ગંગા - એક ગુર્જર વાર્તા/પિતા અને પુત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ધણિયાણી ગંગા - એક ગુર્જર વાર્તા
પિતા અને પુત્ર
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
ખરી કસોટી →


પ્રકરણ ૧૬ મું
પિતા અને પુત્ર

મોહનચંદ્ર મોતના બિછાના પર સૂતા હતા, ને તેમનાં ધણિયાણી, આ ઘણા બારીક ટાંણે પણ પોતાનો કોકટ સ્વભાવ જણાવવામાં પાછાં હટ્યાં નહોતાં, તેવામાં એકદમ એારડામાં કિશેાર ધસ્યો. ઓરડાનું અડધું બારણું બંધ હતું તે ધસારા સાથે ઉઘડી ગયું.

લલિતાના કઠોર અને પાજી સ્વભાવથી કંટાળી, બેઠા થયા પછી ડોસાએ એક હાય મારી નીચી આંખે પોતાનું માથું નમાવ્યું હતું; તેવો જ કિશેાર પોતાના પિતાને ગળે બાઝી પડ્યો, જે વેળાએ તે ડોસાના કાનમાં ચિત્તવેધક શબ્દોનો અવાજ થયો કે, “બાપાજી, વહાલા બાપાજી!” તે વેળાએ તરત મોહનચંદ્રથી જવાબ દેવાયો નહિ, પણ તેણે એકદમ એક ખુશીનો અવાજ કહાડ્યો; ને પોતાના પ્રિય પુત્રને જોઇને આનંદથી ઘેલો થયો.

તેની માંદગીમાં આ આનંદે વધારો કીધો, પણ ઘટાડો થયો નહિ. આ હર્ષથી તેને સનેપાત તરત જ લાગુ પડ્યો. જો કે આસપાસ બેઠેલાઓને તરત તો તેની કશી પણ અસર જણાઇ નહિ.

“બાપાજી! તમને શું થયું છે? તમે ઘણા માંદા થયા છો.” ઘણા ભયથી કિશોરે પૂછ્યું, કેમકે તેને પોતાના પિતાનો ચહેરો તદ્દન બદલાયલો જણાયો.

“ના, ના ! ભાઇ કિશેાર ! મારા લાડકા ! મારા વહાલા દીકરા ! તું મારી તરફની કશી પણ ફિકર કરતો નહિ. હું સહજ માંદો છું, પણ ફિકર કરવા જેવો નથી. પણ હું તને મળીશ એવી આશા રાખી નહોતી. તને જોવાથી મને જે આનંદ થયો છે તે કેમ કહી બતાવું? પણ ખરેખર હવે હું સારી રીતે સુખે મરીશ. મને સઘળું મળી ચૂક્યું.”

“એમ નહિ બોલો, પિતાજી ! બાપાજી, તમે એમ નહિ બોલો. હવે તમારી માંદગી એક ઘડી પણ રહેનારી નથી. હવે તમારી ચિંતા સઘળી દૂર કરો. હું તમારી ખરેખરી સેવા કરવાને વખતે આવ્યો છું. જો તમને કંઈ પણ થયું હોત, તો પ્યારા પિતાજી, હું જીવતે નહિ. તમારી સેવા કરવી મારા નસીબમાં લખેલી છે. હવે આપણે સર્વે સુખી થઈશું.”

“બેશક દીકરા તેમ થશે ! પણ મારો મંદવાડ જોઇ તું ગભરાતો નહિ.” તે વૃદ્ધ માણસે ઘણા નમ્ર અવાજથી જણાવ્યું, “હવે આપણે સુખી થઇશું, પણ મારો મંદવાડ ઘણો કાજગરો છે.”

“પરમેશ્વર આપણ સઘળાનો સહાયક થશે. પિતાજી, જો મારા નસીબમાં સુખ હશે તો તમે પાછા આરેાગ્ય થશો જ; ને હું હવે તમને કદી પણ છોડી જઇશ નહિ. મને મુંબાઇમાં સેક્રેટરિયટમાં ઘણી સારી નોકરી મળી છે, ને આવતા માસથી ત્યાં દર માસે સોનો પગાર મળશે, પણ તમારી ખાતર હવે ક્યાંય પણ જઇશ નહિ.”

“તારું નસીબ ચઢતું થાય !” તે ડોસાએ ગળામાંથી બોલીને પોતાના વહાલા દીકરાનું રૂડું ઇચ્છ્યું, “હું ધારું છું કે ત્યાં તું વધારે સારી પદવી પર ચઢીશ.”

“તે માટે તમે બેફિકર રહો, આપણે સૌ હૈયાત હોઇશું તો સૌ મળશે.” આટલું કિશેાર બોલ્યો કે ડોસાએ વધારે નબળાઇ બતાવી ને એકદમ પાછો તે પથારીમાં પડ્યો.

“જલદી ઔષધ લાવો,” કિશેારે ગભરાટમાં બૂમ મારી; “એક ઔષધનું ટીપું પિતાજીની આરોગ્યતા સુધારશે.”

“કશી જરૂર નથી, દીકરા, હવે ઔષધ શું લાભ કરશે? મારે માટે તારે કશી પણ દરકાર કરવી નહિ.” ડોસાએ ડચકિયાં ખાતાં ખાતાં જવાબ દીધો.

આસપાસ સૌએ ઔષધને માટે દોડાદોડ કરી મૂકી. ટેબલપરથી તરત જ ગંગાએ ડાક્ટરે આપેલી બે શીશી લાવીને મૂકી ને તેમાંથી ગ્લાસમાં જોઇયે તેટલું ઔષધ નાખ્યું.

“હવે ઔષધ કાંઇ ગુણ કરનાર નથી !” ઔષધ લેવાની ના પાડતાં મોહનચંદ્રે કહ્યું, “પૈસાની ખુવારી છે. ડાક્ટર મારી સ્થિતિ યથાર્થ રીતે જાણતો નથી, ને પૈસા ખાવાને માટે લંબાવ્યા કરે છે. ભાઇ, હવે આપણા ઘરમાં એક પાઇ પણ નથી. આપણી આબરૂ શી રીતે રહેશે ? બહાર જેટલો ભપકા છે તેમાંનું આપણી પાસે અડધું પણ નથી. કેટલું દેવું થઇ ગયું છે તેનો તને કંઇ ખ્યાલ છે? આ સઘળાં તો મારે ફૂટેલે નસીબે મને પિંખવા બેઠાં છે, પણ બાપુ ! તે બધો તારા માથાપર ભાર છે. ન્યાત જાતમાં આપણી આબરૂ સારી કહેવાય છે, આત્મારામ ભૂખણનું ઘર કહેવાય છે, પણ ઘરમાં કોડી નથી. અરે કેમ આબરૂ સચવાશે? કેમ લોકોમાં માન રહેશે ?” એટલું બોલતાં ડોસાની આંખમાંથી પુષ્કળ આંસુ એકદમ પડ્યાં. “એમ કેમ પિતાજી ? મેં ત્રણસો રૂપિયા તો હમણાં મોકલ્યા હતા; તે ક્યાં ગયા ?”

“દેવામાં આપી દીધા.”

“ત્યારે હવે ઘરમાં કંઈ નથી? લો આ એક હજાર રૂપિયા. પિતાજી, એ હું તમારા ઔષધને માટે લાવ્યો છું, ને તમારા આશીર્વાદથી હું વધુ કમાઇશ.”

કિશેારના પ્રેમથી ડોસો ગગળી ગયો; ને તેણે ડચકીયાં ખાધાં. ઘરનાં સઘળાં ત્યાં હતાં તેઓ પણ દંગ થઈ ગયાં.

“પિતાજી તમે લેશ પણ ચિંતા કરો નહિ. પ્રભુ સરખો દાતાર છે, તે આપણી આબરૂનું રક્ષણ કરશે.” આમ કહીને તેણે સો રૂપિયા રોકડા ને નવસોની નોટનો ચોડો પથારીપર મૂક્યો, “લો પિતાજી, તમારું દુ:ખ વિસારી દો, ને જરા પણ સંતાપ હોય તે કહાડી નાખો. આ બધું તમારું જ છે, એમ જ સમજજો કે તમે મને જન્મ આપ્યો છે તેનો બદલો હું વાળી શકીશ નહિ.”

“એ કોના પૈસા છે ?” ડોસાએ જરાક અજાયબીથી પૂછયું.

“મારા ! તમારા ! રે આપણા સર્વેના એ પૈસા છે, એમાંથી તમને જોઈતી વસ્તુ મંગાવો. ડાક્ટર ને વૈદ્ય જે હોય તેને બોલાવો, ને બરાબર ઔષધ કરો.”

“એમ નહિ બને.” જરાક વિચાર કરીને મોહનચંદ્રે કહ્યું, “ભાઇ કિશેાર, તું જ એક મારો સુપુત્ર છે ને તું જ મારી આબરૂનું રક્ષણ કરનાર છે. પણ સાંભળ, આ મારી એક છેલ્લી તને પ્રાર્થના છે, ને તું મને ખાત્રી છે કે તે કબૂલ રાખશે, આપણા પડોસીના વ્યાજ સુદ્ધાં નવસો રૂપિયા દેવા છે, ને એ ઋણમાં હું મરતી વખત રહેવા માંગતો નથી.”

“જેવી તમારી ઇરછા,” જરા પણ વિચાર કીધા વગર પોતાના પિતાની ઇચ્છાને આધીન થઇને કિશેારે પ્રત્યુત્તર વાળ્યો. “ધન્ય ! ધન્ય !” ઘણા જ પ્રેમથી મોહનચંદ્ર બોલ્યો. “તારું કલ્યાણ થાઓ, ને સુપુત્ર તું આ જગતમાં એક જ છે, તારો પ્રેમ ને પિતૃભક્તિ એ અવર્ણનીય છે, તું એક જ સપૂત છે, ને હું ઇચ્છું છું કે તને યથાર્થ સુખ તે જગદંબા પૂરું પાડે. તારા સુભાગ્ય પ્રમાણે તને ખરેખરી ભાર્યા પણ મળી છે, ને આપણા ઘરમાં, આપણી ન્યાતમાં, આપણા શહેરમાં ગંગા જેવી એક પણ વધૂ હશે નહિ. ગંગા તે ગંગા જેવી જ પવિત્ર છે. મર્યાદા ને વધૂ ધર્મ એ એટલા તો સમજે છે કે તેની બરાબર બીજું કોઇ જ નથી. સદ્ગુણમાં તે પૂરી છે, ઘર રાખવામાં તે શ્યાણી છે, ને સૌની પ્રીતિ સંપાદન કરવામાં પૂરી છે. તેં જેમ તારો પ્રેમ મારી તરફ બતાવ્યો છે, તેમ જ આ તારી સ્ત્રીએ મારી સેવા કરવામાં કશું પણ બાકી રાખ્યું નથી. એ નહિ હોત તો હું ક્યારનો સ્વર્ગે પહોંચી ગયો હોત. આ ઘરમાં એના શિવાય બીજું કોઇ નથી કે જે મારી બરદાસ્ત કરે. પ્રિય કિશોર ! બેટા કિશોર ! તને એક અમૂલ્ય રત્ન મળ્યું છે, તે કુળદીપક વધૂ તરીકે આજે આ ઘરમાં શોભે છે, મારી એવી ઇચ્છા છે કે તારે તારી પત્નીના કહેવા પ્રમાણે વર્તવું. ગંગામાં એટલા બધા સારા ગુણો ભરેલા છે કે કદી પણ તે તને માઠી સલાહ આપશે નહિ, મારી સંપૂર્ણ ખાત્રી છે કે આ મારા કહેવાને તમે સર્વ કોઈ અનુસરશો.”

કિશેાર, કમળી, વેણીલાલ, વેણીગવરી, તુળજા, કેશવલાલ વગેરે સર્વે ગળગળી ગયાં. કિશેારથી એક શબ્દ પણ તેના ઉત્તરમાં બોલાયો નહિ. ગંગાની આંખમાંથી ઢળક ઢળક આંસુ વહ્યાં.

એક પિતાતુલ્ય સસરાને મોઢેથી અને એક પિતાને મોઢેથી એક પુત્ર અને વધૂને પોતાનાં જ વખાણ સાંભળવાનો સમય આવે એ શું થોડું આનંદ આપનારું છે ? વળી તે વૃદ્ધવયે પહોંચેલા, પુખ્ત અનુભવવાળા પુરુષને મોઢેથી આવાં વચનો સાંભળવાથી કંઈ થોડું સુખ પ્રાપ્ત થાય છે વારુ ? તેમ એક પતિએ પોતાની પત્નીની તારીફ પોતાના બંધુઓ સમક્ષ સાંભળવી એ કંઈ તેના મનથી થોડો લાભ છે ? બાળાઓ, સ્ત્રીઓ, જેઓ વધૂ તરીકે પોતાના પતિના ઘરમાં રહેતી હોય તેમણે આ ગુણવંતી ગંગાના ગુણોનું અનુકરણ કરવું એ કંઈ થોડી કીર્તિ ઉત્પન્ન કરનાર થઈ પડશે નહિ.

શ્વસુરસદનમાં રહેતી આજની વહુવારૂઓ, પોતાને જે ઘર હમેશાનું જ પ્રિય થઈ પડવું જોઇએ, તે ઘરમાં પોતાના સસરા સાસુ સાથે કેમ વર્તવું તે જરા પણ સમજતી નથી. તેઓ જાણે એમ જ સમજે છે કે આપણે તો માત્ર ધણીને જ રીઝાવવાને માટે સર્જેયલાં છીએ, ને તેથી સાસુ કે સસરા તરફ જરા પણ માન કે વિવેક મર્યાદા બતાવતી નથી. વળી તેમાં આજકાલની બાળકીઓ એટલી બધી છાલકી થઈ જાય છે કે કોઈનો સહેજનો ટુંકારો પણ સાંભળવાને માટે ના પાડે છે તે તો “હું ને મારે હાંસિયો,” તેમ પોતાના જ તાનમાં મસ્ત બની જાય છે, ને ટ ટ-પૂ પૂ ભણી એટલે તે કંઈ તેને નવી જ દુનિયા જણાય છે. ઘર કામમાં ઘરની વ્યવસ્થા ને સસરા સાસુ સાથેના સંબંધમાં તો તે પોતે એમ જ સમજે છે કે તેને કાંઇ લેવા દેવા જ નથી. પણ હે બાળાઓ ! કુળદીપક વધૂઓ ! યાદ રાખો કે જે સહજસાજ તમે ભણ્યાં છો તેનું સાર્થક્ય કરવાની આ રીત જ નથી. ગંગાએ જેમ પોતાના પિયેર કરતાં પોતાનું સાસરું એ પોતાનું સર્વોપરી સુખનું ધામ ગણ્યું છે, ને તે જેમ પોતાના દરેક ધર્મમાં યોગ્ય નીવડી છે, તેમ જ્યાં સૂધી સઘળી પુત્રવધૂઓ નીકળશે નહિ ત્યાં સૂધી કદી - રે કદી પણ આપણો ગૃહસ્થાશ્રમ, સુખનું ધામ ન સ્વર્ગનું ભુવન થવાનો નથી.

તરત જ સૌ ઉઠી ગયાં ને પોતપોતાને કામે વળગ્યાં. મોહનચંદ્રની તબીયત તરતને માટે ઘણી સારી જણાઇ, પણ થોડા વખતમાં માલમ પડ્યું કે તેમને સનેપાતની અસર થઇ હતી. શક્તિ છેક જ નખાઈ ગઈ, ને દિનપ્રતિદિન રોગે ઘણું સખ્ત ઘર કીધું; સૌએ હવે તો આશા મૂકી, અને તેમના મોં આગળ વારાફરતી સૌ બેસતાં હતાં; તો પણ મોહનચંદ્રના મોં આગળ ગંગા એ જ તેને ખરેખરું સુખ આપનારી હતી. સઘળી સેવા કરવામાં તે જ્યારે ને ત્યારે તત્પર હતી. એક પળ પણ પોતાના પિતાતુલ્ય સસરાની પાસથી તે દૂર થતી નહિ, વારંવાર, ઘડીએ ને પળે બિછાનામાંથી મોહનચંદ્રને મુખે, “બેહેન!” “મા!” એ વેણો નીકળ્યા કરતાં હતાં, ને કદી કદી ડોસા એટલા તો વલોપાત કરતા કે તે જોઇ સાધારણ સ્ત્રીને તો કંટાળો પણ છૂટે; પણ ગંગા તો આ સેવામાં સુખ માનતી હતી. હું ધારું છું, અને કહેવાનાં ખાસ કારણો છે કે આવી કુળવધૂ એ કુટુંબનું ગૌરવ છે; પણ એવું ગૌરવ સંપાદન કરવા માટે કેટલી સ્ત્રીઓ તત્પર હશે ? ઘણી જૂજ. પોતાનાં માતા પિતા અને સાસુ સસરાની સેવા કરવામાં તત્પર એવી થોડી સ્ત્રીઓ હશે. માતા પિતા વચ્ચે, સાસુ સસરા વચ્ચે વધૂ અને પુત્રને આટલો બધો પ્રેમ બંધાય એ બહુ આનંદજનક છે.

ડોસાની તબિયત નઠારી હોવાથી કિશોરે ડોક્ટરને બોલાવ્યો હતો, ને પૈસા સંબંધી સઘળી વ્યવસ્થા યથાર્થ કીધી હતી. એટલે કશી અડચણ પડતી નહોતી. તે સધળા પુણ્યપ્રતાપ ગંગાના હતા. પોતાની પાસના સઘળા પૈસા તેણે કિશોરના સ્વાધીનમાં આપ્યા હતા. ડોક્ટર આવ્યા, ને તેણે બરાબર નાડી તપાસી કેટલીક સૂચનાઓ કિશોરને આપી, ને વિદાય થયો. કિશોરને ડોક્ટરના કહેવાથી ખુલી સમજ પડી કે હવે ઘણી થોડી આશા છે. પણ તેણે પોતાથી બનતા ચાંપતા ઉપાય કરવામાં કંઇ પણ કસર રાખી નહિ. મોહનચંદ્રની સેવામાં તેણે કેટલીક રાતના અખંડ ઉજાગરા પણ કીધા, માંદગીને લીધે કદી કદી કંટાળો ઉત્પન્ન થાય તેવા શબ્દો સાંભળવા પડતા હતા, પણ જરાએ દુ:ખ ઉત્પન્ન થાય તેવો શબ્દ તે બોલ્યો નહોતો.