ગાંધીજીનો અક્ષર દેહ - ૧/યુરોપિયનોને પત્ર

વિકિસ્રોતમાંથી
←  ખુલ્લો પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
યુરોપિયનોને પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ભૌતિકવાદનું અધૂરાપણું  →




૪૩. યુરોપિયનોને પત્ર[૧]
બીચ ગ્રૂવ,

 

ડરબન,

 

ડિસેમ્બર ૧૯, ૧૮૯૪

  સાહેબ,

આ સાથે બીડેલું લખાણ હું તમને મોકલવાનું સાહસ કરું છું અને એ ખુલ્લા પત્રના વિષય પર તમારો અભિપ્રાય જણાવવાને વિનંતી કરું છું.

તમે પાદરી, છાપાના તંત્રી, જાહેર કાર્યકર, વેપારી અથવા વકીલ ગમે તે હો, આ વિષય પર તમારે ધ્યાન આપ્યા વગર છૂટકો નથી. તમે પાદરી હો તો તમારા માનવબંધુઓ સાથે ઈસુને પસંદ ન પડે એવો વહેવાર રખાતો હોય તેને સીધી અગર આડકતરી રીતે ચલાવી ન લેવાની તમારી ફરજ ઊભી થાય છે. કેમ કે તમે ઈસુના ઉપદેશના પ્રતિનિધિ છો. તમે અખબારના તંત્રી હો તો તમારી જવાબદારી એટલી જ મોટી છે. પત્રકાર તરીકેનો તમારો પ્રભાવ તમે


  1. નાતાલમાંના યુરોપિયનોને ગાંધીજીએ મોકલેલા પરિપત્ર રૂપે છાપેલો પત્ર.


માનવજાતને ઊંચે ચડાવવામાં કે પછી નીચે પાડવામાં વાપરો છો તેનો આધાર માનવજાતના વર્ગ વર્ગ વચ્ચે જુદાઈને ઉત્તેજન આપો કે એકતાને માટે મથો તે વાત પર રહેશે. જાહેર કાર્યકર તરીકે પણ તમને એ જ વાત લાગુ પડે. તમે વકીલ અગર વેપારી હો તોપણ તમારે તમારા ઘરાકો અથવા અસીલો તરફની ફરજનો ખ્યાલ રાખવાનો રહે કેમ કે તેમની પાસેથી તમને સારો એવો આર્થિક લાભ થાય છે. સંસ્થાનમાં હિંદીઓને વિષે જે અજ્ઞાન પ્રવર્તે છે અને તેને પરિણામે તેમને જે ક્રૂર હાલાકી વેઠવી પડે છે તેમાં તમે તેમને કૂતરાં ગણીને હડહડ કરો અથવા તમારા જેવા જ તમારા માનવબંધુ ગણી તેમના તરફ સહાનુભૂતિ રાખો. તમારા વ્યવસાયને કારણે તમારે તેમની સાથે પ્રમાણમાં ઘાડા સંપર્કમાં આવવાનું થાય છે તેથી બેશક, તમને તેમને વિષે જાણવાની અને તેમનો અભ્યાસ કરવાની સંધિ તેમ જ પ્રેરણા મળે છે. સહાનુભૂતિની દૃષ્ટિથી તેમને જોશો તો તેમને સમજવાની જેમને સંધિ મળી છે અને જેમણે તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે તેવા કોડીબંધ નહીં, સેંકડો યુરોપિયનોને તે જેવા દેખાય તેવા તમને પણ લાગે એવો સંભવ છે.

સંસ્થાનમાંના હિંદીઓ સાથે ચલાવવામાં આવતું વર્તન જેવું જોઈએ તેવું નથી એમ માની લઈ તેમના તરફ સક્રિય રીતે સહાનુભૂતિ અને લાગણી રાખવાવાળા ઝાઝા યુરોપિયનો છે કે નવી તેનો ચોક્કસ ખ્યાલ મળે તેટલા ખાતર તમારો અભિપ્રાય - મને મોકલવાની તમને આ વિનંતી મૈં કરી છે.

હું છું, સાહેબ,

 

તમારો વફાદાર સેવક

 

મો. ક. ગાંધી

 

[મૂળ અંગ્રેજી]

સાબરમતી સંગ્રહાલયમાંની નકલમાંથી.