ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ધારાસભાને અરજી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રિટોરિયાના એજન્ટને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ ધારાસભાને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
કમરુદ્દીનને કાગળ →૪૯. નાતાલ ધારાસભાને અરજી[૧]
[ડરબન,

 

મે ૫, ૧૮૯૫ની પહેલાં ]

 

નાતાલ સંસ્થાનની ધારાસભાના નામદાર પ્રમુખ અને સભ્યો જોગ


નાતાલ સંસ્થાનમાં રહેતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાથી દર્શાવે છે કે,

તમારી સમક્ષ વિચારણાને માટે હમણાં મુકાયેલા धि इन्डियन इमिग्रेशन लॉ एमेन्डमेन्ट बिल (હિંદીઓના રાજ્યમાં પ્રવેશને લગતા કાયદાના સુધારાના ખરડા)ની બાબતમાં તમારા અરજદારો આ સંસ્થાનમાં વસતા હિંદીઓના પ્રતિનિધિની હેસિયતથી તમારી નામદાર ધારાસભાને આથી સાદર અરજ ગુજારે છે.

તમારા અરજદારો સાદર સૂચવે છે કે ખરડાના જેટલા ભાગમાં મુદતના કરાર ફરી કરવાની અને તેવો કરાર ન કરવામાં આવે તો કર નાખવાની જોગવાઈ રાખવામાં આવી છે તેટલો ભાગ ખુલ્લી રીતે અન્યાયી, કારણ વગર કરવામાં આવતો નાહકનો અને બ્રિટનનું બંધારણ જે પાયાના સિદ્ધાન્તો પર આધાર રાખે છે તેમના સીધા વિરોધમાં છે.


  1. આ અરજી धि नाताल एडवर्टाइझरમાં ૧૮૯૫ની સાલના મે માસની ૫મી તારીખે પ્રસિદ્ધ થઈ હતી.


તમારા અરજદારો સૂચવવા ચાહે છે કે એ ખરડો ખુલ્લી રીતે અન્યાયી છે એવું સાબિત કરવાને ઝાઝા શબ્દોની જરૂર નથી. મજૂર તરીકે બંધાઈને રહેવાના કરારની અત્યાર સુધીની વધારેમાં વધારે મુદત પાંચ વરસની છે તેને અચોક્કસ ગાળા સુધી વધારી દેવાની વાત મૂળમાં અન્યાયી છે કેમ કે તેથી મુદતી કરારથી બંધાઈને આવેલા હિંદી મજૂરોના માલિકોને તેમના પર વધારે જુલમ ગુજારવાની અથવા તેમના તરફ વધારે કઠોર થવાની લાલચ ઊભી થાય છે. સંસ્થાનમાંના માલિકો ગમે તેટલા દયાળુ હશે તોપણ આખરે તે બધા માણસો રહેવાના અને પોતાનાં કામોમાં સ્વાર્થની ગણતરીથી માણસ દોરવાય છે ત્યારે તેનો સ્વભાવ કેવો થઈ જાય છે તે દર્શાવવાની તમારા અરજદારોને ઝાઝી જરૂર લાગતી નથી. વળી, તમારા અરજદારો જણાવવાનું સાહસ કરે છે કે આ ખરડો તદ્દન એકપક્ષી વ્યવસ્થાની જોગવાઈ કરે છે કેમ કે તેમાં માણસોને મજૂરીએ રાખનારા માલિકની બધી જાતની ફિકર રાખવામાં આવી છે, પણ તેના બદલામાં કામે રહેનાર મજૂરને લગભગ કશું આપવામાં આવ્યું નથી.

તમારા અરજદારો સૂચવવા ચાહે છે કે એ ખરડો નાહક ધડવામાં આવ્યો છે કેમ કે તેને ધારાસભા આગળ લાવવાને કશું કારણ નથી. નાણાંને લગતી આફતના ધડાકામાંથી સંસ્થાનને ઉગારી લેવાનું અથવા કોઈ ઉદ્યોગને આગળ વધારવામાં ઉપયોગી થવાનું તેનું પ્રયોજન નથી. ઊલટું, જે ઉદ્યોગોને સારુ હિંદી મજૂરોની ખાસ જરૂર રહેતી હતી તેમને હવે અસાધારણ સરકારી મદદની જરૂર રહી નથી એ વાતનો સ્વીકાર થયેલો હોવાથી ગઈ સાલે જ અંદાજપત્રમાં ૧૦,૦૦૦ પાઉન્ડની રકમની તે માટેની જોગવાઈ રદ કરવામાં આવી હતી. એટલે આવો ધારો કરવાને માટે સાક્ષી જરૂર રહેતી નથી એ બિના ખુલ્લી થાય છે.

આ કાયદાનો ખરડો બ્રિટનના રાજબંધારણના પાયાના સિદ્ધાન્તોના સીધા વિરોધમાં છે તે દર્શાવવાને તમારા અરજદારો તમારી નામદાર ધારાસભાને પાછલા સૈકા દરમિયાન જેમાં બ્રિટને મુખ્ય ભાગ ભજવ્યો છે તે મહાન - ઘટનાઓની આખીયે પરંપરાને નિહાળી જવાની નમ્રતાપૂર્વક વિનંતી કરે છે. ગુલામો રાખવાની ભૂંડામાં ભૂંડી પ્રથાથી માંડીને વેઠ કરાવવાની પ્રમાણમાં નરમ ગણાય તેવી જબરજસ્તીથી મજૂરી લેવાની બધી રીતોની બ્રિટિશ પરંપરાને હમેશાં સૂગ રહેતી આવી હોઈ તેને દરેક ઠેકાણે બની શકે તેટલા પ્રમાણમાં નાબૂદ કરવામાં આવી છે. મુદતી કરારથી મજૂરોને રોકવાની પ્રથા આ સંસ્થાનમાં છે તેવી આસામમાં પણ છે. હમણાં થોડા જ વખત પર તે દેશમાં ચાલતી આ પ્રકારની મજૂરીની પદ્ધતિની બાબતમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકારે સ્વીકાર્યું છે કે મુદતી કરારથી બાંધીને રોકવામાં આવતા મજૂરોની પ્રથા એક અનિષ્ટ હોઈ કોઈ- એકાદ મહત્ત્વના ઉદ્યોગને ટેકવવાને અગર તેને ખીલવવાને તદ્દન જરૂરી હોય ત્યાં લગી ભલે ચલાવી લેવાય પણ પહેલી અનુકૂળ સંધિ મળતાંવેંત નાબૂદ કરવી જોઈએ. તમારા અરજદારો સાદર સૂચવવા ચાહે છે કે હાલમાં વિચારણા માટે મૂકવામાં આવેલો કાયદાનો ખરડો ઉપર વર્ણવેલા સિદ્ધાન્તનો સરિયામ ભંગ કરે છે. આમ મુદતી કરારની મુદત લંબાવવાની દરખાસ્ત (તમારી નામદાર ધારાસભાને સંતોષ થાય એ રીતે તમારા અરજદારોને આશા છે કે તેમણે બતાવી આપ્યું છે તેમ) અન્યાયી, પ્રયોજન વગરની નાહકની અને બ્રિટિશ રાજબંધારણના પાયાના સિદ્ધાન્તોના વિરોધમાં છે, તો કર નાખવાની દરખાસ્ત તેથીયે વધારે તેવી છે. લાંબા વખતથી એક સ્વયંસિદ્ધ સત્ય તરીકે સ્વીકારવામાં આવેલું છે કે કરવેરા નાખવાનું એકમાત્ર પ્રયોજન રાજ્યને માટે મહેસૂલ અથવા આવક મેળવવાનું છે. તમારા અરજદારો નમ્રપણે માને છે કે જેની દરખાસ્ત કરવામાં આવી છે તે કરનું આવું કોઈક પ્રયોજન છે એવી દલીલ કદી કરવામાં નહીં આવે. પોતાના કરારની મુદત પૂરી થાય એટલે તેનાથી બંધાઈને આવેલા હિંદીને સંસ્થાનમાંથી હાંકી કાઢવાનો આ કર નાખવાની દરખાસ્તનો સ્વીકારી લેવામાં આવેલો આશય છે. આમ પરિણામે માણસને તે આર્થિક પ્રવૃત્તિ કરવાની મનાઈ ફરમાવનારો નીવડશે અને મુક્ત વેપારવહેવારના રિવાજની સાથે ઘર્ષણમાં આવશે. વળી, તમારા અરજદારોને ડર છે કે તે કર મુદતી કરારથી બંધાઈને અહીં આવેલા હિંદીઓ પર નાહકનો અન્યાય ગુજારે છે કેમ કે જેના હિંદ સાથેના બધા સંબંધો કપાઈ ગયા છે અને જે અહીં સંસ્થાનમાં પોતાના પરિવાર સાથે આવીને રહેલો છે તેવા હિંદીને સારુ પોતાને વતન પાછા જવું અને ત્યાં રોજી મેળવવી એ તદ્દન અશકય જેવું છે. પોતાના જાતઅનુભવને આધારે તમારા અરજદારો જણાવવાની રજા ચાહે છે કે સામાન્યપણે હિંદમાં પોતાનું શરીર નભાવવાને જરૂરી કામ જેમને મળતું નથી તેવા જ લોકો મુદતી કરારથી બંધાઈને સંસ્થાનમાં મજૂરીએ આવે છે. હિંદી સમાજનું બંધારણ જ એવું ઘડાયેલું છે કે પહેલાં તે એક હિંદી પોતાનું ઘર છોડીને બહાર જતો નથી અને વખાના માર્યા તેને તેમ કરવાની ફરજ પડે છે તો તેને માટે હિંદ પાછા ફરવાની અને ત્યાં મોટી દોલત મેળવવાની વાત તો આઘી રહી, કેવળ રોજે રોજ પેટ ભરવાને જરૂરી રોજી મેળવવાની આશા રહેતી નથી.

સંસ્થાનની આબાદીને માટે હિંદી મજૂરો વગર ચલાવી શકાય એવું નથી એ હકીકતનો બધેથી સ્વીકાર થયેલો છે. એમ છે તો પછી તમારા અરજદારો સૂચવે છે કે સંસ્થાનની આબાદીને આગળ વધારવામાં આવી સંગીન રીતે મદદરૂપ થનારા મુદતી કરારથી બંધાઈને આવનારા હિંદીઓને વધારે સારી રીતે રાખવામાં આવે એવો તેમનો હક થાય છે.

આ કાયદાનો ખરડો પ્રજાના એક વર્ગને ખ્યાલમાં રાખીને થતા કાનૂનોના સ્વરૂપનો છે કેમ કે સંસ્થાનમાં હિંદીઓની વિરુદ્ધમાં જે પૂર્વગ્રહ વરતાય છે તેને વધારનારો હોઈ તેને ઉત્તેજન આપે છે અને એ રીતે એક વર્ગના બ્રિટિશ પ્રજાજન અને બીજા વર્ગના બ્રિટિશ પ્રજાજન વચ્ચેનું અંતર વધાર્યા વગર રહેશે નહીં એટલું જણાવવાની ભાગ્યે જરૂર હોય. તેથી તમારા અરજદારો નમ્રતાપૂર્વક અરજ ગુજારે છે કે તમારી નામદાર ધારાસભા કાયદાના ખરડાના જે ભાગમાં મુદતી કરાર નવેસરથી કરાવવાનું અને તેવા કરાર ન કરનારા પર કર નાખવાનું વિચારાયું છે તે એવો નથી કે જેને અનુકૂળ થવાનું પોતે વિચારી શકે એવા નિર્ણય પર આવે અને તમારા એ ન્યાયના તેમ જ દયાના કામને સારુ તમારા અરજદારો હમેશ દુવા ગુજારશે વ. વ.

(સહી)અબદુલ્લા હાજી આદમ

અને બીજા ઘણા


[મૂળ અંગ્રેજી]
છાપેલી નકલની છબી પરથી.