ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/અખો ભક્ત

વિકિસ્રોતમાંથી
← વિષય પરિચય ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
અખો ભક્ત
દલપતરામ
શામળભટ →


અખો ભક્ત


પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના વંશનાં કોઈ નથી એવું અમદાવાદના લોકો કહે છે. "આ વખતમાં કેટલાએક એવો વિચાર જણાવે છે કે, કવિતા બનાવનાર પોતાનું નામ કવિતામાં જોડે છે તે ઠીક નથી. પણ આ ઈતિહાસ લખતાં અમને જુના કવિયોની હકિકત જાણતાં ઘણી અડચણ પડે છે, અને એવો વિચાર આવે છે કે, જે કવિયો પોતાનું ગામ, નામ કે જાતિ વર્ષ વગેરે પોતાની કવિતામાં જોડતા ગયા છે તેઓએ ઘણું સારું કર્યું છે. અને ગદ્યમાં લખવું કે, પદ્યમાં લખવું તે કવિને તો બરાબર છે, અને કેટલીક સારી કવિતા હોય છે, પણ તેમાં નામ નથી તો માલૂમ પડતી નથી કે, આ કેની બનાવેલી હશે?"

અખે કવિયે અખેગીતા તથા સાહિત્યના છપા ૭૦૦ રચેલા પ્રસિદ્ધ છે. તે સિવાય તેનો રચેલો એક ગ્રંથ ભાવનગરના ગાંડાત્રવાડી પાસે મેં દીઠો હતો, પણ તે ગ્રંથનું નામ યાદ નથી, એ કવિ વેદાંત મતવાળો હતો, અને મૂર્તિને માનતો નહોતો; તથા દેવના અવતારને પણ માનતો નહોતો. માટે તેણે મૂર્ત્તિની નિંદા કરી છે. જુદા જુદા પંથ લોકો માને છે, તેઓની પણ મશ્કરી કરેલી છે. એ કવિયે આત્માના અને શરીરના વિચાર ઊપર તથા વાતચિતમાં દૃષ્ટાંત દેવા લાયક કવિતા રચી છે. પણ શ્રૃંગારરસનું કે, લડાઈનું વર્ણન તેણે કર્યું જ નથી. પરમેશ્વર વિના બીજા દેવને માનતો નહોતો, માટે ગ્રંથના આરંભમાં બીજા કવિયો, સૌથી પહેલો ગણપતિને પૂજવા યોગ્ય જાણીને નમસ્કાર કરે છે, તેને બદલે અખે એવું લખ્યું છે કે, "ઊં નમો શ્રીત્રિગુણપતિ રાયજી; સર્વ પહેલો તે જે પૂજાયજી." (ત્રિગુણપતિ એટલે પરમેશ્વર.) તેની કવિતા જોતાં તે વિદ્વાન હતો, એવું જણાય છે. પણ પ્રેમાનંદભટની પઠે ગાવાના સેહેલા સેહેલા રાગમાં તેણે કવિતા કરી છે. તે ઊપરથી જણાય છે, કે જેમ દક્ષણી લોકોને ગુજરાતી રાગની ગરબિયો રચવી કે ગાવી પસંદ પડતી નથી, તેમજ તે વખતના ગુજરાતી લોકોને પિંગળના છંદ રચવા કે બોલવા પસંદ પડતા નહિ હોય. અખાના છપા પિંગળમાં કહેલા છપા પ્રમાણે નથી. પણ ચોપાઈનાં છ ચરણ કરીને તેનું નામ છપો તેણે રાખ્યું છે. એણે પોતાના ઉંડા વિચાર દૃષ્ટાંત સાથે જણાવેલા છે. અને તેની વાણીમાં મીઠાશ છે તેથી સાંભળનારના મનમાં અસર થાય છે. અખેગીતા તથા ૭૦૦ છપાની ચોપડિયો છપાઈ છે. પણ અશુદ્ધ છપાઈ છે તેથી વાંચનારાઓને અકળામણ આવે છે. સંસ્કૃત ભણનારા કે કેટલાક શાસ્ત્રિયો પણ અખાની કવિતા પસંદ કરે છે. અને વાત કરતાં દૃષ્ટાંતમાં તે કવિતા બોલે છે. ગુજરાતી ભાષાના ઉત્તમ વર્ગમાં ગણવા જેવા ૧૧ કવિયો થયા તેઓનાં નામ.

૧. નરસિંહ મેહેતો.
૨. પ્રેમાનંદભટ.
૩. અખો.
૪. શામળભટ.

૫. વલ્લભભટ.
૬. કાળીદાસ.
૭. પ્રીતમદાસ.
૮. રેવાશંકર.

૯. મુક્તાનંદ.
૧૦. બ્રહ્માનંદ.
૧૧. દયારામ.

તે સિવાય મધ્યમ વર્ગમાં ગણવા જેવા ૨૫, અને કનિષ્ટવર્ગમાં ૭૦ થઈ ગયેલા. અમારા જાણવામાં આવ્યા છે.

આ ઈતિહાસ થોડે થોડે બુદ્ધિપ્રકાશમાં લખવાનું કારણ એ છે કે, બાકી રહેલી હકિકત કોઈ મિત્ર લખી જણાવશે તો વળી પ્રગટ કરશું. અને પછીથી એ ઈતિહાસની એક જુદી ચોપડી થશે તો ઘણી સારી થશે. માટે કોઈ મિત્ર એ બાબત અમને લખી જણાવશે તેનો અમે ઉપકાર માનશું. અને એમાં જે જે અમારા અભિપ્રાય હોય. તેમાં પણ ફેરફાર કરવાની ખાતરી કરી આપશો તો કરશું.

દોહરો

હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તોય;
હોઠે કદી ન હા ભણે, હઈયામાં હા હોય. ૧