ગંગા - એક ગુર્જર વાર્તા/ગર્ભવતી ગંગા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અવ્યવસ્થા ગંગા - એક ગુર્જર વાર્તા
ગર્ભવતી ગંગા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
આનંદભુવન ! →


પ્રકરણ ૨૦ મું
ગર્ભવતી ગંગા

રાત પછી દહાડો ને દહાડા પછી રાત જવા લાગી. ઘરમાંથી સ્વસ્થતા ગઇ, ને ઘણી ઘણી વિડંબના પડી. તેવામાં મુંબઇમાં કિશોરની તબીયત બગડી આવી ને ગંગા જવાને તત્પર થઇ. આ વેળાએ પણ સાસુ લડ્યા વિના રહી નહિ. તુળજા ને કેશવલાલ તો ઘરની સઘળી ફિકર તજીને બેઠાં હતાં. માની શીખામણથી વેણીલાલ પોતાના પિતાનાં વચનો વિસરી ગયેા ને તે પણ પોતાની વડી ભાભીને હેરાન કરતો હતો. ઘરની પીડામાંથી ગંગા મોકળી થઇ તે માટે આનંદ પામી. તે મુંબઇ ગઇ, ને સૂરતમાં કમળા વગેરે સર્વે રહ્યાં, એટલે લલિતાબાઇએ પોતાની દીકરીપર ખાર કાઢવા માંડ્યો ! “લડો નહિ તો લડનારો આપો” તેમ તેને તે કંઈ નહિ તો કંઈ પણ નિમિત્ત જોઇતું હતું. પોતાની પ્રિય નણંદને એકલી મૂકીને ગંગાને જવું ગમ્યું તો નહિ, પણ તે નિરુપાય હતી. મુંબઈ આવ્યા પછી મોતીલાલ રોજ ગંગાને મળવાને આવતો હતો, ને કમળાની શી ઇચ્છા છે તે જાણવાને ઘણો આતુર હતો. તે રોજ કમળીને પત્ર લખતો ને તેમાં તેણે જોઇ લીધું હતું કે કમળીની સંપૂર્ણ ઇચ્છા નથી; - જો તેના ભાઇની મરજી હોય તો કંઇ કરે - નહિ તો દુ:ખે પાપે ગમે તેમ પણ પોતાની જિંદગી ગુજારશે. કિશોર પોતે એ લગ્ન માટે રાજી તો હતો તથાપિ લોકલાજથી વધુ ડરતો હતો; ને તેથી કંઈ પણ નિર્ણયપર તે આવ્યો નહોતો.

મુંબઇમાં સઘળા ખટલાથી દૂર હોવાને લીધે ગંગા સુખમાં રહી. ત્રણેક મહિના રહીને તે સુરત આવી, તો ત્યાં ઘર દહાડો તેનો તે જ હતો. પણ હમણાં એને ઘણા થોડા દિવસ સાસરામાં રહેવું હતું, તેથી સઘળું કામ સંભાળીને લીધું. થોડા દિવસમાં તેનું સીમંત હતું, તે પત્યું કે પોતાને પિયર ગઈ. કિશોરે પણ તેમ કરવાની સલાહ આપી હતી. ગંગાનો પિતા ઘણો લાયક તથા બ્રિટીશ સરકારમાં પંકાતો સત્તાવાળો હતો. ન્યાત જાતમાં તેમ બીજી બાબતમાં તેની પ્રતિષ્ઠા ઘણી સારી હતી. જાતિ શ્રમથી ને ખરે માર્ગે પૈસા પેદા કીધા હતા, તેટલું છતાં તેને કશો ગર્વ નહોતો. એક દીકરી ને દીકરો હતો, પરંતુ ગંગા તેને ઘણી વહાલી ને લાડકી હતી.

પોતાના પિતાને ઘેર આવ્યા પછી પણ કામગરી ગંગાથી નચિંતાઈયે બેસાયું નહિ. માબાપનો અથાગ પ્રેમ છતાં તે દરેક ધંધામાં આગળ પડતી હતી. તે ગર્ભવતી છે તેથી એનાં માતા પિતાને બહુ આનંદ વ્યાપો. તેનામાં જરા જેટલી પણ સુસ્તી નહોતી, તેથી તેની ઉત્તમ કેળવણી ને મર્યાદાશીળ રીતભાતથી પિતા માતા ઘણાં આનંદ પામતાં હતાં. જેમ સાસરામાં કામ કરવે ચપળ હતી તેમ જ અત્રે પણ હતી. પિતા ઘેર પધારે તે પહેલાં તેમને માટેના સત્કારની સઘળી ગોઠવણ કરી મૂકતી હતી. એનો પિતા કવચિત્ કવચિત્ કહેતો કે, “બેહેન ! તું અહીં કામ કરવાને નથી આવી; જરા આરામ લે. આટલા બધા માણસો છે તને કોણ કામ કરવા કહે છે?” પણ એનું કામગરું હાડ કઠિન છે કે નહિ તે તો પોતાના ભાઇ તથા પિતા વગેરેને માટે સઘળું તૈયાર કરતી. પોતાના ભાઇનાં છોકરાંઓ માટે કોલર, ઝભલાં વગેરે ભાતભાતનાં વસ્ત્રો તૈયાર કરતી તેથી સર્વને તેની તરફ ઘણો પ્રેમ છૂટતો હતો.

પોતાના ભાઇના દીકરાઓ બાળક હતા, ને તેઓ ઘણું તોફાન કરીને પછી પોતાની ફોઇને સંતાપતા, પણ તેથી એ કંટાળતી નહિ. ગંગાની મા કદી ખીજવાઇ જતી, પણ ગંગા તેને પણ શાંત પાડતી, ખાવા પીવાને માટે નાનાં બાળકો ગંગાની માની આસપાસ વીંટળાઇ વળતાં, ને તેથી ડોસી ઘણી બબડતી. પણ ગંગા કહેતી કે બાળકો તો એવાં જ હોય છે-ત્યારે તે વારતી ને બાળકોને ખાવાનું આપતી ને રમવા નસાડી મૂકતી હતી. સર્વ રીતે બિહારીલાલનું ઘર એક આનંદજનક રમકડા જેવા કુટુંબથી શોભતું. એ ઘરમાં શોક, ભય, કે અમર્યાદા જેવું કશુંએ હતું નહિ. ગંગાની મા એ પોતાની દીકરી સમાન વહુને માન આપતી હતી ને તે કદી પણ તેને ઉંચે સ્વરે બોલાવતી નહિ. વહુ પણ જાતે મર્યાદાવાળી ને હસમુખી હતી ને તેથી ઘરમાં ટંટાનું નામ પણ જણાતું નહતું. કાં તો ગંગા સુલક્ષણી હતી તેથી કે કાંતો વહુ મર્યાદાવાળી હતી તેથી, ગમે તે કારણ હોય, પણ નણંદ ભેજાઇ વચ્ચે પણ ઘણો પ્યાર હતો. ગંગા ઘરમાં આવવાથી તેના ભાઇની વહુ ઘણો આનંદ પામી ને વારે ઘડીએ તે બંને આનંદમાં બેસી ગપાટા મારતાં હતાં. આનંદમાં વાતો સાથે કરતી, જમતી સાથે, ફરતી સાથે, વાંચતી સાથે, ગાતી સાથે ને ઘણી વેળાએ સૂતી પણ સાથે હતી. જેટલો વખત ગંગા પોતાના પિયરમાં રહી તેમાં એકે દિવસ બંને ક્ષણવાર પણ જુદાં પડ્યા નહિ એમ કહીએ તો ચાલી શકે.

પોતાના પૂજ્ય સસરાના મરણ પછી ગંગાના દિલમાં ફિકર ચિંતા પેઠી હતી, ને તેથી તેની કાંતિ શ્યામળી પડી ગઇ હતી તે હવે જતી રહી. પિયરમાં સર્વ પાંતીનું સુખ હતું, ને વળી પ્રેમની લહરો ચોમેર ઉડતી હતી તેથી ને તે સાથે ગર્ભવતી હતી તેથી તેની કાંતિ વધારે દીપી નીકળી. તેના મુખનો રંગ ચંદ્ર પેરે પ્રકાશવા લાગ્યો. તેના પિતાએ જોઇતા ભાતભાતના અલંકાર ને વસ્ત્રો કરાવ્યાં, ને તે જ્યારે બહાર નીકળતી ત્યારે તેની મૂર્તિ અનુપમ દેખાતી હતી. તેને વસ્ત્ર અલંકાર કરાવ્યાં તેથી તેની ભોજાઇ જરાપણ દુભાઇ નહિ, પણ ઉલટી તે સર્વમાં સહાયક થતી હતી. આ ઘરમાં ગંગાને દુ:ખ તો જરાપણ હતું નહિ, તોપણ કદીમદી એ ઉતરેલે મોઢે વાડીમાં એકાંત બેસતી ને નિ:શ્વાસ મૂકતી હતી. તેનું કારણ કિશોરનાં દર્શન ઘણાં દુર્લભ થઇ પડ્યા તે હતું. પોતાના પતિ સિવાય બીજું તેને આવી વેળાએ કોણ અતિપ્રિય હોય વારુ ? ઘર તરફથી કોઇ સમયે કિશેાર પત્ર પણ લખતો તો ત્યાંથી “એ ભગવાન એના એ જ” એવા સમાચાર ફરી વળતા હતા.

દશ માસ પૂર્ણ થતાં ગંગાએ એક ઘણી નાજુક પુત્રીને જન્મ આપ્યો. ઘણા હિંદુ કુટુંબમાં પુત્રીનો જન્મ શોકસ્થાન જેવો ગણાય છે. પણ ગંગાનાં માતા પિતા જરાપણ ખિન્ન થયાં નહિ, પણ મોટો આનંદ વર્તાવ્યો.

ગંગા પોતાને પિયર રહી હતી, તેવામાં આણી તરફ ઘણા બનાવો બની ગયા. મોતીલાલ ને કમળી વચ્ચે ઘણી મજબૂત નિર્મળ પ્રીતિ બાઝી, મોતીએ તેનું કોમળ હૃદય ફેરવ્યું, ને બંનેએ ફરી લગ્ન કરવું એવો નિશ્ચય કીધો. ન્યાતિલાનો ડર બંનેને હતો, ને તેથી શાસ્ત્ર શું કહે છે તેની શોધમાં મોતીલાલ પડ્યો. પણ ત્યાંથી કંઇ પણ કાંદો કાઢી આવ્યો નહિ. કમળીના ઉપરાચાપરી પત્રો આવતા હતા, ને તે વખત ખાવાને માટે ના પાડતી હતી. પણ અહિયાં થોડીક હિંમત કમ હતી, ને તેનાં કારણો મજબૂત હતાં. જ્યાંસુધી કિશોર ખરા મનથી હા પાડે નહિ, ત્યાંસુધી કંઇપણ પગલું ભરવાને મોતીલાલ કબૂલ જ નહોતો. આ બાબતની ખબર મોતીનાં માતા પિતાને પડી, ને તેઓ ઘણાં ગભરાયાં. ન્યાતની એક ઓથાર જેવી, પણ પૈસાદારની દીકરી સાથે તેના લગ્નનું સાટું ઠોકી દેવાને તેઓ તૈયાર હતાં. પણ વખત છે ને આજકાલના છોકરાઓ માને નહિ તે ભયે મોતીલાલનો વિચાર જાણવાને લગ્ન કરવાને ખૂબ ટોંક્યો. પણ એણે નાની હા પાડી નહિ. આ પંચાતીને લીધે તે સુરત આવ્યો. કમળીને મળીને ઘેર જતાં રસ્તામાં તે પોલીસને હાથ પકડાયો. સૂરતમાં એ અરસામાં લાઇસન્સ કસને લીધે હુલ્લડ થયું હતું. આ હુલ્લડમાં પોલીસની પકડાપકડી ઘણા વિસ્તારમાં ચાલીને નગરના ઘણા સારા સારા સંભાવિત ગુહસ્થોના મનમાં ધ્રાસકો પડ્યો હતો. તે ભયનો ભેાગ મોતીલાલ થઈ પડ્યો. આ ખબર કમળીને પડતાં તેણે કિશોરને ઘણાં નમ્ર શબ્દોમાં વિનતિ કીધી કે એના રક્ષણ માટે પૂરતા ઉપાય લેવા. આ પત્રમાં જે પ્રેમભર્યા શબ્દો તેણે દર્શાવ્યા હતા તે ગુપ્ત રીતે એવું સૂચવતા હતા કે આ તેનો હવે પછી થનારો પતિ છે. તેના સુખ વગર મને સુખ નથી. કિશોર સૂરત આવ્યો ને બારીસ્ટર સાથે તેડતો આવ્યો. બ્રિટીશ ન્યાયની અવ્યવસ્થાનું એ કેસમાં પૂરતું ચિત્ર જોવામાં આવ્યું હતું. સમય એવો હતો કે મોતીલાલને શિક્ષા થાત, પણ કોલેજીયનોએ તેની તરફથી ઘણી સારી મહેનત કીધાથી ઘણે ખરચે તેનો છૂટકો થયો.