ગામડાંની વહારે/૨. ગામડું એટલે ઉકરડો?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧. ગ્રામકેળવણી ગામડાંની વહારે
૨. ગામડું એટલે ઉકરડો?
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. છાણાં કે ખાતર ? →૨.
ગામડું એટલે ઉકરડો?

મિ. કર્ટીસ જે સન ૧૯૧૮ની સાલમાં હિંદુસ્તાનમાં મુસાફરી કરતા હતા અને જેમનો થોડોઘણો હાથ મૉંટેગ્યુચેમ્સફર્ડ સુધારામાં હતો તેમણે આપણાં ગામડાં વિષે લખતાં કહ્યું છેઃ 'બીજા દેશોનાં ગાંમડાંની સાથે હિંદુસ્તાનનાં ગાંમડાંનો મુકાબલો કરતાં મને એમ લાગ્યું કે હિંદુસ્તાનનાં ગાંમડાં કેમ જાણે ઉકરડા ઉપર બંધાયાં ન હોય!' આ ટીકા આપણને ન ગમે એ સમજી શકાય એમ છે,પણ એમાં તથ્ય નથી એમ કોઈ નહિ કહી શકે. ગમે તે ગામડાની પાસે જઈશું તો તેનો ઉકરડો સૌથી પહેલો આપણી નજરે પડશે, અને તે ઉકરડો ઘણે ભાગે ઊંચી જમીનમાં હશે. ગામડાની અંદર પ્રવેશ કરીશું તો ઉપરના દેખાવમાં ને અંદરની સ્થિતિમાં બહુ ભેદ જોવામાં નહિ આવે. ત્યાં પણ રસ્તામાં ગંદકી હશે. ગમે ત્યારે બાળકો તો રસ્તાઓ અને શેરીઓમાં મળત્યાગ કરતાં જ હશે. લઘુ શંકા તો મોટેરાં પણ ગમે ત્યાં કરતાં હશે. અજાણ્યો મુસાફર આ સ્થિતિ જુએ તો ઉકરડા વચ્ચે અને ગામડાની વસ્તીના ભાગ વચ્ચે ભેદ નહિ કાઢી શકે. ખરું જોતાં મોટો ભેદ છે જ નહિ.

આ ટેવ ગમે તેટલી પ્રાચીન હોય છતાં તે કુટેવ છે, અને તે કાઢવી જોઇએ. મનુસ્મૃતિ આદિ હિંદુ ધર્મશાસ્ત્રોમાં કુરાને શરીફમાં, બાઈબલમાં, જરથુસ્ત્રનાં ફરમાનોમાં રસ્તા, આંગણાં, ભર, નદીનાળાં, કૂવા ન બગાડવા વિષે સુક્ષ્મ સૂચનાઓ છે. પણ આપણે તો અત્યારે તેનો અનાદર જ કરીએ છીએ. તે એટલે સુધી કે તીર્થક્ષેત્રોમાં પણ ગંદકી સારી પેઠે હોય છે. તીર્થક્ષેત્રોમાં વધારે હોય છે એમ કહેવામાંયે કદાચ અતિશયોક્તિ નહિ હોય.

હરિદ્વારમાં ગંગાના તટને બગાડતાં હજારો સ્ત્રી પુરુષને મેં ભાળ્યાં છે. જ્યાં માનસોને બેસવનું હોય ત્યાં જ યાત્રાળુઓ મળત્યાગ કરે, પોતાનાં મોધાં વગેરે ગંગામાં ધુએ, ને પાછા ત્યાં જ પાની ભરે. તીર્થક્ષેત્રોમાં તળાવોને એ જ રીતે બગાડતાં યાત્રાળુઓને મેં ભાળ્યાં છે. આમ કરવામાં દયાધર્મનો લોપ થાય છે અને સમાજ્ધર્મની અવગણના થાય છે. આવી બેદરકારીથી હવા બગડે છે, પાણી બગડે છે. પછી કૉલેરા, ટાઇફૉઈડ વગએરે ઊડતા રોગો થાય તેમાં આશ્ચર્ય શું? કૉલેરાના રોગની ઉત્પતિ જ ગંદા પાણીમાં રહેલી છે. ટાઇફૉઈડને વિષે પણ ઘણે ભાગે એમ જ કહી શકાય. લગભગ પોણોસો ટકા રોગ આપણી ગંદી ટેવોને લીધે થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

તેથી ગ્રામસેવકનો પહેલો ધર્મ ગ્રામનિવાસીને સ્વચ્છતાની કેળવણી આપવાનો છે. એ કેળવણી આપવામાં વ્યખ્યાનને અને પત્રિકાને ઓછામાં ઓછું સ્થાન છે. કેમ કે ગંદકીએ એવી જડ ઘાલી છે કે ગામડિયાઓ સ્વયંસેવકની વાતને સાંભળવા તૈયાર નથી હોતા. સાંભળે તો તે પ્રમાણે કરવાનો ઉત્સાહ નથી રાખતા. પત્રિકા વગેરે વહેંચે તો વાંચવાના તો નથી જ. ઘણાને વાંચતાં આવડે પણ નહિ. અને જિજ્ઞાસુ ન હોવાથી જેને આવડે તેની પાસે વંચાવે નહિ.

એટલે સ્વયંસેવકનો ધર્મ પદાર્થપાઠ આપવાનો થયો. ગ્રામનિવાસી પાસે કરાવવાનું પોતે કરી બતાવે ત્યારે જ તેઓ કરવાના; અને ત્યારે તેઓ કરવાના જ એ વિષે કોઈ શંકા ન લાવે. આમ કરવા છતાં ધીરજની આવશ્યકતા તો રહેશે જ. બે દિવસ આપણે સેવા કરી એટલે લોકો પોતાની મેળે કરતા થઇ જશે એમ માનવાનું કશું કારણ નથી.

સ્વયંસેવકે પોતે ગ્રામવાસીઓને એકઠા કરી પ્રથમ તો તેમનો ધર્મ તેમને સમજાવવો રહ્યો. અને તે જ વખતે તેઓમાંથી સ્વયંસેવક મળો અથવા ન મળો, તેણે સફાઇનું કામ શરૂ કરી દેવાનું રહ્યું. તેણે ગામડામાંથી જ પાવડો, ટોપલી અથવા ડોલ, ઝાડુ અને કોદાળી એટલી ચીજ પેદા કરી લેવી જોઇએ. એ વસ્તુ પાછી મળવાની ખાતરી મળ્યા પછી લોકો તે આપવાની ના પાડે એવો સંભવ નથી.

હવે સ્વયંસેવક રસ્તો તપાસશે ને જ્યાં મળમૂત્ર હશે ત્યાં પહોંચી વળશે. મળને પોતાની ટોપલીમાં એકઠો કરશે ને તે જગ્યા ઢાંકશે. જ્યાં મૂત્ર હશે ત્યાં પણ પાવડા વતી ઉપરની ભીની ધૂળ તે જ ટોપલીમાં લઇ લેશે, ને પછી તેની ઉપર આસપાસની ચોખ્ખી ધૂળ વેરશે. આસપાસ કચરો હશે તો તે ઝાડુ વતી એકઠો કરી તેનો ઢગલો એક કોરે કરી મૂકશે ને મળને ઠેકાણે પાડ્યા પછી કચરો તે જ ટોપલીમાં એકઠો કરીને તેને ઠેકાણે પાડશે. આ મળને ક્યાં નાખવા એ મહત્વનો પ્રશ્ન છે. તેમાં સ્વચ્છતા ચે અને અર્થ છે. બહાર પડેલા મળ બદબો ફેલાવે છે. તેની ઉપર માખીઓ બેસી પાછી આપણા શરીરને વળગી અથવા આપણા ખોરાક પર બેસી રોગનો ચેપ ચોમેરે વેરે છે. જો આ ક્રિયાને આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો આપણી ઘણી મીઠાઈઓ વગેરે ખાઈએ છીએ તેનો ત્યાગ જ કરીએ.

આ મળ ખેડૂતને સારુ સુવર્ણ છે. તેને ખેતરમાં નાંખવાથી સુંદર ખાતર બને છે ને પાક ઘણો સરસ ઊતરે છે. ચીનના લોકો આ કામમાં સૌથી વધારે કુશળ છે; અને કહેવાય છે કે તેઓ મળમૂત્રને સુવર્ણની જેમ સંધરી કરોડો રૂપિયા બચાવે છે, ને સાથે જ ઘણા રોગોમાંથી બચી જાય છે.

એટલે સ્વયંસેવકે ખેડૂતોને આ વાત સમજાવી જે રજા આપે તેના ખેતરમાં તે દાટવી જોઈએ. જો કોઈ ખેડૂત અજ્ઞાનને વશ રહી સ્વયંસેવકની સ્વચ્છતાની અવગણના કરે તો તેણે મળને ઉકરડામાં એક જગ્યા શોધી દાટવા. આટલું કર્યા પછી તે પેલા કચરાની ઢગલી પાસે જશે.

કચરો બે પ્રકારનો હોય છે. એક તો ખાતરને લાયક, જેવો કે શાકભાજીનાં છોતરાં, અનાજ, ઘાસ ઇત્યાદિ. બીજો કચરો લાકડાં, પથરા, પતરાં વગેરેનો. આમાંનો ખાતરજોગ કચરો એ ખેતરમાં અથવા તો જ્યાં તેનું ખાતર એકઠું કરી શકાય ત્યાં રાખવો જોઇએ. અને બીજો કચરો જ્યાં ખાડા પૂરવાના હોય તે જગ્યાએ લઇ જઇ દાટવો જોઇએ. આમ કરવાથી ગામડું સાફ રહેશે, અને ઉઘાડે પગે ચાલતાં માણસો નિર્ભયપણે ચાલી શકશે. થોડા દિવસના પરિશ્રમ પછી લોકો એની કિંમત સમજયા વિના રહેવાના જ નથી. અને સમજશે ત્યારે તેઓ મદદ કરતા થઈ જશે, અને છેવટે પોતાની મેળે કરતા થઇ જશે.પ્રત્યેક ખેડૂત પોતે પોતાના કુટુંબીએ પેદા કરેલા મળનો પોતાના ખેતરમાં ઉપયોગ કરશે, એટલે કોઈને કોઈનો બોજો નહિ લાગે અને સૌ પોતાના પાકની કિંમત વધારતા થઇ જશે. રસ્તામાં મળત્યાગની ટેવ તો કદી ન હોવી જોઇએ. ઉઘાડામાં બધાંના દેખતાં મળત્યાગ કરવો કે બચ્ચાંને સુધ્ધાં કરાવવો એ અસભ્ય છે. એ અસભ્યતાનું ભાન આપણને છે, કેમ કે એવે સમયે કોઈ આવતું હોય તો આપણે નીચું જોઈ જઇએ છીએ. તેથી પ્રત્યેક ગામમાં એક સ્થળે સોંધામાં સોંધાં પાયખાનાં બંચાવવાં જોઇએ. ઉકરડાની જગ્યાનો જ એવો ઉપયોગ થઈ શકે. આ એકઠા થયેલા ખાતરને વરાડે પડતું ખેડૂતો વહેંચી લઇ શકે છે. અને જ્યાં લગી આવો બંદોબસ્ત ખેડૂતો કરતા ન થઇ જાય ત્યાં લગી સ્વયંસેવકે જેમ રસ્તાને તેમ જ ઉકરડાને સાફ કરવો રહ્યો. રોજ સવારે ગ્રામવાસીઓ ઉપયોગ કરી લે ત્યાર પછી નિયત વખતે તેણે ઉકરડે જઇને મેલુંમાત્ર એકઠું કરીને ઉપર બતાવ્યા પ્રમાણે તેની વ્યવસ્થા કરવી રહી. જો કોઈ ખેતર ન મળે તો જે ઠેકાણે મળને દાટ્યા હોય ત્યાં નિશાન રાખવું જોઈએ. આમ કરવાથી રોજ દાટવા જતાં સગવડ પડે, ને ખેડૂત સમજે તે વખતે આ એકઠા થયેલા ખાતરનો તેઓ ઉપયોગ કરી શકે.

આ મળ બહુ ઊંડા ન દાટવા જોઇએ. પૃથ્વીના નવ ઈંચ સુધીના પડમાં અસંખ્ય પરોપકારી જંતુઓ વસે છે.તેઓનુંકામ તેટલા ઊંડાણમાં જે કંઇ હોય તેનું ખાતર બનાવવાનું અને મેલામાત્રને શુધ્ધ કરવાનું હોય છે. સૂર્યનાં કિરણો પણ રામદૂતની માફક ભારે સેવા કરે છે. આ વસ્તુની પરીક્ષા જેને કરવી હોય તે પોતે અનુભવથી કરી શકે છે. થોડા મળ નવ ઈંચમાં દાટવા અને અઠવાડિયા પછી જમીનને ઉઘાડી જોવી અને તેમાં શું થાય છે તેની નોંધ લેવી. એ જ મળનો થોડો બીજો ભાગ જમીનમાં ત્રણ ફૂટ કે ચાર ફૂટ ઊંડે દાટવો અને તેના શા હાલ થાય છે તે તપાસવું. એટલે અનુભવજ્ઞાન મળશે. મળને છીછરા દાટવા, પણ તેની પર માટી સારી પેટે ઢાંકવી કે જેથી કૂતરાં ખોદી ન શકે અને બદબો ન આવી શકે. કૂતરાં ન ખોદી શકે એને સારુ કોઈ જગાએ થોડાં કાંટાનાં ઝાંખરાં મૂકી દીધાં હોય તો સારું.

જ્યારે મળ છીછરા દાટવાની વાત કરી ત્યારે સમજાવું જોઈએ કે મળને સારુ ચોરસ કે લંબચોરસ મોટો ખાડો હોવો જોઈએ, કેમ કે દાટેલા મળ પર બીજા તો ચડાવવાના છે જ નહિ, અને તુરત ઉઘાડવાના પણ નથી. એટલે આગલે દહાડે જ્યાં દટાયા હોય તેની પાસે જ બીજો એક નાનો ચોરસ ખાડો તૈયાર હોય. તેમાંથી કાઢેલી માટી એક કોર ગોઠવાયેલી હોય. બીજે દિવસે આવીને મળ દાટી પેલી પડેલી માટી તેની ઉપર ઢાંકી બરોબર સપાટ કરીને ચાલ્યા જવાનું રહે. આજ રીતે લીલોતરી વગેરેના કચરાનું ખાતર કરવું, પણ પડખે જુદી જગાએ. કેમ કે મળ અને લીલોતરીનું ખાતર એક સાથે ન દાટી શકાય. બન્નેની ઉપર જંતુઓ એકસરખી ક્રિયા નથી કરતાં. હવે સ્વયંસેવક સમજેલ હશે કે જ્યાં તે મળ દાટતો હશે તે જગા હમેશાં સ્વચ્છ હશે, સપાટ હશે, અને તાજા ખેડાયેલા ખેતરના જેવી લાગતી હશે.

હવે રહ્યો પેલો ખાતરને નહિ લાયક એવો ઢગલો. એ ઢગલામાં રહેલો કચરો એક જ ઊંડા ખાડામાં દાટવો. એ પણ રોજ દટાતો જાય, દબાતો જાય અને સ્વચ્છ જ રહે.

આમ એક મહિના લગી કરવાથી બહુ પરિશ્રમ વિના ગામડાં ઉકરડા મટી સુંદર, સ્વચ્છ થઇ જશે. વાંચનાર સમજેલ હશે કે આમાં પૈસાનું તો કંઈ ખર્ચ નથી. આમાં નથી સરકારની મદદ જોઈતી, નથી ભારે વૈજ્ઞાનિક શક્તિની જરૂર. જરૂર માત્ર પ્રેમળ સ્વયંસેવકની છે.

આટલું કહેવાની જરૂર નથી કે જે વસ્તુ મળમૂત્રને લાગુ પડે છે એ જ છાણ અને પશુના મૂતરને પણ લાગુ પડે છે. પણ આનો વિચાર હવે પછીના પ્રકરણમાં કરીશું.