ગંગા - એક ગુર્જર વાર્તા/ધણિયાણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સસરો ને વહુ ગંગા - એક ગુર્જર વાર્તા
ધણિયાણી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
પિતા અને પુત્ર →


પ્રકરણ ૧પ મું
ધણિયાણી

રત એ ઓરડાનું બારણું ઉઘડ્યું, સવાર થઇ હતી, ને પોતાના ધણીની તબીયતના સમાચાર પૂછવાને લલિતાબાઇ એકદમ ઓરડામાં આવ્યાં; તેમનું મોં તો ચઢેલું જ હતું, ને તેવામાં પોતાના ધણીના કોચ પાસે ગંગાને બેઠેલી જોઇ કે પુષ્કળ ખીજવાયાં.

પ્રભાત થતાં જ શેઠાણીના મનમાં આવ્યું કે દર્શન કરી આવું ને તેથી ઘરમાં આટલો બધો ભયંકર મંદવાડ છતાં પણ તેમનાં દર્શનમાં ખલેલ પડી નહિ. પણ જેવાં બારીયે ડોકું કરે છે કે તરત જ માલુમ પડ્યું કે દર્શન તો થઇ રહ્યાં છે. મનમાં બહુ લાગી આવ્યું. તેથી ઉઠ્યાં તેવાં જ મોહનચંદ્રના ઓરડામાં આવ્યાં માથાનાં લટિયાં આસપાસ વીખરાયલાં હતાં, એક ગંદીલું મસોતું પહેર્યું હતું, ને કાંચળી કે વગર ઉકાંચળાં જ તે ઓરડામાં પોતાના ડાકણ જેવા વેશે આવ્યા.

એક ક્ષણવાર મોહનચંદ્રે આંખ મીંચી હતી. તેવામાં બાઇસાબે ધબાક દેતું કે બારણું ઉઘાડ્યું ને પૂછ્યું:-

“ગંગી, કેમ છે ?” તિરસ્કાર બતાવતા ચેહેરાથી લલિતાબાઇ બોલ્યાં. “આખી રાતના ઉજાગરા પછી હમણાં જ સૂતા છે.”

“તે ઉઠાડની, હું આવી છું તે કહે.”

“હજી હમણાં જ આંખ મીંચી છે. જરા પણ રાતના જંપ્યા નથી. ને સાસુજી, મને હવે એમની કશી પણ આશા નથી, રાતના વૈદ્યરાજ આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે મંદવાડ કપરો છે.”

“પણ તારું પારાયણ રહેવા દેની, હમણાં ઉઠાડ કે હું તપાસ કરું” શેઠાણીએ ધસીને કોચ નજીક જવા માંડ્યું.

ગંગા ઉઠીને સામી થઇ. “સાસુજી !” ઘણું નમ્ર ને પ્રેમમય વચનથી નીચી વળી મર્યાદા પૂર્વક સાસુજીને કહ્યું,” “હમણાં સૂવા દેશો તો ફિકર નથી.”

“ચાલ, બેસ, હરકતવાળી આવી છે. એવો તો શો મોટો મંદવાડ આવી પડ્યો છે કે ઉઠાય નહિ. આખી રાત તો પાડાપેઠે ઘોર્યા કરે છે, ને હવે ઉઠતાં શી હરકત છે ?”

“ખરેખર હરકત તો નથી, પણ હમણાં જ સૂતા છે. હજી તો છ વાગ્યા છે, તેથી અડધા કલાક પછી ઉઠાડજોની !”

“ને તારી એવી ખાત્રી છે કે માંદા માણસ ઊંઘે તો સારું ?”

“તેની મને શી ખબર સાસુજી !” જરાક વિચાર કરીને ગંગાએ જવાબ દીધો, “પણ માંદા માણસોની તબીયત સાચવવાને માટે તેમને આરામ આપવો જોઇયે.”

“બેસ, બેસ, ડાહેલી ! તું આજકાલની ટીચકી તે આરામ ને વિરામની વાત મને સમજાવવા બેઠી છે ! શું થયું છે કે આરામ જોઇયે ? રાતના હું સૂવા ગઈ ત્યારે તે બે વાઘ ધરાય તેવા હતા, ને રાતમાં ને રાતમાં મરવા પડ્યા છે. “ખોટું ખોવાય નહિ ને ઘરડું મરે નહિ !' તું તો મારી સોક થઈ પડી છે તે મારું જ ભુંડું ઇચ્છે છે ! એ મરે તો મને ભુંસાપો આવે તેમાં તું રાજી ! ફટ તારા જીવતરપર, પણ એ મરે એવો દહાડો ક્યાંથી ?” ગંગા તો સડક જ થઇ ગઇ. શેઠાણીના બરાડાથી કમળી પણ જાગી ઊઠી, ને મોહનચંદ્ર પણ જાગી ઉઠ્યા.

“એ શું છે ગંગા ?”

“કંઈ નહિ, સસરાજી.”

“ત્યારે આટલો બધો શોરબકોર શાનો થઇ રહ્યો છે ?”

ગંગા કંઈ પણ બોલી નહિ. તેની બોલવાની હિંમત પણ ચાલી નહિ. ડોસાએ ઉઠવાનો યત્ન કીધો, પણ તેટલામાં ગંગાએ કહ્યુંઃ “તમે તમારે સૂઈ રહોની, એ તો હું ને સાસુજી વાત કરીએ છીએ.”

“કોણ પેલી કર્કશા આવી છે કે ?”

“કેમ, મરવા સૂતા છો ત્યાં પણ એ જ વાત કે ?” શેઠાણી બોલ્યાં.

“એ પ્રભુ, અરે અંબા મારી મા ! તું મારી સંભાળ રાખજે ! આ તો મારો જીવ લેવાને દૈતણસરખી આવી છે. એના મોંમાં કંઈ કાંટા ભાંગે છે, કંઈ બોલતાં શરમાય છે ?”

“હું શાની શરમાઉં ? તમને બોલતાં વિચાર નહિ આવ્યો ? તમે કોને કર્કશા કહી ?”

“અરે મને નહિ બોલાવ. ગંગા, એ કમળી ! એને અહિંયાથી કાઢો, નહિ તો હું વગર મોતે મરી જઈશ.”

“બાપાજી, તમે હવે કંઈ નહિ બોલો તો ઠીક થાય, માજીનો સ્વભાવ તો તમે જાણો છે જ – એમને બેાલવા દો, બોલીને પસ્તાશે.”

“આ રાંડો શું કરવા બેઠી છે ! જે તે મારાપર જ મંડેલું છે, ને મને જ ગાળો ભાંડે છે ! પણ તમારાં સત્યાનાશ જાય, તમે મારી પૂંઠે કેમ ખાઈ પીને મંડ્યાં છો ? મેં શું બગાડ્યું કે તમે મને હેરાન કરવાનો ધંધો લઈ બેઠાં છો ? મને મારી બારી નાખવા માંગો છો કે શું?”

“ખરેખર તું મરે તો ગામનું પાપ જશે !!” ડોસાએ પથારીમાં એકદમ બેઠા થઈને કહ્યું, “કર્કશા ! ડાકણ! વંત્રી ! સવારના પહોરમાં કાં તારું કાળું મોં બતાવવા આવી છે ? તને કોણે બોલાવી હતી? રાતના પાડાની પેઠે ઘોર્યા કીધું, ત્યારે કંઇ પણ ખબર કાઢવા આવી'તી જે અત્યારે વેહેલી વહેલી વંત્રીની પેઠે લડવા ઝગડવા આવી છે ! નીકળ મારા એારડામાંથી, તારું મોં મને નહિ બતાવ ! મારા ઘરમાં તારા જેવી કમજાત કૂતરી નહિ જોઇએ. આખા ઘરમાં નઠારી ને કજાતમાં કજાત તું છે. મારું સોના જેવું ઘર તેં કોડીની કીમતનું કરી મૂક્યું છે. ગંગા, કમળી, તુળજા, કોણ અહિયાં છે ? અરે તમે ગમે તેમ પણ એને અહિયાંથી કાઢો, નહિ તો એ મારો જીવ લેશે. એને કાઢો, બસ કાઢો !”

ઘણા તૂટક તૂટક શબ્દોમાં ડોસાએ પોતાનો ઊભરો કાઢ્યો, પણ તેટલામાં શ્વાસ ધોકારાબંધ ચાલવા માંડ્યો, ને ઘણો શ્રમ થવાને લીધે પાછા પથારીમાં પડ્યા, ને મોંપર ફીણ આવી ગયાં. તે સાથે પુષ્કળ જબરો તાવ ભરાઈ આવ્યો.

આટલું બધું બોલવું થયું તેપણ લલિતાબાઇના મનમાં જરા પણ અરે કે હાય પેઠી નહિ. તેઓ તો જ્યાંનાં ત્યાં જેવાં ને તેવાં જ ઊભાં રહ્યાં. તેમના મનમાં હવે પૂરી ખાત્રી થઈ કે ડોસાએ માંદા પડવાનો સજ્જડ ઢોંગ ઊભો કીધો છે.

ડોસા પથારીમાં પાછા પડ્યા કે સાસુજી પાસે ઉભેલી ગંગા સસરાજી પાસે આવી. તાવ પુષ્કળ વધી ગયો. જોતજોતામાં એકસો ને પાંચ ડીગ્રી તાવ ચઢી આવ્યો, અને તરત જ ડાકટરને બોલાવવાની જરૂર જણાઇ, ડોસાથી જરા પણ બોલાતું નહોતું; તેમને બે ત્રણ વાર બોલાવ્યા, પણ જરા પણ જવાબ દીધો નહિ, ને તેટલું છતાં પણ લલિતાબાઇ જરા પણ પાસે આવ્યાં નહિ, પણ બડબડવા લાગ્યાં, “શું થયું છે ? ધાડે નથી ખાતી. બોલવા બેસે છે ત્યારે તો અટકતા પણ નથી, ને માંદા પડ્યા છે. મને તો માંદગી જેવું કંઇએ જણાતું નથી.” આવા આવા શબ્દો, વખતે ધીમે, ને વખતે મોટેથી બોલતી હતી. ગંગાએ જાણ્યું કે જો હવે સસરાજી પાછા ઊઠશે તો તબીયત ઘણી જ બગડી જશે. “સાસુજી હમણાં તમે બહાર જશો ? સસરાજીની તબીયત ઘણી જ બગડી ગઈ છે. એ પાછા ઊઠશે તો વળી વધુ બગડશે.” ગંગા અડોઅડ આવીને ઘણી જ ધીમેથી બોલી.

“નથી જતી; તું કોણ કેહેનારી ?”

“હું સસરાજીના સારા માટે કહું છું.”

“ગમે તેમ થાયની, તેમાં મારે શું !”

“પણ તમે જોતાં નથી કે તમે બોલો છો તેથી સસરાજી ચીહડવાઈ ઉઠે છે !”

“એ તો એમને ટેવ પડી છે, તેમાં મારે શું ?”

“તમે વધુ બેાલશો તો વધુ બગાડો થશે.”

“છો થતો. મારે શું ?”

“એ દયાળુ પ્રભુ, હવે ઊઠાવી લે.” મોહનચંદ્રે માથું ઉંચકી ને હાથ ઉંચા કરીને બૂમ મારી.

“જુઓ, તમારા બોલવાથી સસરાજી કેવા દુભાય છે ? આપણે થોડું બોલીએ તો ન ચાલે કે ?”

“જા જા, ચાંપલી ! રાંડ ડાકણ ! મારા ઘરમાં તું નેહેસ પગલાંની જ્યારથી આવી છે ત્યારથી આ ઘરમાં ક્લેશ પેઠો છે ! તારે થોડું બોલવું હોય તો બોલજે, મારે શું છે કે હું થોડું બોલું ?”

“બા, તું નથી જાણતી કે હવે બાપાજી જીવવાના નથી ?” કમળી બેાલી.

“ચૂપ, તું રાંડ વળી બોલી ?”

“શું છે, મને શું કામ એમ તરડાઇને જવાબ દે છે ? તારે લીધે બાપાને કેટલું દુ:ખ થાય છે તે તું જોતી નથી ?

“જા રાંડ, તારું કાળું કર! મને નહિ બેાલાવ! તારું મોં નથી જોવાની !”

“એાછી પીડા !” પોતાની માનાં આવાં કઠોર વેણથી ખીજવાઈને કમળીએ તુચ્છકારથી જવાબ દીધો. “અરે ! અરે ! મારા પર દયા કરો !” તે ઘરડા માણસે પોતાની સ્ત્રીની તરફ નજર કરીને બૂમ મારી.

“ત્યારે હું જાઉં ? તમે સઘળાં કાઢી મૂકવા માગો છો ?” કર્કશાબાઈએ કહ્યું.

"સાસુજી ! તમે એમ ન બેાલો, મેં કે સસરાજીએ તમને એમ કહ્યું નથી, પણ તમે હમણાં ખીજવાઈ ગયાં છો, તે જરાક દાતણપાણી કરીને આવો તો ઠીક.” ગંગાએ, રખેને તેમની સાથે લડ લડી થાય તેટલા માટે ધીમેથી જવાબ દીધો.

“પણ ત્યારે હું એમની ધણિયાણી ખોટી ? તમે બેઠાં બેઠાં ચાકરી કરો, ને હું દૂરની દૂર જોયા કરું ?”

“હા, હા !” ડોસાએ પાછો જવાબ વાળ્યો. “જા બાપા, જા, તારાથી પરમેશ્વર પણ તોબા થયો છે. મારે તારી પાસે ચાકરી કરાવવી નથી. તેં મારી ઘણી ચાકરી કીધી છે, હવે શી કરવાની હતી? હમણાં તેં મારી કેવી ચાકરી કીધી છે ને હવે એ જ દુઃખે હું મરીશ, ને ત્યારે તારી પીડાથી છૂટીશ.” ખૂબ ચીઢમાં ડોસાએ કહ્યું, “ને હું મરીશ ત્યારે તારા જીવને જંપ વળશે.”

“તમે મને કાઢી મૂકો છો ?”

“ના.”

“ત્યારે હું ક્યાં જાઉં ?”

“ઘરમાં બીજી જગ્યા બળી નથી ?”

“પણ હું ત્યાં શું કામ જાઉં ?”

“મને દુ:ખથી મોકળો કરવા.”

“મારું તો કોઈને મેાંજ નથી ગમતું !”

“કોણ કહે છે કે નથી ગમતું ?”

“તમે જ તો.”

“જુઠી છે તું ! તને કોઇનું મોં નથી ગમતું." “જ્યારે મને કોઇનું મોં નથી ગમતું, ત્યારે બોલાવો છો શું કામ ?”

“કોણ તને બોલાવા આવ્યું હતું ?”

“લો ત્યારે હું જઈશ ! મારા જવાથી તમે સુખી થશો ?”

“બેશક !"

તરત ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠાણી બાહાર નીકળી ગયાં. તેમના જવા પછી ગંગાને તરત નીરાંત વળી; કેમકે આટલી બધી વાતચીત થઈ તેથી ડોસાના મગજપર પુષ્કળ તાવ વધી ગયો હતો, ને એ જ તાવ એમના મોતનું કારણ થઇ પડ્યો. ખરું પૂછાવો તો મોહનચંદ્રનું કાળસ્વરૂપ લલિતાબાઇ હતી.

મોહનચંદ્ર થોડીકવાર પડી રહ્યા, તેમને લાવીને કાંજી આપવા માંડી; સહજ સાજ લીધી, પણ ગળે ઉતરી નહિ. તરત જ ડોકટરને તેડવા માણસ મોકલ્યું હતું એટલે તેઓ આવી પહોંચ્યા. તબીયત તપાસ્યા પછી કંઇક ઔષધ આપવાનું કહીને તેઓ ચાલ્યા ગયા. ડાક્ટર ગંગાને જણાવતા ગયા કે હવે તબીયત હાથમાં નથી.

ડાક્ટરના ગયા પછી થોડીકવારે ડોસાએ પાછું બેાલવા માંડ્યું. હવે તેમને બોલતા અટકાવવા એ નહિ બને તેવું હતું. જો કે હજી પૂરતી શુદ્ધિમાં ડોસા હતા.

“બેહેનો !” ઘણા ઘાડા સ્વરે મોહનચંદ્રે કહ્યું, “આ બધી વાતો તમે અહિયાં જ દાટી દેજો. જે ચાલ, ગંગા તારી સાસુએ, ને કમળી તારી માએ ચલાવી છે, તેથી મારા મુવા પછી તે બે કોડીની થશે. પણ હશે ! મારે શું હવે ? મારે ક્યાં દેખવું છે ? સાંભળ્યાનો સંતાપ ને દીઠાનું ઝેર ! પણ કેશવલાલ ક્યાં છે?”

તરત જ ઓરડામાં કેશવલાલ જે પોતાના સાહેબની સ્વારીમાં હતો તે પોતાના બાપનો મંદવાડ સાંભળી આવ્યો હતો તે દાખલ થયો. તેની પછાડી તેની પત્ની તુળજાગવરી પણ હતી, ને તેના હાથમાં મદન પણ હતો.

“પિતાજી ! શું કહો છો ?”

“ઓ ભાઇ તું આવ્યો ?”

“હા પિતાજી ! મને તમારા મંદવાડનો કાગળ મળ્યો કે તરત જ નીકળી આવ્યો છું.”

“ઘણું સારું થયું, બસ, મારી પાસે બેસ!” એમ કહીને પોતાની જમણી બાજુએ બેસાડ્યો, ને તેના હાથપર એક ચુંબન કીધું, “ તું જાણે છે કે મારો આ મંદવાડ ઘણો ભારે છે. હવે હું ઉઠવાનો નથી. મારી શીખામણ એટલી જ છે કે તારી મા તો મારા ઘરમાં કદી નહિ શોભે તેવી કમજાત માણસ છે, તમારે તેનું કંઇ પણ સાંભળવું નહિ. મારું એક જ વચન તમારે યાદ રાખવું કે આ તારી નાની ભાભી ગંગા, જે આપણા કુટુંબમાં એક સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે, સંપત્તિ દેવી ને સદ્દગુણની મૂર્તિ છે, આપણા કુટુંબનું ભૂષણ છે, તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. એના જેવી વહુ જે કુટુંબમાં હોય તેનું પરમ ભાગ્ય હું માનું છું.”

“પિતાજી તમે બેફિકર રહો. તેમના સદ્દગુણ માટે સૌ કોઇ માન આપશે. હું તેમની આજ્ઞા બેહેન પ્રમાણે માનીશ.”

“એટલામાં તરત જ મોહનચંદ્રનો વહાલો દીકરો ઓરડામાં આવ્યો.