ગાંધીજીનો અક્ષર દેહ - ૧/'રામીસામી'

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ ગાંધીજીનો અક્ષરદેહ - ૧
'રામીસામી'
મોહનદાસ કરમચંદ ગાંધી
નાજરને પત્ર →


૩૮. 'રામીસામી'
ડરબન,

 

ઓકટોબર ૨૫, ૧૮૯૪

શ્રી તંત્રી,

धि टाइम्स ऑफ नाताल

સાહેબ,

ચાલુ માસની ૨૨મી તારીખના તમારા અંકમાંના 'રામીસામી' મથાળાવાળા તમારા અગ્રલેખ પર તમારી રજાથી થોડી નુક્તાચીની કરવાનું હું સાહસ કરું છું.

જેની તમે નોંધ લીધી છે તે धि टाइम्स ऑफ नातालમાંના લેખનો બચાવ કરવાની મારી ઇચ્છાં નથી; પણ ખુદ તમારો અગ્રલેખ તેનો પૂરતો બચાવ નથી કે? ખુદ મથાળા 'રામીસામી'માં બિચારા હિંદી તરફનો હેતુપૂર્વક કેળવેલો તુચ્છકાર વરતાતો નથી કે? આખોયે લેખ તેનું નાહક અપમાન નથી કે? “ઊંચા સંસ્કારવાળા માણસો હિંદુસ્તાન પાસે છે વ.” સ્વીકારવાની મહેરબાની તમે બતાવી છે અને છતાં તમારું ચાલે તો તેમને તમે ગોરા માણસની બરાબરીની રાજદ્વારી સત્તા આપવા માગતા નથી. આમ તમે કરેલું અપમાન તમે બેવડું અપમાનજનક નથી કરતા શું? હિંદીઓ સંસ્કારી નથી પણ જંગલી જાનવરો છે એવું તમે ધારતા હોત અને તે કારણસર તેમને રાજકીય સમાનતા આપવાનો ઈન્કાર કરતા હોત તો તમારા અભિપ્રાયોને માટે તમને કંઈકેય બહાનું મળત. પણ તમારે તો એક નિરુપદ્રવી પ્રજાને અપમાનિત કરવામાંથી મળતી પૂરેપૂરી મજાને ખાતર તે એક ચતુર પ્રજા છે એવો સ્વીકાર કરવાનો દેખાવ કરવો છે અને છતાં તેને પગ નીચે દબાયેલી રાખવી છે !

પછી તમે એવું કહ્યું છે કે કૉલોનીમાં રહેતા હિંદુસ્તાની હિંદુસ્તાનમાં રહેનારાના જેવા નથી; પણ સાહેબ, તમને ભૂલી જવાનું ફાવતું આવે છે કે જેમ લંડનમાં ઈસ્ટ એન્ડ લત્તાના અજ્ઞાન અને દુરાચારમાં ઊંડે ઊતરી ગયેલા આદમીમાં સ્વતંત્ર ઇંગ્લંડના વડા પ્રધાન થવાની શકયતા રહેલી છે, તેવી જ રીતે જેને તમે બુદ્ધિમાન કહી છે એવી જાતિના તેઓ ભાંડુઓ ને વંશજો હોઈ તેમને તક આપવામાં આવે તો તેમનામાં પોતાના હિંદુસ્તાનમાં વસતા વધારે નસીબવંતા ભાઈઓના જેવી શક્તિ બતાવી આપવાની શકયતા રહેલી છે.

મતાધિકારની બાબતમાં લૉર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીમાંથી તમે એવો અર્થ તારવ્યો છે જે તેમની આગળ રજૂ કરવાનો જરાય આશય નહોતો. શક્તિવાળા ને લાયકાત ધરાવનાર દેશીઓ પોતાને મળેલા મતાધિકારને અમલ કરી શકે છે તેનો હિંદુસ્તાનીઓને રંજ નથી. બલકે, એથી ઊલટી સ્થિતિ હોય તો તેમને દુ:ખ થાય. તેઓ જોકે ભારપૂર્વક જરૂર કહેવા ઇચ્છે છે કે તેમનામાં શક્તિ અને લાયકાત હોય તો તેમને પણ એ હક હોવો જોઈએ. હિંદુસ્તાનીની અથવા દેશીની ચામડીનો વર્ણ ઘેરો છે તેથી તમારા ડહાપણમાં કોઈ પણ સંજોગોમાં એ મોંઘો અધિકાર તમે તેને આપવા માગતા નથી. તમે કેવળ બહારનો રંગ જોવા માગો છો. ચામડીનો વર્ણ સફેદ હોય તો તેની નીચે ઝેર છુપાયેલું છે કે અમૃત તે વાતની I તમને કશી પરવા નથી. તમારી નજરમાં ફૅરિસી[૧] ફૅરિસી છે તેથી તેની ઉપર ઉપરની મોઢાની પ્રાર્થના પબ્લિકનના અંતરના પશ્ચાત્તાપના કરતાં વધારે સ્વીકારવા જેવી છે અને હું ધારું છું એ દૃષ્ટિને તમે ખ્રિસ્તનો ધર્મ કહેતા હશો. તમે ભલે કહો પણ તે ઈશુનો ધર્મ નથી જ નથી.

અને સંસ્થાનમાં તમારું અખબાર આબરૂદાર છે છતાં તમે આવો અભિપ્રાય ધરાવો છો ને धि टाइम्स ऑफ इन्डियाને માથે જૂઠાણું ચલાવવાનો આક્ષેપ કરો છો ! પણ કોઈના પર આક્ષેપ મૂકવો એ એક વાત છે, તેને સાબિત કરવો એ તદ્દન જુદી વાત છે.

એક અપવાદ એટલે કે 'રાજકીય સત્તા' સિવાયનો એક નાગરિક ઈચ્છે તેવો કોઈ પણ અધિકાર 'રામીસામી'ને ભલે મળે એટલું કહીને તમે પૂરું કરો છો. તમારા અગ્રલેખનું મથાળું અને તેના સૂરની સાથે ઉપરનો અભિપ્રાય સુસંગત છે ખરો કે? કે પછી વાતમાં સુસંગતતા રાખવાનો ગુણ બિનખ્રિસ્તી અને બિનઅંગ્રેજી છે? ઈશુએ કહ્યું હતું કે “નાનાં બાળકોને મારી પાસે આવવા દો.” સંસ્થાનમાંના તેના શિષ્યો (?) 'નાનાં' પછી 'ગોરાં' ઉમેરીને તે વચનને, સુધારવા માગતા હોય એવું લાગે છે. મને જણાવવામાં આવ્યું છે કે ડરબનના મેયરે ગોઠવેલાં બાળકોના ઉત્સવ દરમિયાન કાઢવામાં આવેલા સરઘસમાં એક પણ રંગવાળું બાળક જોવાનું મળતું નહોતું. રંગીન ચામડીવાળાં માબાપને પેટે જન્મ લેવાના પાપને સારુ શું એ સજા હતી? તિરસ્કૃત 'રામીસામી'ને જે મર્યાદિત નાગરિકપણું તમે આપવા ધારો છો તેને અંગેનો આ બનાવ સમજવાનો છે?

ઈશુને અત્યારે પૃથ્વી પર અવતરવાનું થાય તો , “હું તમને ઓળખતો નથી” એવું આપણામાંના ઘણાને તે નહીં કહે? સાહેબ, તમને એક સૂચના કરવાનું સાહસ કરું? તમારો नवि करार તમે ફરીથી વાંચી જશો? સંસ્થાનની રંગીન વસ્તી તરફના તમારા વલણનો તમે વિચાર કરી જશો ? પછી બાઈબલની શીખ અથવા બ્રિટિશ પ્રજાની ઉત્તમમાં ઉત્તમ પરંપરા સાથે તેનો મેળ ખાય છે એવું તમે કહી શકશો? ઈશુ અને બ્રિટિશ પ્રજાની ઉત્તમમાં ઉત્તમ પરંપરાથી તમે હાથ ધોઈ નાખ્યા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી; મેં જે લખ્યું છે તે હું ખુશીથી પાછું ખેંચી લઈશ. પણ તમારા ઝાઝા અનુયાયીઓ હશે તો તે દિવસ બ્રિટન અને હિંદુસ્તાન બંનેને માટે ભૂંડો હશે એટલું મારે કહેવું જોઈશે.

તમારો

 

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

धि टाइम्स ऑफ नाताल, ૨૬–૧૦–૧૮૯૪  


  1. ફૅરિસી યહૂદી ધર્મગુરૂ માટેનો શબ્દ છે. તે ધર્મના કેવળ બહારના દેખાવમાં ને બાહ્ય આચારમા માનતો. એથી ઊલટું પબ્લિકન જે પાપી હતા તે અંતરથી પોતાનાં પાપના પશ્ચાત્તાપમાં આંસુ સારતો.