ગંગા - એક ગુર્જર વાર્તા/કમળાના ઉભરા

વિકિસ્રોતમાંથી
← કમળાની મૂર્છા ગંગા - એક ગુર્જર વાર્તા
કમળાના ઉભરા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
"ઉમરાવજાદાની દીકરી" →


પ્રકરણ ૪ થું
કમળાના ઉભરા

આ પ્રમાણે મોહનચન્દ્રના કુળનો ઇતિહાસ છે, કે જેમના વડવાઓનાં નામ ઠેઠ દિલ્લી દરબાર સુધી નોંધાયાં છે. શાહના કુટુંબીઓએ પછીથી મોટો વેપાર કીધો, ને રાજ્યનો પણ પૂરતો વિશ્વાસ હોવાથી તેઓ પોતાના વેપારમાં ઘણા વધ્યા. અંગ્રેજ સરકારમાં સારી આબરુ પડી ને સૌ પ્રકારના વિશ્વાસપાત્ર હોવાથી પૈસો પણ પુષ્કળ થયો હતો. તેમની ૧૫ મી પેઢીએ હાલના મોહનચંદ્રનો જન્મ થયો છે. ડોસાને ત્રણ દીકરા ને બે દીકરી, જેમાંની એક વિધવા છે. ડોસો, બાપ દાદા જે થોડું ઘણું મેલી ગયા છે, તેમાંથી પોતાનો ગુજારો કરે છે. પોતે આબરુ તો સારી મેળવેલી, પણ ઘરમાં ભાર્યા કલાંઠ હોવાથી ઘરની આબરુના કાંકરા થયા હતા. તે ધણીને દમવામાં ને ઘરની આબરૂ કાઢવામાં સૌ વાણિયાની ન્યાતમાં પંકાયલી બૈરી હતી. પણ તેમના ત્રણે દીકરા કુળદીપક હતા. મોટો દીકરો કેશવલાલ સરવે ખાતામાં પચાસની નોકરીએ હતો. વચલો આપણી નાયિકા ગંગાનો પતિ કિશોરલાલ કોલેજમાં શીખતો હતો. સૌથી નાનો જે વેણીલાલ હતો, તે હજી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્રણેનાં લગ્ન થયાં હતાં. કમળા પણ ભણેલી ગણેલી તથા મર્યાદામાં એક્કો હતી. બાળપણમાં જ રંડાપો આવ્યો હતો, પણ માની કુખ લજવાય, તેવું એક પણ કુલક્ષણ તેનામાં ન હતું. તેની ઇચ્છા તો એવી ખરી કે, ફરી લગ્ન થાય તો ઠીક, પણ વડિલની આજ્ઞાની બહાર કંઈ પણ કર્મ કરવું એ તેને યોગ્ય લાગતું નહોતું. હયું ખોલી કોઈને વાત પણ કહેવાતી નહિ, ને ક્લાંઠ મા આગળ તો કંઈ બોલવા જાય તો કરડી ખાય; માટે સુખે દુઃખે દહાડા કાઢતી હતી. તે સંપૂર્ણ કેળવાયલી હતી તથા ઉત્તમ પ્રતિના હિંદુ સ્ત્રીના ધર્મ જાણતી હતી, એટલે સાહસ કરવાનો તો વિચાર જ શાનો કરે ? ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે, નસીબને ફેરવવા કોઈ સમર્થ નથી. કાળ પોતાનું કામ કરશે, એમ બેાલી તે મનને શાંત પાડતી હતી; તો પણ સૌ તરૂણીઓનાં સુખો જોઈને તે રોજ રોજ નીસાસા નાંખતી હતી.

અંબા ભવાનીના દેવળમાં તેને જે મૂર્ચ્છા આવી હતી, તેનું ખરેખરું કારણ આપરથી વાંચનાર શોધી શકશે, કે જુવાનીના જુસ્સા શિવાય બીજું કંઈ કારણ નહતું. તરુણ સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે તેઓ માણસમાંથી નીકળી જાય છે. પણ કુદરતની લાગણીઓ કંઈ તેમને એાછી હોતી નથી. તેમાં તેઓ જ્યારે એકાંતવાસ-જોગણ જેવી અવસ્થામાં હોય છે, ત્યારે તે દુઃખ વધારે લાગે છે. જેમ જેમ તેઓ પોતાને સ્વભાવ દાબવાને યત્ન કરે છે, તેમ તેમ તે વધારે બહાર નીકળે છે ને તેમાં વખતે મૂર્છા, વખતે સનેપાત, વખતે ગાંડાપણું ને વખતે ભૂત પણ વળગે છે ! કમળાને મૂર્ચ્છા આવી, તે તેના જુસ્સાનું એકદમ ચઢી આવવું જ હતું. વાંચનારે આ પ્રકરણ શરુ કર્યા પહેલાં ત્રીજા પ્રકરણ તરફ નજર કરવી જોઈયે. મોહનચંદ્રની દીકરી કમળા મૂર્છાવસ્થામાં પડેલી છે અને તેમનું દીવાનખાનું મધરાત થઈ હતી, તથાપિ ગાજી રહ્યું હતું. મોહનચંદ્રની સ્ત્રી લલિતા આ વેળાએ પૂરતા ગુસ્સામાં ગંગાના શયનગૃહમાં જઈને ઉભી રહી હતી ને આ ગેબની ગોળી કેમ આવી, તે માટે બડબડાટ ને ફડફડાટ કરતી, જાણે કૂદતી હોય તેમ ધમપછાડા મારતી હતી. કોઈયે તેના સામું સરખુંએ જોયું નહિ ને કમળાની આસનાવાસના કરવાને કોઈ પાસે ઉભું રહ્યું નહિ. એ ધીમે ધીમે કમળાની સોડમાં જઈને બેઠી. તેના માથાપર હાથ ફેરવ્યો તો કપાળ ધીકી જતું હતું, મોંમાંથી શ્વાસ પુષ્કળ નીકળતો હતો અને છાતી અતિશય ધબકતી હતી.

જરાવાર પાસે બેસીને મોઢે માથે હાથ ફેરવ્યા પછી શેઠાણી બોલી ઉઠ્યા: “બહેન કમળી, દીકરા જરા બોલની ! તને શું થયું છે?” ઉં ઉં શિવાય બીજો કંઈ પ્રતિઉત્તર મળ્યો નહિ. બે ત્રણવાર બોલાવ્યા છતાં તે જરાપણ બોલી નહિ અને શેઠાણી પાસે બીજું કોઈ આવ્યું નહિ, તેથી ઘણા ગુસ્સામાં તે બૂમ મારી ઉઠી: “ગંગા, વેણીગવરી, અરે કોઈ મુવું છે કે નહિ ? કોઈ રાંડ જવાબ જ દેતી નથી. આ તે શો જુલમ !” તુરત ગંગા ને તેની પછાડી વેણીગવરી ધ્રુજતાં ધ્રુજતાં આવ્યા

“સાસુજી, શું કહો છો?” ગંગાએ ઘણી નમ્રતાથી પૂછયું. આનો સીધો ઉત્તર દેવાને બદલે સાસુજી તો આડાં ફાટ્યાં.

“તમારું સત્યાનાશ જાય, રાંડ વંત્રીઓ ! તમે કોઈ કંઈ કહેશો કે, આ મારી દીકરીને શું થયું છે?” સાસુજીએ એકદમ પોતાનો ગરમ સ્વભાવ બતાવતાં કહ્યું; અને જરાક વાર અબોલા લીધા પછી બોલ્યાં; “આ દીકરી નક્કી મરી જવાની, મારી સંપૂર્ણ ખાત્રી છે, એને દાનપુણ્ય કરાવવું હોય તો કરાવો. જા તારા સસરાને કહે કે કંઈ હોય તે લાવે.”

જુના ઘેલા વિચારને આધીન રહેનારી ડોસીએ ગરીબડી દીકરીને મોતને કાંઠે આવેલી ધારી. હિંદુઓના રિવાજ પ્રમાણે દાનપુણ્ય અપાવવાની ગોઠવણો કરવાના વેશ માંડ્યા. મોહનચન્દ્ર તરત દીવાનખાનામાંથી ઓરડામાં આવ્યા ને કહ્યું કે “ડાક્તરને બોલાવ્યો છે તે હમણાં આવશે. કમળીને કંઈ થયું નથી, માત્ર વાઈ થઈ આવી છે.” એમ જ્યાં ડોસા બોલ્યા કે, હવે આ કર્કશાએ પોતાનો ઉભરો ખૂબ ગુસ્સાથી કાઢ્યોઃ-

“તમારી તો હવે દહાડે દહાડે અક્કલ ગઈ છે. તમને કંઈ ભાન બળ્યું છે કે, આ દીકરીને શું થયું છે ? વાઈ ને બાઈ કેવી ? આ સાસ તો ધોકારે ચાલ્યો જાય છે, ને પાંસળીઓ ઉંચકાય છે, એ તે વાઈ કે ? પણ તમને કહ્યું કોણે હતું કે, તમારી માતાએ મારી સાત લાડની દીકરીને લઈ જજો ? તમને કોણે ડાહ્યલા કીધા હતા ? મારી દીકરીને કંઈ પણ થયું તો પેલી રાંડનો ટોટો પીસી નાંખીશ. આજ સવારની મારી સાથ લડી છે, તેમાં કંઈ કંઈ ગાળો દીધી છે. આ બે કૃતાંતકાળ જેવી આવીને ઉભી છે, પણ કોઈ જરા સંભાળ પણ લે છે ? અને તમને તો હું અકારી ઝેર જેવી લાગું છું ને વહુઓનો ચોટલો જોવો ગમે છે. ન્યાતોમાં તમારો ફિટકારો થાય છે. મારાથી મોં કાઢીને બોલાતું યે નથી. મુઈ હું, જુવાનજોધ વહુઓ સાથે વાત કરતાં જરા લજવાતાએ નથી. ઘરડા થાઓ છો, તેમ અક્કલ પણ જાય છે કે શું?” આ સઘળાં મહેણાંતેાણાં તેણે એવાં તો કઠોર અવાજે માર્યા કે, તુળજાગવરી, જેની સાથે આગલે દિવસે લડાલડી થઈ હતી, તે સાસુજીની સામા લડવાને નહિ, પણ પોતાપર જૂઠા જૂઠા આરોપ મૂકાયા હતા, તેનો બચાવ કરવાને વેહેલી વેહેલી દોડી આવી. મોહનચંદ્ર ઘણા ગભરાયા તો હતા, કેમકે તે પોતાની ધણીઆણીના પાજી સ્વભાવથી સારી રીતે વાકેફ હતા અને તેએા સારી રીતે જાણતા હતા કે, આ પાજી સ્વભાવની બૈરીથી તેના ઘરની આબરુના કાંકરા થાય છે, પણ જો તેઓ વધારે બોલવા જાય તો એક પાસથી લડાઈ બંધ પડવાની આશા હતી, તે બિલકુલ મટી જાય.

તુળજાગવરી જોસભેર બારણા લગણ આવી, એટલે ગંગાએ તેને અટકાવી ને અંદર પેસવા દીધી નહિ; પણ તે તેનું મોં બંધ કરી શકી નહિ. બારણા નજીકથી જ તે બોલી ઉઠી કે, “જો તમે મારું નામ લીધું તો તમારી વાત તમે જાણી. મેં શું તમારી દીકરીનું અહિત ઇચ્છયું ? આ તમારી મેળે તમે મારાં પાપ ધુવો છો, તેનો પરમેશ્વરને ત્યાં તમારે જવાબ દેવો પડશે.”

ગંગાએ તેનું મોં પકડીને તેને બેલતી અટકાવી, અને લલિતા સાસુજી પોતાનો રહેલો સહેલો સપાટો હમણાં બતાવતે, પણ એટલામાં ડાકતર સાહેબ પધાર્યા; ને આ મોટા ઝગડાનો અંત ક્ષણમાં આવી ગયો.

ડાકતરે આવતાં સાથ કમળાની નાડ તપાસી તો મગજપર લોહીના ચઢવા શિવાય બીજું કંઈ માલમ પડ્યું નહિ, તુરત ઔષધ આપ્યું ને કમળાની તબીયતમાં તુરતાતુરત ફેર જણાયો. અડધો કલાક બેસીને ડાકતર, પાછા ગયા. પાપા કલાકે પીવાનું ઔષધ આપવાનું હતું તે આપ્યું, જેથી, એક કલાકમાં કમળાને શુદ્ધિ આવી. તે પાસું બદલીને અાંખ ઉઘાડીને જોવા લાગી ને દૂરથી ગંગાને ઉભેલી જોઈ, એટલે તેને બોલાવી.

“ગંગા ભાભી, પાસે આવો.”

“દીકરા શું કહે છે, હું તારી પાસે બેઠી છું.” કમળાની માએ કહ્યું.

“માજી તમારું મને કામ નથી. ભાભી આવે ને જરા માથે ધુપેલ ધસે તો માથું દુખતું મટે. આજે માથું ઘણું ભારે થયું છે.” કમળાએ ઝીણે સાદે કહ્યું.

“ભાભીનું એમાં શું કામ છે, લાવની હમણાં તારું માથું ઉતારી નાંખું.” એમ કહેતી એારડા બહાર ધુપેલ લેવા જવાને ઉઠી.

“ના ના માજી, તમારે શું કામ મહેનત કરવી જોઈએ? ભાભી મને ધીમે ધીમે ધુપેલ ઘસશે એટલે બસ થશે; તમે હવે જઈને સુઈ જાઓ. મને સારું છે. મને શું થયું હતું, તે પણ ભાભી કહેશે. બાપાજી હજી તમે પણ શું કામ જાગો છો ? મા, તું પણ જા હવે.”

આ શબ્દો વજ્રબાણ જેવા લલિતાને લાગ્યા, તેણે મનમાં પોતાની દીકરીને હજારો ગાળો દીધી, પણ તે હમણાંજ સારી થઈ છે, તેથી કંઈપણ બોલ્યા ચાલ્યા વગર પોતાના સુવાના ઓરડામાં ગઈ. મોહનચંદ્ર પણ પોતાના શયનગૃહમાં જઈને પોઢી ગયા. ગંગાના ઓરડામાં ગંગા ને કમળા જ માત્ર રહ્યાં. તુળજાગવરી ને વેણીગવરી જરાક કમળાની મૂર્છા વળી ત્યારનાં જ બીજા ઓરડામાં ગયાં હતાં.

કમળાને માથે ગંગાએ ધુપેલ ઘસ્યું ને તેથી માથું ઘણે દરજ્જે ઉતરી ગયું. તેને નીરાંત વળી, પણ ઉંઘ આવી નહિ. ગંગાને પણ ઊંઘ આવી નહિ. કડીંગ કડીંગ કરતા ત્રણ વાગ્યા ને ગંગાને વિચાર થઈ આવ્યો. આજે એપ્રીલની વીસમી તારીખ હતી ને મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં રજા પડવાથી તેનો પતિ કિશોરલાલ ઘેર આવવાનો હતો. આ વેળાએ તે ઘણી હર્ષાતુર હતી, કેમ કે ત્રણ ત્રણ વાર રજા પડી, પણ કિશોરલાલ આવી શક્યો નહોતો. સુરતના સ્ટેશન પર પાંચ કલાકે ગાડી આવતી હતી. હવે માત્ર બે કલાક બાકી હતા. પણ પ્રિયતમ પ્રિયાને મળવાને માટે આ લાંબો વખત હતો. ગંગા હર્ષાતુર હતી, પણ ઘેલી થઈ નહોતી. પહેલાં પોતાની નણંદ કમળાની આગતાસ્વાગતા કરવામાં તે સારી રીતે રોકાઈ. કમળાને નીરાંત વળ્યા પછી તેણે ઉંઘવાને કહ્યું, પણ બેભાન અવસ્થાને લીધે તેને ઉંઘ આવી નહિ.

“ગંગા ભાભી, મને શું થયું હતું વારુ?”

“મોટી બહેન, સાસુજીએ તો તમારી આશા પણ છોડાવી હતી. મને લાગે છે કે, વાઈ થઈ આવી હશે. પણ ડાકતર હમણાં આવી ગયા તે કહેતા હતા કે લોહીનો ઉભરો હતો. પણ મોટી બહેન, તમને શું થાય છે તે મને જણાવશો ? આજ કેટલા દિવસ થયા હું તમને એકાંતમાં કલાકના કલાક સુધી વિચારમાં ને વિચારમાં ગુંથાયેલાં જોઉં છું. વખતે તમને પૂછીએ કંઈ ને ઉત્તર કંઈ દો છો. તમારી સાહેલીઓ સાથે પણ તમે મન મૂકીને વાત કરતાં નથી, ને મને પણ તમારા મનમાં શું છે, તે જણાવતાં નથી. જણાવ્યા વિના દુઃખ ઓછું કેમ થાય ?”

“ભાભી ! મારી ભાભી, મને ઘણું દુ:ખ છે !” એકદમ પથારીમાંથી ઉઠી ગંગાને ગળે વળગી પડી. ડુસકાં ખાતાં ખાતાં કમળાએ કહ્યું, “તમે જાણો છો, તમને ખબર છે, મારું દુ:ખ કોઈ પણ રીતે એાછું થાય તેમ નથી, એટલે કહીને શું કરું ? મારો અવતાર બળ્યો ! મારું જીવતર બળ્યું ! હું જીવતી જ મુઈ છું ! હવે તમે મને શું કહો છો ને શું પૂછો છો ?”

આ સાંભળતાં ગંગા દંગ થઈ ગઈ. કમળાએ જોસભેર ડુસ્કાં ખાવા માંડ્યાં ને ગંગા ઘણી ગભરાઈ ગઈ. આટલા બધા શબ્દોમાંથી એક પણ શબ્દ તે સમજી શકી નહિ.

“મોટી બહેન,” ગંગાએ ફરીથી પૂછ્યું; “તમારું દુ:ખ પારખવાની મારામાં જરા પણ શક્તિ હોત તો હું તમને પૂછત પણ ખરી? તમે ખુલાસાથી મને જણાવો. આજે તમારા ભાઈ આવનાર છે, તેમને સઘળી હકીકત કહીશ ને જો બનશે તો તેઓ તમને મદદ કરશે.”

“હવે એ વાત જ જવા દો;” કમળાએ ગભરાતાં ગભરાતાં તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, “એ વાતમાં માલ બળ્યો નથી. તમારાથી તો શું, પણ તમારા દેવથી પણ મારું દુ:ખ દૂર થનાર નથી, તો પછી, બીજાની તો વાત જ શી ? આ મારા જેવીનો અવતાર કશા એ કામનો નથી તેમાં વળી મા એવી મળી છે કે, જાણે મારા પૂર્વ જન્મની વેરણ મને વિધવિધનાં વેણ કહે છે તે જો આ વાત સાંભળે તો ખરેખર મને જીવતી જવા દે કે ?"

ગંગા હવે બધું સમજી ગઈ. કમળા વિધવાવસ્થામાં હતી, ને તે જ તેને મોટું દુ:ખ હતું. હમણાં તેની પૂરતી જુવાની હતી, ને “જુવાની તે દીવાની” એ સંબંધમાં જોતાં કમળાને ઘણું દુઃખ લાગે, તેમાં આશ્ચર્ય જેવું થોડું જ હતું. થોડીવાર પડી રહ્યા પછી કમળાએ કહ્યું:-

“ભાભી, આ વાત કોઈને જણાવતાં નહિ, મેં મારું શિયળ સાચવવામાં કંઈપણ ઉણું નહિ પાડવું, એવો નિશ્ચય કીધો છે. જ્યાં આપણો ઈલાજ નહિ ને દૂર ન થાય તેવું દુ:ખ હોય તેના સામા પોકાર ઉઠાવવાથી શું ફળ થનાર છે? મારી માની જિદને વળગીને બાપાજીએ મારાં સાતમે વર્ષે લગ્ન કીધાં; અને હજી તો સપ્તપદી પણ થઈ નહોતી; તેટલામાં મારો પતિ દેવલોક થયો. પિતાજીને સૌએ ઘણાએ સમજાવ્યા કે, આ અડધું લગ્ન ફરીથી થઈ શકે તેમ છે, પણ પોતાની આબરુના રક્ષણ માટે, પોતાની લાડકવાઈ દીકરીને ભેાગમાં આપી છે. હશે, જેવી ઈશ્વરેચ્છા ! પણ એનો ઈલાજ નહિ થાય શું ? પણ એ દુ:ખ કરતાં મને માજી જે ભાંડે છે, તેથી મારો છૂટકો કરે તો ઘણું સારું. તમારાપર પણ માજી ક્યાં ઓછું રાખે છે !”

“હશે બહેન,” ગંગાએ વાત અટકાવવા માટે વચોવચથી કહ્યું; “સાસુજીનો સ્વભાવ પડ્યો. હોય, તે વડીલ છે. તે ચાહે તે બોલે, એ કહે છે ને હું સાંભળું છું. એ તો ઘરડાંના એવા સ્વભાવ હોય, તેમાં આપણાથી શું થાય ? તમારે આવી બાબતમાં ઝાઝી કાળજી રાખવી નહિ ને ઈશ્વરભજન કરી, જેમ ઈશ્વરેચ્છા હોય તેમ વર્તવું.”

“પણ ભાભી, એ તમારાથી સહન થાય, મારાથી તો નહિ થાય. ગઈ કાલે તુળજાભાભી સાથે લડ્યાં, તેનું કંઈ કારણ હતું વારુ ? મદન રડતો હતો, ને ભાભી કામમાં હતાં, તેમાં ગાળે ગાળે ધોઈ નાંખ્યાં. એ તે કુલીન ઘરની રીત ? જ્યારે માજી ગુસ્સે થાય છે ત્યારે આખા મોહલ્લો જાણે છે, પણ સારે નસીબે આપણા ઘરમાં ત્રણે વહુઓ છે તે સારાં કુળની છે ને તેથી ઘરની આબરુ રહે છે અને તેમાં તમે-”

“ચાલો હવે સવાર થવા આવી, તમે ઉંઘી જાઓ. હું હેઠળ જઇને પ્રાતઃકાળનું કામ કરી લઉં. હમણાં તમારા ભાઈ આવી પહોંચશે.”

પોતાની સ્તુતિ નહિ સાંભળવા અને ઘરનો ધંધો આટોપી લેવાને માટે ગંગાએ વચોવચથી વાત અટકાવી. તે ઓરડામાંથી તરત ચાલી ગઇ. કમળાને ગંગાની આ અતિ ઉત્તમ રીતિ જોઈને તેનાપર બહુ વાહલ ઉપજ્યું. તે પોતાની માતાને ઓછી ચાહતી નહોતી, પણ તેના અવગુણ તે સારી રીતે જાણતી હતી. મા તરફ દીકરીનું વાહલ હમેશાં વધારે હોય છે ને દીકરી તરફ માનું વાહલ પણ વધારે હોય છે. ગમે તેવા અવગુણ માબાપના હોય, તે ભૂલી જવામાં આવે છે; પરંતુ લલિતા શેઠાણી દુનિયાની ઉતાર હતી. તે દીકરી ને વહુ સૌને એકી લાકડીએ હાંકતી હતી. તેનો મૂળનો સ્વભાવ જ બળિયલ હતો. તે કોઇનું સારું તો જોઇ શકતી જ નહિ. મોહનચંદ્રના ઘરમાં ત્રણ વહુ, બે દીકરી તથા ત્રણ દીકરાઓ ને મોહનચંદ્ર એ સૌને સારો બનાવ હતો, પણ એકલાં શેઠાણી જ સૌથી ન્યારા પંથનાં હતાં. ઘણીવાર તો તેમને કોઇ કોઠું જ આપતું નહિ. તેટલું છતાં પણ શેઠાણી મહિનામાં ત્રણ દિવસ રીસાઇને એકાદશી શિવાય બીજા ત્રણ ચાર નકોરડા ખેંચી કાઢતાં હતાં. ત્રણ ચાર વાર જુદે ચૂલે રાંધી જમતાં ને ઘંટી ટંકોરો તો ઘરમાં રોજનો જારી જ હતો.

સારે નસીબે એ શેઠાણી શિવાય ઘરનાં સૌ સભ્ય, ગૃહસ્થ કુટુંબને યોગ્ય હતાં. ત્રણે વહુવારુઓ ભણેલી ગણેલી હતી; પણ મોટી વહુમાં આળસ વિશેષ હતું, નાની વહુ હજી બાળવયમાં હતી, એટલે થોડા દિવસ સાસરે રહેતી હતી. ગંગા અતિ કુલીન માબાપની એકની એક લાડકવાઈ, પણ સર્વ ગુણથી સંપૂર્ણ હતી. તે ઘરસંસાર કેમ ચલાવવો વડીલેાનાં મન કેમ હરણ કરવાં, એ સારી રીતે જાણતી હતી. પોતાના ભણતર ગણતર સાથે તે પોતાના કામમાં સર્વ રીતે કુશળ રહેતી, નવરાં બેસી વાતોના તડાકા મારવા તેને પસંદ નહિ હતા. યુરોપિયન સ્ત્રીના હાથ નીચે કેળવાયેલી છતાં છલકાઈ કે મદનો જરાપણ અંશ હતો નહિ. હમેશાં જ નાનપણથી તે ધીમે સ્વરે બોલતી; વડીલોની મર્યાદા સંપૂર્ણ રાખતી; અવકાશ મળ્યો કે અભ્યાસપર મંડતી; ને નવીન નવીન અંગ્રેજી પુસ્તકો વાંચી કમળા, તુળજા, વેણીગવરી વગેરેને સંભળાવી રંજિત કરતી; તે સાથે તેમને થોડુ થોડું શીખવતી. તે ઘણી સ્વચ્છ રહેતી. ઘરના એક ભાગમાં એનો ખાનગી ઓરડો હતો, ને તેમાં જો કે ભભકાવાળો સામાન થોડો જ હતો, તથાપિ તે કોઈને પણ જોવાથી સંતોષ ઉત્પન્ન કરે તેવો હતો. તેના પહેરવાના અલંકાર ઘણા સાદા હતા. તેનું બિછાનું સાદું છતાં નિર્મળ હતું. બિછાનું, ચાદર, મચ્છરદાની એ વગેરે ઓરડામાંનો સઘળો સામાન સ્વચ્છ ને ઝગઝગતો સાફ રહેતો હતો. જલપાત્ર, ટેબલ, ખુરસી, કબાટ, પુસ્તકો, આરસો, કાંસકી ને ધુપેલને પ્યાલો પણ એવો સાફ રહેતો કે, ઓરડામાં જતાં એક વાર ઘણો આનંદ થતો હતો.

પણ ગંગાની કેળવણીના આ ગુણો, તે બિચારીની નિંદાના કારણરૂપ થઇ પડ્યા હતા, ને પેલાં સદા વકરાયલાં સાસુજી એ જ માટે એને “મઢમ સાહેબ” “જાંગલી” વગેરે ઉપનામે બોલાવી ભાંડતાં હતાં. તેમાં વળી વધારે કારણ જેવું એ હતું કે, તે સારા પૈસાદાર માબાપની દીકરી હતી. પૈસાદારની દીકરી પોતાના દીકરાવેરે લાવવાની દરેક હિંદુ માબાપને હોંસ હોય છે, પણ તે લાવ્યા પછી બિચારી રાંકડી વહુને બહુ પજવવામાં આવે છે, “અમે કંઈ તારા માબાપનાં ઓશિયાળાં છીએ ?” “તે કંઈ અમારે ઘેર અનાજ પાણી નંખાવે છે ?” “લખાપતિની દીકરી આવી છે તે સાહેબી કરશે,” “બેગમ સાહેબ છે, તો રાજ ચલાવશે,” “ઉમરાવજાદી” ને “ધનપાળશાહ ગોડીની દીકરી” એવાં વાક્યો હસ્કે ને ટસ્કે કહીને શ્રીમંત ઘરની દીકરીને સાસુઓ પજવે છે. ભણેલી ગણેલી વહુ હોય છે તો સાસુ કહેશે કે “એ તો જાંગલણ થશે;” “એ તો નોકરી કરવા જશે,” વગેરે મહેણાં ટોંણાથી અડોસીપડોસીમાં નિંદા કરશે એટલું જ નહિ, પણ પોતાના વહાલામાં વહાલા - વખતે એકના એક દીકરાને પણ ન ઘટે તેવા શબ્દોથી વધાવી લેશે ! આ હિંદુ ઘરમાં બનતા સાધારણ બનાવ છે. ગંગાની સાસુ આવી જગદ્વિખ્યાત વાતથી ગંગાને હસ્કે ટસ્કે ભાંડે નહિ તો પછી થઈ જ ચૂક્યું, વાતમાં ને વાતમાં તેના પૈસાને, તેના ભણ્યાગણ્યાને ને તેની સ્વચ્છતાને તે વગેાવતી હતી.

ગંગા એ માટે એક પણ શબ્દ ઉંચે કે નીચે સ્વરે કદી બોલી નથી. બોલવાની કદી ઇચ્છાએ કરી નથી. તેણે નથી એ વાત કદી પોતાના પતિને પત્રથી લખી કે જાતે કહી. તેના બાપની દોલતનો કેટલોક ભાગ તેને જ મળનાર હતો, પણ તે પૈસાના મદે કરી છલકાઈ નથી. તે આખા ઘરમાં તો શું, પણ આખા સુરતમાં એક અમેાલ નમૂનો હતી. તેના ઘરની, તેના જ્ઞાનની ને તેની સ્વચ્છતાની વાત આખી નાગર વાણિયાની ન્યાતમાં ચાલી રહી હતી. આડોસી પાડોસીઓ તેનાં વખાણ કરતાં એટલું જ નહિ, પણ તેનાથી ઘણું શીખતાં હતાં. ગંગા નાજુક છતાં પણ કોઈનું એ કામ કરવાને ના પાડતા નહિ.

પ્રાત:કાળમાં તે હંમેશાં પાંચ વાગતાં ઉઠતી, પણ આજે તો સૂતી જ નહોતી, તેથી વહેલી ઉઠી ને ઘરનો સઘળો ધંધો આટોપી લીધો હતો. એટલામાં કિશોરલાલ આવી પહોંચ્યો. અન્યોન્ય દંપતીએ એકેક તરફ બારણામાં પેસતાં જ પ્રીતિનું નેણ ફેંકી પ્રેમભાવ બતાવ્યો. ઘરમાં પેસતાં જ કમળા બહેનની તબીયત બગડવાના સમચાર જાણી તે જ્યાં સૂતી હતી ત્યાં કિશોરલાલ ગયો.