવાતું નહિ.

ઘર તો છેક જ બગડી ગયું. ગંગાની વૃત્તિ, ગમે તેવી સારપ તરફ હતી, તો પણ પોતાના પ્રિય પાસે જવાને ઘણી આતુર હતી. તે આતુર હોય તેમાં આશ્ચર્ય નથી. લલિતાબાઈને માથે જે ધાક હતો તે જતો રહ્યો તેથી તે વહુઆરૂએાને ઘણી પજવવા લાગી, તેમને હસ્કે ને ટસ્કે મહેણાં મારે, ગાળો ભાંડે, ને વાત કરતાં જે વસ્તુ હાથમાં આવી તે ફેંકે. વિધવાપણામાં જે શાંતિ રાખવી જોઇએ તેમાં એનામાં લેશ પણ નહોતી. એ તો પેલી કહેવત પેઠે “રાંડી કુંડી ને માથે મુંડી; હાથે પગે અળવી થઇ, પણ ધણીની ઓશિયાળ ગઇ !” તેમ દુઃખ પડ્યું, પણ સ્વતંત્ર, મસ્તાના ગોધા જેવી તે બની. તુળજા સામી તડાતડ ઉત્તર દેતી હતી, ને કમળી તથા વેણીગવરી મુંગે મોઢે સાંખી રહેતી હતી, પણ સૌ ઘણાં કંટાળી ગયાં હતાં. કિશેાર ગંગા પાસેથી ઘરનો વૃત્તાંત જાણવાને હમેશાં લખતો, પણ “સૌ ઠીક છે, સમા પ્રમાણે” એ સિવાય બીજી કોઈપણ હકીકત તે લખી જણાવતી નહિ. પણ એક વખત ઘણી રીતે કંટાળવાથી આ પ્રમાણે પત્ર કિશેારપર લખ્યો: “નેત્રમણિ પ્રાણપ્રિય-આપના કુશળપત્ર સદા મળે છે, પણ સાંભળ્યા પ્રમાણે પ્રિયની આરોગ્યતા કુશળ નથી. તમારે ઘરની ચિંતા કાઢી નાખવી. ઘરમાં અરાજકતા-અવ્યવસ્થા છે, સાસુજીનો ત્રાસ હવે વેઠાતો નથી. પણ પ્રાણવલભ, તેથી એમ મા ધારશો કે આ દાસી તમારી માતાનું પાદસેવન કરવે આળસ રાખે છે. આપે હમણાં ૩૦૦ ઘરના ખર્ચ માટે મોકલ્યા છે. હજી તો ગયાને માત્ર ૩૦ દિવસ થયા નથી તેટલામાં એ રકમ ક્યાંથી આવી તે મને સમજાતું નથી. દુ:ખે તમે દુબળા થયા છો, તે શું આવી ફિકર હવે તમારે રાખવી જોઇએ ? હે પ્રિય વલ્લભ ! તમે મને જણાવશો કે હાલમાં આટલી બધી ફિકર કેમ પડી છે ને મેં શું તકસીર કીધી છે કે તમારા ભાગ્યમાં ભાગ લેવાને મને તેડાવતા નથી ? તમારે કારણે મારું ઝરઝવેરાત અને તન મન સૌ આપવાને તત્પર છું. તમારા દુઃખના કંઇ પણ સમાચાર જાણું છું એટલે પ્રિય, મને અન્ન ઝેર સમાન લાગે છે, નિદ્રા આવતી નથી ને સર્વસ્વ ત્યાગ કરું છું, કૃપાનાથ ! મને તમારા દુ:ખનું કારણ જણાવશો. ઘરની સઘળી ફિકર તજી દેશો. મારા શિરપર તમે જે જોખમ મૂક્યું છે તે મને સંભાળવા દેશો. હું ઘરની વ્યવસ્થા કરીશ. મારા પિતાજી અત્રે આવ્યા હતા ત્યારે મારા હાથમાં રૂ ૧૦૦૦ ની નોટ મૂકી ગયા છે - જે પૈસા મેં તમારા ચરણ નજીક મૂક્યા છે. હું તેમાંથી સર્વ રીતે ખટલો ચલાવીશ, એ પૈસા તમારા જ જાણજો; ને હવે કદી પણ પૈસા મોકલવા શ્રમ ઉઠાવતા નહિ, તમે આવ્યા ત્યારે પગારમાંથી સતલડો લેવા કહ્યું હતું, પણ હવે તે લેતા નહિ, મને તેની કશી જરૂર નથી. આપ છો તો સર્વ છે; નિરંતર પ્રેમ ને પત્ર જારી રાખશો.

તમારી વાહાલી
સુરત તા. ૧૦ મી
ગંગા."
ડીસેમ્બર ૧૮૭૭

આ પત્ર વાંચતાં કિશોરનું કુમળું કાળજું ઘણું ભરાઇ આવ્યું. તેટલામાં મોતીલાલ આવી પહોંચ્યો, તેને પોતાના મિત્રની વિપત્તિ માટે બહુ લાગ્યું. બંને જણ રડ્યા. મોતીલાલે ખુલ્લું કહ્યું કે હવે આવી રીતનો જુલમ નહિ સંખાય, પણ હશે, નિરુપાય છીએ. કોઇ પણ રસ્તો લાવી ઘરમાં આનંદ વ્યાપે તેમ કરવું જોઇયે, એમ ઠરાવ કીધો.

ન છૂટકે ગંગાની સલાહ કિશેારે માન્ય રાખી. ઘરની સઘળી ખટપટમાંથી તે મોકળો થવાને તૈયાર થયો, પણ લલિતાએ કેાઈને સુખે રોટલો ખાવા ન દીધો. “શું હું લેાંડીના રોટલા ખાઇશ !” એવા ગુમાનમાં તેણે ગંગાનાં કરેલાં સઘળાં કામોને વગોવવા માંડ્યાં. કિશેાર એક રવિવાર સૂરત આવ્યો પણ જે કાચ ફૂટ્યો તે પાછો સંધાયો નહિ. મોહનચંદ્રના ઘરની અવ્યવસ્થા તે પાછી સુવ્યવસ્થા થવા પામી નહિ. કોઇપણ દિન એવો ઉગતો નહિ કે સુખે જંપીને રોટલો ખાધો હોય, સાસુ ને વહુને લડાઈ ને દીકરીને લડાઈ, દેરાણી જેઠાણીને પણ લડાઈ, ને પછાડીથી ભાઈઓ ભાઈઓમાં પણ ઝગડો જાગ્યો. કેશવલાલે ઘણા વખત સુધી પોતાની માના ઝોંસા ખાધા, ને તુળજાને ઘણી પજવવામાં આવી, પણ હવે તે તો કંટાળી ગયો. ઘણા કઠોર શબ્દો તેણે પોતાની માતાને કહ્યા, ને જો તેમાં તેનો દોષ થોડો હતો પણ એથી ઘરમાં કંકાસ વધ્યો. તુળજા ઘણી વઢતી, ને ગંગા વારતી, પણ હવે તે વારી રહી નહિ. કોઇ વખત તો શેઠાણી સાથે જોઇયે તેવું શબ્દયુદ્ધ થતું ને ઘરમાં રાંધ્યું ધાન ખાધા વિના રહેતું હતું. કોઇ વખત શેઠાણી ભૂખ્યાં કડાકા ખેંચતાં તો કોઇ વખત તુળજા ને તે સાથે બીજાં બધાં કડાકા ખેંચતાં.

જે ઘરમાં રોજની વઢવાડ જાગે ત્યાં કદી પણ શાંતિ હોય નહિ. વેણીગવરીપર લલિતાબાઈ પછાડીથી ઘણું હેત બતાવતાં ને વેણિયાને મા બહુ લાડલડાવવા લાગી; તેથી તે પોતાની માનો કહ્યાગરો થયો. કદી મદી ગંગા પૈસાના સંબંધમાં વાત બેાલતી તો એ ત્રણે ટોળે મળીને લડતાં. ગંગા ઘણી રડતી. તેનાથી એક પણ શબ્દ બોલાતો નહિ, પણ ઉલટી સૌ પાસે જઈને હાથે પગે પડતી. તે મનમાં ઘણી મુંઝાતી હતી; ને સૌ એક સંપ થઈને ઘરમાં આનંદ કરે તેવું કરવાને ઘણી મેહેનત કીધી, પણ વ્યર્થ. કોઇ સમજ્યું નહિ. કિશેારને એ વિશે ખબર કરવી એને ગમી નહિ, કેમકે તે એકતો પીડામાં હતો ને એ હકીકત જણાવવાથી તે વધારે દુ:ખી થશે એમ એને લાગ્યું.

તુળજાને ઘણીક રીતે પજવવાથી કેશવલાલે પોતાના પિતાનું ઘર હંમેશને માટે તજ્યું ને જે ઘર હંમેશાં સુખ શાંતિમાં રહેવું જોઇયે તે ઘરમાં પૂરતી ફાટ પડી. હવે ગંગાની સાથે સાસુજીયે જોબરીયા લેવા માંડ્યા, તેથી તે ઘણી કંટાળી ત્રાસ પામી, ઘરની પીડાથી તે બહુ માંદી પડી, પણ કોઈએ જરા પણ બરદાસ્ત લીધી નહિ, બિચારી શ્રીમંત સદગુણી પિતાની એકની એક લાડકવાઇ દીકરી બે દિવસ સુધી પોતાના શયનગૃહમાં એકલી પડી રહી, પરંતુ ઘરનાં કોઈયે આવીને ખારું પાણી સરખું પૂછયું નહિ !!