ગુજરાતની ગઝલો/સખે ! ભૂલો પડ્યો હું તો !
← એકરારનામું | ગુજરાતની ગઝલો સખે ! ભૂલો પડ્યો હું તો ! [[સર્જક:|]] ૧૯૪૩ |
સુંદિર મુખડું આપનું → |
તજ્યો મેં રાહ દુનિયાનો પ્રણયપંથે ચડ્યો હું તો;
નવી દ્રષ્ટિ ન કાં દેતો? સખે ! ભૂલો પડ્યો હું તો.
જગાવી હોળી મેં આ તો દિલે આતશ હવે સહેતો;
નવું જૂનું ભૂલી જાતો, સખે ! ભૂલો પડ્યો હું તો.
મરૂ ગૂંગળાઈને હું જે ! ઉઘાડી દ્વારા દે તું તો;
શરમ યા રહમથી સૂતો? સખે ભૂલે પડ્યો હું તો.
અજબ દારૂ નશો કરતે, અજબ ખુશબો ન કાં ભરતો?
ધીરજ દિલમાં ન હું ધરતો, સખે ! ભૂલે પડ્યો હું તો.
મીંચું હું ચશ્મ શી રીતે? સખી ! સામે ખડી તું જો,
હજી દાવો ન કાં લેતો? સખે ! ભૂલો પડ્યો હું તો.
બલા વળગી પડી આ તો, અજબ આ ઈશ્કનો રસ્તો;
મગર કાંટાભરી વાડે, સખે ! ભૂલે પડ્યો હું તો.
જતો હારી, હવે થાક્યો, જિગર વહેતું થતાં સૂતો;
નથી કૈં મોતથી બીતો, સખે ! ભૂલે પડ્યો હું તો.
સખે! હું વસ્લને ચાહતો, જુદાઈ ના હવે સહેતો;
બતાવો રાહ કૈં સાચો, સખે ! ભૂલે પડ્યો હું તો.
જગાવ્યાં ભૂતને મેં તો, હવે ના દાદ તું દેતો !
ગુઝર અન્દર ન હું કરતો, સખે ! ભૂલે પડ્યો હું તો.
અધૂરા રાહમાં ઊભો, ટકાતું–ના ઉડાતું જો;
હવે સામું ન કાં જેતો? સખે ! ભૂલે પડ્યો હું તો.
દશા મારી ન કાં જોતો? દિલે કાં રહેમ ના ધરતો;
હકીકતમાં ન હું ભળતો ? સખે ! ભૂલો પડ્યો હું તો.
પ્રલોભનમાં ફસાયો છું? અગર બલિમાં ખપું છું? જો;
મગર પોતાપણું ભૂલતાં-સખે ! ભૂલો પડ્યો હું તો !
નથી આંસુ હવે વહેતો, ઉપાધિમાં પડ્યો રહેતો;
ઉપાધિથી કરે છૂટો, સખે ! ભૂલે પડ્યો હું તો.
મઝા માની પડ્યો હું તો, પ્રણયના પંથમાં ઘૂમ્યો;
મગર ભાલો મને ભોંક્યો, સખે ! ભૂલો પડ્યો હું તો.
વહે છે ખૂનની નીકો, નશાના કેફમાં સૂતો;
જિગર મસ્તાન દર્દી ઓ ! સખે ! ભૂલે પડ્યો હું તો.