ગુજરાતની ગઝલો/એકરારનામું
← બળે છે ! | ગુજરાતની ગઝલો એકરારનામું [[સર્જક:|]] ૧૯૪૩ |
સખે ! ભૂલો પડ્યો હું તો ! → |
મસ્તાન
હકૂમદારની જોહકૂમીથી હું હવે લાચાર છું;
મુફલેસ દિલ દરવેશ દર્દી હું હવે બેજાર છું.
ઇશ્કે શરાબીની મજા જોવા હવે તૈયાર છું;
ખ્વોફે જહાં ખમવા ખરે હરદમ હવે હુશિયાર છું.
માશૂકની મુરવ્વત ખરે ! કરતાં હવે શીખનાર છું;
આલમ તણી બૂરી ખિલાફી હું હવે જીતનાર છું.
બની બહાવરો બન્દો સનમ ! હું બન્દગી કરનાર છું;
શોખીન શરાબીનો ખુમારીને હવે રડનાર છું.
માશૂક તણા જુલફે રહી આશક સદા: છૂપનાર છું;
એ જુલ્ફની ખુશબો અને લજ્જત સદા ચૂમનાર છું.
ઇશ્કે અનલહક યા પયગામે નૂરને જોનાર છું ;
તજી બેઇમાની ઈમાનથી માશુકને ઝૂકનાર છું,
ગુલઝારની સડકે પડેલા ખારને ખમનાર છું;
એ ગુલ ઉપર આફ્રેિન થઈ ભેટી સદા ચૂમનાર છું.
નાદાન ને હેવાનની મિજમાનીમાં મળનાર છું;
મિજલસ દિવાનાની શરાબીમાં હવે ભળનાર છું.
ઝાંખી થયેલા નૂરની હું પેરમાં પડનાર છું;
મસ્તાન આબેહૂબ હુશ્ને ! ત્યાં હું અંજાનાર છું.
સાકી તણા હાથે ભરેલી પ્યાલી હું પીનાર છું;
બદહઝમીના પરહેઝગારોને ઈજન કરનાર છું.
મિઠ્ઠી શરાબી પી બીમારીને સદા ગાનાર છું;
ગમગીનીની યારી કરી ઉદાસીને ચાહનાર છું.
આલમ થકી બાતલ થઈ હું દરખતે ચડનાર છું;
પાકી તલાશે એ પરિન્દાને હું પારખનાર છું.
યારી કરી ચૂમી લઈ એ સાથ હું ઊડનાર છું;
દે શુક્ર એ વાલી સનમ ! તકલીફ હું સહેનાર છું.
માની મઝા એ સાથ તાબેદારીમાં જીવનાર છું;
કાબિલ ! કરો સિતમ ! મગર ગરદન ન ઊંચકનાર છું.
આબેહયાતીના ઝરામાં હું હવે ડૂબનાર છું,
ઓ સનમ! તું કર રહમ! એ રહેમતે જીતનાર છું.
હાજત નથી બીજી હવે આશક હું ઈન્તિઝાર છું;
આબાદીબાદી જોઈ છેઃ બરબાદીને ચાહનાર છું.
હેરતભરી હોનારતે યાહોમ થઈ રમનાર છું;
કિંમત બતાવે ખેલ તે સહેલાઈથી સહેનાર છું.
ઇન્સાફની પર્વા વગર અહેસાન ઊંચકનાર છું;
ઇન્સાનના ઇન્સાફની પર્વાથી બેદરકાર છું.
યા સનમ ! હઝરત સલામત ! ખુદ હું કરજદાર છું;
દાખિલ કરે દાવો હમારો યાર હું અરજદાર છું.
તુજ નેકીમાં ધરતો કદમ મસ્તાન ગિરફતાર છું;
પડતો બચાવો ઓ સનમ ! હું બેરહમ બેશુમાર છું.
મગરૂર છું તારી તુફેલે દાર પર ચડનાર છું;
માશૂક કરો હાસિલ હું હકનો ફક્ત દાવાદાર છું.
ઉમિદ બર લાવો સનમ ! હું વસ્લનો ચાહનાર છું;
ગમગીનીમાં ડૂબું, અયે ! માશૂક ! તાબેદાર છું.
એકરારનામું કબૂલીને દરિયાફ કર દિલદાર છું;
શામિલ કરો મસ્તાન મિસ્કીનનો, સનમ ! હકદાર છું.