ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નેાંધો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત → ગાંધીજીનો અક્ષરદેહ
નેાંધો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
સૂચિ →


નોંધો

અધિકારપત્ર કાનૂન, ૧૮૩૩નો : પાર્લમેન્ટના એક તપાસ કમિશનના અભિપ્રાયને આધારે આ કાનૂનથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હિંદમાંના વેપારના હકો નાબૂદ કરવામાં આવ્યા અને એના કાર્યને એની માલકીના પ્રદેશો ઉપર રાજ્ય કરવા પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું. ૧૮૫૩માં ફરી આ વાતનું સમર્થન કરી આ અધિકારપત્ર કાનૂનમાં એવી જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ હિંદના વતનીને ઈસ્ટ ઇન્ડિયા કંપની નીચે તેના ધર્મ, જન્મસ્થળ, કુળ અથવા ચામડીના રંગને કારણે કોઈ પણ સ્થાન, હોદ્દો અગર નોકરી મેળવતાં રોકવામાં નહીં આવશે.

અબદુલ્લા, દાદા : ડરબનની દાદા અબદુલ્લાની કંપનીના એક ભાગીદાર, આ એક હિંદી આગેવાન પેઢી છે જેના કાનૂની મામલા અંગે ગાંધીજી પ્રથમ દક્ષિણ આફ્રિકા ગયા.

આદમ, અબદુલ કરીમ હાજી : દાદા અબદુલ્લાની પેઢીના સંચાલક ભાગીદાર. ૧૮૯૩માં હિંદી મતાધિકાર વિધેયકનો વિરોધ કરવા માટે ડરબનમાં રચવામાં આવેલી હિંદીઓની પ્રથમ કમિટીના પ્રમુખ.

આયરિશ હોમ રૂલ બિલ : આ વિધેયક ૧૮૮૬માં ગ્લેડસ્ટને બ્રિટિશ પાર્લમેન્ટમાં રજૂ કર્યું, એ એક ઘણું જ નરમ વિધેયક હતું જેનાથી આયર્લેન્ડનો વહીવટ આયર્લૅન્ડની પાર્લમેન્ટ નીમેલી કારોબારીને સોંપવામાં આવ્યો હતો, પણ કર નાખવાની સત્તા મોટે ભાગે બ્રિટિશ સરકાર પાસે રખાઈ હતી. ઈંગ્લંડ અને અલ્સ્ટર બંનેમાં એનો બહુ ભારે વિરોધ થયો. અને બ્રિટિશ લોકસભામાં એને નામંજૂર કરવામાં આવ્યું. સન ૧૮૯૩માં ગ્લેડસ્ટન ફરીથી વડા પ્રધાન બન્યા. તેમણે હોમરૂલ બિલ રજૂ કર્યા જે લોકસભામાં પસાર થયું પણ રાજસભામાં મોટી બહુમતીથી તેને નામંજૂર કરવામાં આવ્યું.

ઇસ્માઈલ સુલેમાનનો કેસ : આ કેસમાં એક આરબ વેપારી ઇસ્માઈલ સુલેમાનને ૧૮૮૮ના ઑગસ્ટમાં લોકેશન સિવાય બીજી જગ્યાએ વેપાર ચલાવવાનો પરવાનો આપવાની ના પાડવામાં આવી. ઑરેન્જ ફ્રી સ્ટેટના મુખ્ય ન્યાયાધીશે લવાદના ચુકાદામાં દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક રાજ્યનો એ પ્રકારનો અધિકાર મંજૂર રાખ્યો કે દેશની અદાલતો આ સંબંધેના કાનૂન (૧૮૮૫ના ત્રીજા)નો જે અર્થ કરે તેને આધીન રહીને તેનો અમલ તે કરી શકે. પરંતુ પાછળથી ટ્રાન્સવાલની સુપ્રિમ કોર્ટે આ ચુકાદાને ફેરવી નાખ્યો અને એવો નિર્ણય આપ્યો કે એ કાનૂન નીચે એશિયાઈઓને પરવાના નહીં આપવાનો સરકારને અધિકાર નથી.

ઈસ્ટ કોર્ટ : ડરબનથી આશરે ૧૫૦ માઈલ ઉપર આવેલું શહેર.

ઈસ્ટ લંડન : કેપ સંસ્થાનનું મહત્ત્વનું કાંઠાનું શહેર અને બંદર.

ઉમતાલી : દક્ષિણ રોડેશિયાનો જિલ્લો; એ જ નામનું શહેર; એક મોટી યુરોપિયન વસાહત.

ઉસ્માન દાદા : નાતાલના એક આગેવાન હિંદી વેપારી, નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના સેક્રેટરી હતા અને હિંદીઓની સત્યાગ્રહની લડતમાં એમણે ભાગ લીધો હતો.

ઍન્સ્ટી, થૉમસ શિઝોમ (૧૮૧૬ થી ૧૮૭૩) : વકીલ અને રાજદ્વારી પુરષ; સંસદ સભાસદ ૧૮૪૭-૫૨. એલિન્સન, ડૉ. ટી. આર. : આરોગ્યશાસ્ત્ર વિષેના લેખક એમનાં પુસ્તકો ગાંધીજીને મદદરૂપ થયાં હતાં. જ્યાં સુધી સંતતિનિયમન વિષેના એમના સુધારક વિચારો બદલ તેમને વખોડી કાઢવાનો ઠરાવ થયો નહોતો ત્યાં સુધી એઓ લંડનની શાકાહારી સોસાયટીના સભ્ય હતા. ૧૯૧૪માં પ્લુરસીના દરદથી ગાંધીજી પીડાતા હતા તે વખતે એમની સારવાર કરી.

એલ્જિન, લૉર્ડ (૧૮૪૯-૧૯૧૭) : હિંદના વાઈસરૉય ૧૮૯૪–૯૯; પાછળથી દક્ષિણ આફ્રિકાના યુદ્ધસંચાલનની તપાસ માટેના રૉયલ કમિશનના અધ્યક્ષ, બ્રિટનના સંસ્થાન મંત્રી, ૧૯૦૫-૮.

એશોવે : ઝૂલુલૅન્ડ રિઝર્વનું વહીવટી કેન્દ્ર.

એસોટેરિક ક્રિશ્વિયન યુનિયન : આ સંઘ એડવર્ડ મેઇટલેન્ડે ૧૮૯૧માં સ્થાપ્યો. ૧૮૯૪માં ગાંધીજી એના એજન્ટ બન્યા. એસોટેરિક શબ્દ કંઈક અંશે રહસ્યવાદનો દ્યોતક છે. અને તે રહસ્યવાદ એમને માટે છે જે લોકો ઈશ્વર કે બ્રહ્મનું જ્ઞાન મેળવવાના ગુપ્ત સિદ્ધાંતોની દીક્ષા લે છે.

એસ્કમ્બ, સર હેરી (૧૮૩૮–૯૯) : નાતાલની સુપ્રિમ કોર્ટના આગળપડતા એડવોકેટ. નાતાલ સુપ્રિમ કોર્ટના વકીલમંડળના ગાંધીજીને સભ્ય બનાવવા અંગે એમણે હિમાયત કરી. ૧૮૯૭માં નાતાલના મુખ્ય મંત્રી.

કમરુદ્દીન, મહમદ કાસમ : જોહાનિસબર્ગના હિંદી વેપારી અને નાતાલ હિંદી કૉંગ્રેસના ક્રિયાશીલ સભ્ય.

કાઠિયાવાડ : સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખાય છે. પહેલાં નાનાં નાનાં દેશી રાજયો અથવા ઠકરાતોનો સમૂહ. પછી મુંબઈ રાજયમાં ભેળવી દેવાયો, હવે ગુજરાત રાજયમાં.

કાનૂન ૩, ૧૮૮૫નો : ટ્રાન્સવાલનો એક કાનૂન. એ કાનૂન કહેવાતા કુલીઓ, આરબો, મલાયો અને ટર્કિશ – સામ્રાજ્યના મુસ્લિમ પ્રજાજનોને લાગુ પડતો હતો. એનાથી તેમને માટે નાગરિક હકો વધુ સમય માટે લંબાવવાનું અને પ્રજાસત્તાકમાં સ્થાવર મિલકત ખરીદવાનું અશકય બનતું હતું. પાછળથી કુલીઓની બાબતમાં લોકસભાના ૧૮૮૭ના જાન્યુઆરીના ઠરાવથી મંજૂર કર્યા મુજબ અપવાદ કરવામાં આવ્યો જેથી તેઓ જાહેર સ્વચ્છતાનાં કારણોને લઈને ખાસ નક્કી કરેલી શેરીઓ, મહોલ્લાઓ, અને અલગ વસ્તીઓ (લોકે- શનો)માં સ્થાવર મિલકત ખરીદી શકતા. ૧૮૯૩ના પાર્લમેન્ટના એક વધુ ઠરાવથી એવો નિર્ણય લેવાયો કે બધા જ એશિયાઈઓને લોકેશનોમાં જ રહેવાની અને વેપાર કરવાની ફરજ પાડવામાં આવે. વેપાર કરવાને માટે નોંધણી કરવાનું અને ત્રણ પાઉંડની ફી ભરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. આ કાનૂન લંડનની સમજૂતીનો વિરોધી માનવામાં આવ્યો હતો.

કિંફગ્સફર્ડ, ડૉ. ઍના : ફિઝિશિયન ડૉકટર, શાકાહારી, – धि परफेक्ट वे इन डाएट નામનો એમનો મહાનિબંધ પ્રગટ થયો હતો. પાછળથી બીજાં પુસ્તકો સાથે एड्रेसीस ऑन वेजिटेरियनिझम એડવર્ડ મેઇટલેન્ડ સાથે મળીને લખ્યું।

કેઈન, વિલિયમ સ્પ્રોસ્ટન (૧૮૪૨-૧૯૦૩) : બ્રિટિશ પાર્લમેન્ટના ચાર વખત સભાસદ; કૉંગ્રેસની બ્રિટિશ કમિટીની હિંદી પાર્લમેન્ટરી પેટાકમિટી ઉપર સેવા આપી. હિંદને સ્વરાજ આપવાની વાતને ટેકો આપ્યો. દક્ષિણ આફ્રિકાના હિંદીઓના મામલામાં ઊંડો રસ ધરાવતા હતા.

કેનિંગ્ટન : લંડનનું એક પરું. કેપટાઉન: દક્ષિણ આફ્રિકાનું “માતૃશહેર”. કેપ પ્રાંતનું મુખ્ય શહેર અને સંઘરાજ્યના વિધાનમંડળનું કેન્દ્ર સ્થળ.

કૅમ્પબેલ, હેન્રી : ટ્રાન્સવાલમાંના બ્રિટિશ હિન્દી વેપારીઓ માટેના વકીલ અને મુખ્ય એજન્ટ; તેમના તરફથી અરજીઓ ઘડવાનું તથા રજૂ કરવાનું કામ કરતા.

कॉनिकन पाश्चाले: આદમથી સને ૬૨૯ સુધીની ટૂંકી તવારીખ.. એ સાતમી સદીમાં સંપાદિત કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે.

ગની અબદુલ: ટ્રાન્સવાલના સૌથી જૂના રહેવાસીઓમાંના એક, જોહાનિસબર્ગની મહમદ કાસમ કમરુદ્દીનની પેઢીના મૅનેજર અને ભાગીદાર, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના પ્રથમ ઓળખીતાઓમાંના એક (૧૯૦૩માં સ્થપાયેલા) ટ્રાન્સવાલ બ્રિટિશ હિન્દી સંઘના પ્રમુખ.

ચાર્લ્સટાઉન: નાતાલની સરહદના અંદરના ભાગમાં ડરબનથી ૩૧૮ માઈલને અંતરે આવેલું શહેર.

ચેમ્બરલેન, જૉસેફ (૧૮૩૬-૧૯૧૪) : બ્રિટનના સંસ્થાન મંત્રી. ૧૯૦૨માં દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી. એમની આઠ વર્ષની કારકિર્દી દરમિયાન ક્રૂગર સાથેની વાટાઘાટ તૂટી પડી, પરિણામે બોઅર યુદ્ધ થયું અને વીરીનીઝીંગની સંધિ થઈ. લૉર્ડ મિલનર સાથે ટ્રાન્સવાલ અને નાતાલની યુદ્ધોત્તર પુનર્રચનામાં મદદ કરી. ૧૯૦૩માં રાજીનામું અાપ્યું.

જર્મિસ્ટન : ટ્રાન્સવાલનું મુખ્ય રેલવે સ્ટેશન.

જૂનાગઢ : પહેલાંનું સૌરાષ્ટ્રનું એક દેશી રાજ્ય, હાલમાં ગુજરાત રાજ્યમાં ભેળવી દેવાયું છે.

જેતપુર : સૌરાષ્ટ્રમાં આવેલું રેલવે સ્ટેશન અને શહેર.

જોહાનિસબર્ગ: વિટવોટર્સરેન્ડ પ્રદેશનું શહેર, ટ્રાન્સવાલનું સૌથી સમૃદ્ધ સોનાની ખાણોનું ક્ષેત્ર.

ટયુટોનિક માર્ક : ઉત્તર યુરોપના લોકોમાં પ્રચલિત એક જૂના સ્વરૂપનું મંડળ. એકમેક સાથે સગાઈના સંબંધથી જોડાયેલા, સાથે મળીને પોતાની જમીન ખેડતા અને પોતાના જ મંડળમાં ન્યાય ચૂકવવાનું કામ કરતા લોકોનો એક સમાજ.

ડરબન : નાતાલનું બંદર, વેપારી મુખ્ય શહેર અંને 'પ્રવેશદ્રાર', જોહાનિસબર્ગથી ૪૯૪ માઈલ દૂર.

ડૅડી : ડરબનથી આશરે ૨૫૦ માઈલ દૂર આવેલું નાનું શહેર.

ડેલાગોઆ બે : ડરબનની ઉત્તરે ૨૯૬ માઈલને અંતરે આવેલું બંદર અને વેપારી મથક;” પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાનું મુખ્ય શહેર; એ લૉરેન્સો માર્કિસ નામે પણ ઓળખાય છે.

તૈયબજી, બદરુદ્દીન (૧૮૪૪-૧૯૦૬) : મુંબઈ પ્રેસિડન્સી એસોસિયેશન સાથે જીવંતપણે સંકળા યેલા અને તેના સાચા અર્થમાં પ્રમુખ, મદ્રાસના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા (૧૮૮૭). મુંબઈની હાઈકોર્ટના જજ (૧૮૯૫). દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પ્રત્યેના ગેરવર્તાવ સામે વિરોધ દર્શાવતા અાંદોલનનું મજબૂતીથી સમર્થન કર્યું. ૧૮૮૨માં મુંબઈની વિધાનપરિષદ ઉપર નિયુક્ત થયા. મ્યુનિસિપલ મતાધિકાર માટેનો કાનૂન રજૂ કરવામાં સહાયભૂત.

દાદા, હાજી મહમદ હાજી : હિંદી કોમનાં આગળ પડતા વેપારી અને આગેવાન. ૧૮૯૩માં એમણે મતાધિકાર વિધેયકનો સામનો કરવાનો વિચાર કરવા મળેલી કોમની પહેલી સભાનું પ્રમુખસ્થાન સંભાળ્યું. ૧૮૯૫-૯૯ સુધી નાતાલ હિંદી કૉંગ્રેસના ઉપ-પ્રમુખ.

ધંધુકા : કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નું એક નાનું શહેર.

ધોળા : કાઠિયાવાડમાંનું રેલવે જંકશન, નવરોજી, દાદાભાઈ (૧૮૨૫-૧૯૧૭) : આઘ હિંદી રાજનીતિજ્ઞ. ઘણી વાર એમને હિંદના દાદા અથવા મહાન વૃદ્ધપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ૧૮૮૬, ૧૮૯૩ અને ૧૯૦૬માં ત્રણ વખત કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. કૉંગ્રેસનું ધ્યેય સ્વરાજ અથવા સ્વતંત્રતા છે એ એમણે પ્રથમ વાર દર્શાવ્યું. ૧૮૯૩માં બ્રિટિશ પાર્લમેન્ટના સભાસદ બન્યા. પાર્લમેન્ટના સભાસદ તરીકે તથા લંડનની કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના આગેવાન સભ્ય તરીકે હિંદની અને દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની બહુ ભારે સેવા કરી.

નાજર, મનસુખલાલ હીરાલાલ (૧૮૬૨-૧૯૦૬): તેજસ્વી હિંદી વિઘાર્થી, જેઓ ૧૮૯૬ના ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા જઈને વસ્યા. ૧૮૯૭માં એમને દક્ષિણ આફ્રિકાના હિંદીઓ માટે પ્રચાર કાર્ય કરવા પ્રતિનિધિ તરીકે ઇંગ્લંડ મોકલવામાં આવ્યા. નાતાલમાં જાહેર કાર્યમાં અને હિંદીઓના આંદોલનોમાં નેાંધપાત્ર ભાગ ભજવ્યો.

નોંદવેની : એક વાર ખાણોના કેન્દ્ર તરીકે જાણીતો થયેલો ઝૂલુલૅન્ડનો વિભાગ અને કસબો.

ન્યૂ કેસલ : નાતાલનું એક શહેર, કોલસો, મકાઈ, ઊન અને તંબાકુ માટે વિખ્યાત.

પાઈન ટાઉન: ડરબનથી ૧૭ માઈલને અંતરે આવેલો નાનો કસબો.

પિટરમેરિત્સબર્ગ: નાતાલનું મુખ્ય શહેર એને ટૂંકામાં પી. એમ. બર્ગ અથવા મેરિત્સબર્ગ પણ કહેવામાં આવે છે. ડરબનથી ૭૧ માઈલને અંતરે આવેલું છે. સાંસ્થાનિક ઓફિસનું કેન્દ્ર,

પોર્ટ ઇલિઝાબેથ : કેપ પ્રાન્તનું બીજા નંબરનું શહેર અને બંદર.

પ્રિટોરિયા : સંઘરાજ્યની વહીવટી રાજધાની; ડરબનથી ૫૧૧ માઈલને અંતરે આવેલું છે.

ફૉસેટ, હેન્ની (૧૮૩૩-૧૮૮૪): કેમ્બ્રિજમાં રાજનૈતિક અર્થશાસ્ત્રના પ્રોફેસર અને રાજનીતિજ્ઞ. પાર્લમેન્ટમાં તેઓ મોટે ભાગે હિંદના નાણાકીય અને આર્થિક સવાલો તરફ ધ્યાન આપતા.

બર્ન્સ, જૉન (૧૮૫૮-૧૯૪૩) : બ્રિટિશ પાર્લમેન્ટમાંના આગેવાન મજૂર પ્રતિનિધિ (૧૮૯૭– ૧૯૧૮) ૧૯૮૯ના લંડનની ગોદી હડતાળના દિવસોમાં કામદારોના મિત્ર તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા.

બર્ડવુડ, સર જયૉર્જ ક્રિસ્ટોફર મોલેસવર્થ (૧૮૩૨-૧૯૧૭) : હિંદમાં જન્મેલા. ૧૮૫૪માં મુંબઈ પ્રાંતની મેડિકલ સેવામાં અને પાછળથી લંડનની ઇન્ડિયા ઑફિસમાં ૩૦ વર્ષ રહ્યા. रिपोर्ट ऑन धि मिसेलेनियस ओल्ड रेकर्ड़्झ ऑफ धि इन्डिया ऑफिस (હિંદના દફતરના પરચૂરણ જૂના કરારપત્રો વિષેનો હેવાલ) અને धि इन्डस्ट्रियल आर्ट्स ऑफ इन्डिया (હિંદની અૌદ્યોગિક કળાઓ)ના લેખક.

બાર્બર્ટન: પ્રિટોરિયાથી ૨૮૩ માઈલને અંતરે આવેલું ટ્રાન્સવાલનું એક શહેર.

બિન્સ, સર હેન્રી (૧૮૩૭-૧૮૯૯) : ૧૮૯૩-૯૪માં નાતાલ સરકારે ગિરમીટિયા મજૂરો અંગેના કરારો સુધારવા માટે હિંદી સરકાર જોડે વાતચીત કરવા જે બે માણસોનું કમિશન મોકલ્યું હતું તેના સભ્ય. નાતાલ વિધાનસભામાંના રીતસર રચાયા વિનાના વિરોધપક્ષના આગેવાન, એસ્કમ્બના ઉત્તરાધિકારી નાતાલના મુખ્ય મંત્રી.

બૂથ, ડૉ. : ડરબનના સેઈન્ટ એઈડાન્સ કમિશનના વડા હિન્દીઓએ ઉઘાડેલી નાની ધર્માદા હૉસ્પિટલના નિરીક્ષક, ૧૮૯૯માં બોઅર યુદ્ધ દરમિયાન ડૉ. બૂથે હિંદીઓની એમ્બયુલન્સ ટુકડીને તાલીમ આપવામાં મદદ કરી હતી.

બેઈલ, સર હેન્રી : એક આગેવાન વકીલ અને નાતાલ વિધાનસભાના આગેવાન સભાસદ. તેઓ ૧૯૦૪ અને ૧૯૦૯માં નાતાલના વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) બન્યા. બેનરજી, સર સુરેન્દ્રનાથ (૧૮૪૮-૧૯૨૫): આગલી હરોળના વિનીત રાજદ્રારી આગેવાન. એઓ ૧૮૯૦માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં ઇંગ્લંડ ગયા હતા. બંગાળની વિધાનપરિષદના સભાસદ (૧૮૯૩-૧૯૦૧), કલકત્તાના આગળ પડતા અખબાર बेंगालीના માલિક અને તંત્રી. મૉન્ટફર્ડ સુધારા નીચે બંગાળની કારોબારી કાઉન્સિલના સભ્ય બન્યા. ૧૮૯૫ અને ૧૯૦૨માં કૉંગ્રેસના પ્રમુખ.

બ્લૂમફોન્ટીન : ઑરેન્જ ફ્રી સ્ટેટનું મુખ્ય શહેર અને ૧૯૧૦ બાદ સંઘરાજ્યનું ન્યાય ખાતાને લગતું મુખ્ય શહેર. જોહાનિસબર્ગથી ૨૫૪ માઈલને અંતરે આવેલું છે.

ભાવનગર : કાઠિયાવાડમાં આવેલું પહેલાંનું એક દેશી રાજ્ય, હાલમાં ગુજરાત રાજયમાં જોડાઈ ગયું છે.

મહેતા, સર ફિરોજશા (૧૮૪૫-૧૯૧૫) : હિંદી આગેવાન, એમણે મુંબઈના જાહેર જીવનની લાંબા સમય સુધી આગેવાની કરી હતી; બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના આદ્ય સ્થાપકોમાંના એક. મુંબઈ : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ત્રણ વખત પ્રમુખ બન્યા. મુંબઈ વિધાનપરિષદના સભાસદ અને પાછળથી વાઈસરૉયની વિધાનપરિષદના સભાસદ. ૧૮૮૫માં હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસના આદ્ય સંસ્થાપકોમાંના એક. ૧૮૯૦માં અને ૧૯૦૯માં એમ બે વાર એના અધ્યક્ષપદે ચૂંટાયા.

મેઈટલેન્ડ, એડવર્ડ (૧૮૨૪-૧૮૯૭): ગૂઢવાદ કે રહસ્યવાદભર્યા વિષયોના લેખક અને શાકાહારના ઉપાસક, ૧૮૯૧માં એસોટેરિક ખ્રિસ્તી સંઘની સ્થાપના કરી. ગાંધીજીએ એમની સાથે પત્રવ્યવહાર કર્યો હતો અને એમનાં પુસ્તકોની એમના મન ઉપર ભારે અસર પહેાંચી હતી.

મેઈન, સર હેન્રી સમર (૧૮૨૨-૧૮૮૮) : પ્રખ્યાત, ન્યાયશાસ્ત્રી, જેમનાં પુસ્તકોમાં एन्शियंट लॉ, अर्ली हिस्टरी ऑफ इन्स्टिट्युशन्स અને विलेज कॉम्युनिटिझ इन धि इस्ट एड वेस्ट નો સમાવેશ થાય છે. ૧૮૬૨-૬૯ અને ૧૮૭૧માં ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા.

મેલ્મોથ : ઝૂલુલૅન્ડનો એક વિભાગ અને એક કસબો.

મૈસૂર : પહેલાં એક દેશી રાજ્ય હતું. હવે કર્ણાટક સાથેનું નવું મૈસૂર રાજય બન્યું છે.

રાજકોટ: પહેલાં સૌરાષ્ટ્રનું એક દેશી રાજય પ્રથમ મુંબઈ રાજયમાં, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યમાં ભળેલું છે.

રિપન, લૉર્ડ (૧૮૨૭–૧૯૦૯) : ૧૮૮૦-૮૪ દરમિયાન હિંદના વાઈસરૉય અને ૧૮૯૨થી ૧૮૯૫ સુધી બ્રિટનના સંસ્થાન મંત્રી. એમના પછી ચેમ્બરલેન સંસ્થાન મંત્રી બન્યા.

રીચમંડ: પિટરમેરિત્સબર્ગ નજીકનું એક શહેર.

રુસ્તમજી પારસી : નાતાલના પરગજુ અને સેવાભાવી હિંદી વેપારી. એઓ શરૂમાં ગાંધીજીના સાથી અને નિકટના મિત્ર રહ્યા અને પાછળથી એમના અસીલ બન્યા. એમણે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ અને એના કાર્યનું મજબૂતીથી સમર્થન કર્યું.

રૉબિન્સન, સર જૉન (૧૮૩૯-૧૯૦૩) : ૧૮૮૭માં લંડનમાં ભરાયેલી સંસ્થાનોની કૉન્ફરન્સમાં નાતાલના પ્રતિનિધિ તરીકે ગયા તથા ૧૮૯૩-૯૭ દરમિયાન નાતાલના પ્રથમ મુખ્ય મંત્રી અને સંસ્થાન મંત્રી બન્યા.

લંડન સમજૂતી: બોઅરો અને બ્રિટિશ વચ્ચેની આ સમજૂતી ઉપર ૧૮૮૪ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સહીઓ થઈ. કલમ ૧૪થી દેશીઓ સિવાયના બધા લોકોને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક (અથવા ટ્રાન્સવાલ )માં પ્રવેશ, મુસાફરી, વસવાટ, મિલકતની માલિકી અને વેપારની પૂરેપૂરી છૂટની ખાતરી મળતી હતી. બોઅર સરકારે 'દેશીઓ' શબ્દનો અર્થ એવો કરવાનો પ્રયાસ કર્યો કે તેમાં હિંદીઓનો સમાવેશ થઈ જાય પણ બ્રિટિશ સરકારે એ અભિપ્રાયનો અસ્વીકાર કર્યો.

લૉટન એફ. એ. : ડરબનના એક વકીલ જેઓ હિંદીઓ માટે સલાહ આપવાનું અને વકીલાત કરવાનું કામ કરતા હતા. અનેક વાર તેઓ ગાંધીજી સાથે કોર્ટમાં ઊભા રહેતા.

વેડરબર્ન, વિલિયમ : મુંબઈની સિવિલ સર્વિસના સભ્ય તરીકે હિંદમાં ૨પ વર્ષ ગાળ્યાં. નિવૃત્ત થયા બાદ ૧૯૦૦ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભાસદ. ૧૮૯૩માં કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના પ્રમુખ; ૧૯૧૦માં કૉંગ્રેસના પ્રમુખ.

વેબ, આલ્ફ્રેડ : બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય, इन्डिया અનેm બીજા પત્રોમાં વારંવાર દક્ષિણ આફ્રિકાના હિંદીઓને લગતા વિષયો ઉપર લેખો લખતા, કૉંગ્રેસના મદ્રાસ અધિવેશન (૧૮૯૪) વખતે પ્રમુખ અને બ્રિટિશ કમિટીના એક સભ્ય.

વેરૂલમ:' ડરબનથી ૧૯ માઈલને અંતરે આવેલો એક ઐતિહાસિક કસબો. જ્યાં ઘણા ગિરમીટમુક્ત હિંદીઓ વસ્યા હતા.

વેલિંગ્ટન : કેપ સંસ્થાનનું એક શહેર.

વૉક્સરસ્ટ : ડરબનથી ૩૦૮ માઈલને અંતરે આવેલું નાતાલનું નાનું શહેર.

शाकुन्तल : મહાન હિંદી કવિ અને નાટયકાર (આશરે ઈ. સ. ૪૦૦) કાલિદાસનું પ્રખ્યાત સંસ્કૃત નાટક. પા. ૧૧૫ ઉપર ઉતારો આપ્યો છે, એ કડી ૧૭૯૨માં જરમન કવિ ગીથેએ આ નાટકને જે જાણીતી અંજલિ આપી છે તેનું ઈ. બી. ઈસ્ટવિકે કરેલા ભાષાન્તરનું ગુજરાતી છે.

સિડનહામ : ડરબનનું એક પરું.

સેક્ષન વિટાન : “વિટાનાગેમૉટ” શબ્દ ઉપરથી બનાવેલું છે. એનો અર્થ ઍંગ્લો સેક્સન રાજાઓની કાઉન્સિલ જે તેની પાસે તેઓ જે બધી બાબતો લાવતા તે વિષે સલાહ આપતી.

સેલિસબરી: દક્ષિણ રોડેશિયાનું મુખ્ય શહેર.

સોરઠ : સૌરાષ્ટ્રનો એક જિલ્લો.

સ્ટૅગર: ડરબનની ઉત્તરે આવેલું ઐતિહાસિક ગામ.

હંટર, સર વિલિયમ વિલ્સન (૧૮૪૦-૧૯૦૦) : હિંદમાં ૨૫ વર્ષ સુધી રાજદ્વારી સેવાકાર્ય કર્યું; સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં જેમાંનું इन्डियन एम्पायर એક છે. ૧૪ ભાગોમાં धि इम्पिरियल गॅझेटिअर ऑफ इन्डियाનું સંપાદન કર્યું, વાઈસરૉયની વિધાનપરિષદના સભ્ય ( ૧૮૮૧– ૧૮૮૭). હિંદમાંથી નિવૃત્ત થયા બાદ કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના સભ્ય બન્યા, અને ૧૮૯૦થી હિંદને લગતી બાબતો વિષે धि टाइम्स પત્રમાં લેખો લખ્યા.

હેબર, બિશપ રેજિનાલ્ડ (૧૭૮૩-૧૮૨૬) : કલકત્તાના વડા પાદરી (બિશપ). તે શહેરમાં બિશપ્સ કૉલેજની સ્થાપના કરી. હિંદમાં ઠેકઠેકાણે પર્યટન કર્યું.