લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/કિસ્મત

વિકિસ્રોતમાંથી
← નિરાશા એ જ છે આશા ગુજરાતની ગઝલો
કિસ્મત
[[સર્જક:|]]
૧૯૪૩
કષાયોર્મિ →


૧૬ : કિસ્મત

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત ?
ભરોસે તેં લઈ શાને આ હર્‍રાજી કરી કિસ્મત ?

થવા નિજરૂપ દુનિયામાં ઊતરવાનું ઠર્યું ,કિસ્મત ?
કરી તુજરુપ રંજાડી લપેટી ઘા કરે, કિસ્મત ?

ચલાવી પુષ્પમાળા પર નિચે સર્પો ભર્યા, કિસ્મત ?
સનમ દિદારમાં નાખી પલક જુદાઈની, કિસ્મત ?

લગાડી કાર્ય-કારણની બરાબર સાંકળો, કિસ્મત ?

પિછાની બે અને બેને કહીને ચાર, હે કિસ્મત ?
લખાવ્યા હાથથી શાને તેં બેને એક આ કિસ્મત ?

ગણી મારું વળી મારું ભર્યું દિલ પ્રેમથી કિસ્મત !
તથાપિ ત્યાં ભર્યું શાને શી રીતે ઝેર તેં કિસ્મત ?

ધરી આશા તણો પાયો ચણાવી તે ઉપર, કિસ્મત !
કહીં ક્યારે લીધો તાણી એ પાયો તેં અરે કિસ્મત ?

મુકાવીને મીઠે ખોળે ભરોસે શીશ, હે કિસ્મત !
કપાવી શી રીતે ગર્દન વહે ના ખૂન પણ, કિસ્મત !

ઉઠાવી 'અસ્તિ'થી દિલને લગાડયું 'નાસ્તિ'માં કિસ્મત !
દરદ દિલ રોવું ત્યાં એ તેં વગોવાવું ભર્યું , કિસ્મત !

વહે આંખો ગળી ધારે-ધુએ દિલદાગને, કિસ્મત !
ખુદાઈની મીઠાઈમાં ભરી ખારાઈ ક્યાં કિસ્મત  ?

મુડાવી કે રંગાવીને કરાવ્યો ત્યાગ તેં કિસ્મત !
તથાપિ ત્યાં બઝાડી શી ઉપાધિ બેવડી, કિસ્મત ?

મુખે અદ્વૈત ઉચ્ચારી લહીં મનથી પૂરું, કિસ્મત !
કવિતા આ બકાવાનું કર્યું શે દ્વૈત તેં કિસ્મત ?

કહીં કહીં આ દગાબાજી કરે હા ના તું શું કિસ્મત?
મને માલિકના કાને પડે ભણકાર ત્યાં, કિસ્મત !

રમાડયો આ દગાબાજી વિષે બહુ હું ખુશી, કિસ્મત !
મળ્યો માલિક વેચાયોઃ-કરી લે ચાહે તે કિસ્મત !