ગંગા - એક ગુર્જર વાર્તા/સાસુસેવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિપત્તિ પર વિપત્તિ ગંગા - એક ગુર્જર વાર્તા
સાસુસેવા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
લલિતાનું મૃત્યુ →


પ્રકરણ ૨૫ મું
સાસુ સેવા

સમયે ગંગાના ઘરમાં નાનાંમોટાં નવ માણસો હતાં, પણ લલિતાબાઈની ચાકરી કરનાર કાઈ નહોતું. મુંબઈની સહેલ સપાટા જોવામાં અને મઝા કરવામાં વહુઓ મંડેલી હતી. સધળી પીડા બાઇ ગંગાને માથે જ હતી. ડાક્ટરની મરજી પ્રમાણે અખંડ રાતદહાડો પોતાની સાસુ પાસે બેસતી હતી, ને ઔષધ કે પાણી વગેરે તે આપતી હતી. જો કે સાસુજીનો કટકટીઓ સ્વભાવ કંઈ મટ્યો નહોતો તથાપિ એ તો ખરા તન મનથી ચાકરી કરતી હતી. કિશેારની ગેરહાજરીમાં હેમચંદ્ર વળી પોતાના કૉલેજના વખતમાંથી પરવારતો ત્યારે તેને ઘેર આવીને બેસતો હતો. થોડા દિવસમાં તે વેણીગવરી, કમળી મણીકોર તથા રતનલાલની નવી વહુ સાથે સહવાસમાં આવ્યો અને ત્યાર બાદ તે સર્વમાં મળી જઈને લલિતાબાઈની ચાકરીમાં એક પુત્ર પ્રમાણે રોકાતો હતો. રાત ને દહાડો ગંગા સાસુસેવામાં રોકાતી તેટલો જ ઘરનો સઘળો બોજો તેના માથાપર હતો, તે કામ કરવામાં પણ થાકતી નહિ. બીજાં સધળાં તો માત્ર શેઠાઈપર આવેલાં હતાં એટલે વ્યવસ્થાનો બોજો તેના જ માથાપર હતો. હેમચંદ્રના કહેવાથી જણાયું કે અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા તો માત્ર દવામાં જ ખરચાયા હતા. કિશોરલાલની નાની દીકરી માટે ચાકર નફર રાખવાનું તથા તેમને માટે કપડાં લત્તાં સીવડાવવાનું કામ પણ એને જ કરવું પડતું હતું, આટલી ત્રાસદિ છતાં તે કદી પણ કંટાળતી નહિ. તે સઘળાંનાં મોં આગળ હાજર અને હાજર હતી. સાસુજીને માટે તો કમળી, નવી વહુ, મણીકોર ને વેણીગવરી એ સૌ નામનાં જ જાણવાં. એ સઘળાં તો મુંબઈની રચના જોવાને તત્પર થઈ રહ્યાં હતાં. બારણે ફેરીઆઓ આવે ને 'ચીનૉઈ સાડી' બૂમ મારે કે વેણીગવરી બૂમ મારે, ને 'ભરવાનો સામાન' આવે કે મણીકોર બૂમ મારે. ઉપરાઉપરી સામાન ખરીદે, ને પછી પૈસા અપાવવા ગંગા ભાભી પાસે આવે. અલબત્તા, ગંગા ઘણી ડહાપણવાળી ને ડાહી હતી, પણ આવા ઉડાઉ ખરચો તેનાથી પૂરા થતા નહિ. તો પણ સધળાંને વીશ વીશ સપિયા આપ્યા ને તેથી તે માટે સહુ રાજી થઈ ગયાં.

ઘરમાં સઘળાંની સેવા ચાકરીમાં તારાગવરીને તો વિસરી જ જવામાં આવી હતી. તે બાપડી પોતાનાં રમકડાં લઈને એકાદ ખૂણામાં ભરાઈને રમતી હતી, ને કદી એકલી જ બેસીને ખડખડાટ હસી પડીને સર્વને વિસ્મય પમાડતી હતી. કદી વેણીગવરીની દીકરી ને નવી વહુની દીકરી સાથે તે ખેલતી ને પછી છોકરાંઓ માંહોમાંહે લડતાં ને રાવ ખાવાને સઘળાં ગંગા પાસે આવતાં હતાં. એક કલાક રમતાં નહિ તેટલામાં દશવાર લડતાં, પંદર ફરીયાદનાં કારણ લાવતાં, ને વીશવાર રીસાઈને 'જા તારી ઇત્તા' કરી દૂર થતાં ને તેટલી જ વારમાં પાછાં ભેગાં થતાં હતાં. આ બાળવિનેાદ ઘણો મનોરંજક લાગતો હતો. તેમના કજીયાનાં મૂળ કંઈ પણ કારણ વગરનાં હતાં. કોઈવાર રમવાનો પોપટ નહિ આપ્યો તેને માટે, ને કોઈવાર ચૂલો લઈ લીધો તે માટે લડતા. ગંગા પાસે સધળાં છોકરાં લડતાં આવતાં ત્યારે તેમને ખાવા વગેરે, આપી પતાવીને કાઢતી હતી. પાછાં સઘળું એક ક્ષણમાં વિસરી જઇ રમવા બેસતાં ને બીજી ક્ષણમાં લડાલડી ને ઝડાઝડી કરતાં હતાં.

આજે સવારના રવિવાર હોવાથી શેઠાણીને ઉઠાડીને ગંગાએ નહવડાવ્યાં. સઘળી વહુઓ તો માત્ર ઠીઠી ઠાઠા જ કરવાને બેસતી, પણ સાસુનું શરીર આરોગ્ય રહે તેટલા માટે કાળજી તો માત્ર ગંગા જ રાખતી. હજી સાસુજી મરવાને સૂતાં હતાં તેટલું છતાં જરા પણ નરમ પ્રકૃતિનાં થયાં નહોતાં. સ્નાન કીધા પછી પાછાં પોતાના સૂવાના ઓરડામાં આવી સૂતાં, ને ગંગા ઘરકામમાં રોકાઈ તેટલામાં પાણી પીવાને માટે “ગંગા, ઓ ગંગા” એમ ત્રણ ચાર વાર સાસુજીએ બૂમ મારી, તે દૂરના ઓરડામાં હોવાથી ગંગાએ સાંભળી નહિ, એટલે ગંગા પર સાસુજી કોપ્યાં.

“હું રાંડ મરવા પડી છું તેની પીડા પારકી જણીને શું પડી છે ?મરું કે જીવું તેની કોને દરકાર છે ? ક્યારની બૂમ મારું છું પણ કોઇ જવાબ દે છે ? હમણાં એના કુમળા માટીને કંઈ થયું હોત તો આવી બરદાસ્ત રાખતે કે ?” આમ સાસુજી બડબડાટ કરતાં હતાં તેટલામાં ગંગા આવી પહોંચી. “શું છે સાસુજી !” એમ પૂછતાં જ જોઈને સાસુજીનો કોપ ?

“સાસુજીની મોકાણ છે, બીજું શું હોય ?” સાસુએ જવાબ વાળ્યો.

“તમોને જે જોઈતું હોય તે લાવી આપું, તમે જરા પણ સંતાપ કરતાં નહિ.” ગંગાએ ઉત્તર વાળ્યો.

“બાવા, હું તો હવે આ ઘરથી ધરાઈ ગઈ છું, મારે તારા ધરમાં રહેવું નથી, આ આજથી આ ઘરમાં રહે તેને માથે આખા મુંબઈ શહેરનું પા૫. મારી ગંગા મા, મારા ગંગા બાપ, મને તું આજ ને આજ સુરત મોકલી દે તો તને પગે લાગું, હું જ રાંડ હૈયાફુટી કે તારા ટુકડા ખાવા આવી ! મારા માટીનું ઘર મેં ફોકટમાં જ છોડ્યું. મેં જાણ્યું કે સુરત કરતાં મુંબઈમાં વધુ સુખ મળશે, પણ “ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં તો વન માં લાગી લાહે” તેમ જ્યાં જઈએ ત્યાં નસીબ તો તેનું તે જ કેની ! જો મારી રાંડ રામજણી સુરતમાં સંતાપે ને અહીંયાં તારો સંતાપ !”

“સાસુજી માફ કરજો! મારાથી કંઈ તમને ગુસ્સે થવાનું કારણ થયું હોય તો મને કહોની, તમારે જોઈએ શું ?”

“તારી ને મારી મોંકાણ જોઈએ છે. મને આજે ને આજે તું સુરત મોકલ. ક્યારની પાણી પાણી કરીને બૂમ મારું છું, આ ગળું તો સૂકાઈ જાય છે, પણ સાંભળે છે કોણ ! સૌ પોતપોતાનું સંભાળે છે. પારકી જણી ને મારી શી પીડા છે? પોતાની મા માંદી હોય તો જરા પણ ખસે કે ?”

“સાસુજી, તમે એમ ન બોલો. હું શું તમારી સેવા કરવામાં કંઈ પણ કચાસ રાખું છું ? હું તમારા મોં આગળ રહું છું, ને હવે તમે મને દોષ દો છો એ ઠીક નહિ. તમારા દીકરા આવે એટલે પછી સુરત જતા રેજો, પણ મારે માથે શું કામ દોષ મૂકો છો ? ઘરમાં શું થાય છે તેની પરી સંભાળ પણ મારે માથે છે, તે તમે જાણો છો ? જરાક હમણાં જ તમારી પાસેથી ખસી તેમાં આટલી બધી વાત બને, એ ઠીક નહિ !” ગંગાએ આંખમાં આંસુ લાવતાં કહ્યું.

“બેસ બેસ, બહુ ડાહી છે તે જાણું છું, તું પણ પેલી તુળજાની જ ભણાવેલી કેની ?”

“તમે કહેવા યોગ્ય છો ને હું સાંભળું છું. બાકી જે રીતે મારી માની ચાકરી કરું તે જ રીતે તમારી કરું છું - હશે, લ્યો આ પાણી.” અામ કહીને તરત ઠંડુ બરફ નાંખેલું પાણી આપ્યું. તે પાણી પીતાં લલિતાબાઈના દાંત કળી પડ્યા કે પાછો બડબડાટ ચાલ્યો, પણ ગંગાએ તે પર કશું લક્ષ આપ્યું નહિ.

કેટલી વહુ આવી સાસુનાં મહેણાં ટોણાં સાંભળવા છતાં ખરા પ્રેમથી તેની ચાકરી કરશે ? કોઈક જ.

* * * *

સંધ્યાકાળે ગંગાના ઘરના પાછલા ભાગમાં એક આશરે પંદર વરસનો છોકરો ફરતો હતો. આ છોકરો ઘણી વેળાએ મોતીલાલ તરફથી કાગળ પત્રો આપવાને આવતો હતો. એકવાર તેણે ઘરમાં આવીને કમળીને એક પત્ર આપ્યો હતો, પણ તેને જવાબ દેવાને કમળી તૈયાર નહોતી. તે સદાની જ હવે કુંજરી થઈ હતી, તેના ગાલ પરની લાલી જતી રહી હતી. તેનું હસવું નાસી ગયું હતું, તેનું ભીતર બળીને ખાક થયું હતું અને તે બાપડીનું હરવું ફરવું હવે તદન ભાંગ્યા પગનું હતું. તેથી તે કોઈને પણ જવાબ આપવાને ના પાડતી હતી.

લલિતાબાઈ અને ગંગા વચ્ચે વાતચીત થયા પછી કમળી બાગમાં એક ભાગમાં બેઠી હતી. તેની સાથે કોઈ નહોતું. તે એકલી જ નીચી મુંડી ઘાલીને બેઠી હતી. તેના મનમાં ઘણાક તર્કવિતર્ક થયા કરતા હતા. જોનારને તરત જણાતું હતું કે તેના ગાલપર ઉષ્ણપાણીનાં બિંદુઓ હમણાં જ ઠરી ગયાં છે.

બાગમાં ફરતો એ છોકરો, જેવી કમળીને જોઈ તેવો તેની પાસે આવ્યેા. નજીક આવ્યા પછી પોતાનું મોં હસતું રાખીને પોતાની તરફ કમળાનું ધ્યાન ખેંચવાનો તેણે પૂરતો પ્રયત્ન કીધો, પણ તે વ્યર્થ.

અંતે ઘડી બે ઘડી જેટલો વખત ઉભો રહીને તે બોલ્યો, કેમ કે તેનું જે કામ હતું તે છુંપું હતું.

“કમળા બેહેન !” તે છોકરો બોલ્યો.

“શું છે ? હવે મને સંતાપવાનું કશું કારણ નથી.” ઉંચે જોયા વગર કમળાએ જવાબ દીધો.

“આ તમારે માટે પત્રિકા છે.” એમ કહીને તે છોકરે હાથમાં તે ચિઠ્ઠી આપી. “ઘણી જરુરની ચિઠ્ઠી છે, એનો જવાબ તાકીદે જોઈએ ચાર લીટી પણ નથી. તરત વાંચી જવાબ મોકલાવજો,” હાથમાં કાગળ લઈ કમળીએ તે વાંચ્યો. “હું તમોને મળીશ,” કાગળમાં લખ્યું હતું. “પ્રાણવલ્લભે ! પ્રિય કમળી! રે મારી ભવિષ્યની-મને ક્ષણભર મળશે ? મળજે.”

હાયનો એક નિ:શ્વાસ કમળીએ ઘણા જોરથી મૂક્યો. તે બોલી, હવે એ લલુતા ખોટી જ !” એમ બોલીને તે ધીમે ધીમે લથડતી ઘરમાં ગઈ ને કાગળ ફાડી નાખ્યો.