ગારુડી ધર્મતર્કટ તણા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

અમે પ્રેમિકો હાડપિંજર તણા
પૂજારી સડેલા ક્લેવર તણા

અમે માનવીને પશુ સમ નચવીએ
પ્રભુ શબ્દ બોલીને પંખી પઢવીએ
પૂરી અંધને સ્વર્ગ ચાવી અપવીએ

અમે ગારુડી ધર્મતર્કટ તણા
મદારી ખરા લોકમર્કટ તણા

અમે દેવમૂર્તિની માંડી દુકાનો
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો
પ્રભુધામ કેરા ઉડવીએ વિમાનો

અમે પાવકો પાપગામી તણા
પ્રવાહો રૂડા પુણ્ય ગંગા તણા

અમે ભોગના પૂતળાં તોયે ત્યાગી
છીએ રાગમાં રક્ત તોયે વિરાગી
સદા જળકમળવત્ અદોષ અદાગી

અમે દીવડાં દિવ્યજ્યોતિ તણા
શરણધામ માનવફુદાઓ તણા

અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી પામરો મેળવો સદા મુક્તિ
સમર્પણ મહીં માનજો સાચી ભક્તિ

અમે તો ખપર વાસનાઓ તણા
ભ્રમર અંધશ્રદ્ધાની બાંગો તણા

શ્રીમંતો સ્ત્રીઓ વહેમીઓના બનેલા
ઊભા જો અમારા અડગ કોટકિલ્લા
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા

અમે શત્રુઓ બુદ્ધિના સત્યના
અચલ થાંભલા દેશદાસત્વના