ગંગા - એક ગુર્જર વાર્તા/વિપત્તિ પર વિપત્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બીજી વિપત્તિ ગંગા - એક ગુર્જર વાર્તા
વિપત્તિ પર વિપત્તિ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
સાસુસેવા →


પ્રકરણ ૨૪ મું
વિપત્તિપર વિપત્તિ

કિશોરલાલ મુંબઈ છોડીને ભરૂચ તરફ ગયા પછી આણી તરફ ગંગાની શી અવસ્થા છે તેનાપર હવે આપણે લક્ષ આપીએ. ભરૂચમાં જતાં કિશેાર તો પોતાના નાનાભાઈ વેણીલાલની તપાસમાં ગુંથાયો, પરંતુ ગંગાપર ઉપરાચાપરી દૈવી મારો આવવા લાગ્યો. સુરતથી લલિતાબાઇની માંદગીનો ઘણો સખ્ત કાગળ આવ્યો. ઘર આંગણે કોઇ પણ ન હોવાથી ઉપરાચાપરી ગંગાને તેડાં આવ્યાં કે સાસુજી મરવા સૂતાં છે માટે જલદીથી સુરત આવો. અહિયાં તારાગવરી શરીરે બરાબર નહોતી. કિશોરલાલ મુંબઇમાં નહોતો, ને તેથી કેમ કરવું તેના ગુંચવાડામાં તે ૫ડી. સુરતમાં આ વેળાએ તુળજાગવરી હતી, પણ તેને ને લલિતાબાઇને તો ઘડી પણ બને નહિ. કમળી પણ મુંબઇ હતી, ને પાછલા પ્રકરણમાં આપણે જોઇ ગયા તેમ તે હવે પહેલાંના જેવી આનંદી પણ નહોતી. માની માંદગીના સમાચાર જાણીને સુરતમાં જવાની તેની કંઇ પણ મરજી જણાઇ નહિ. હવે કરવું કેમ, એના વિચારમાં ગંગા પડી. સુરતમાં ડાક્ટરની પૂરતી ગોઠવણ કરે, ને સાસુજીની તબીયત સંભાળે તેવું કોઇ જ નહોતું. ગંગાએ છેલ્લે એવો જ વિચાર કીધો કે સાસુજીને મુંબઇ લાવી બરાબર દવા કરાવવી. પણ સાસુજીને સુરતથી લાવે કોણ ? તુળજાગવરીને એકવાર પત્ર લખ્યો, પણ તેણે તો પૂરતા તિરસ્કારથી જવાબ વાળ્યો કે, હવે સાસુજી જીવે કે મરે તેમાં તેને કંઇ લાગતું વળગતું નથી.

અંતે કિશોરલાલના એક સ્નેહીને સુરત મોકલવાનો વિચાર કરી, તેમની સલાહ લીધી. એનું નામ હેમચંદ્ર હતું. કિશેારને તે વારંવાર મળવા આવતો હતો, ને ઘણી બાબતમાં તેઓ એક બીજાની સલાહ આપલે કરતા હતા. આ તરુણ ખરેખરો સમજુ ગૃહસ્થ હતો, ને તે પ્રતિષ્ઠિત ગણાતો હતો, તેથી ગંગાએ તેને બોલાવવામાં અડચણ જોઈ નહિ. બીજે દિવસે હેમચંદ્રને એક ચિઠ્ઠી મોકલી પોતાને બંગલે બોલાવ્યો. હેમચંદ્ર ચિઠ્ઠી વાંચી ઝટપટ આવ્યો ને ગંગાને મળ્યો.

“આ૫નું એક કામ પડ્યું છે.” ગંગાએ કહ્યું, “તમે મારા દિયર છો, અને અમારા કુટુંબ પ્રત્યે ઘણી મમતા બતાવો છો, તેથી આટલી તસ્દી આપી છે. જો કોઇ બીજો હાજર હોત તો તમોને શ્રમ આપત નહિ.”

“હું પણ એમ જ જાણું છું કે તમે મારા વડીલ બંધુનાં પત્ની છો એટલે અમારે માતા સ્વરૂપ છો. તમારા બીજા દિયરજી સાથે વાતચીત કરો તે પ્રમાણે મારી સાથે વાત કરશો તો હું મને ઘણો ભાગ્યવંત ગણીશ. ભાભી સાહેબ, શી આજ્ઞા છે? જરા પણ શરમાયા વગર કહો !"

“તમે સુરત જશો ?”

“ઘણી ખુશી સાથે, તમારા બોલવાનો મારાથી કદી પણ અનાદર થશે નહિ, ત્યાં શું કામ છે ?”

“અમારાં પૂજ્ય સાસુજી તાવ ને સંઘરણીથી ઘણી પીડા ભોગવે છે, તેમને અત્રે લાવવાં છે. તેમની દવા અત્રે જ થાય તો ઠીક પડે એ મારો વિચાર છે.”

“એ બાબત તમે નિશ્ચિત રહો, ગંગા ભાભી, કિશોરનાં માતુશ્રી, તે મારાં જ માતુશ્રી છે, એમાં તમારે કંઇ પણ સંકોચ પામવાનું કારણ નથી.” આટલું બોલીને હેમચંદ્ર તરત જ ઉઠીને પોતાને ઘેર ગયો, અને તે જ રાત્રિના સુરત જઇને ત્રીજે દિવસે સવારના લલિતાબાઇને તેડી લાવ્યો. ઘણીક રીતે પ્રથમ તો લલિતાબાઇએ ના કહી, અને ગંગા સુરત નહિ આવી તે માટે ઘણી ફફડી બબડી, પણ હેમચંદ્રે ઘણા ડહાપણથી તેમનું સમાધાન કીધું. આ વખતે લલિતાબાઇ સાથે વેણીલાલની ધણીયાણી વેણીગવરી, નાની નણંદ મણીકોર, ને મસીઆઈ રતનલાલની ધણીયાણી નવી વહુ આદિ સઘળાં આવ્યાં હતાં. પણ તુળજાગવરી આવી નહિ. હેમચંદ્ર ગયો તે જ દિવસે તુળજાગવરીને ઘણું સમજાવીને સાથે આવવા ગંગાએ પત્ર લખ્યો હતો, પણ તે દુરાગ્રહી હોવાથી કોઇનું પણ માને તેવી નહોતી, ને તે નહિ આવી તેથી ગંગા ઘણી ગમગીન થઇ. તુળજા પ્રત્યે ગંગાને ઘણો ભાવ હતો. તેઓ અસલથી જ એક બીજાને ચહાતાં હતાં, ને આજે ઘણો સમય વીતી ગયો તેટલું છતાં તેઓ મળ્યાં નહોતાં. વળી હમણાં પોતાના સાહેબ સાથે ગંગાના જ્યેષ્ઠ પણ મુંબઇમાં જ હતા. તેઓ માટુંગે હતા ને આ વેળાએ ખાવેપીવે ઘણી હેરાનગતી ભોગવવી પડતી હતી. તુળજાગવરી આવી હોત તો તેમને પણ સુખ થાત. પણ હાલ તરત એ બાબત એને વિચાર કરવાનો સમય નહોતો. સાસુજી આવ્યાં તેમને ઘરમાં લાવી, તેમને માટે એક અલાયદો ઓરડો તૈયાર રાખ્યો હતો, તેમાં ઉતારો આપ્યો; ને એક નોકર વધારે રાખીને તેમની હજુરમાં મૂક્યો, વેણીગવરી, મણિ તથા મોહનલાલની સ્ત્રી એઓને પણ ઘરમાં લાવીને ઉતાર્યાં ને તેમની સારી રીતે આગતાસ્વાગતા કીધી. વેણીગવરીને તથા રતનલાલની સ્ત્રીને એક એક દીકરી હતી, એટલે ઘરમાં તો વસ્તી વસ્તી થઇ રહી. તારી થોડો વખત તો એકલી જ ખેલ્યા કરતી હતી, પણ પછી જેમ બીજાં છોકરાં ઝટપટ ભેળાઇ જાય છે તેમ ત્રણે છોકરીઓ રમવા મંડી ગઇ. આજે તારીની તબીયત સારી હતી, તેથી તે પહેલાં વેણીગવરી પાસે ગઇ, પણ પછી ઝટ તે એને છોડીને બીજાં છોકરાં સાથે રમવાને દોડી. પોતાની મધુરી મધુરી વાણીનું છોકરાંઓનું બોલવું ઘરમાં ગમ્મતનું સ્થળ થઇ પડ્યું હતું. તારીએ તો તોતડી વાણીમાં બીજાં છોકરાંઓને કહ્યું કે “હું માલાં લમકલાં લાઉં” એમ કહી તે બીજા ઓરડામાં દોડી અને ત્યાંથી પોતાનાં લાકડાનાં રમકડાં તથા બીજા ખેલવાના પદાર્થો લાવી સઘળાં રમવાં બેઠાં.

તરત જ મોટા ભાઇ માટુંગાથી આવી પહોંચ્યા. આ સઘળા સાથમાં તેણે તુળજાગવરીને નહિ જોઇ એટલે ઘણો દિલગીર થયો, પણ નિરુપાય હતો એટલે કંઇ પણ બોલ્યો નહિ, તેણે પોતાની મા આગળ જઇને સઘળી હકીકત પૂછી, ને પછી તરત જ ગંગા પાસે ગયો. તે અહીંયા કયા ડાક્ટરની દવા લેવી તેના વિચારમાં હતી, તરત ત્યાં હેમચંદ્ર અને જેઠજી કેશવલાલભાઇ આવ્યા. ગંગા મર્યાદા માટે તેમની આગળ ઉભી રહી. હેમચંદ્રે જણાવ્યું કે ગોપાળ શિવરામ એ ઘણો સારો ડાક્ટર ને યુરોપિયન બેાલાવવો હોય તે ડા.બ્લેની દેશીઓમાં ઘણો પળોટાયલો છે. પછી ડા.બ્લેનીને બોલાવવાનો ઠરાવ થયો. તેમણે આવીને રોગીની જીભ તપાસી ઔષધ આપ્યું. શેઠાણી તો કહેવા લાગ્યાં કે એ ઔષધમાં દારુનો ભેગ છે, માટે મારાથી નહિ લેવાય; પણ ગંગાના અતિ ઘણા આગ્રહને લીધે તે પીવાની જરૂર પડી. સવાર, બપોર ને સાંઝે ત્રણ વખત ગંગા જ ઔષધ આપવાની ગોઠવણ કરતી હતી, તેમ જ ખાવા પીવાની પણ યથાર્થ તજવીજ તે જ રાખતી હતી.

ત્રણેક દિવસ પછી કેશવલાલે આવીને જણાવ્યું કે સાહેબનો હુકમ થયો છે, કે પાછા અમદાવાદ ચાલો, માટે હવે મુંબઇ છોડવું પડશે તેથી તે ઘણો ખિન્ન થયલો જણાયો. તેનો ઉપાય નહોતો. નોકરી છોડી દેવાય તેમ નહોતું. થોડા સમયમાં પગાર પણ વધવાની આશા હતી તેથી ગંગાની સલાહ લેવા આવ્યો. તે દીવાનખાનામાં ગમગીન બેઠેલો હતો, તેને જોઇને ગંગા બેાલીઃ–

“ભાઇજી, કેમ મોઢું ઉતરી ગયું છે ?”

“જુવોની આ સાહેબ હવે કનડવા બેઠો છે, તેણે ગઇ કાલે હુકમ કીધો છે કે બે દિવસમાં અમદાવાદ મુકામ કરવો. આજે શનિવાર તો થયો છે ને સોમવારે અમદાવાદમાં ઓફીસ કરવાનો હુકમ છે અહિયાં માની માંદગી ઘણી કપરી છે. તેમને સારું થવાની જરા પણ આશા નથી, કિશોરલાલ પણ નથી ને તમારે એકલાને જ માથે સઘળી પીડા આવી પડી છે. હવે હું તે કેમ કરું ?”

“એમાં ગભરાવાનું કંઈ નથી. તમે બેલાશક જાઓ. સાસુજીની તમોએ જરાપણ ફિકર રાખવી નહિ. તેઓ મારાં મા જેવાં છે, એટલે બરદાસ્ત મારાથી થશે તેટલી કરીશ.” ગંગાએ ખરા અંતરથી જવાબ દીધો.

“પણ લોકો મને શું કહેશે ? અધૂરામાં પૂરું પેલી પરેશાન પણ આવી નહિ !” પોતાની સ્ત્રીપર ગુસ્સે થઈને કેશવલાલ બોલ્યો.

“નહિ આવ્યાં તો થયું શું ? હું છું કેની ? સુરતમાં પણ કોઇ ઘરની હોંસ રાખનારું જોઇએ કેની ? તમે જઇને ભાભીજીને મોકલી દેજો એટલે બસ” એમ બોલી તેણે તેના ઉકળતા પિત્તાને શાંત કીધો.

ખરેખર આવું આજે કેટલા હિંદુ ઘરસંસારમાં જોવામાં આવે વારુ ? દરેક ઘરમાં જોશો તો નણંદ ભોજાઇ, દેરાણી જેઠાણી, દીએર ભોજાઇ, ભાઈએ ભાઈ, સાસુ વહુ, બાપ દીકરો, સર્વેમાં ક્લેશ જોવામાં આવે છે; એક બીજાની બેદિલી જણાય છે; અન્યોન્ય લડાઇ જાગે તે જોવાને સઘળા ખંતી હેાય છે; અને એક બીજાનું ભુંડું થાય તેમ કરવાને તત્પર હોય છે.

પણ અહીં એક સદ્દગુણ મૂર્તિ એવી તો છે કે જ્યાં ત્યાં સુલેહ સહજ આનંદ વર્તે તેમ કરવાને મથે છે. સર્વેના સ્વભાવ તપાસી લે છે. અને જગ્યાએ ગંગાને બદલે કોઇ તેવી બીજી સ્ત્રી હોત તો ખરેખર લગાર રંજક મુકત અને સજ્જડ સળગત. કેશવલાલ જાતે તાતા સ્વભાવનો હતો, ઓફીસમાંથી જ સાહેબના ઓરડરથી ગુસ્સે થયો હતો, ને તેમાં પોતાની સ્ત્રી મુંબઇ નહિ આવી તે માટે ઘણો બબડ્યો હતો, ને તેમાં જો જરાક સળગાવ્યું હોત તો સુરત જાત ત્યારે ઘરમાં ધમાચકડી કરી મૂકત. પણ ગંગાના બોલવાથી જ તે શાંત થયો. તેનું બોલવું એવું તો મધુર ને પ્રિય હતું કે કેશવલાલનો રોષ નરમ પડ્યો.

થોડો વખત ગંગાના પ્રિય ભાષણપર વિચાર કીધા પછી, તે બોલ્યો-“ઠીક છે, હું આજે જાઉં છું, પણ તમે માજીની બરાબર બરદાસ્ત રાખજો. હું આજે સુરત જઇને તમારી જેઠાણીને મોકલી દઉં છું; એટલે તે તમને ઘણી સહાયકારક થઇ પડશે.” “ઘણું રુડું, પણ ભાઈજી, જો ભાભીજીની તબીયત સારી ન હોય કે મુંબઈ આવવાને રાજી નહિ હોય તો આગ્રહ કરતા નહી. છો સુરત રહેતાં. અમે ક્યાં મુંબઈમાં ઓછાં છીએ. આ સઘળાં અહીં છે કેની ? એટલે માજીને કોઈ પાંતીની હરકત નડશે નહિ. ભાભી આવવાને રાજી હોય તો મોકલજો, ને તમને અડચણ પડતી હોય તો સાથે તેડતા જજો, પણ તેમને કંઈ પણ વધુ કહેતા નહિ.”

કેશવલાલ તો આ ભાષણ સાંભળી દંગ થઈ ગયો. ગંગાના ગુણની પ્રશંસા કરવા જતો હતો, તેટલામાં સાસુજી બૂમ મારે છે, એમ આવી વેણીગવરીએ કહ્યું ને પોતાનાં જ વખાણ પોતાના જ મોંપર સાભંળવાને ગંગાને જે અપ્રેમ હતો તે અણગમાની તક આવી નહિ. તે રાત્રિના કેશવલાલ પોતાની માતાને મળી સુરત ગયો.