ગંગા - એક ગુર્જર વાર્તા/વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કરમાયલું કુસુમ ગંગા - એક ગુર્જર વાર્તા
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
શોકસદન →


પ્રકરણ ૩૨ મું
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ

પણી પાછલી વાર્તાને એક વરસ વીતી ગયું છે અને પૂનામાં રહેવાને દોઢ વર્ષ થઇ ગયું છે. કિશોરલાલ ને ગંગા બંને પૂનાનાં વાસી થયાં છે, ને તેઓ જે એકાંત સ્થળે રહેતાં હતાં, ત્યાંની આસપાસની વસ્તીમાં ઘણાં માનીતાં થઇ પડ્યા છે. જો કે કાર્ટમાં જોઇયે તેટલાં કામો, કમનસીબથી કિશેારને મળતાં નહોતાં, ને વખતોવખત પૈસાની તાણ પડતી હતી, પણ મણી ને ગંગા ઘરસંસાર બરાબર નિભાવી લેતાં. ઘરમાં જોઇતી વસ્તુ વગર વખતે અટકી બેસવાનો સમય આવતો હતો, તથાપિ આ કુટુંબ ઘણીક રીતે સુખી હતું. કિશેારનો રહેવાનો મુકામ હતો, તે સ્થળ ગામથી સાધારણ રીતે ઘણું દૂર હતું, ને ત્યાં ઘણા થોડા મિત્રો કિશોરને મળવા જતા હતા, તેથી તેમની સ્થિતિ સંબંધી ઘણું થોડું જાણવામાં આવતું હતું. વખતે મહિનાના મહિના સુધી કોર્ટનું એકે કામ મળતું નહિ ને પૂનામાં દક્ષિણીઓનું જોર જબરું હોવાથી કોઈને ફાવવા દેતા નહિ. કિશેાર ઘણો હોંશિયાર છતાં પણ તેનું ફાવ્યું નહિ, ત્યારે બીજાના કંઇ પણ આશરા લાગે જ ક્યાંથી ? તેટલું છતાં તેની હોંશિયારીથી તેના મિત્રો ઘણા થયા હતા, જેઓ એક રીતે નહિ તો બીજી રીતે કદી કદી રળાવી આપતા. અરજીઓ તથા ખતપત્રો કરવામાં કિશેાર હોંશિયાર હતો ને તેથી જ ગુજરાન જેટલું મળી આવતું હતું. પૈસાની તાણ ઘણી હોવાથી માત્ર બંગલા શિવાય બીજો કશો દબદબો રાખ્યો નહોતો. માત્ર મુંબઇથી લઈ ગયેલા વફાદાર રામા શિવાય બીજું કોઈ ચાકર માણસ નહોતું; ને તેથી ઘણી વેળાએ હેરાનગતિ થઇ પડતી. આવા વખતમાં ગંગા ગર્ભવતી થઇ, ને જો કે પ્રસવ તો સાંગોપાંગ ઉતર્યો, તથાપિ બાળક તો તરત જ મરણ પામ્યું. આવી કઠિન વેળામાં રસોઇ આદિ ઘણું ખરું સઘળું કામ બાપડી મણીને કરવું પડતું હતું. તે સદા જ કામમાં ને કામમાં જ રોકાયલી રહેતી; છતાં ભાઇ-ભાભીને કંઇ પણ અડચણ પડે નહિ તેને માટે તપાસ રાખતી. ઘરમાં કિશેાર આવે કે તેને માટે ચાહ તૈયાર રાખતી. કદી પૈસાની તાણ હોય તો તે તપાસી લેતી, ગંગાને ઓસડિયાં પણ કરી આપતી ને વખતે રામો બીજા કામમાં રોકાયો હોય તો દીવો ગ્લાસ પણ જાતે કરી લેતી હતી. ગંગાની સુવાવડ સાંગોપાંગ ઉતર્યા પછી તે રસોડામાં રસોઇ કરવા આવતી, તોપણ તેને મણિ કરવા દેતી નહિ, ને પોતે જ સઘળું કામ ઉઠાવી લેતી હતી.

ગંગા જ્યારે માત્ર પરવારતી ત્યારે પોતાના નાના બગીચામાં તેણે એક નાનું રાજ્ય સ્થાપ્યું હોય તેમ વર્તતી હતી. મણી, રામો ને પોતાની મહેનતથી બગીચો તો એવો સુંદર બનાવ્યો હતો કે, કોઇ પણ દક્ષિણી મિત્ર જોઈને છક થઇ જતો. તેની સુંદર રસિકતા ઉંચા પ્રકારની હતી, તેની ગોઠવણ મોહક હતી, છતાં તેનો ખરચ જાતિશ્રમ શિવાય બીજો કંઇ નહોતો. ઘણા જણ બગીચાની નકલ કરી જતા હતા. કરમાયલા મોગરાના ફૂલની વાત તે હજી વિસરી ગઇ નહોતી અને જ્યારે સાંભરતી ત્યારે સંતાપ કરતી હતી. સાંઝ સહવાર બગીચામાં ફરીને આનંદમાં ખેલતી હતી. સઘળાં આવ્યા પછી વચ્ચેના મંડપમાં બેસતાં ને ત્યાં મણી, જે હારમોનિયમ વગાડતાં શીખી હતી, તે વગાડી સૌનું મનોરંજન કરતી, ને ગંગા કોમળ સ્વરે ગાતી ત્યારે આસપાસના ઝુંપડામાં રહેનારાંઓ બગીચા આગળ આવીને એકચિત્તે સાંભળતાં હતાં. આ બંગલાની આસપાસ સંભાવિત ગૃહસ્થો કરતાં, વધારે આબરુદાર ખેડુતો રહેતા હતા, ને તેઓ પ્રપંચી કાવાદાવાવાળા ગૃહસ્થો કરતાં વધારે નિખાલસ ને પ્રામાણિક હતા. તેમનાં મન ગંગાએ હરી લીધાં હતાં. સઘળાં બપોર બપોરનાં તેના બગીચામાં આવીને પોતાની શેઠાણી તરીકે ગંગાને માન આપતાં. ગંગાપર માત્ર તે એકલાઓનો જ પ્યાર નહોતો, પણ પશુ પક્ષી ને બીજાં જનાવર પણ તેનાં ઔદાર્ય, બુદ્ધિ અને મમતાળુ પ્રેમી સ્વભાવથી વશ થઈ ગયાં હતાં. ગંગા જ્યાં બેસતી તેની આસપાસ ચોમાસામાં મોર ઢેલ ગેલ કરતાં નજરે પડતાં; ને ગાયો, જ્યારે ગંગા ગાતી ત્યારે ચાલી આવીને સ્વસ્થ થઇને ઉભી રહેતી હતી. બીજાં પશુ પક્ષી આસપાસ વિંટળાઇ વળતાં. જ્યારે તે બગીચામાંથી ઉઠીને જતી ત્યારે નિરાશા ભરેલા વદને તે સઘળાં ઉડી જતાં હતાં. ખેડુતોનાં બૈરાં સવાર સાંઝ આવતાં ત્યારે પોતાની આ પૂજ્ય શેઠાણીના આદરસત્કારથી આનંદ પામતાં હતાં; ને જો તેમનાં ખેતરોમાં કઇ પહેલી સરસ વસ્તુ ઉત્પન્ન થતી તો તે ગંગા શેઠાણી માટે પહેલી લાવતાં; જો કંઈ નવીન પદાર્થ આવ્યો હોય તો તે બતાવવા દોડ્યાં દોડ્યાં આવતાં; જો કંઈ વિપત્તિ પડી હોય તો તે જણાવવા પણ ચાલ્યાં આવતાં; કોઇ બચ્ચું માંદુંસાજું પડતું, કંઇ નજરબજર લાગતી તો તે માટે તેની સલાહ લેતાં. ગંગા તેમનાં બચ્ચાં માટે તથા તેમને પોતાને માટે ઔષધ પણ આપતી, ને સારી સલાહ આપતી; જો કદી એકાદા ગરીબ કુટુંબપર કોઈપણ ઈશ્વરી કોપ થયલો હોય તો તેઓ એના મોં આગળ આવી પોતાનાં દુ:ખ રડતાં હતાં. ગંગા સૌને સારી સલાહ આપી, તેમનો દુઃખમાંથી કેમ છૂટકો કરવો તેની યુક્તિ બતાવતી હતી. શાંત શબ્દોમાં ગભરાયેલા મનને તે ધીરજ દેતી; બની શકે તેટલી મદદ કરતી, સારી સલાહથી તે બાપડાએાના કુટુંબમાં સારું થાય તેમ કરતી. ગરીબોનાં ઝુંપડાંમાં જઇને તેમને ધૈર્ય દેતી અને અહર્નિશ તે ગરીબ નિર્દોષો તેને આશીર્વાદ દેતાં હતાં; માંહોમાંહે લડતાં તો એવી સારી રીતે તેમનું સમાધાન કરતી હતી કે બંને જણ સમાન રીતે સંતોષ પામે. કોઇ બચ્ચું માંદુ પડે ને એના બંગલા લગણ આવવાને અશક્ત હોય તો તેના ઝુંપડાંમાં જઈને દવા દારુ કરતી, આથી તે એ પરામાં સૌથી વધારે માનીતી થઇ પડી હતી.

આવાં કારણોથી ગંગાની તબીયત પણ ઘણી સુધરી ગઇ હતી; કેમકે એકલાં ઝૂરી મરવા કરતાં તેનો સમય ગમ્મતમાં ઘણો જતો. ખરેખર ગમ્મતથી મન વધારે તન્દુરસ્ત રહે છે. તેમ જ એવાં કાર્યોથી કિશેારનો હાથ તંગીમાં છતાં કેટલીક રીતની મદદ આ પ્રમાણે મળી આવતી હતી. મણી જ્યારે રસોડાનું સઘળું કામ કરતી ત્યારે એ કદી મદી શાક તરકારી તૈયાર કરી આપતી, તે શિવાય એ સદા જ પરોપકારના કામમાં મચતી હતી.

પણ અફસોસ! ઈશ્વરને જાણે સારું ગમતું જ નહિ હોય, તેમ તેની ઘણી ખરી રીતભાત જણાય છે. ઘણી વેળાએ ઈશ્વરી ન્યાય ઉલટા સુલટો દેખાય છે, એટલે 'ધર્મીને ઘેર ધાડ ને કસાઇને ઘેર કુશળ' તેમ બને છે. ઘણાં સદ્દગુણી માણસો દુઃખી જણાય છે, ને દુર્ગુણી માણસો અમન ચમન કરે છે. કદાપિ આ ઈશ્વરી ન્યાય, ગમે તેવો સાચો હોય તો પણ દુનિયાના માણસો એમાં ઈશ્વરને દોષયુક્ત કરે છે, ને તેટલું છતાં આમ તો ચાલૂ જ છે:-કે જે ઘરપર એકવાર સૂર્ય અસ્ત થયો, તેપર પાછો તે ઉદિત થવા પામતો નથી; ને જે ફૂલ એકવાર કરમાયું તે ફૂલ પાછું ખીલતું નથી; ગુમ થયેલો દીવો પાછો પ્રકટ થતો નથી, તેમ જ જ્યાં દૈવનો કોપ થયેલો હોય ત્યાં તરત શાંતિ પથરાતી નથી. દુનિયામાં દુઃખ જ છે, દુઃખ વગરની દુનિયા નથી ને દુનિયામાં દુઃખ શિવાય બીજું કંઈયે નથી. દુર્ભાગીને દુ:ખ પડે છે ત્યારે આપણે તેના દુ:ખમાં ઓછાપણું કરી શકતા નથી. પણ તે પછી શ્રીમાન્ હોય કે ક્રૂર હોય તથાપિ માત્ર દયાલાગણીથી જોઈને જ આપણે બેસી રહીએ છીએ; કેમકે આપણો બીજો ઉપાય નથી. કદી તેમની આંખેામાં જરા દુ:ખનું પાણી ભરાય ત્યારે આપણી આંખો ભીંજાશે, ને જાણે આપણા પોતાપર દુઃખ પડ્યું હોય તેવી લાગણી થશે, ત્યારે આપણે ઘણું તો ઈશ્વર પાસથી એ જ માંગીશું કે તેનું દુઃખ આપણને આપે, ને આપણું સુખ પ્રભુ તેને આપે; પણ એવું કંઈ કરવાની શક્તિ ન હોવાથી આપણે માત્ર વિચાર કરીને જ બેસી રહીશું. એ ઈશ્વરન્યાયમાં ખૂબી કે ખામી ગમે તે હોય, પરંતુ આપણો ઉપાય શો ?

કિશેાર ને ગંગાપર, તેમના અનેક સદ્દગુણો છતાં ઈશ્વરી કોપ ઉતર્યો, તેનાં શાં કારણો હશે તે પ્રભુ જાણે, આપણને કંઈ માલમ નથી, તે બાપડાં કુટુંબસુખમાં ગમે તેમ નિર્વાહ કરતાં હતાં, તે દુષ્ટ દૈવથી દેખી ખમાયું નહિ. શિયાળો શરુ થયો ને કમનસીબ ખાંસી કિશેારને લાગુ થઇ. ખાંસી ઘણા જોરમાં ઉપડેલી હતી, પણ કિશોરે તેની કંઇ પણ દરકાર રાખી નહિ. પહેલે દવા કરવી જારી કીધી, ને મુંબઇથી હોશિયાર ડોક્ટરોની સલાહ પૂછી દવા કીધી, પણ કશી ટિક્કી લાગી નહિ. મુંબઈ આવીને ડૉકટરોને રોગ બતાવ્યો, રોગ અસાધ્ય હતો; તેમાં ખાંસી સાથે છાતીમાં કળતર થવા માંડ્યું, એટલે ફિકર વધી. ગંગાને આ હકીકત કહેવાની કશી પણ હિંમત ચાલી નહિ. ઘણા દિવસ સુધી મન ઘોટાળામાં પડ્યું કે શું કરવું, પણ અંતે ઘાડી છાતી કરીને આ હકીકત કહી ગંગાને તોપના ગોળા પેઠે પેટમાં ધ્રાસ્કો પડ્યો, ને તત્કાળ પેલું મોગરાનું કરમાયલું ફૂલ યાદ આવ્યું. કેટલોક વખત સુધી તો તે સૂનમૂઢ થઈ ગઈ, પણ પછી એક ખરેખરી સદ્દગુણી સ્ત્રીની પેઠે ઘાડી છાતી કરીને પોતાના પ્રિયના દરદનો ઉપાય કરવા માંડ્યો. ડાકરોનાં ઔષધ જારી જ હતાં, ને તેઓ હવા ફેર કરવાને કહેતા, પણ કંઇ ઈલાજ નહોતો. પૈસા બિલકુલ નહોતા; હવે જે કંઇ રહ્યું હતું તે ગંગાનું ઘરેણું હતું. થોડુક ઘરેણું વેચી નાંખ્યું, ને ત્યાં ને ત્યાં રહી ઔષધ જારી રાખ્યું. ઘણા વિદ્વાન ડાક્ટરો ને વૈદ્યોએ અનેક ઉપાય કીધા, ને થોડોક તબીયતમાં ફેરફાર પડ્યો, પણ તેથી કંઇ ખરેખરી તબીયતની હાલત સુધરી નહોતી. એનું શરીર ગળાતું ગયું ને શક્તિનો ભંગ થતો ગયો. ગંગાએ પૈસા ખરચવામાં કશી કમીના રાખી નહિ, ને જ્યારે કંઈ નહિ ચાલ્યું ત્યારે ઉછીના પૈસા પણ તે લાવી શકી; પણ પોતાના પતિને માટે તેણે પૈસાની કશી પણ દરકાર કીધી નહિ. પોતાના પિતાજીને પત્ર લખ્યા ને ત્યાંથી જોઈતી મદદ આવી પહોંચી, પણ તેટલાથી કંઇ પૂરું થયું નહિ, ને પછી પિતાજી પાસથી પૈસા માગવા કરતાં કોઇક મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા ધારી બેચાર મિત્રોને પત્ર લખ્યા, પણ કોઇનો પ્રતિઉત્તર ફરી વળ્યો નહિ. એના જ્યેષ્ઠ ને દીએર કંઇ એવી સારી સ્થિતિમાં નહોતા કે, ઝાઝી મદદ કરી શકે, તે છતાં કેશવલાલ ને વેણીલાલે પુષ્કળ પત્રો લખીને સુરત આવવાને વિનતિ કીધી. પણ સુરત જઈને કરવું શું ? જેમણે ઉંચી સ્થિતિમાં નિવાસ કીધેલો, તેમને સ્વદેશમાં નબળી સ્થિતિમાં જઇને રહેવું યોગ્ય લાગ્યું નહિ. આમ ધારીને જ એક પછી એક એમ ઉપરા ઉપરી ગંગાએ પોતાના શણગાર વેચવા માંડ્યા. કિશેાર પૂછતો, તો તે કહેતી કે, “તમે આરોગ્ય થયા કે, મને એ શણગાર મળતાં શી વાર છે ?”

ગુણવંતી ગંગાએ એકલે હાથે પોતાના ધણીના દુ:ખમાં ભાગ લેવા માંડ્યો. તે સઘળા પ્રકારે પોતાના ધણીને કંઇ પણ ઉણું પડે નહિ તેની સંભાળ લેતી હતી. તે જાણતી હતી કે, તેનો સૌભાગ્યને શણગાર ગયા પછી આકાશ કદી પણ નિર્મળ થવાનું નથી; છતાં જે પૈસા ખરચાતા હતા તે માટે ઘણી કાળજી રાખતી હતી, પણ તે કદી પણ કિશેારને એ કાળજી માટે જાણવા દેતી નહિ. જ્યારે એ ઘણી ગભરાતી ત્યારે એકાંતમાં જઇને રડતી ને જો આંખો સૂણી જતી તો તે છૂપાવવા માટે અનેક પ્રકારે આંખને ચોળતી હતી, ને તેથી ખરું કારણ બહાર આવવા પામતું નહિ. તેટલું છતાં આ વિડંબના કિશેાર પારખી કાઢતો. પણ તે શું કરે ? ઘણો મુંઝાતો હતો, પણ તરતને માટે દમ મારીને બેસી રહેતો હતો, તેમ જ ગંગા કદી પણ પોતાનો શોકભરેલો ચહેરો બતાવતી નહોતી, પણ સદા જ હસતું મોઢું રાખતી હતી. કિશેાર તેનું ખુશી ભરેલું મોઢું જોઇને પોતે પણ મન મારીને ખુશી દેખાતો હતો, ને ગંગા સુખી છે એવું ધારી પોતે સુખી થશે એમ માનતો હતો. આટલું છતાં ગંગાના મનના ઉંડાણમાં જે શોકદુઃખે જડ ઘાલી હતી, તેથી તે દહાડે દહાડે સૂકાઇ જતી હતી ને તેના મોંપર જે તેજસ્વીપણું હતું, તે જતું રહી મોઢું લુખ્ખું પડી ગયું હતું. તે જે કંઈ બોલતી, તે ભાંગેલું તૂટેલું હતું; કંઇ કામ કરતી તો ગમે તેમ થઇ જતું હતું; યાદદાસ્ત શક્તિ ઘણી મંદ પડી હતી; પોશાક પહેરવામાં જથરપથરપણું આગળ પડતું હતું; ઉદાસીનતા મોંપર આચ્છાદાયલી હતી ને તે સાથે ચિત્ત ગભરાયલું રહેતું હતું.