ગુજરાતની ગઝલો/સનાતન 'થી'

વિકિસ્રોતમાંથી
← બનાવી જા ગુજરાતની ગઝલો
સનાતન 'થી'
[[સર્જક:|]]
૧૯૪૩
વાત શું જાણે? →


૮૬ : સનાતન 'થી'


અનુભવથી બધું મળશે, ન મળશે તુજને વાચનથી,
તડપવાનું છે સમજણથી, સમજવાનું છે જીવનથી !

ખરી ભક્તિ એ જીવન છે, થશે પાવન તું જીવનથી;
ન મળશે કંઈ તને વંદનથી, પૂજનથી કે અર્ચનથી !

મરણ પહેલાં જુદો ક્યારે થયો છે આત્મા તનથી ?
મટી શકતો નથી હું કોઈ દિવસ આપના મનથી !

પ્રથમ તું તારા દિલને ફૂલ સમ કોમળ બનાવી દે;
મળી જાશે તને પણ રંગ-ખુશબૂ કોઈ ઉપવનથી !

જીવનનો ભેદ, મૃત્યુ–હસ્તે ખુલ્લો થાય તે પહેલાં,
જીવન શું છે, એ જીવનને સમજવાનું છે જીવનથી !

નિરાશા નાશ કર, ગમ દૂર કર, મૂકી દે કાયરતા;
હઝારો મોત પેદા કાં કરે છે એક જીવનથી ?

ખુદાની યાદ, વાતો ધર્મની ને ફિક્ર દુનિયાની;
છૂટો એ સૌથી હું બંધાઈને એક પ્રેમ-બંધનથી !

મને મિત્રોથી જે કડવા અનુભવ પ્રાપ્ત થાયે છે,
છુપાવીને હું રાખું છું એ એક જ ચીજ દુશ્મનથી !

બની જા રૂપ પોતે, રૂપનું સ્વરૂપ જોવું છે;
નીકળ હે દિલ ! તું પહેલાં પ્રેમ કેરા પ્રેમ–બંધનથી !

નકામો પ્રેમને બદનામ શાને તું કરે 'સિમ' ?
ખબર છે? રૂપ પોતે પ્રેમ-ચાહક છે સનાતનથી !