ગંગા - એક ગુર્જર વાર્તા/ગંગા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તારી ગંગા - એક ગુર્જર વાર્તા
ગંગા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
કરમાયલું કુસુમ →


પ્રકરણ ૩૦ મું
ગંગા

નુષ્ય પ્રાણીની વર્તણુકનું બંધારણ એવા વિચિત્ર પ્રકારનું છે કે, તે જેમ જેમ સુખ માટે શ્રમ કરે છે તેમ તેમ દુ:ખ હાજરાહજુર આવી ઉભું રહે છે ! ! કાં તો સુખની કીમત સમજવાને દુ:ખ મેાકલવામાં આવે છે, અથવા તો ઈશ્વરને ભૂલી નહિ જાય તે માટે તેને પ્રેરણા કરવામાં આવે છે. ગમે તેમ હોય, તોપણ દુ:ખ તે અંતે દુઃખ જ - તે સુખ નહિ–આનંદ નહિ–મૌજ નહિ-પણ દુઃખ દુઃખ ને દુઃખ ! તથાપિ ગમે તેવું દુઃખ હોય છે તે સમયે વિસારે પડે છે. પ્રાણપતિ સ્વામીના મૃત્યુ ટાણે તેની વહાલામાં વહાલી સ્ત્રી પોતાના કેશ ચૂંટે છે, શૃંગારનો ત્યાગ કરે છે, માથામાં રક્ષા ઘાલે છે, શરીર લોહીલુહાણ કરી મૂકે છે ને છેલ્લે સતીપણાને પણ પામે છે ! પોતાની પ્રેમવતી સુલક્ષણી સ્ત્રીના મરણથી પુરુષ અશ્રાંત કલ્પાંત કરે છે; તે ગઇ એટલે સર્વ સંસાર ધૂળ થયો, એમ માની વૈરાગ્ય પ્રાપ્ત થાય છે ! એકનો એક રળતો ખપતો લોકપ્રસિદ્ધ પુત્ર, વળી તે સાથે કાજગરો ને માબાપને શ્વાસપ્રાણ સમાન હોય તેના મરણ વખતે માતપિતા પોતાનું મોત હાથે કરીને માગી લે છે, ને જીવવું ઝેર સમાન ગણે છે. પણ જેમ જેમ વખત વીતતો જાય છે તેમ તેમ સધળી વાત વીસરી જવામાં આવે છે. આ મનુષ્યસ્વભાવ જ છે. એ શો, કેવા હેતુથી પ્રભુએ ઘડેલો છે, તેમાં લાભ છે કે અલાભ, તેનો નિર્ણય કોણ કરી શકશે ?

ગંગા ને કિશોરલાલને તારાગવરીના મરણનો ઘણો કારી ઘા લાગ્યો; કેમકે તેમની તે એકની એક લાડકી દીકરી હતી; ઘણો સમય શોક કીધો; પણ વખત ગયો તેમ તે ઓછો થતો ગયો, કિશેારનું મન ઘણો સમય અસ્વસ્થ રહેતું હતું. હવે સંધ્યાકાળે એ ઘરમાં કંઇ જ કકળાણ જેવું હતું નહિ, તેમ કોઇ સંધ્યાકાળે હવા ખાવા જનાર પણ નહિ હતું, સુંદર સ્વર પણ સંભળાતો નહોતો, ને ગંગા પાસે જઇને એમ પણ કોઈ કહેનાર નહોતું કે, “બાપુજી ક્યારે આવશે !” સઘળું સૂનકાર જેવું હતું.

ગંગાએ તારીનાં સઘળાં રમકડાં ને વાસણકુસણ ભાંગી તોડીને ફેંકી દીધાં, કે જેમ બને તેમ તે એાછી યાદ આવે. છતાં તેના હૈયા માંથી કદી પણ તારી વિસરતી નથી. તેની સામાં જ તે સદા રહ્યાં કરતી હોય તેમ જણાતું. તેમાં જ્યારે તેનાં વસ્ત્રો તથા રમકડાં જોતી હતી ત્યારે અત્યંત કલ્પાંત કરતી હતી. ગંગાની તબીયત અત્યંત શોકને લીધે બગડતી ગઇ , ને તે શાણી સદ્દગૂણી સુંદરીને માટે કિશોરને ઘણી ફિકર થઇ પડી. હવા ફેરફાર કરવાને બીજી જગ્યાએ લઇ જવાને કિશેાર ઘણો ઈંતેઝાર હતો, પરંતુ તેને કંઈ પણ રુચતું નહોતું. ચોમાસું ઉતર્યા પછી માથેરાન તેને લઈ જવામાં આવી. અત્રેનાં હવા પાણી માફક આવ્યાં ને કુદરતના દેખાવો ઘણા રમણીય થઇ પડ્યા. તે જોવા ને અવલોકન કરવામાં ઘણો ખરો શેાક ઓછો થતો ગયો. મણી પણ સઘળે સાથે હતી, ને તે પોતાની ભાભીની સંભાળમાં પૂરતી કાળજી રાખતી હતી. માથેરાનથી પાછા ફર્યા પછી ઘરની વ્યવસ્થા જેમ હતી તેમ ચાલવા લાગી. પણ જે મન એકવાર ચૂર્ણ થઈ ગયું હતું, તે શું શાંત થવા પામ્યું હતું ?

કિશેાર તો પાછો સ્વસ્થ થઈને પોતાના કામકાજમાં મંડ્યો, પણ તેવામાં ગંગા પાછી માંદી પડી. કિશેારને પોતાને ધંધે લાગવાનું ચિત્ત ચેાંટ્યું નહિ, તે સઘળે જ વખત ગંગા પાસે બેસી રહેતો હતેા. નિપુણમાં નિપુણ ડાકટરનું ઔષધ જારી કીધું, પણ કેટલેક વખત કશો આરામ થયો નહિ. ગંગાએ ઘણા આગ્રહપૂર્વક જણાવ્યું કે, હવે ધંધે લાગવામાં હરકત નથી, પણ કિશોરને ઘર બહાર પગ મૂકવાને હિંમત જ થતી નહિ. ઘણા ઉપચારે ગંગાને આરામ થયો ખરો, પણ તે જોઇએ તેવી હોશિયાર થઇ નહિ.

“હું ધારું છું કે હવે મારું શરીર સારું છે.” ગંગાએ એક પ્રભાતમાં કિશોરને કહ્યું.

“હા દેખીતું તો તેમ છે ખરું, પણ તારી મનની આરોગ્યતા સુધરી નથી ત્યાં સુધી કદી પણ મારાથી બહાર જવાય તેમ નથી.” કિશેારે જવાબ વાળ્યો.

“પણ તમે તમારું કોર્ટનું કામ કરશો તો કશી હરકત નથી. ધીમે ધીમે શરીર શક્તિ પણ આવશે, ને મન પણ સુધરશે. તમે મારા માટે ચિંતા ન રાખો. જુઓની મારે માટે ભાઇજી તથા ભાભીજી પણ આવ્યાં છે, ને આજે દીયરજી અને તેમનાં ધણીયાણી આવશે. તે સઘળાં છે, એટલે કશી હરકત નથી. મને આનંદ પણ મળશે ને તમને હરકત પણ નડશે નહિ. હમણાં તમારું મોઢું સદા જ કરમાયલું જોઉં છું, ને તેનું કારણ એ જ કે પૈસાની તાણ છે; પણ વળી તે માટે તમે ફિકર કીધી ? આ જે છે તે કોનું છે ? કાલે કામપર મંડશો તો પૈસા જ પૈસા !”

બેશક આવી માંદગીમાં પણ ગંગાની કાળજી જોઇને કિશેારને ઘણું લાગી આવે, તેમાં આશ્ચર્ય શું છે ? કેશવલાલ ને તુળજાગવરી તથા બીજાં પણ કુટુંબનાં સર્વે માણસો આવી પહોંચ્યાં હતાં; એટલે પછી કિશોરને કામપર જવાને હરકત નહોતી. ગંગાની છાતીમાં ઘણું દુ:ખ થતું હતું, ને તે જ્યારે થતું ત્યારે નહિ ખમાય તેવું હતું. પણ જ્યારે તે પાછી શુદ્ધિમાં આવતી ત્યારે ઘરકામની સઘળી સંભાળ રાખતી હતી. કોઇને કંઇપણ ઓછું પડે નહિ, પોતાને માટે કોઈ પણ દુ:ખી થાય નહિ તે માટે પૂરતી કાળજી રાખતી હતી. સૌને રાજી રાખવાને તે ઘણી ખંતીલી હતી. ચાકરોને પણ ઘણો શ્રમ પડે નહિ તે પણ તપાસતી હતી. ઘરમાં શું છે ને શું નથી, તેપર નજર રાખતી હતી.

આવી વિનયવંત સદ્દગુણી ગંગાના મંદવાડમાં, જેમને તે પ્રેમથી બોલાવે છે તેઓ તેની બરદાસ્ત કરવામાં કશી પણ બેકાળજી રાખે ખરાં કે ? નહિ જ. કેમકે એવું કોઈ જ નહોતું કે જેનાપર ગંગાએ વહાલ બતાવ્યું નહિ હોય, ને એવું પણ કોઈ નહિ હોય કે જે એના ઉપકારમાં ચંપાયેલું નહિ હોય. પડોસના મિત્રો પણ તેના ઋણદાર હતા, કેમકે દરેક બારીક પ્રસંગે સઘળાંની એ બરદાસ્ત લેતી હતી, તેથી તે સઘળાં તો રાત્રિના બાર વાગ્યા સુધી બેસી રહેતાં હતાં. જો કે ગંગાને પીડા ઘણી થતી હતી ને થાન પાકવાથી તેની અનિવાર્ય વેદનાથી એ પીડાતી હતી, તથાપિ જ્યારે કોઇપણ મિત્રના ઘરનાં મળવા આવે ત્યારે બહુ જ પ્રેમાળ વદનથી તેમનો આદરસત્કાર કરતી હતી; તેની ખૂબસૂરતી આ માંદગીમાં ઘણી ઝળકતી હતી; તેના વિનયે સર્વને વશ કીધાં હતાં; તેના લાવણ્યે સૌને મોહ ઉપજાવ્યો હતો ને તેના સદ્દગુણે સર્વને આંજી નાખ્યાં હતાં. તેની ધીરજની તો એ માંદગી કસોટી હતી. આ વેળા તેનાં વહાલ-મમતાનો તો નમૂનો હતો; તેની કાળજી માટે તો કશું બોલાય તેમ જ નથી. ગંગા જ્યારે જ્યારે વેદનાથી પીડિત થઇને, તે સહન ન થવાથી અશ્રુપાત કરતી, ત્યારે ત્યારે દાસીઓ તથા ચાકરો પણ રડતાં હતાં. જો કે કોઇપણ ચાકર નફરથી પાસે આવી શકાતું નહિ, પણ ખૂણેખાંચરે આંસુ પાડતા જણાતા હતા. આટલી બધી મમતા ઘણા જ થોડા કુટુંબમાં ચાકરોને હોય છે. કદી આ અશ્રુ નાખતા ચાકરપર ગંગાની નજર પડતી તો પાસે બોલાવી ઘણી ધીરજ આપતી, ને કહેતી કે-“કેમ, હું જ એક માંદી પડી છું કે ? ગામમાં હજારો જણ માંદાં પડે છે, ને તે સારાં થાય છે. તેમાં છે શું ? ભાઇ રડ ના ! કાલે હું સારી પણ થઇશ.” એમ દિલાસો આપી તેને શોક કરતા અટકાવતી હતી. વખતે કિશેાર એકલો બેઠો હોય ને તે સજળ નેત્રનો થતો તો પછી એ ઘણી ઘાડી ધીરજ ધરીને ગમે તેવી વેદના છતાં બેઠી થઇ ધીરજ આપતી હતી. તેનાં અશ્રુને લૂછી નાખતી, ને કહેતી કે, “કદી ધારો કે ઈશ્વરેચ્છાથી મારું મોત થયું - એ સૌભાગ્ય મારા નસીબમાં કયાંથી - તો ધીરજ વગર તમારો ઇલાજ જ શો છે ? આમ પોચું ને ઢીલું હૃદય કરવામાં ઉલટી હાંસી થશે. પણ મને સંપૂર્ણ આશા છે કે, ત્રણ ચાર દિવસથી હું વધારે પીડા ભોગવવાની નથી.” આમ ધીરજ આપી સર્વ પ્રકારે તેને એવા તો શાંત પાડતી કે, કંઇપણ બોલવાનું રહેતું જ નહિ.

અને ગરીબ રામો ! તે બાર વરસ થયાં કિશેારની નોકરીમાં હતો, નિમકહલાલ નોકર ! જયારથી ગંગા માંદી પડી ત્યારથી તેણે તો અન્ન પાણી તજ્યાં હોય તેમ જ જણાતું હતું. તે શરીરથી નખાઇ ગયો. ડાક્ટરને ત્યાં પણ તે, ઔષધ તૈયાર કરવામાં પણ તે જ, બરફ કે મેવો લાવવામાં તે તૈયાર. એ ક્યારે ઉંઘતો હતો તે પણ કોઇ જાણતું ન હોતું. 'રામા' કરીને બૂમ મારી કે 'જી સાહેબ' એમ જવાબ દેતો કે આવીને ઉભો રહેતો હતો, તારીપર તેની ઘણી મમતા હતી, ને તે અકસ્માત્ મરણ પામી ત્યારથી તે છેક જ શરીરે ધોળો પુણી જેવો થઇ ગયો હતો; તે જો કે કામકાજ કરતો હતો, પણ તારીના મુવા પછી ઘણો બેદરકાર થઇ ગયો. તેનું પારણું ને રમકડાં જે બે ત્રણેક પાસે રાખી મૂકયાં હતાં તે જોતો ને રડતો ને કલ્પાંત કરતો, ને તે એટલે સૂધી કે વખતે કિશેાર ગંગા તેને ધમકાવતાં હતાં, કદી ખાતો ને કદી નકોરડો ખેંચી કાઢતો હતો; અને જ્યારે ગંગા એકલી પડતી ત્યારે કશો જવાબ નહિ દેતાં જારબેજાર રડતો હતો. ગંગાની માંદગી ઘણો લાંબો સમય પહોંચી, પણ રામાએ કંટાળો બતાવ્યો નહિ, કે કદીપણ કામ કરવામાં વિલંબ કીધો નહિ.

સાત માસની માંદગી ભોગવ્યા પછી ગંગા સારી થઇ, પણ કિશેારલાલને શરીર ને પૈસા બંને તરફથી હેરાનગતિ થઇ. વકીલોને તો પોતાના અસીલોનું ઘણું તપાસવાનું હોય છે, ને તેમાં વારંવાર પડતા વિક્ષેપથી એના ઘણાખરા ગ્રાહકો બીજા વકીલ પાસે ચાલ્યા ગયા. જે કામ હાથમાં લીધાં હતાં તે બરાબર સચવાતાં નહિ ને મન પણ અપાતું નહિ. એકાદ બે જૂના કામમાં બરાબર લક્ષ નહિ અપાયું તેથી બીજાં નવાં કામો આવતાં વિલંબ થયો, આટલું છતાં એ બાબતનું એને કશું દુ:ખ થયું નહિ; કેમકે ગંગા માંદગીમાંથી ઉઠી તે એને માટે અઢળક લાભ થયો હતો. આ માંદગી કંઇ જેવી તેવી નહોતી, ને તેથી પોતે ઈશ્વરનો ઉપકાર માન્યો.

ડાકટરોએ તરત જ સલાહ આપી કે ગંગાએ પાછું હવા ફેર કરવા જવું. જો કે નવા ખરચમાં ઉતરવાને ગંગા નારાજ હતી, પણ કિશોર કંઇપણ ધ્યાનમાં નહિ લેતાં એકદમ માથેરાન જવાને તૈયાર થયો, પાસે પૈસા નહોતા, પણ જે કંઇ પ્રોમીસરી નેાટો હતી તે વેચી નાખી તથા કેટલુંક જવાહીર પણ વેચી નાખ્યું. તેઓ જવાને તૈયાર હતાં તેટલામાં ગંગાનો પિતા તેની ત્રીજીવાર ખબર લેવાને આવ્યો હતો, ને તેણે એક હજારની નોટ ગંગાને વાપરવાને આપી. આ નોટો ગંગાએ તરત કિશેારના હાથમાં મૂકી દીધી ને કેટલોક સામાન વેચતો અટકાવ્યો. ઘરમાં ઘણા નોકરો હતા તેમાંથી ત્રણેકને રજા આપી. જો કે તેઓ વગર પગારે રહેવાને ખુશી હતા, પણ કિશોરને તેમ કરવું ગમ્યું નહિ. હાલમાં જ્યારે પૈસાની તાણ હતી ત્યારે દમામ રાખવો, એ તેમને યોગ્ય લાગ્યું નહિ. માત્ર રામે, એક દાસી ને ભટને જ જોડે લીધાં. જે દિવસે ગંગા ને કિશોર જવાને નીકળ્યાં, તે દિવસે ઘરમાં પાડપડોસી ભરાઇ ગયાં હતાં. સઘળાની આંખમાં આંસુ આવી રહ્યાં. ગંગા પણ સજળ નેત્રે સર્વેને જોતી હતી; તે બેાલવાને હિંમત કરી શકી નહિ, પણ સાન કરીને પોતાના ચાકરોને બોલાવી કેટલુંક ઇનામ આપવા માંડ્યું, પણ કોઇપણ ચાકરે તે લેવાને હાથ લંબાવ્યો નહિ. સૌ રડવા લાગ્યાં, “અમને શું તમે આવીને પાછાં નહિ બોલાવો ?” એમ દરેક જણ પૂછવા લાગ્યાં. સઘળાને દિલાસો આપ્યો. વેણીગવરી સુરત જવાને રાજી નહોતી, મણીને જરા પણ ગમતું નહોતું, તુળજાગવરી પણ મંદમંદ રડવા લાગી. આમ ઘરમાં એક શોકકારક દેખાવ થઇ પડ્યો હતો; જો કે માથેરાન કંઇ આઘી જગ્યા નહોતી, તો પણ ગંગાને છોડીને જવાને કોઇને પણ ગમ્યું નહિ.

અંતે સર્વ મળી ભેટી, જાણે કે નમસ્કાર કરી, સર્વનો ઉપકાર માની ગંગા ગાડીમાં બેઠી ને પોતાની પડોસી દક્ષિણ મૈત્રિણી કે એમના - ધણીના - મિત્રની ધણિયાણી સર્વેને સરખા વહાલથી મળી તેણે અગાડી ચાલવા માંડ્યું. સઘળાંએ તે ગઇ ત્યાં સૂધી તેની ગાડીને જોઇ રહ્યાં. “આવજો, વહેલાં આવજો, કાગળ લખજો, એવા શબ્દો સંભળાયા ત્યાં સુધી સૌને જવાબ દીધો. સઘળા સ્નેહીઓએ જ્યાં સૂધી રજ ઉડતી દેખાઇ ત્યાં સૂધી નજર કીધી, ને પછી આપણી પડોસમાંથી એક અમૂલ્ય રત્ન ગયું એમ બેાલતાં શોક ભરેલે ચહેરે સઘળાં વિખરાઇ ગયાં. વેણીગવરી અને તુળજાગવરી બંને પાછાં સુરત ગયાં ને તેઓ પેાતાની ખટપટમાં પડ્યાં. અહીં ગંગાને માથેરાન માફક આવ્યું નહિ. ડાક્ટરોએ તેની તબીયત માટે ઘણો ભય બતાવ્યો ને એમ જ જણાવ્યું કે બેહતર છે કે તેમણે પૂના જઇને રહેવું. તે પ્રમાણે તત્કાળ કરવામાં આવ્યું. કિશેારે પૂનામાં વકીલાત કરવાની સનદ લીધી હતી, એટલે એને કશી અડચણ પડી નહિ. પૂના શહેર માફક આવ્યું ને ત્યાં ગંગાની તબીયત સુધરી. સહજમાં તે પૂરતી આરોગ્ય થઇ.