ગુજરાતની ગઝલો/દરગાહ બસ મુજ કત્લગાહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સનમને સવાલ ગુજરાતની ગઝલો
દરગાહ બસ મુજ કત્લગાહ
[[સર્જક:|]]
૧૯૪૩
જોગીની ગઝલ →


૬૯ : દરગાહ બસ મુજ કત્લગાહ


યારો ! કોઈ છે દર પર અહીં? હાઝર બિરાદર યા નહીં?
યારો ! કત્લગાહ પર કૂચ ઠરી ના ! ના ! અહીં સોહી કહીં?
અલબત્ત આશક યારના;
બેશક, કશા હકદાર નાઃ
તાલિબ ફક્ત તલવારના:
અમરાપુરી અસલી તહીં.

અસબાબ અમીરી આપનાઃ
ગુલશન અનાર ગુલાબનાઃ
સીસા સુરેખ શરાબનાઃ
સૌ આપ ભોગવજો અહીં.

અર્જી લખો મુજ યારને:
ગમખ્વાર દિલ હુશિયાર છેઃ
લે—લે ઘસી હથિયારને:
લાવો : કરૂં છેલ્લી સહી.

થાતાં ઝબેહ ન કરું રુદન:
પહોંચાડજો હસતાં નમનઃ:
દિલબર હુઝુર બે-બે સુખનઃ
'ગરદન ગઝબ તલપી રહી.'

કોણે કહ્યું દિલદારને—
'દે દિલ દિવાના યારને?'
જા ! ના કહે: ન રહમ કરે:
મારું જિગર ખંજર મહીં.

ના ! ના ! હવે બોસા ન દે:
પહેરું સુખે કફની ભલે:
બીજી ફિલસૂફી ન ખપે મને:
'હાં! જા ! કહે, કાસદ! જઈ.

ના ! ના-અરે-ખપનું કફનઃ
ના ! ના–ભલે-કરજો દહન
ચાહવું અને મળવું વતનઃ
આશા કતલખાને રહી.

શાયદ અજાયબ આદમીઃ
ગમી યા ગમી કે ના ગમીઃ
પણ–ભાવતી કાતિલ ઝમીં:
કુરબાની ગમી ત્યાં ખુશ થઈ.

દશ લાખ ઘા દિલમાં પડ્યા:
રૂઝયા, ફરી ફરી ઊબળ્યા:
લહાવા નવા કૈં કૈં મળ્યાઃ
લઉં છેલ્લી લહાણ પતી જઈ.

માશૂક ! હુસેની બાદશાહ !
સાગર ! ફકીરી ઈશ્કરાર !
દરગાર બસ મુજ કત્લગાહઃ
લઈ બંસી ચલ ! ગા તૂંહિ ! તૂંહિ !