લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/ફરિયાદ શાની છે ?

વિકિસ્રોતમાંથી
← અમારા રાહ ગુજરાતની ગઝલો
ફરિયાદ શાની છે ?
[[સર્જક:|]]
૧૯૪૩
અમારી ગુનેહગારી →


રર : ફરિયાદ શાની છે ?


અરેરે ! ઊડતું ખંજર દિલે ઝૂંટી હલાવ્યું. મેં,
ઊપડતો હાથ છે ત્યારે ? હવે ફરિયાદ શાની છે ?

વહે તો ખૂન છો વહેતું, નહિ તો છો ઠરી રહેતું !
સહેવો દાગ કાંઈ એ, અરે ! ફરિયાદ શાની છે ?

સનમના પેરની લાલી જિગરનું ખૂન મારું છે,
અરે ! એ રંગ મારો તો હજુ ફરિયાદ શાની છે ?

હતી આશા કંઈ ઊંડી, ભરી તેની રૂડી પ્યાલી;
સનમને આપતાં એવી, હવે ફરિયાદ શાની છે ?

કદી લાલી જશે ચાલી, કદી ફૂટી જશે પ્યાલી,
ભલે કો તે ભરી દેને, મને ફરિયાદ શાની છે ?

ભરાશે કોઈ ઢોળાયું, ભરાયું કોઈ ઢોળાતું,
અહીં તો રેત ઊડે છે, પછી ફરિયાદ શાની છે ?

જગાવી મેં ચિતા મારી, ઝુકાવ્યું ત્યાં બધું જાણી,
ચડે છે ખાક વંટોળે, હવે ફરિયાદ શાની છે ?

કરે છે શોર એ ભૂકી, “મને માશૂક માની લે !”
સુણે ના કોઈએ તેને, પછી ફરિયાદ શાની છે?

અહાહા! ઈશ્ક આલમનો હજારો રંગનો પ્યાલો,
જિગર આ એકરંગીને, અરે ! ફરિયાદ શાની છે?

જહાંની આ અને પેલી અહીં ત્યાંની નથી પરવા,
ન કો પૂછે, ન કો જાણે, પછી ફરિયાદ શાની છે?

મને જે થાય કે આજે હશે ના યાદ તે કાલે,
પછી કે અન્ય શું જાણે? દિલે ફરિયાદ શાની છે?

અહીં જે તાર તૂટ્યો તે કદી સંધાઈ ત્યાં જાશે,
“કદી”ની હોય શી આશા? અરે! ફરિયાદ શાની છે?

હજુ ફરિયાદ જારી છે, જિગરમાં મેં વધારી તે,
ખુશીથી આગ હું એવું, પછી ફરિયાદ શાની છે ?

ખુદાના તખ્તની પાસે જિગરની આહ પહોંચાડું,
મગર છે ગેબ ઝાલિમ એ, જિગર ! ફરિયાદ શાની છે?