ગંગા - એક ગુર્જર વાર્તા/પ્રેમ પરીક્ષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઘરમાં તો જેમનું તેમ જ ગંગા - એક ગુર્જર વાર્તા
પ્રેમ પરીક્ષા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
સસરો ને વહુ →


પ્રકરણ ૧૩ મું
પ્રેમપરીક્ષા

ધીમે ધીમે મોતીલાલ અને કમળા વચ્ચે પત્રવ્યવહાર વધી પડ્યો. દરરોજના પત્રો ચાલૂ થયા ને તેમનો પ્રેમ એટલો બધો ઘાડો બંધાયો કે તે કદી પણ છૂટી શકવા અશક્ય થઈ પડ્યો. કમળા પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી બેઠી હતી કે ફરી લગ્ન કરવામાં એ જ પતિ તરીકે યોગ્ય છે; ને આ વાત તેણે પોતાની ભાભીથી છુપાવી નહોતી. સ્પષ્ટ રીતે એ વાત જણાવી દીધી ને તેની સલાહ પ્રમાણે વર્તવાને કમળીએ નિશ્ચય કીધો. કમળી ને ગંગા આ બાબતમાં કેટલેક દરજ્જે ઘણા જૂદા વિચારનાં હતાં, તોપણ કમળીએ પોતાની ભાભીને હસી કાઢી નહિ, તેમ ગંગાએ પોતાની નણંદને તત્કાળ વારી પણ નહિ . ધીમે ધીમે વિચાર ફેરવવા માંડ્યો. તકરાર વારંવાર કરતાં હતાં, વાતચીતમાં વારંવાર મતભેદ પડતો હતો, તથાપિ એક ઘડી પણ બંને એક બીજાથી જૂદાં પડતાં નહોતાં. કમળી મોતીલાલને હમેશાં પત્ર લખતી હતી, ને તેમાં પ્રસંગે સઘળો ઘરસંસારી બનાવ પણ લખતી હતી. ઘણાક પ્રસંગો જાણ્યા પછી મોતીલાલને એમ ભાસ્યું કે ગંગાનો મત કમળીનાં ફરી લગ્ન થાય તે તરફ નથી, ને તેથી તે બેચેન બનવા લાગ્યો અને મૌન ધારણ કરી સૂમની માફક બેસી રહેતો હતો.કિશોરને તેમના આટલા બધા નિકટ સંબંધની ઘણી થોડી ખબર હોવાથી આ બેચેનીનું કારણ જાણવા તે ઘણું મંથન કરતો હતો, તથાપિ મોતીલાલ ઉડાવતો, અને જોકે તેના મનમાં વારંવાર પોતાના મિત્રને છેતરવાને દિલગીર થતો હતો, તો પણ નિરુપાયે તે આ પ્રમાણે કરતો હતો.

બંને મિત્રો એક દિવસે બાબુલનાથની ટેકરી પરના એક ઝાડની ઘટા નીચે બેઠા હતા, ને પશ્ચિમના દરિયા કિનારાથી ઘણો મંદ મંદ પવન આવતો હતો. બાબુલનાથની ટેકરી જેવી રમણીય તથા કુદરતના નમુનાની કોઇ પણ જગ્યા મુંબઇમાં ભાગ્યે જ હશે. એ ટેકરી ઘણી વિકટ તથા અટપટી છે, તો પણ ત્યાં આગળ સંધ્યાકાળે જઇને બે ઘડી વિશ્રાંતિ લીધી હોય તો મન નિર્મળ થઈ જાય છે. ઝાડોની ઘટા ચોપાસ છવાઇ રહી છે. કુદરતી પક્ષીઓ ઉનાળાના દિવસમાં ટહુકા કરીને આપણી વૃત્તિઓને શાંત મનથી પોતા તરફ ખેંચે છે. દરિયાની હવાથી મગજ તર થાય છે. દેવાલયમાંથી, શિવભકતો દર્શન માટે આવે, તેઓ ઘંટાનાદ કરે, તેના અવાજથી ઈશ્વરગુણાનુવાદપર લક્ષ ખેંચાય છે, ને ઝાડોની ઘટામાંથી જે ધું ધું કરતો પવન ફૂંકાય છે, તેથી એક જાતનો આનંદ વ્યાપી રહે છે. સંધ્યાકાળે સૂર્ય ક્ષિતિજમાં ઉતરતો હતો, ને મન શાંતિથી તર થયું હતું, તેવી વેળાએ શિવના દેવાલયમાંથી દર્શન કરી આવી, ફરતી એક એકાંત જગ્યામાં જઇને બંને મિત્રો વિશ્રાંતિ લેતા સૃષ્ટિસૌન્દર્ય નિરખતા હતા. આ તેમની શાંતિમાં કોઇ પણ ભંગાણ પાડનારું હતું નહિ, ને મનુષ્યોનો પગરવ ત્યાંથી ઘણો દૂર હતો. મોતીલાલના મનમાંથી કવચિત્ કવચિત્ નિઃશ્વાસ નિકળતો હતો, ને તેની તંદુરસ્તી દિનપર દિન ધણી નબળી જોવામાં આવતી હતી. આનું કારણ જાણવાને કિશોર ઘણો આતુર હતો, પણ જ્યારે તેનો બરાબર ખુલાસો ન મળ્યો ત્યારે એ વિષે સવાલ પૂછવા, લગભગ એક મહિનો થયા તેણે બંધ કીધા હતાં આથી મોતીલાલ ઘણો ગભરાયો. તેણે પોતાના મનના ઉભરા કિશોર આગળ ઠાલવવા નિશ્ચય કીધો. તે હવે લાગ ખેાળતો હતો. આજે તે લાગ મળ્યો, મોતીલાલે ઘણો ઉંડો વિચાર કરીને કિશોરને જાણે અજાયબીમાં નાંખવા ઇચ્છતો હોય તેમ પૂછ્યું.

“કિશોર, વારુ લગભગ દશ માસ થયા તને મારી પ્રકૃતિમાં કંઇ અસાધારણ ફેરફાર દેખાતો નથી ? હું ગાંડો તો થયો નથી? મને કંઇ ભૂત ભરાયું છે ?”

“એમ તો હું ધારતો નથી,” કિશેારે જવાબ વાળ્યો, “તારી પ્રકૃતિમાં કંઇ અસાધારણ ફેરફાર થયો છે ખરો, પણ તે ફેરફાર શાથી થયો છે તે મને સમજાતો નથી, તારા શરીરમાં કંઇ વ્યાધિ નથી, પણ આધિના રોગથી તું પીડાય છે એમ જાણું છું, નહિ વારુ?”

મોતીલાલ ચૂપ રહ્યો. તેણે બે પગવચ્ચે માથું નીચું નમાવ્યું.

“પણ તારુ જે દુ:ખ હોય તે દુ:ખ તું મને શામાટે જણાવતો નથી ?” કિશેારે ફરીથી વાત ચલાવી. “તારા હિતમાં ક્યારે હું પાછો પડ્યો છું ?”

“મારું દુ:ખ કોઈને કહેવાય તેમ નથી ?” અતિ મોટો નિઃશ્વાસ મૂકી મોતીલાલ બેાલ્યો.

“કહેવાય તેમ નથી ? મને કેહેવાને શી અડચણ છે? હું તેનો કોઇપણ ઇલાજ કરવામાં પછાડી પડીશ નહિ. જોઇયે તો મારી જિંદગીની કીમતે પણ તારો પ્રાણ બચાવીશ, ને જેમાં માત્ર મારી આબરૂને લાંછન નહિ લાગે તેવું કૃત્ય કરવામાં કદીપણ વિલંબ કરીશ નહિ.”

“પણ એ બધું કોઇપણ સંસારી બાબતને લગતું હોય તો ?” મોતીએ કહ્યું.

“હું સમજ્યો !” કિશેારે ક્ષણભર વિચારીને કહ્યું, “એમાં કશી વિસાત નથી. આટલો બધો સમય તેં જે મારાથી છુપાવ્યું તેમાં તારી મોટી ભૂલ છે, જો તારું ને મારી બહેનનું બંનેનું એક દિલ હોય તો હું કોઈપણ આફત માથે ભોગવીશ, ને તારું કામ પાર પાડીશ. પણ આટલું યાદ રાખજે કે જો કમળીની ઇચ્છા નહિ હોય તો તમારું સુખ સ્થાયી રહેશે નહિ. પહેલે તડાકે પ્રેમી માણસો એક બીજાને મળે છે, તેપરથી જ પોતાના ભાવિ સુખ માટે મોટી આશા બાંધી બેસે છે, પરંતુ તમે જોશો કે ઘણી વેળાએ તેઓ તેમાં ભુલાવો ખાય છે. મનુષ્યજિંદગીના સંબંધમાં સુખના ઘણા વિભાગો છે, તેમાં લગ્ન એ સર્વથી વિશેષ અગત્ય ધરાવનારું સુખ છે. એકાએક ગમે તેવા પ્રસંગોથી સ્ત્રી પુરુષ બંને મળે છે, ને સેજસાજ બહારની ઉપર ટપકેની વાતચીતથી પરસ્પરનાં મન લોભાય છે; એક બીજા માટે ઘણો પ્રેમ બતાવે છે, તદ્દન જ સદ્દગુણોથી ભરેલાં એકેક જણાય છે; દૂર રહેવાથી ઘણેક પ્રકારે તે જ મૂર્ત્તિનું લક્ષ લાગી રહે છે, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે તે ને તે જ મૂર્તિને તેઓ સર્વોપરી દેવાંશી ગણે છે, પત્રવ્યવહાર કે વાતચીતના પ્રસંગો મળે છે તે પરથી પણ સદ્દગુણની મૂર્તિઓ પણ તે જ છે એમ માને છે ને તેપરથી પોતાના ભાવિ સુખનો ઘણો અચળ તથા અડગ પાયો નાખે છે; પણ જ્યારે ઘાડો સહવાસ થાય છે, એક બીજાં આઠે પહોર ને બત્રીસે ઘડી પાસેનાં પાસે રહે છે, ને નિરંતરનાં સુખોની મોટી મોટી બાંધેલી આશાએાના વમળમાં આવે છે, ત્યારે તેમને માલુમ પડે છે કે જે ધારણા બાંધી હતી તે ધારણા ઘણેક દરજ્જે ખોટી પડી છે; ને તે વેળાએ પોતાના દૈવને દોષ દે છે, પણ ખરી રીતે તેમાં કેાઈનો વાંક હોતો નથી. પોતાની જ ઉચ્છ્રંખળ વૃત્તિનો વાંક છે, માટે તું જે ધારણા બાંધે છે ને તે માટે પીડિત થાય છે, તે પહેલાં આટલું નક્કી કર કે જે સુખની આશા રાખે છે તે સુખ તને મળશે કે નહિ, ને બંનેના સ્વભાવ હળશે કે નહિ - સંસારનાં સંકટો સહન કરવા શક્તિમંત થશે કે નહિ ? આ નક્કી થયા પહેલાં કોઈ પણ પગલું ભરવું એ ડહાપણવાળું ગણાશે નહિ.” ઘણા જ ડહાપણના વિચારથી કિશેારે આ વિચાર બતાવ્યો.

“બરાબર છે.” મોતીલાલે ઉત્તર દીધો, “હું હવે પાકી તપાસ કરીને મારા સુખના પાયા માટે નક્કી કરીશ.” મોતીલાલના દિલમાં પ્રેમ દૃઢ થયો હતો, તથાપિ પછાડીથી ઘણાં દંપતીની વચ્ચે ક્લેશનું બી રોપાય છે તેમ રોપાય નહિ તેને માટે ઘણો આતુર હતો. તેમ વળી ઘણો સમજુ હોવાથી અવિચારી પગલાં ભરવાથી ઘણો દૂર રેહેતો હતો. કમળીની સાથે પોતાનો સ્વભાવ હળશે એવી એની તો પક્કી ખાત્રી હતી, પણ સંસાર સંકટ સહેવાશે કે નહિ તે માટે દૃઢ નહોતો. તેમ જ એવી રીતનું સુખ સ્થાયી કેમ થાય તે પણ સમજતો નહોતો. છતાં બંને જણા ઉઠ્યા તે વેળાએ એ બોલ્યો કે “મારી ફતેહ થશે.”

“ત્યારે હું સંપૂર્ણ આનંદ પામીશ.” કિશોરલાલે જવાબ દીધો. “મારો જે હેતુ છે તે એ જ છે, ને તેમ થાય નહિ ત્યાં સૂધી તમે પણ સુખીયા થશો એમ માનતા નહિ હશો.”

“ખચીત નહિ !”

“ત્યારે હવે તમારી ખાત્રી કરવાને માટે યોગ્ય ઉપાય યોજો.”

બંને મિત્ર સાથે ઉતરીને દરિયા કીનારે આવ્યા, ને હવા લેતા લેતા કૉલેજમાં ગયા. પછી કૉલેજમાં મોતીલાલને ફેલોની જગ્યા મળી હતી. ને તેથી બંને ત્યાં જ રેહેતા હતા.

મોતીલાલ પોતાપ્રત્યે કમળાનો કેવો પ્રેમ છે તે જાણવાને સુરત ગયો. મોતીલાલના પત્રો હંમેશાં આવતા હતા તે હમણાં એકદમ બંધ પડ્યા, ને કમળાને પણ પોતાના પ્રિયને માટે શંકા ઉત્પન્ન થવાને યોગ્ય કારણ મળ્યું. મોતીલાલે અગાડી સુરત આવવા વિષે લખ્યું હતું, ને તે જ્યારે આવે ત્યારે પોતાની ખાત્રી કરી લેવાનો સંપૂર્ણ વિચાર કીધો.

સુરતમાં આ વેળાએ કિશોરલાલના ઘરમાં તેમના પિતાજીની ગેરહાજરી હતી, ને દેવદર્શન કરવામાં તેમની માતા લલિતાબાઈ બારે પહોર રોકાતાં રહેતાં હતાં. ગંગાની તબીયત સારી નહિ હોવાથી વેણીગવરી તથા કમળાને માથે ઘરનો કારભાર પડ્યો હતો. તુળજાગવરી પોતાને પિયેર ગઈ હતી. બપોરના પરવાર્યા પછી ઘણીખરી વાર વેણીગવરી પોતાને પિયેર જતી હતી ને તેથી પાછલા પહોરની કમળા ઘણીવાર એકલી બાગમાં બેસતી કે પોતાના ભરવા ગુથવાના કામમાં મંડતી હતી. ફાગણ માસ હંમેશાં સૂરતમાં તોફાની ગણાતો હતો, પણ એ માસના રળિયામણા દિવસો ઘણા આનંદમાં જતા હતા. એક સંધ્યાવેળા, જે ખુબસુરતીમાં સર્વોપરી, ચિત્તાકર્ષક, રળિયામણી અને મનને આનંદ પમાડનારી હતી, તે પ્રસંગે મોતીલાલ ધડકતી છાતીએ કિશેારને ઘેર ગયો. ઘરમાં પેસતાં કોઈએ તેને રોક્યો નહિ, તેમ કોઈયે જોયો પણ નહિ. તેથી પોતાની પ્રિયતમ મૂર્તિને મળવાને પહેલાંની પેઠે જ તે પાછળ બાગમાં ધસ્યો, ને ત્યાં તેણે તે સર્વોપરી સુંદરીને એક કુંજમાં વિરાજમાન થયેલી જોઈ. તેનો ચેહેરો સહોરાઈ ગયેલો હતો, ને તેનું શરીર નખાઈ ગયું હતું. ઝીણો તાવ તેના શરીરમાં લાગૂ પડી ચૂક્યો હતો, ને તેથી જાણે તે દિન પ્રતિદિન ગળાતી જતી હોય તેવી જણાઈ. જે દરવાજેથી મોતીલાલ આવ્યો તેની તરફ તેની પીઠ હતી એટલે બરાબર ચેહેરો જણાતો નહોતો, પણ પીઠપરથી જોતાં તે કૃશ થયેલી જણાતી હતી. તેના હાથમાં “શાકુન્તલ” હતું, તેમાંનો જે ભાગ કાલિદાસે પોતાની સ્વચ્છ કારીગીરીથી શણગારેલો હતો તે ભાગ એ વાંચતી હતી; ને તે શકુન્તલા સાથે પોતાની વેદનાનો મનમાં મુકાબલો કરતી હતી. એ જ વેળાએ પોતાના પ્રિયમિત્રને એકાએક પોતા સમીપ જોયો, ને બંને સાવજ માફક ઉભાં થઈ રહ્યાં ! માત્ર બંનેના મોંથી એકે વખતે એ જ શબ્દ નીકળ્યા કે “પ્રિય મેાતી !” “પ્રિય કમળી” આ શિવાય તેઓ કેટલીકવાર સુધી એક પણ શબ્દ બોલી શક્યાં નહિ.

થોડોક વખત ગયા પછી, પાસેના નાનકડા ફુવારાની પડોસમાં એક બાંક પડેલો હતો તેપર જઈને કમળી બેઠી. મોતીલાલ વિવેકથી સામો ઉભો રહ્યો.

મોતીલાલે આસપાસ નજર કરીને જાણે પોતાને કંઈ બોલવાનું નથી એમ જાણી કહ્યું-“તમારા પિતા તથા માતા બંને ઘરમાં નથી, એ ઘણું ઠીક થયું છે.” “ખરેખર, એમ તો ખરું; કેમકે આપણા હિંદુસંસારમાં કંઈ થોડું દુઃખ નથી, ને આવી રીતે મળવું એ પણ ઘણું અપવાદ ભરેલું કહેવાય.”

“શા વાસ્તે ?”

“આપણામાં રિવાજ નથી તેથી.”

“તેની શી ફિકર છે ?”

“ફિકર હોય કે નહિ; તોપણ ફિકર રાખવી જોઇયે, તમને કદાપિ ફિકર નહિ હોય, તથાપિ મુજ જેવી રંકને તો એ ઘણું વિપરીત ભાસે છે,” સ્મિતહાસ્યથી કમળાએ કહ્યું, “ઘણી વેળાએ આવા પ્રસંગથી એમ બને છે કે ઈશ્વરનું જે સર્વોત્તમ બંધન મર્યાદા તેને વેગળી મૂકવામાં આવે છે.”

“આવી મર્યાદાને આપણે કદી પણ વેગળી મૂકીશું નહિ !” મોતીલાલે કંઇક હાસ્યથી ને કંઇક ગંભીરતાથી જવાબ દીધો, ને પાછી કમળીના ચેહેરા તરફ નજર કીધી. “એ સઘળું તો આપણી ઇચ્છા ઉપર આધાર રાખે છે.”

“બેશક, એ તો મને માલમ છે. મેં તો સહજ જ કહ્યું છે. તમે કંઈ પણ એથી ઉલટો વિચાર લેતા નહિ. ઘણું કરીને શું આપણામાં કે શું પારસી ને અંગ્રેજો, કે જેઓ આજે છૂટાપણાનો મોટો લાભ લે છે, તે સઘળાંમાં આવી જ રીતે પ્રથમ મુલાકાતો થાય છે, પણ વાસ્તવિક રીતે જોતાં મને તે પ્રતિષ્ઠતિ દિસતી નથી. તેથી મારે મારી આબરૂને ખાતર અહિયાં ઉભાં રહેવું એ સલામત નથી,” એમ બોલી તે જવાને માટે તૈયાર થઇ.

“એટલી બધી ઉતાવળ શી ?” મોતીલાલે ક્ષણભર અટકાવીને કહ્યું, “હું આજ ઘણા અગત્યના કારણસર મુંબઈથી આવ્યો છું ને તમને ખાનગી મળવાને ત્રણ દિવસ થયા સમય શોધતો હતો. અને કમનસીબે તેમાં ફાવ્યો નહિ, પણ ઈશ્વરેચ્છાથી આજે આપણું એકાંત મળવું થયું, તો જે ખુલાસો મેળવવો છે તેનો જવાબ દો, તો તમારો ઘણો ઉપકાર થશે.”

“તમારે શું પૂછવું છે ?”

“આપણું જોડું બંધાય તો તે સુખી થશે ?”

“એ પ્રશ્ન તમે તમારી જાતને જ કરો, એટલે તેનો ઉત્તર મળશે.”

“શી રીતે ?”

“જાણો કે 'જેવું પિંડે તેવું બ્રહ્માંડે' છે !”

“તમને ઘર સંસારી ઘણી વિડંબનાઓ આવશે જો !”

“બેફિકર રહો, તેનો નિવેડો મારી શક્તિથી લાવીશ.”

“આપણે એકબીજા માટે પસ્તાઇયે નહિ તે સંભાળવું જોઇયે.”

“એ માટે તો તમે નિશ્ચિંત રહેજો, પણ શું તમે ધારો છો ને માનો છે કે એ જ સુખ છે ?”

“પ્રિય કમળી ! તમારા આવા આશા ભંગ કરનારા શબ્દો માટે હું ઘણા ઘણા વિચારમાં ગુંચવાઉં છું. મારી તો તમારા વિષે પૂર્ણ ખાત્રી હતી, પણ વિશેષ નક્કી કરવાને મેં આ પગલું ભર્યું છે તેમાં તમે પાછળ હટાવો છો. તમે અંદેશો આણતાં નહિ; પણ ઉલટું ખાત્રીથી માનજો કે મેં તમારી પછાડી મારો પ્રાણ સમર્પણ કીધો છે, ને હું તમારા વગર બીજા કોઈને ચાહીશ નહિ ને ચાહતો પણ નથી. હવે હું તદ્દન સલામત છું. તમારી ઇચ્છા નહિ હોય તો આપણે દૂર રહીશું ને ઇચ્છા હોય તો આધીન છું. એથી મને એક એવી પત્ની મળશે કે તેથી મારું ગૃહરાજ્ય યોગ્ય માર્ગે ચાલશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે હવે તમારા પ્રત્નોને મારો પ્રેમ કદી પણ ચળવિચળ થશે નહિ, ને જો કદી મરીશ તો તમારું જ ચિંતન કરતો રહીશ. પણ તમે તમારે ધર્મે રહેશો તો પણ હું સુખી થઇશ.”

“હું ધર્મે નહિ રહીશ એમ ધારતા હો તો તમારી ગણત્રી ભૂલ ભરેલી છે !” કમળીએ તેને ઠપકો આપતાં કહ્યું. “તે શી રીતે ?”

“તમે જ શોધી કહાડજો ભાઈ!” એમ કહી તે એકદમ પોતાનાં ચપળ પગલાં ઉઠાવતી ઘરમાં જતી રહી, કેમકે તેના કાનપર પોતાની માતાના આવવાનો અવાજ આવ્યો હતો ને તે ખરો હતો.

મોતીલાલ તેની પૂંઠ નીહાળતો એકદમ બીજે રસ્તેથી નીકળી ચાલ્યો ને તે જ રાતના ચૂર્ણ હૃદયથી નિરાશ મુખડે - પણ વળી કંઈક ઉમંગમાં મુંબઈ આવ્યો. તેની પૂર્ણ ખાત્રી થઈ હતી કે બંનેના પ્રેમમાં કશી પણ ખામી નથી, તેમ સુખ માટે ખામી નહોતી.