ગુજરાતનો જય/ગુજરાતનો સર્વાધિકારી

વિકિસ્રોતમાંથી
← રાજેશ્વરી ઈચ્છા ગુજરાતનો જય
ગુજરાતનો સર્વાધિકારી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
બે લક્ષ્મીની પ્રાપ્તિ →


8
ગુજરાતનો સર્વાધિકારી

"લે, ભાઈ લવણપ્રસાદ!” એમ કહીને મહારાજ ભીમદેવે એને છાનીમાની મુદ્રા આપી.

"આપણે આ બાબતની કશી હોહા નથી કરવી. સમજ્યોને? તું તારે આજથી સર્વાધિકારી તરીકે બધું કામ કરવા માંડ. રાજના નોકરોને રફતે રફતે બધી ખબર પડી રહેશે એ તો. લે હવે રજા લઈશ. ઔષધિ અને આસવ લેવાનો સમય થઈ ગયો.”

એમ બોલીને મહારાજ ભીમદેવ અંદરના ભાગમાં ચાલ્યા ગયા, ત્યારે લવણપ્રસાદ શૂન્ય ભેજું લઈ ઊભો હતો તે જ સ્થિતિમાં ઊભો રહ્યો. આ સર્વાધિકારીપદ પોકળ હતું. ખજાનો ખાલી હતો. લશ્કરનું નામનિશાન નહોતું. મહારાજ ભીમદેવે બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું હતું.

આસવ પીતોપીતો ભીમદેવ પોતાના વંઠકને કહેતો હતોઃ “આફૂડો હવે નાણાંની જોગવાઈ કરી આવશે, કેમ ખરુંને, બાદલ? આફડો રાજસેવકોને દરમાયા ચૂકવવાની વેતરણ કરશે. હું ક્યા ભવ વાસ્તે એ બધી કડાકૂટમાં પડું !”

લવણપ્રસાદને આ મફતિયા મુદ્રા સ્વીકારવામાં સાર ન દેખાયો. મુદ્રાને હાથમાં ચંચવાળતો એ નિસ્તેજ મુખે ઊભો હતો, ત્યાં તો એને કાને શબ્દ પડ્યો: "આદાબ ! બંદેનવાજ, ગુલામની ઘણી ઘણી આદાબ !"

એ સદીક હતો. છેક દ્વારમાંથી બે હાથ ઝુકાવતો ઝુકાવતો એ આવતો હતો.

“આવો સદીક શેઠ, કાલે તમને તેડાવ્યા ત્યારે તો ના પડાવી દીધી ને આજે –"

"કોણ કહે છે મેં ના પડાવી?” સદીકે ચમકવાનો ડોળ કર્યો, “હું-હું નાચીજ વેપારી પાટણના સરમુખત્યારની ફરમાયેશને અપમાન આપું ! આપને કોઈકે ખોટો અહેવાલ પહોંચાડ્યો લાગે છે.”

"તમે એટલે સુધી બોલ્યા કે રસમ તો મને મારા મુકામે જ આવીને મળવાની છે.” "તોબાહ! તોબાહ, જનાબ ! એટલી બધી તુમાખી હું બતાવું ! મેં તો અર્જ મોકલાવેલી કે અહીં પગલાં કરશો? એ તો બે ઘડી આપનું દિલ બહેલાવવા માટે, મેં પધારવા – મારો મુકામ પાવન કરવા અર્જ મોકલી હતી, જનાબ ! આપને કોઈકે ઊલટાસૂલટી વાત ભરાવી લાગે છે,” એમ કહેતે કહેતે સદીકે લાચારીના મુખભાવ ધારણ કર્યા: “હું તો અત્યારમાં મને જાણ થઈ કે આપ સર્વાધિકારી નિમાયા એટલે તરત જ હરખ કરવા દોડ્યો આવ્યો છું.”

"તમને ખબર પણ પડી ગઈ?” લવણપ્રસાદ આ માણસને સમજવા મથતો હતો, પણ નિષ્ફળ ગયો.

"મારું ને આપનું એટલું દિલભર દિલ છે. કાલ રાતથી જ હું સારાં નિશાનો નિહાળી રહ્યો હતો. મને ખાતરી જ હતી કે કાંઈક સારો બનાવ બનવો જોઈએ. સવારની નમાજ પઢતાં પઢતાં જ દિલમાં જાણે કોઈ કહેતું હતું કે જનાબ ઊંચી પાયરીએ નિમાવાના છે.”

"જુઓ, સદીક શેઠ!” લવણપ્રસાદે કહ્યું, “આપણે મુદ્દાની વાત પર આવી જઈએ. રાજના ખજાનામાં દ્રવ્ય નામ નથી. તમારે ખંભાતની માંડવી વધારે આપવી જોઈએ.”

“મારાં માવતર છો તમે તો. હું તો કહું છું કે માંડવીનો ઇજારો જ આપ કોઈ બીજાને આપો. હું તો મરી રહ્યો છું.”

"કેમ?”

"લાટ, આનર્ત અને સુરાષ્ટ્ર, ત્રણેયને ત્રિભેટે ખંભાતમાં બેઠેલા અમ લોકોની તો કમબખ્તીનો જ ક્યાં પાર છે? આ તરફથી લાટનો ચાહમાન શંખ વારેવારે ખંભાત પડાવી લેવાના ડારા મોકલે; તેની પેલી મેરથી દેવગિરિનો સિંઘણદેવ ચાંચિયા મોકલી વહાણો ડુબાવે; વામનસ્થળીવાળાનો પણ એ જ ધંધો; એની વચ્ચે હું કેમ કરીને વહાણો સફરે મોકલું છું તેની તો કોઈ સંભાળ લ્યો !”

“આપણો કાફલો ખંભાતમાં નથી રહેતો?”

"એક પણ નાવ ન મળે, એક પણ સૈનિક નહીં”

“ક્યાં ગયું આપણું નાવિકદળ?”

“ઘરભેગું થઈ ગયું.”

“કેમ?”

“બાર બાર મહિના સુધીનો ચડત દરમાયો મેં ચુકાવ્યો, જનાબ ! આંહીથી કોઈ જવાબ પણ ન આપે એટલે દરિયા-ફોજ વિખેરી નાખવી પડી.”

લવણપ્રસાદને પહેલી જ વાર ખબર પડી કે સૌરાષ્ટ્ર-ગુજરાતના આખા કિનારાની ચોકી કરતું નૌકાસૈન્ય ખંભાતમાંથી ખસેડી લેવામાં આવ્યું છે. એ વિચારમાં પડી ગયો. તેનો લાભ લઈ સદીકે મારો ચાલુ રાખ્યો:

“એ તો, મારા જનાબ ! મારો અલ્લા પાધરો છે. હું આ બધા ઘુરકાટ કરનારા શત્રુઓનાં મોં ભરીભરીને ચૂપ રાખું છું. બાકી આપણે ઘેર આજે દરિયો નહીં પણ ખાબોચિયું જ છે એમ સમજો, મારાં માવતર ! ખંભાતની આમદાની તો સાવ તૂટી ગઈ છે. આપ આવીને એક વાર તપાસ તો કરો કે અમે બસરા ને જંગબાર સુધીનો જહાજ ચલાવવામાં કેટલું જોખમ ખેડીએ છીએ ! અત્યારે દેશાવરમાં આપણી ઇજ્જત કઈ છે?”

“મહારાજને તો, શેઠ, તમે ગજબ વિલાસમાં ચડાવી દીધા લાગે છે.”

“જરા આંહીં નજીક કાન લાવો, જનાબ” એમ કહીને સાદીકે છેક લવણપ્રસાદના કાન સુધી મોં લઈ જઈને કહ્યું:

“મહારાજ તો તૈયાર થયા હતા ભરૂચના શંખને આંહીં લાવી સર્વાધિકારી નીમવા ! મહારાજની મતિ તો સાવ વીફરી ગઈ હતી ! શંખ એને રોજ અક્કેક બાયડી પૂરી પાડવા તૈયાર હતો. એ આફતમાંથી ગુજરાતને બચાવનાર આ ગુલામને મારવો હોય તો સુખેથી બે જૂતા મારી લો ગાલ ઉપર, બીજું શું કરશો? ઇનામની આશા રાખીને તો હું થોડો જ અહીં પાટણ આવ્યો હઈશ ! ને આપની નિમણૂકની વાત મેં આટલી વહેલી ક્યાંથી જાણી એ પૂછો છો હજૂર, પણ એ નામ મહારાજને ગળે ઉતરાવનાર કોણ છે એય તપાસ તો કરો!”

રાણો લવણપ્રસાદ સદીક શેઠના મોં પર લહેરાતા મીઠા ભાવોના પ્રભાવે માત થઈ ગયો.

"ઠીક છે, ભાઈ ! શેઠ, મારી તમને એક જ વિનતિ છે કે હાલ તો કોઈપણ ઇલાજે ભૃગુકચ્છના શંખને અને દેવગિરિના યાદવ સિંઘણદેવને સાચવી લેજો. હું મારાથી બનશે તેટલું વહેલું લશ્કર તૈયાર કરું છું.”

“હું તો આ રાજનું નિમક ખાનાર છું, રાણાજી ! મને ભલામણ કરવી ન પડે.”

એમ કહીને એ રવાના થયો. લવણપ્રસાદ રાજકચેરી તરફ ચાલ્યો ગયો.

એના ગયા પછી થોડી વારે, રાજકચેરીના એને બેસવાના કાર્યાલયમાંથી જરિયાની ને કિનખાબના ગાલીચા, ગાદીતકિયા જવનિકાઓ વગેરે ઊંચકાઈને જામદારખાના તરફ ચાલ્યાં ગયાં.

સર્વાધિકારીનું કાર્યાલય પહેલી જ વાર પાણકોરાની સાદાઈ ધારણ કરી ચૂક્યું.