ગુજરાતનો જય/પારકી થાપણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બે લક્ષ્મીની પ્રાપ્તિ ગુજરાતનો જય
પારકી થાપણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
આરા-પાણીનાં છાનગપતિયાં →


10
પારકી થાપણ

દાઢીવાળો પરોણો આવીને ચાલ્યો ગયો તે રાત્રિથી દિન-પર-દિન બાળ વીરુ પોતાની માને, અને પોતે જેને પિતા ગણતો હતો તે દેવરાજ પટ્ટકિલને પોતાનાથી શરમાતાં ને સંકોડાતાં જોતો હતો. આવીને ચાલ્યા ગયેલા અજાણ્યા મહેમાન પ્રત્યે બાળકના અંતરમાં કોઈ નિગૂઢ આકર્ષણનું લોહચુંબક તાણાતાણ કરતું હતું. આથી વધુ કશું જ્ઞાન એને લાધ્યું નહીં. એ દિવસે દિવસે ઊંડા ને ઊંડા દિલનો બનતો ગયો. ખેતર જ લગભગ એનું ઘર બની ગયું. અનિચ્છાએ જ એનાં પગલાં સંધ્યાકાળે ઘર ભણી વળતાં.

ઘરનાં સ્ત્રી-પુરુષ કળી ગયાં કે બાળકના અંતરમાં ઊંડી કોઈ સમજણ અકલિત રીતે ઘર કરી રહી છે.

એમ કરતાં છએક વર્ષ ચાલ્યાં ગયાં. વીરુ વીશ વર્ષનો જોધાર બન્યો. બળદોની રાશ એના હાથમાં એવી શોભતી કે આખી સીમના છોકરાને એની ઈર્ષ્યા થાય. ધનતેરશને દિવસે ગાડાં દોડાવવાની શરતમાં એ સૌની મોખરે ગાડું કાઢી જતો. એના વિવાહનાં થોકબંધી માગા આવતાં. દેવરાજ પટેલ એ તમામ માગાંને એક અથવા બીજે બહાને પાછાં ઠેલતો. એની ખેડ પ્રત્યેક ખેતરને ગાદલા જેવું કરી મૂકતી. એ બોરડીનાં જાળાં ખોદવા વળગતો ત્યારે એની કોદાળી પરોડથી સાંજ સુધીમાં તો સોથ વાળી દેતી.

પણ ખેતી કરતાં કરતાં એનામાં એક નિગૂઢતા ચાલુ જ રહી હતી. શેઢે નીકળતો હતો ધોળકાનો ધોરી માર્ગ. વટેમાર્ગુઓ એની વાડીની ઘટા દેખી બપોરા ગાળવા થોભતા ત્યારે એને પોતે પૂછી પૂછીને જ્ઞાન મેળવતોઃ પાટણમાં રાજ કેવું ચાલે છે? આટલાં બધાં લોકો સરસરંજામ ને ઘરવખરી ભરીને ધોળકે કેમ ચાલ્યા જાય છે? પાટણમાં ચોરી ને લૂંટફાટોનો આટલો બધો પોકાર ક્યાંથી વધી પડ્યો? લશ્કર કેમ નથી? રાજની આવક શાથી ઘટી ગઈ છે? ગરજનના ને દિલ્હીના યવનો, હવે હલ્લા કરે છે કે નહીં?

દિન-પ્રતિદિન એની દૃષ્ટિ સામે ધોળકા જતી વણજારો ચાલુ હતી. પથ્થરો ધોળકે જતા – હવેલીઓ ને મંદિરો બંધાય છે માટે નાણાવટીઓ ધોળકાને પંથે પળતા હતા – ત્યાં વેપારની જમાવટ થાય છે માટે. ગુજરાતની સારી સમૃદ્ધિ અને શક્તિ ધોળકામાં ઠલવાતી હતી. પાટણનો મહામંડલેશ્વર રાણો લવણપ્રસાદ ધોળકું જમાવી રહ્યો હતો. યુવાન વીરધવલની મીટ જન્મજન્માંતરની જૂની કોઈ તૃષાએ સળગતી ધોળકાની દિશાએ મંડાઈ જતી. અસ્ત થતો સૂર્ય જાણે કે રંગનાં તોરણો બાંધી જતો હતો – ધોળકાને દરવાજે.

ખેતી કરતા બાળનું આતમ-ખેતર પણ આ વટેમાર્ગુઓની વાતો વડે ખેડાયે જતું હતું. અને માતા તેમ જ દેવરાજ બેઉ રોજ રોજ ઊઠી જોતાં હતાં કે આ દીકરાના મોં પર પિતા લવણપ્રસાદની રેખાઓ ઊપડતી આવે છે.

પણ વીરના જીવતરમાં એક નવી વિદ્યાનો ઉઘાડ થયો. ખેતરે આવીને એક દિવસ દેવરાજે એને કહ્યું, “દશેરાએ બળદવેલ્ય દોડાવી જાણછ, પણ હોળીમાં પટ્ટાલાકડી ખેલતાં આવડે છે?”

“એ તો યોદ્ધાઓનું કામ.”

“ના રે ના, વિદ્યા તો જે શીખે તેની; શીખવી છે?”

“તમને આવડે છે?”

“આપણે બેઉ સામસામા શીખશું? "

"હા.”

દેવરાજ મૂળ તો ક્ષત્રિય, ને મૂળ તો એનું નામ પણ ત્રિભુવનસિંહ. પણ ગુજરાતની અંધાધુંધીમાં પોતે વીરુને ને મદનરાણીને લઈ છુપાઈ ગયો ત્યારથી ફરી કદી એણે પટ્ટાના દાવને સંભાર્યા નહોતા. દીકરાની સામે ખેલમાં ઊતરીને એ દાવ તાજા કરવા લાગ્યો.

રોજ સાંજે પટ્ટાલાકડી – એવી અનેક સાંજો ગઈ અને વીરુનાં બાવડાં-કાંડા વજ્રનાં બનાવતી ગઈ. દેવરાજે પોતે વીરુના ઘાવ પોતાના દેહ પર ઝીલ્યા ને ઘણી વાર તો હળદરના પાટા બાંધવા પડે તેટલી હદ સુધી વીરુનો માર ઝીલીને એણે વીરુમાં આત્મશ્રદ્ધા પ્રકટાવી.

પછી એક ચાંદની રાતે વાડીએ (વાસુ) સૂવા જઈને એણે બે ભાલા બહાર કાઢી વીરુને બતાવ્યા..

“આ શા માટે?” વીરુએ વિસ્મય પામીને પૂછ્યું.

"બેય રમશું” એમ બોલતો બોલતો બાપ હસવા લાગ્યો.

“પણ એ તો મને આવડે નહીં.”

“હું શીખવીશને?" “તમને વગાડી બેસું તો!”

“તો શું થઈ ગયું? ઘાબાજરિયું બાંધશું?”

“ના ના!” વીરુ થરથર્યો.

“હાં !" બાપે મર્મપ્રહાર કર્યો, “એમ કહે કે તને પોતાને જ છાંટો લોહી નીકળી પડવાની બીક છે !”

“એમ? તો હાલો ઊઠો.”

એવા ટોણા મારી મારીને એણે વીરુને ભાલે લડતાં શીખવ્યું ને પછી તલવારે ને કટારે. પણ એ વિશે ગામને કદી જાણ થઈ નહીં, અને વરુના ખમીરમાં બે તત્ત્વો વણાયાં – ખેડુપણું અને ક્ષત્રીવટ.

તે પછી પાછા દિવસો ગયા.

એક દિવસ પિતાસ્વરૂપ દેવરાજ ખરા મધ્યાહ્ને ખેતરે આવ્યો. વાડીના થાળાના પથ્થરે ઓશીકું કરીને સૂતો. બોરડી ખોદીને વીરુ જ્યારે બપોરે કૂવા પર આવ્યો ત્યારે પિતાની આંખોમાંથી ટપ ટપ ટીપાં દડ્યે જતાં હતાં. બહુ બોલવાને ન ટેવાયેલા વીરુએ પિતાના આણેલ ભાતનું ટીમણ લીધું ને પછી ચુપચાપ પિતાની પાસે બેઠો.

“ભાઈ, હવે કામ નથી કરવું. ચાલ ઘેર.” પિતાએ કહ્યું.

“કેમ?”

“એક મહેમાન છે.”

"મારું શું કામ છે?”

"તને તેડવા આવેલ છે.”

"ક્યાં?'"

"ધોળકે.”

"જોવા?”

“ના, સદાકાળ રહેવા.”

વીરધવલને સમજણ ન પડી. દેવરાજે કહ્યું: “રાણા ! આંહીં આવો.”

ગોદમાં એનું માથું ચાંપીને દેવરાજે રુદન શરૂ કર્યું. રુદન વધ્યું. એના ધ્રુસકાએ વાડીના કૂવામાં પડઘા જગાડી પારેવાંને ચમકાવ્યાં. પછી સારી પેઠે હૈયું ઠાલવીને એણે કહ્યું: “હમણાં જ તને બધી વાત કરું છું ભાઈ, તે પહેલાં એક વાર મને સામટું વહાલ કરી લેવા દે.”

પંપાળ્યો, પંપાળ્યો, ખૂબ પંપાળ્યો, માના ખોળે રમતો બાળ હોય તેવી મમતાના અંઘોળ એને માથે ને મોં પર કરી નાખ્યા, ને પછી કહ્યું: “વીરુ ! તારું પૂરું નામ વિરધવલ છે. તારો પિતા હું નથી; ધોળકાના વાઘેલા રાણા લવણપ્રસાદ છે, જે એક રાતે એક વાર આપણે ઘેર મહેમાન બની ગયા હતા. યાદ છેને, તું અજાણ્યો મટીને એના ખોળામાં રમ્યો હતો?”

"યાદ છે.”

“એ તારા પિતા ને આ તારી માતા. હું વચ્ચે આવ્યો – મારાં પ્રારબ્ધને વશ બની. તારા પિતા તે રાત્રિએ મારો જાન લેવા આવ્યા હતા, પણ તારા પરના મારા પ્રેમે મને બચાવ્યો; એ જીતી ગયા ને હું સદાનો હાર્યો. એણે મને તારી સોંપણી કરી, તે રાત્રિથી તું મારો મટી પારકી થાપણ માત્ર બની ગયો, ને તે દિવસથી તારો ઉછેર મેં જુદી ઢબથી કર્યો. આજ એણે મારો સંદેશો જવાથી તને તેડવા દૂત મોકલેલ છે.”

ઘૂંટણ ઉપર બે હાથ ભીડીને વીરધવલે બધું સાંભળી લીધું. પછી એણે માથું ઊંચું કર્યું. એની આંખોમાં શૂન્યતા હતી. આ કથા સાંભળતે સાંભળતે એની ઊર્મિઓએ જુદા જુદા પછાડા માર્યા હતા – વાત કહેનાર આ પાલકને મારી નાખું? ઘેર જઈ માતાનું મસ્તક છેદી નાખું ? કે હું પોતે આપઘાત કરું?

પણ નબળા આવેશો ઉપર તરત જ સદાવેશો સવાર થતા હતા – આ પરપુરુષ અને આ ભાગેડુ મા, બેઉની વચ્ચે એણે આછકલાઈનો એક પ્રસંગ પણ કદી દીઠા નહોતો. પોતાની હાજરીમાં એ બેઉ કદી હસ્યાં પણ નહોતાં. ને પોતાને એણે પ્રાણથી વધુ કરી સાચવ્યો હતો. પણ આ પાલકપિતાથી પોતાના સગા બાપની દિલાવર શું ચડી નહોતી જતી?

બેઉને એણે પડખોપડખ મૂકીને માપ્યા. કોણ ચડે? કોણ વધુ પ્રકાશી ઊઠે કોને પોતે વધુ વહાલા ગણે ?

કોને હું દુષ્ટ કહું? બધાં સંજોગોને વશ બની વર્ત્યા છે. આજે ત્રણેયની ખાનદાનીની શગ ચડી રહી છે.

આને છોડીને કેમ જાઉં? આનું ગઢપણ કોણ સાચવશે? 'વીરુ વીરુ' કહી. સુકાનાર કંઠનું મારા ગયા પછી શું થશે?

અંધારું થતું ગયું તેમ તેમ ધોળકે બેઠેલ પિતા લવણપ્રસાદની તે રાત્રિએ નિહાળેલી વીર પ્રતિમા ખેંચાણ કરી રહી. એની સામેનું ખેંચાણ આંહીં નજરોનજર બેઠેલા પાલકનું હતું. બેઉ ખેંચાણોનો ગજગ્રાહ મચી ગયો. પોતાનો ધર્મ નક્કી ન થઈ શક્યો.

હું આટલાં વર્ષોનો ગરીબ ખેડુપુત્રઃ કલંકિત, અભણ, સંસ્કારહીન - અરે, હું કયે મોંએ ધોળકે જઈ પિતાની રાજગાદી પર બેસી શકીશ? મને રાજ કરતા કેમ આવડશે? મને કોઈ મે'ણું દેશે તો?

ગડમથલનો પાર ન રહ્યો. આખરે એણે કહ્યું: “મારે નથી જવું.”

“કેમ?”

“માછલું પાણી મૂકીને નહીં જઈ શકે."

“બેટા !”

“બસ ! મને એમ કહીને જ બોલાવો. મને ન કાઢી મૂકો. મારે રાજા નથી થવું." . "ભાઈ ! તારા પિતાની જિંદગાનીમાં જે ઘોર સૂનકાર પડ્યો છે તેનો વિચાર કરું છું ત્યારે જ તને જાકારો દઉં છું. તને ખબર છે, તારા પિતા ફરી વાર પરણ્યા નથી. એ એકલે પંડ છે, વીરુ એ સાધારણ માનવી નથી, સંત છે.”

"ત્યાં – ત્યાં મને મા નહીં મળે.”

“મા ! ગુજરાત જેવી જીવત જાગ્રત હાજરાહજૂર મા છેને સૌની?”

“હું એ બધું કેમ કરીને સમજીશ? હું ભણ્યો નથી, ગણ્યો નથી.”

"બેટા ! તારું ભણતર તો તારા લોહીમાં ભરેલું છે. તું અભણ હોત તો તો તેં ક્યારનું માથું ખોઈ બેસીને મારા ને તારી માના કટકા ન કર્યા હોત? એ એક જ લાગણી તને રાજા બનવાને લાયક બનાવે છે. એ તારા બાપનો મહાન વારસો છે; એવડી મોટી શક્તિ અહીં મારા ઘરમાં નહીં સમાય; કાં વેડફાઈ જશે, ને કાં આડે માર્ગે ઊતરી જશે.”

સંધ્યા આથમી ત્યારે બેઉ ઘર તરફ વળ્યા. દેવરાજ પટ્ટકિલે એના હાથમાંથી સાંતી અને બળદની રાશ લેવા માંડી.

“નહીં બાપુ ! મને છેલ્લી વાર ઘર સુધી હાંકી જવા દો.” એવો આગ્રહ રાખીને એ યુવાને બળદ હાંક્યા. બળદને ગળે ટોકરી વાગતી હતી, તેમ પોતાને કંઠે પણ. રાતાં મોતીની માળાની રૂપેરી ઘૂઘરીની સેર ઝીણો ઝીણો રવ કરતી હતી. એ રવ પરથી વીરુ અંધારે પણ પરખાતો.

જુદી જુદી સીમમાંથી સાંતી પાછાં વળતાં હતાં અને ઝાંપામાં પેસતાં જુદે જુદે સાંતીડેથી જુવાનો ટૌકા કરતા હતાઃ

“વીરુ... એ હેઈ વીરુ ! આજ ચાંદો ઊગ્યે સૂરપાટી રમવી છે. ખબર છે ને?”

“કોણ, વીરુભાઈ” બીજાએ કહ્યું, “કાલ મારી જાનમાં આવ્યા વગર છૂટકો નથી હો કે, નકર જોવા જેવી થાવાની."

“એ વીરુભાઈ !" ત્રીજો બોલ્યો, “મોટો પટેલનો છોકરો મૂઓ છો તે ધોળકાની વેઠ્યો તો મટાડ. લાંબા થઈ ગિયા છેયેં, ભા !”

“આજ કેમ જીભડો સિવાઈ ગિયો છે, ભા?” વળી કોઈક બોલ્યું, “બાપુએ હેડ્યમાં નાખવાની વેતરણ આદરી છે કે શું? એવું હોય તો ઝટ કહી દેજે, ઘરના દાણા વેચી કરીને પણ જાનમાં જાવાનાં નકોર લુગડાં સાબદાં કરી વાળીએ.” (અર્થ એમ કે તને પરણાવી દેવાની તૈયારી છે કે શું?) . પણ વીરુ ચુપચાપ સાંતી હાંકીને ઘર તરફ ચાલ્યો ગયો. આ બધા સ્વરો એના કલેજાને જકડી રહ્યા હતા.

“જુલમ અને અંધેરમાં પિલાઈ ગયેલા આ સૌને – ભાઈ, ધ્યાનમાં લેજે. હજારો ગામડાંનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, ભાઈ ! એને ખાતર – એને ખાતર તું જા.” દેવરાજે છેલ્લી કાકલૂદી કરી.

"આ બધાનો હું આવતી કાલે ઉદ્ધારક બનીશ કે પીસણહારો?’ વીરુની આંખે અંધારાનું ચક્કર ફરવા લાગ્યું. “આ ધરતીના સાચા પુત્રો, એને હું ભૂલી જઈશ તો?"

ગમાણમાં જઈ જ્યારે એ બળદોને બાંધવા લાગ્યો ત્યારે એની છેલ્લી કસોટી થઈ. બળદ એના હાથ પર જીભ ફેરવવા લાગ્યા. એની સામે જોઈ ઊભા રહ્યા. વાછડા હતા તેને મોટા કરી કાંધે ધોંસરું નાખનાર વીરુ જ હતો. કેવા કોડથી એની ઘૂઘરમાળ ઘડાવી લાવેલો ! ને એ ખાણ નીરવા આવ્યો ત્યારે કાથરોટમાં મોઢા બોળવાને બદલે એ સામે તાકીને ઊભા રહ્યા. વીરુ એને ગળે બાઝી પડ્યો. બોલતાં એને આવડતું હોત તો એની મનોવેદના કંઈક આવે શબ્દ બહાર પડતઃ 'શંભુના વાહન ! ગૌરીપુત્રો ! મને આશીર્વાદ દો, કે હું મારું ભાન ન ભૂલું.’

એની છેલ્લી કસોટી તો બહુ વસમી હતી. ભાણે બેઠો ત્યારે મા કંસાર પીરસવી આવી. માના મોં ઉપર ઘૂમટો ખેંચાયેલો હતો.

પુત્રને ન બતાવવા જેવું મોં ઢાંકીને પીરસનારી જનેતાના પગ વીરુએ ઝાલી લીધા:: “મા, માડી, તું ચાહે તેવી તોય મારી તો મા છો. મા, તે મોટો કર્યો, તે ગળાટૂંપો દઈને કૂવે નાખી દીધો હોત તો? તારો ન્યાય તોળવા હું કેમ બેસીશ, મા? મને આજ તું ત્યાગી રહી છો મા, તો ઊજળે મોંએ આશિષ આપ કે હું તારી કૂખને ન લજાવું. મા, તું મોં બતાવીને પીરસીશ તો જ હું ખાઈ શકીશ?”

“બાપા” માએ પાલવ પાથરીને પુત્રની સામે ધર્યો: “મને વીસરી જાજે, મૂએલી માનજે. તારા ઉપર કોઈક માઠો સંસ્કાર પાડ્યો હોય તો માફી દેજે."

“માડી, તું તો છોરુની ભાગીરથી ગંગા છો. હું બીજું કાંઈ સમજતો નથી.”

"ભાઈ, વહેલો વહેલો પરણીને તારા બાપની આંતરડી ઠારજે. હું હારી છું; એ તો જીતી ગયા. ને ભાઈ, કોઈ કરતાં કોઈ પૂછે તો કહેજે કે મા તો નાનો મૂકીને મરી ગઈ છે.”

“ફરી વાર –"

"ફરી વાર હવે મળવાનું નહીં બને, મારા પેટ !”

કંસાર ગળા નીચે ઊતર્યો નહીં. પણ બાપે બેટાની સાથે છેલ્લી વાર ધરાઈને ખાઈ લીધું.

"એ હું અહીં નહીં પહેરું.” તેડવા આવનાર દૂતે એને આપવા માંડેલા રાજપોશાક ધારણ કરવાની એણે ના પાડી. પોતાનાં ખેડુ-વસ્ત્રે જ એ જાડી ભેટપિછોડી બાંધીને તૈયાર થયો.

છેલ્લી વાર એ પોતાના ઉપરવટ નામે વછેરાને મળી લેવા ઘોડહારમાં ગયો. ત્યાં જઈ જુએ તો દેવરાજ પટ્ટકિલ ઘીનો દીવો કરીને વછેરા ઉપરવટ પર નવોનકોર સામાન નાખતા હતા, ગળે જેરબંધ અને મોવટો નાખતા હતા.

ઉપરવટને છોડીને દેવરાજ બહાર લાવ્યા, કહ્યું: “લે બાપ, પલાણી જા. આ ઉપરવટ તને રણસંગ્રામમાં વિજય દેજો. વીરને શોભે તેવું મૃત્યુ અપાવજો.”

"એકલો વળાવી મૂકવો છે?” મદનરાજ્ઞીએ દેવરાજને એકાંતે પૂછ્યું. એના મોં પરનો ઘૂમટો વણઊપડ્યો રહ્યો, ને જિંદગીભર એ મોં ઢાંકેલું જ રહ્યું હતું.

"ત્યારે ?” દેવરાજે પૂછ્યું.

“ક્ષત્રી શું ધારશે ?”

“તો હું મૂકી આવું?”

"તમે એકલા નહીં. હું પણ સાથે આવું. મારે છેલ્લી વારની થોડી ભલામણ કરવી છે."

“રૂબરૂ મળવું છે?”

“હા, પણ વગડામાં.”

બેઉ જણાંએ વીરધવલને સંગાથ કરાવ્યો. અને વીરધવલને સંભાળી લેવા માટે રાણા લવણપ્રસાદને વાત્રક-ચંદનાના મહાસંગમ વૌઠેશ્વર મહાદેવ પાસે તેડાવ્યો. રાણા લવણપ્રસાદને ખબર નહોતી કે વીરધવલને મૂકવા એક બાઈ પણ આવેલ છે. છ વર્ષ પછી પહેલી જ વાર વીરધવલને નિહાળવાનું અને પોતાના પુત્ર તરીકે સ્વીકારવાનું ટાણું બહુ કપરું બન્યું. મંદિરના ઓટા પર બેઠાં બેઠાં બેઉ નીચાં માથાં ઢાળી રહ્યાં. તેમને આમ બેસવા કરતાં તો નવકૂકરી રમવાનું વધુ સ્વાભાવિક થઈ ગયું હોત. ને દેવરાજ તો પોતાના રુદાનું રુદન પૂરેપૂરું ઠાલવી નાખવા તેમ જ મદનરાજ્ઞીને અને રાણાને નિર્બંધપણે મળવા દેવા દૂર ચાલ્યો ગયો હતો. રાત અજવાળી હતી પણ થોડીક જ રહી હતી.

ઘૂમટો કાઢીને મદન આગળ આવી, ને એણે એક નાની દાબડી લવણપ્રસાદના પગ પાસે મૂકી.

ચકિત થઈને બેઠેલા લવણપ્રસાદને મદનરાજ્ઞીએ કહ્યું: “તમે સપાદલક્ષણ(અજમેર)થી ચાર મહિનાના વીરુને માટે સોને મઢ્યો વાઘનખ લઈ આવેલા તે સાચવીને પાછો સોંપું છું, એના બાળને ગળે બાંધજો. બસ, બીજું કાંઈ કહેવાનું નથી.”

એટલું એ બોલી રહી ત્યાં ચંદ્રમાં આથમ્યો, તારા ટપોટપ અદ્રશ્ય થવા લાગ્યા. બાપદીકરાને મૂકીને સ્ત્રી ચાલી ગઈ.