ગુજરાતનો જય/ભણતરની ભેટ
← વણિક મંત્રીઓ | ગુજરાતનો જય ભણતરની ભેટ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
વંઠકમાંથી વીર → |
મોડી રાતે બેઉ ભાઈઓ ઘેર આવ્યા, તેજપાલ પોતાના ઓરડાની બહાર બિછાવેલી પથારી પર ઢળ્યો, અને પોતાનું બિછાનું શોધતા વસ્તુપાલને બહેન વયજૂકાએ કહ્યું: “મોટાભાઈ, તમારે સૂવાનું પાછલા ઘરમાં છે.”
“ઠંડી વાય એવી જગ્યાએ નથીને?"
"ઠંડી વાય તો સહી લેજો.” એમ કહીને વયજૂકા હસતી હતી.
પાછળના ફુરજામાં વસ્તુપાલ જતો હતો ત્યારે સામેથી એનું સ્વાગત કરવા જાણે મીઠી ને માદક કો સુગંધ આવતી હતી. એ સુગંધ ફૂલોની નહોતી, અર્કોની નહોતી, ધૂપ કે દીપની નહોતી; શાની હતી તે કહી ન શકાય, પણ વસ્તુપાલને પોતાના સંસ્કૃત ભણતરમાંથી એકાએક યાદ આવ્યું કે માનવીના દેહમાંથી પણ એક ન વર્ણવી શકાય તેવી ફોરમ લહેરાય છે.
દીવો ત્યાં નહોતો, ચંદ્રનો પ્રકાશ પણ નહોતો. પણ સામે શુક્ર તારાની પૂરી કળા ખીલી હતી તે પરસાળમાં અજવાળાં ચાલતી હતી.
પેલી સુગંધ એ અજવાળામાં વધુ ને વધુ મહેકવા લાગી. વસ્તુપાલને આ સુગંધ એકાએક પરિચિત લાગી, કોઈક દિવસની, વર્ષો પૂર્વેના કોઈક એક ચોઘડિયાની ગાઢ ઓળખાણવાળી લાગી. વર્ષો પૂર્વે તે પછી કદી નહીં ને આજ ! વચગાળાનાં વર્ષોમાં એ સોડમનો સ્પર્શ શું કદીયે થયો નહોતો?
થયો હતો: કોઈ કોઈ વાર સ્વપ્નમાં કોઈ કોઈ વાર સરસ્વતીનાં નીરમાં સ્નાન કરતે કરતે; કોઈ કોઈ વાર રઘુવંશ અને શાકુંતલ ભણતે ભણતે; કોઈ કોઈ વાર કોશા અને સ્થુલિભદ્રનો રાસ વાંચતે વાંચતે. પણ ન ભુલાય તેવી સાંભરણ તો પાંચ વર્ષ પૂર્વેની એક રાત્રિના અખંડ જાગરણની એ ફોરમની હતી.
કંકણનો ખણખણ અવાજ થયો. કોઈ એની પથારી પર બેઠું હતું. સ્ત્રી હતી.
વસ્તુપાલ શરમાઈને પાછો ફરવા જાય છેઃ ભૂલથી કોઈક બીજી બાજુ આવ્યો હોવાનો ભ્રમ એક ઘડી એના પગ પકડી રહ્યો, ત્યાં તો શબ્દો સંભળાયા: “ભણેલ કરતાં તો ભરવાડ ભલો !” થંભી રહ્યો. આ કોણ? “કોણ, લલિતા?”
"છેક હવે પારખીને ?” પથારીએ બેઠેલીએ ઊઠીને કહ્યું, “ભરવાડ તો ઘોર અંધારેય બકરું ઓળખી કાઢે. ભણેલા...”
ત્યાં તો વસ્તુપાલે એ સ્ત્રીને ભુજામાં લપેટી લઈ એના મોં પર ચૂમીઓ પર ચૂમીઓની મુદ્રા ચોડી દીધી. “ક્યારનો યાદ કરવા મથતો હતો કે આ સુગંધ કોની? તું આવી ક્યારે? મેં તો તારા બાપુને સંદેશો કહેવરાવ્યો નથીને?”
"અમે તો ગામડિયાં રહ્યાં. પાટણથી તમે નીકળ્યા ત્યારથી જ મારા ગામને પાદર ગંધ આવતી હતી, કવિશ્રી!” એમ કહેતી વસ્તુપાલની પરિણીતા સ્ત્રી લલિતાદેવીએ કવિ-પતિના કંઠ ફરતી બેઉ હાથની માળા રચી લીધી.
વસ્તુપાલની કાળી, લાંબી, ઘાટી ચોટલીઓની લટો લલિતાની છાતી પર, સેવ જેવી ચળાવા લાગી.
"લે; દીવો તો કર.” એણે કહ્યું.
“ના, રૂપાળા છો તે તો હું જાણું છું. જોઈ લીધા છે માહ્યરામાં જ.” એમ બોલતી બોલતી એ પતિના મોં પર હાથ ફેરવતી હતી. આંગળીઓને ટેરવે ટેરવે આંખો ફૂટી હતી. “ઊભા રહો, તમે ખૂબ ખૂબ ભણી આવ્યા છોને!” લલિતાએ છૂટી પડી સામે ઊભીને કહ્યું.
“તે શું છે?”
“ઇનામ લઈ આવી છું.”
“લાવ જોઉં!”
"જે દઈશ તે લઈ લેવું પડશે.”
"જરૂર.”
“તમે દીવો પેટાવો ત્યાં હું લાવું છું.”
દિવેલ પૂરેલી પિત્તળની દીવીમાં બે વાટો પેટાવીને વસ્તુપાલ ચોમેર જોવે છે, તો લલિતાનો સામાન્ય શણગાર નજરે પડે છે. ધુપેલ તેલનો એક કૂંપો છે, એક મોટી બચકી છે અને એક શ્રીફળ પડ્યું છે. બાકી તો ઓરડામાં સુગંધ સુગંધ છે. એ સુગંધ બીજી કોઈ નહીં, લલિતાના તંદુરસ્ત, તેજસ્વી યૌવનની જ એ સુગંધ છે. એવી જોબનમસ્તને લપેટાયેલો પોતાનો દેહ પણ એને મહેક મહેક થતો લાગ્યો. પોતાના હોઠ પર પણ લલિતાના ગાલનો પરાગ જાણે ચોંટી ગયો !
લલિતા બહાર ગઈ હતી. ત્યાંથી એ પાછી આવી ત્યારે એની સાથે એક બીજી સ્ત્રી હતી. લલિતાથી એક વર્ષ નાની, મોં નીચે ઢળેલું, વસ્ત્રો સાદાં, શણગાર કશો નહીં. મોતીમાં લળકતા પાણી જેવું યૌવન. "લો આ ઇનામ.” લલિતાએ કહ્યું ને વસ્તુપાલ ઝબક્યો. એને સમજ ન પડી.
"કોણ છે?” ન ઓળખી? મારી બેન સોખુ.”
"સાથે આવી છે?”
"હા, ને પાછી જવાની નથી.”
વસ્તુપાલનું વિસ્મય વધ્યું. લલિતાની સામે એનાં દિગ્મૂઢ નેત્રો ખુલાસો માગતાં હતાં.
“ભણતરનું ઇનામ. બોલે બંધાયા છો. સ્વીકારી લીધા વગર છૂટકો નથી.” લલિતા હસતી હસતી ગંભીર બની, “લે ચાલ હવે, સોખુ, સૂઈ જા નિરાંતે. તોબાની તાળી કરી છે, માડી!”
એમ કહી, પોતાની બહેનને પાછી સુવરાવી આવીને લલિતાએ પતિનો હાથ ઝાલ્યોઃ “બેસો, બધી વાત કરું. સોખુ મારી શોક્ય બનવા આવી છે; આજ ત્રણ વર્ષથી ઘેર ધમરોળ ચાલે છે. કૂવે પડવું કે દીક્ષા લેવી કબૂલ છે પણ બીજે ક્યાંય પરણવું નથી. બોલો, શું કહો છો?” એ વધુ ને વધુ ગંભીર બની.
વસ્તુપાલને હસવું આવ્યું, એની જીભમાંથી વાચા વિદાય લઈ ગઈ હતી.
"લલિતા" એણે હસીને કહ્યું, “નાટકો તો ઘણાં વાંચી નાખ્યાં, પણ કોઈ પ્રહસનમાં મારા જેવા પાત્રનું દર્શન થયું નથી!”
“હસવાની વાત નથી,” લલિતાએ વધુ સ્ફોટ કર્યો, “સોખને હું વિખૂટી પાડીને જીવતી રાખી શકીશ નહીં. તમારાં પોથાંનાં અનેક પાત્રોના ટોળામાં મારી બેનને પણ મારગ આપો.”
"ઘેલી રે ઘેલી! તારાં ને મારાં માવતર આ જાણે તો શું કહે? તારા બાપુ કાનડ શેઠનું ગામતરું!”
“મારા બાપુ તો છ મહિના પહેલાં મરતે મરતે જ મને કહી ગયા છે – મેં એના મોંમાં પાણી મૂક્યું તે પછી જ એ ગત પામ્યા છે – કે સોનુને મારા સંસારમાં જ જગ્યા કરી દેવી. પિયરમાં અમારે કોઈ નથી રહ્યું, બન્ને બહેનો ઘર વેચીને સદાને માટે એ દિશા બંધ કરી દઈ ચાલ્યાં આવ્યાં છીએ.”
“બા આજ બેઠાં હોય તો શું કહે ?”
"બાએ તો તમને વચન લેવરાવ્યું છે ને કે સંસારનાં સર્વ કામ અનોપને પૂછીને કરજો. ચાલો, અત્યારે જ પૂછીએ.”
એમ કહેતી એ પોતાની દેરાણીને ઓરડે ગઈ. પોતે પચીસ વર્ષની, દેરાણી અનીપ પોતાના કરતાં બે વર્ષ નાની, છતાં સંસારમાં અનોપનું ઊંચેરું સ્થાન તો લલિતાએ પણ સ્વીકારી લીધું હતું. અનોપને ઘરમાં આવ્યાં ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. પોતે હજુ આજે જ પ્રવેશ પામતી હતી.
અનોપ પોતાના ઓરડામાં એકલી હતી. બેઠી બેઠી જેઠની પોથીઓમાંથી એક લઈને દીવે વાંચતી હતી. એ ભોંય પર બેઠી હતી. બિછાનું ભોંય પર જ હતું. એના શ્યામ ચહેરા પર સબૂરીની ઝલક હતી. પતિ બહાર પથારી કરાવીને સૂતો છે, છતાં પોતે કશી આકુળતા બતાવતી નહોતી.
“અનોપ ! જરા બહાર આવોને?” લલિતાએ પાછલે બારણે બહાર ઊભીને પૂછ્યું.
“કાં ભાભીજી !” અનોપે પોથી નીચે મૂકી “આવોને અંદર ! કોઈ નથી.” સંકોડાતી જેઠાણીએ અંદર જઈને આશ્ચર્ય અનુભવ્યું. દિવસભરની રસિકા, મર્માળી અને ઉલ્લાસમૂર્તિ આ દેરાણીનો શયનખંડ શણગારેલા અપાસરા જેવો કાં? શૃંગારસામગ્રી કેમ જાણે અણવાપરી કોઈની રાહ જોતી હોય તેવી? અત્યારે શું પતિને સૂઈ જવાનો ને પત્નીને ધર્મનાં પાનાં વાંચવાનો પહોર છે? પાથરેલો ઢોલિયો એક કરચલીનું પણ ચિહ્ન કાં બતાવતો નથી?
“કેમ આવ્યાં? કહો.” અનોપે પૂછ્યું.
“તમારા જેઠ કાંઈક પૂછવા માગે છે.”
“ચાલો.” કહી, જતનથી પોથી બીડીને એ લલિતાને ઓરડે ગઈ.
વસ્તુપાલ વિનયમૂર્તિ બની ઊભો હતો. અનુપમાનું શીલ પણ સંયમપૂર્ણ હતું. જેઠ અને નાનેરી વહુ, બેમાંથી કોણ કોની વધુ આમન્યા પાળી રહ્યું હતું એ કહેવું કઠિન પડે.
"બોલો, અનોપ !” લલિતાએ વાત શરૂ કરી, “બા આજે બેઠાં હોય તો શી આજ્ઞા કરે ?"
"અનુપમા,” વસ્તુપાલે કહ્યું, “તમે આ ઘરમાં બાને સ્થાને છો. તમે બોલશો તે હું બાનું બોલ્યું ગણીશ. લલિતા આજે શું ગાંડપણ લઈને સાસરે આવી છે? તમે એને આખો દિવસ ક્યાં છુપાવી હતી?’
“બાને ખબર હતી,” અનોપ જેઠની સામે શ્રદ્ધાભરપૂર નેત્રે બોલી, “કાનડ બાપા જ બાને કાને વાત નાખી ગયા હતા. સોખુબેન વિશેની ચિંતાથી કાનડ બાપા બા આગળ રોઈ પડ્યા હતા.”
“બાએ શું કહેલું?”
એ તો છેલ્લી પથારીએ હતાં. હસ્યાં હતાં. મને એકાંતે બોલાવીને કહ્યું હતું કે ભાઈને કહેજે, એક મ્યાનમાં બે તલવાર ભલે ન હોય, એક ભેટમાં બે કટારી તો બાંધે છે શૂરવીર.”
"તમે શું કહો છો ?”
"સોખુને મેં જ આંહીં તેડાવી છે."
"દુનિયા શું કહેશે?”
“બાના દીકરા થઈને દુનિયાથી ડરો છો?"
વસ્તુપાલ સમજ્યો. અનોપ બાના વિધવાલગ્નની યાદ દેતી હતી. એણે જરા કડક બનીને કહ્યું: “યાદ રાખજો, હાથનાં કર્યાં હૈયે વાગશે. તેજલને રસ્તો કરી આપવો છે?”
આંહીં અનોપની પાંપણો ધરતી ખોતરવા લાગી. એણે તદ્દન નરમ સ્વરે કહ્યું: "હું ક્યાં આડે આવું છું? હું તો મારે પિયર જાડા જૂથને ટેવાયેલી છું. જેને લાવશો તેને આંખમાથા ઉપર રાખીશ.”
"બહુ ભલાં થયાં છો તે ! ગરીબ પોરવાડોના ઘરમાં બાયડીઓના ધડાકા મચાવવા છે, એમ ને?”
"એવું થાય તે દિવસ મને ચંદ્રાવતીનો રસ્તો દેખાડજો. વધુ શું કહું? પણ આ વાતમાં તો બીજો માર્ગ નથી. સોખુબાને મેં બરાબર તાવી જોયાં છે. એ એકનાં બે થશે નહીં. પછી તો મરજી વડીલની.”
એમ કહીને અનોપ પોતાને ઓરડે પાછી ચાલી ગઈ. અને વસ્તુપાલ કપાળે હાથ ટેકવીને વિમાસતો બેઠો.
એ નીરવતાને પોતાના મુક્ત હાસ્યથી ખખડાવી મૂકીને લલિતા પતિના ખોળાની એક બાજુએ ચડી બેઠી. પતિની દાઢી ઊંચી કરીને બોલી: આ ખોળો. તો ખૂબ પહોળો છે, અને કાયર શું બનો છો, કવિરાજ!”
“તારો તો ઠીક, પણ તારી બેનનો ચૂડો ભંગાવવા શીદ તૈયાર થઈ છો?”
"શું છે વળી ચૂડાને?”
“તું જાણછ? હું હાટડું માંડીને નાણાવટ નથી કરવાનો.”
“તો કવિતા કરજો - બે બાયડીઓના ધણીની દુર્દશાની!”
"ભૂલી છે તું. કાલ તો હું તુલસીનું પાંદ મોંમાં લઈને બહાર નીકળીશ.”
"વીર ન જોયા હોય તો ! જેનો ધણી તુલસીનું પાંદ મોંમાં લેશે એની વાણિયણો મોં વાળવા નહીં બેસે, હો બહાદુર ! ને ચૂડીકર્મ કરવાય નહીં રોકાય. આમ જુઓ, ગલ્લાતલ્લાં કરો મા, ને વિશ્વાસ રાખો, અમે બેય બેનો તમારે માણવાની કવિતા કહેશો તો કવિતાઓ, ને કટારો કહેશો તો કટારો બનશું. ઊઠો આમ, નહીંતર ધોળકાનું મલાવ તળાવ ગોઝારું બનશે. ગામને પાણીનું દુઃખ થશે, ને સોખુ તમને ચુડેલ થઈને વળગશે. એટલો તો વિચાર કરો, કે હું મારા માથે શોક્ય લઈ આવતી હઈશ તે કંઈ કપરું ધર્મસંકટ હોયા વગર?”
“પણ આ વળગાડ વળગ્યો ક્યાંથી એને?”
“તમે તોરણ છબવા આવ્યા તે જ ઘડીથી. એ તો ગાંડી થઈ ગઈ છે.”
“લલિતા!” વસ્તુપાલને આ સ્ત્રી વિચિત્રમાં વિચિત્ર લાગી, “તું તે ઉદાર છે કે ગમાર?”
"બેમાંથી કશું નહીં, મારે તો તાલ જોવો છે.”
“શો તાલ?
"કે કવિરાજ કવિતારસને સાચેસાચ માણી શકે છે કે નહીં?
"વારુ ત્યારે!” વસ્તુપાલ એક દુત્તું હાસ્ય કરીને ઊઠ્યો, “બતાવી દઈશ. આ પણ ભલું રોનક પેઠું મારા જીવનમાં.”
“હાં, એમ વિચારીને માણો.”
ને પછી શુક્રતારાએ, આ બે જણાંની દયા ખાઈને – કે પછી દાઝે બળીને - આકાશમાંથી પોતાની કળા સંકેલી લીધી. વળતા દિવસની રાતથી તો ચંદ્રમાનો અમૃતકુંભ પણ બે પત્નીઓના વણિક રસરાજને ઓછો પડ્યો. ઘડિયાં લગ્ન પતાવી લીધાં હતાં.