ગ્રામોન્નતિ/ગ્રામજીવન અને વ્યાયામ

વિકિસ્રોતમાંથી
← ૨૩ ખોરાક, બાળઉછેર અને કેળવણી ગ્રામોન્નતિ
ગ્રામજીવન અને વ્યાયામ
રમણલાલ દેસાઈ
૨૫ ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો →


.




૨૪
ગ્રામજીવન અને વ્યાયામ


ગ્રામજીવનની કસો-
ટીએ
આજનાં સર્વ મૂલ્યાંકનમાં ગ્રામજીવન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેળવણી, વ્યાપાર, હુન્નર ઉદ્યોગ, રાજકારણ, સાહિત્ય તેમ જ કલા એ સર્વની કસોટી કરતી વખતે આપણે ગ્રામજીવનને આગળ લાવીએ છીએ, અને પૂછીએ છીએ કે એ સર્વ ગ્રામજીવનને ઉપયોગી થઈ પડે એમ છે કે નહિ ? ગ્રામજીવનને જે ન આપી શકાય, ગ્રામજીવન સુધી જે ન પહોંચાડી શકાય, ગ્રામજીવન પાસે જેનો સ્વીકાર ન કરાવી શકાય એની કીંમત નજીવી બની જાય છે. કારણ ગ્રામ, ગ્રામજીવન અને ગ્રામજનતાનું ભુલાયલું મૂલ્ય પરિવર્તન પામી રહ્યું છે. ગ્રામ એ હિંદ–બ્રહ્માણ્ડનો પિંડ બની ગયું છે. ગામની પ્રગતિ એટલે જ દેશની પ્રગતિ એમ સર્વત્ર સ્વીકાર થવા લાગ્યો છે.

વ્યાયામને પણ એ જ કસોટીએ ચઢાવવાની જરૂર રહે છે. આપણે વ્યાયામસંમેલનો કરીએ છીએ, વ્યાયામ પરિષદો ભરીએ છીએ, વ્યાયામનો પ્રચાર કરીએ છીએ; એ બધું ગ્રામજીવનની દૃષ્ટિએ ઉપયોગી નિવડે તો જ તેમાં સફળતા માની શકાય.

વ્યાયામ – કસરતનો ઉદ્દેશ

વ્યાયામનો ઉદ્દેશ

(૧) આરોગ્યરક્ષણ અને આરોગ્યવર્ધનનો,
(૨) સ્વરક્ષણ અને પરરક્ષણનો,
(૩) આનંદભરી સ્ફૂર્તિ મેળવવાનો, અને
(૪) વ્યવસ્થિત કેળવાયલું સંયમબદ્ધ સમૂહજીવન ગાળવાનો હોઈ શકે.
હરીફાઈ
હરીફાઈ એ માત્ર વ્યાયામનો ઉદ્દેશ સિદ્ધ કરવાનું વેગભર્યું સાધન છેઃ વ્યાયામનો એ ઉદ્દેશ નથી. વ્યાયામની હરીફાઈ પાછળ સંયમ છે, ગૃહસ્થાઈ છે, હરીફને પરાજય ન સાલે એવી એમાં ઉદારતા છે, એટલું જ નહિ, હરીફાઈ મૈત્રીમાં પરિણામ પામે એવી મહાનુભાવતા તેમાં રહેલી છે. અંગ્રેજી ભાષાએ આપેલો શબ્દ ‘Sportsmanship’ અને આપણી ભાષાએ વિકસાવેલો શબ્દ 'ખેલદીલી' આ બધા જ ભાવનું સંયોગીકરણ બની રહે છે.
વ્યાયામ :
આરોગ્યનો વિભાગ
લાંબા સમયનો અનુભવ અને પ્રયોગશીલતા વ્યાયામની અનેક ક્રિયા વિકસાવે છે. કેટલાંક નિત્યવ્યવહારનાં કામોમાંથી સ્વાભાવિક કસરત મળી રહે છે. નિત્યવ્યવહારનાં કામો એકમાર્ગી બની જાય ત્યારે તેમાં નીરસતા પ્રવેશે છે અને આખા દેહને મજબૂતી આપવાની તેની શક્તિ મર્યાદિત બની જાય છે. એટલે નિત્યકામને આનંદભર્યું બનાવવાના અને આખા દેહને કસનારા પ્રયાગો તરફ લક્ષ્ય દોરાય છે. વ્યાયામમાં પણ એકાંતિકપણું કંટાળાભર્યું બનતાં એમાં સાથ શોધાય છે અને સમૂહવ્યાયામના માર્ગે પ્રગતિ થાય છે. આમ

વ્યાયામ એ એક અંગત–વ્યક્તિગત તેમ જ સામુદાયિક–સામાજિક આરોગ્યશાસ્ત્ર અને આરોગ્ય કલાનો એક અતિ મહત્ત્વનો ભાગ બની જાય છે.

સોંઘો વ્યાયામ
વ્યાયામમાં દેહ, સમગ્ર દેહનાં અંગ અને દેહના સ્નાયુઓ કસવાનો અને પુષ્ટ બનાવવાનો પ્રાથમિક પ્રયત્ન હોય છે. એને માટે દંડ, બેઠક, આસન, સૂર્યનમસ્કાર, કમાન જેવા કશું ય સાધન ન માગતા અત્યંત સાદા છતાં અત્યંત અસરકારક વ્યાયામ પ્રકારો આપણી પાસે વિકસેલા પડ્યા છે. કોઈ પણ માણસ પોતાની નાની સરખી ઓરડીમાં એક પૈસાનું પણ ખર્ચ કર્યા વગર આ સોંઘા વ્યાયામનો લાભ લઈ શકે એમ છે. ચાલવું અને દોડવું એ પણ સારી વ્યક્તિગત કસરતો બની શકે એમ છે.
સામાન્ય સાધનો
સાધન માગતી કસરતો પણ આપણી પાસે સારા પ્રમાણમાં છે. મલખમ, મગદળ, કુસ્તી, લેજીમ, લાઠી, બનેટી, ફરીગદકા, ડબલબાર, સીંગલબાર એવી એવી કસરતો સ્થળ અને સાધન પણ માગી લે છે. સાધનો માગતી કસરત સામુદાયિક પણ બની જાય છે. એમાં એક વ્યકિત બીજી વ્યક્તિ સાથે મળી વ્યાયામને સામાજિક સ્વરુપ આપે છે.
સમાજ અને વ્યાયામ
સામાજિક સ્વરુપ ધારણ કરતી કસરત ભાગ લેનાર વ્યક્તિઓને અરસપરસ ગૂંથી લે છે; તે ઉપરાંત તે શોખીનોને એક પ્રેક્ષક વર્ગ ઊભો કરી જનતા સાથે અતિ નિકટ સંસર્ગમાં આવી એક સામાજિક બલ બની રહે છે. એ લાગણીઓને પ્રેરે છે, ઉશ્કેરે છે અને ઘડે છે. કદી માનસિક હલકાઇને તે ઉપર લાવે છે, તો કદી ઉદારતાના ઊભરા પણ ઉપજાવે છે. ટીકાખોર વૃત્તિને તે પ્રેરે છે, માન-અપમાનની

લાગણીને સુંવાળી–આળી બનાવી દે છે, પક્ષાપક્ષીને પણ તે ઉશ્કેરે છે, છતાં તે સહુને સહનશીલ થવાની ફરજ પાડે છે, નિષ્ણાતોનો સ્વીકાર હસતે મુખે કરવાની ટેવ કેળવે છે, અને તે પક્ષથી પર બની ઉત્તમ વ્યાયામ કે ખેલને જ વધાવી લેવાની વૃત્તિને મજબૂત બનાવે છે. ઉત્તમ ખેલાડીને સામો પક્ષ જ્યારે તાળીઓથી વધાવી લે છે ત્યારે વ્યાયામ ખેલદીલીની-ગૃહસ્થાઇની-માણસાઈની ટોચે બેસે છે.

પશ્ચિમનો વ્યાયામ
પશ્ચિમે વ્યાયામનું સામાજિક સ્વરુપ બહુ જ સરસ રીતે વિકસાવ્યું છે. ક્રીકેટ, ફુટબોલ, હૉકી, ટેનીસ જેવી રાજરમતો મોટાં મોટાં પ્રેક્ષક ટોળાંને આકર્ષે છે, અને હિંદનાં શહેરોએ તો એ રમતોને અમુક અંશે–ઠીક ઠીક અંશે સ્વીકારી લીધી છે. પરંતુ ગ્રામજનતાની ગરીબી એ રમતોને ગામડાંમાં જીવવા દે કે કેમ એ પ્રશ્ન છે. ગરીબી એ હિંદનું અને ખાસ કરી હિંદી ગ્રામજનતાનું વિશિષ્ટ લક્ષણ છે. પશ્ચિમની રમતો મોંઘાં રમતનાં સાધનો ઉપરાંત મોંઘા પોશાકો અને મોંઘાં ખર્ચાળ સ્થળો પણ માગે છે. હૉકી, ફુટબોલ કે વૉલીબોલ સુધી આપણી ગ્રામજનતા ધનિકવર્ગની સહાયથી કદાચ દોડી શકે–મહામહેનતે. પણ ક્રીકેટ, ટેનીસ જેવી રમતોનો તે સ્વીકાર કરે તે પહેલાં ગ્રામજનતાની આર્થિક સંપત્તિ દસગણું વધવી જોઈએ, અને હિંદમાં એ રમતગમતનાં સાધનો સારા પ્રમાણમાં ઉપજાવવાની શક્તિ આવવી જોઈએ.
ગુજરાત અને વ્યાયામ
સદ્‌ભાગ્યે ગુજરાતને–ગ્રામગુજરાતને પણ ધીમે ધીમે વ્યાયામનો શોખ થવા લાગ્યો છે. વડોદરા વ્યાયામની બાબતમાં ભાગ્યશાળી છે એમ કહી શકાય. શ્રીમંત ખંડેરાવ મહારાજના નામોચ્ચારણ સાથે વ્યાયામની જૂની સૃષ્ટિ આપણી આંખ આગળ

ખડી થાય છે. સદ્‌ગત શ્રીમંત સયાજીરાવની સર્વતોભદ્ર પ્રજાવિકાસની યોજનામાં વ્યાયામને ઉચ્ચ સ્થાન હતું. તેઓ જાતે કસરતી હતા એટલે સમસ્ત પ્રજામાં વ્યાયામનો પ્રચાર થાય એવી યોજનાઓ તેમણે ઘડી હતી. પ્રજાને ફરજીયાત લશ્કરી તાલીમ આપી પ્રજાની શારીરિક દૃઢતા વિકસાવવાનું તેમનું સ્વપ્ન ફળીભૂત થાય એવા સંજોગો તેમને પ્રાપ્ત ન થયા એ ખરું. છતાં શારીરિક કેળવણીને ફરજિયાત બનાવવાની તેમની પ્રવૃત્તિઓ માર્ગદર્શક છે. શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ તો વ્યાયામમાં અપૂર્વ અંગત રસ લેતા રાજવી છે. રાજ્ય બહારનું તેમનું પ્રથમ મહત્ત્વનું કાર્ય અખિલ મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ પરિષદને પ્રમુખપદે વિરાજી તેની દોરવણી કરવાનું હતું. એ બહુ જ સૂચક પ્રસંગ છે. હિંદવાસીનો દેહ પશ્ચિમનિવાસીની સરખામણીમાં કેમ કરીને ઉત્કૃષ્ટ નીવડે એ પ્રશ્નની આખી વિચારણામાં તેમણે પોતાનું માનસ વાળ્યું છે. આપણે ગુજરાતીઓએ દેહને પૂરતું મહત્ત્વ આપ્યું નથી. પ્રજા તરીકે આપણી એ ભારેમાં ભારે ખામી છે. એ ખામી દૂર કરવાના રાજપ્રયત્નો સાથે પ્રજા પ્રયત્નો સંયુક્ત થાય તો ગુર્જર પ્રજા શારીરિક લઘુતાના મહેણાથી જોતજોતામાં મુક્ત થઈ શકશે.

અમદાવાદ, સૂરત, કાઠિયાવાડ, ભરૂચ એ બધાં શહેર વ્યાયામની ઓછી વધતી કીંમત કરતાં થયાં છે, અને કચ્છ તથા ગામડાં પણ વ્યાયામને અમુક અંશે ઓળખતાં થયાં છે.

દક્ષિણની વ્યાયામ-
પ્રિયતા
ગુજરાત અને મહારાષ્ટ્રનો પડોશ અને નિકટ સંબંધ અહીં આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે. મહારાષ્ટ્ર પાસેથી ગુજરાત ઘણુંઘણું શીખી શકે એમ છે. તેમાં સહુથી પ્રથમ શિક્ષણ તો વ્યાયામની બાબતમાં લેવાનું છે. સામાન્યતઃ પ્રત્યેક મહારાષ્ટ્રી

શરીરની કાળજી રાખે છે, કસરત અત્યંત ચીવટાઈથી કરે છે, અને શરીરને સુદૃઢ બનાવી બળમાં, સ્કૂર્તિમાં, આરોગ્યમાં પ્રગતિ સાધવાની નિત્ય સાવધાની રાખે છે. મહારાષ્ટ્રનો સંસર્ગ ગુજરાતની શારીરિક ઉન્નતિ સાધવામાં સહાયભૂત બનાવી શકાય એટલી શિષ્યવૃત્તિ અને આતુરતા ગુજરાતીઓએ કેળવવી જોઈએ. દુર્બળ દેહ–અતિસ્થૂલ દેહ એ ગુજરાતીની, ભણેલા ગુજરાતીની, સુખી ગુજરાતીનો ભારેમાં ભારે શરમ છે.

પ્રોફેસર માણેકરાવ તથા સરદાર મજમુદારના વ્યાયામપ્રયત્નો, છોટુભાઈ તથા અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિઓ, હિંદ વિજય જીમખાનું, વિવિધ વ્યાયામ તથા ક્રીડામંડળ, સ્વામી કુવલયાનંદની શારીરિક શિક્ષણ સમિતિ અને શારીરિક ખીલવણી પોષતી સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ ગુજરાતના વધતા જતા વ્યાયામ પ્રેમની સાક્ષી પૂરે છે.

વ્યાયામના ત્રણ પ્રકાર :—

વ્યાયામ પ્રકાર

૧ કસરત – વ્યક્તિગત દેહસામર્થ્ય, દેહસૌન્દર્ય અને સ્નાયુબદ્ધતા ઉપર ભાર મૂકનારી ક્રિયા;
૨ રમતગમત – સમગ્ર દેહને સ્કૂર્તિ તથા આનંદ મળે અને સામુદાયિક ઢબે ચપળતાપૂર્વક ખેલી શકાય એવી ક્રિયા.
૩ કવાયત – શિસ્ત – આજ્ઞાપાલનદ્વારા થતી સંઘની સમસ્ત એકાગ્ર એકલક્ષી ક્રિયા.
સાદી પદ્ધતિ
આ ત્રણે પ્રકારના સુભગ મિશ્રણમાં વ્યાયામની સફળતા રહેલી છે. પશ્ચિમની પદ્ધતિ ખર્ચાળ હોય તો આપણે આપણી સોંઘી રમતો વિકસાવવી જ જોઈએ. ક્રીકેટ, ફુટબૉલ તથા હૉકી જ્યાં અસંભવિત બને

ત્યાં આટાપાટા, ખો, ગેડીદડા, ભારદડી, દોડ, આમલી પીપળી, તલ્લક છાંયો, વાઘબકરી, ડુબકીદાવ, ઘોડેસ્વારી વગેરે સુલભ રમતોને વ્યવસ્થિત સ્વરૂપ આપી ગ્રામજનતા પાસે પાછી મૂકવી પડશે.

કવાયત
અને કવાયત - સંયમબદ્ધ, આજ્ઞાબદ્ધ હલનચલનનો અભ્યાસ – આખા હિંદે હાથ કરવાની જરૂર છે. આપણા જીવનમાં અતિશય અનિયમિતપણું છે. સમયની કિંમત આપણને બહુ નથી જ. એક જ પ્રવાહમાં આપણી શક્તિઓ વાળતાં આપણને આવડતું નથી. આપણે સરખું બોલી શકતા નથી, સરખું ચાલી શકતા નથી, અરે એક સાથે બુમ પણ પાડી શકતા નથી. આપણાં ટોળાં અવ્યવસ્થાને લીધે શક્તિહીન, ભયપ્રેરક, પ્રગતિરોધક તો બની જાય છે. એને લીધે આપણી કાર્યસિદ્ધિ અલ્પ બની રહે છે. હજાર હાથ ભેગા થાય તો સહસ્ત્રાર્જુનની માફક વહેતી નદીના પ્રવાહને પણ ખાળી શકાય. પરંતુ આપણા સમૂહજીવનના હજાર હાથ તો ગમે તેમ વીંઝાતાં, ગમે તેમ અથડાતાં, અથડાઈને નિષ્ક્રિય બની જતાં અને અંતે તૂટી જઈ પ્રવાહમાં તણાઈ જતાં તણખલાં બની રહે છે. કવાયત આપણા જીવનને ઉદ્દેશભર્યું બનાવે છે, આપણી પ્રવૃત્તિને લક્ષ્ય આપે છે, આપણાં કાર્યને વેગ આપે છે અને સામુદાયિક એકતાની સાધનાવડે આપણા જીવનને, આપણી પ્રવૃત્તિને અને આપણા કાર્યને સંપૂર્ણ સિદ્ધિ અર્પે છે. કવાયતની પાછળ સમગ્રતાનું બળ રહેલું છે, સમુદાયની સ્ફૂર્તિ રહેલી છે અને સંઘપ્રવૃત્તિનો પ્રફુલ્લ આનંદ રહેલો છે. આપણું જીવન જેમ બને તેમ વહેલું કવાયતી બનવું જોઈએ. આપણા સ્વભાવનાં, આપણી બુદ્ધિનાં અને આપણા જીવનનાં વિરોધી, છિન્નભિન્ન કરતાં, ખેંચાખેંચી કરતાં, કદરૂપાં તત્ત્વો કવાયત દ્વારા ધ્યેયલક્ષી, પરસ્પર ઉપકારક, સૌન્દર્યભર્યાં, બલપ્રદ અંગ બની જશે.

પરંતુ આ કસરત, રમતગમત અને કવાયત એ ત્રણ વિભાગમાં વહેંચાયેલી વ્યાયામપ્રથા ગ્રામજીવનને જરૂરી છે કે કેમ એ પ્રશ્નનો ઉકેલ ન થાય ત્યાં સુધી વ્યાયામની જરા સરખી મીમાંસા પણ નિરૂપયોગી થઈ પડશે. ગ્રામજીવનને ઘડવાની, તેને ઉપયોગી થઈ પડવાની વ્યાયામમાં શક્તિ હોય તો જ વ્યાયામને ગ્રામજનતા – ખરા હિંદ – પાસે રજુ કરી શકાય.

ગ્રામજનતા અને
વ્યાયામ
વ્યાયામનો ઉદ્દેશ આરોગ્યરક્ષણ અને આરોગ્યવર્ધનનો હોય તો જરૂર ગ્રામજનતાને વ્યાયામ ઉપયોગી થઈ પડશે. ગ્રામજનતાનું આરોગ્ય જરા ય ઉંચી કક્ષાનું નથી. ઘણી વખત ગ્રામવાસીઓની શારીરિક શક્તિની વાતો કરી આપણે શહેરીઓને શરમાવવા મથીએ છીએ. ગ્રામવાસીઓની મહેનતુ ટેવો કેટલેક દરજજે ગ્રામવાસીઓને શ્રમ સહન કરવાની વધારે શક્તિ આપે એ સંભવિત છે. પરંતુ આપણું – આપણી ગ્રામજનતાનું મરણપ્રમાણ, રોગપ્રમાણ અને શરીરપ્રમાણ ગ્રામજનતાના આરોગ્ય અને બળને માત્ર કલ્પિત બનાવી દે એમ છે. પચીસ કે છવીસ વર્ષે ગુજરી જતો હિંદવાસી આરોગ્યનો નમૂનો કદી ન બની શકે. આરોગ્યરક્ષણની અને આરોગ્યવર્ધનની શહેરીને જેટલી જરૂર છે તેટલી જ ગ્રામવાસીને જરૂર છે. અને કસરતથી તે મળે એમ હોય તો જરૂર એ ગ્રામવાસીને મળવી જ જોઈએ. ગ્રામવાસીને જેટલે દરજ્જે આપણે મજબૂત અને તંદુરસ્ત બનાવી શકીશું તેટલે દરજ્જે સમગ્ર હિંદની સમૃદ્ધિમાં આપણે વધારો કરી શકીશું. ગ્રામજનતાનું અનારોગ્ય, ગ્રામજનતાની શક્તિહીનતા આર્થિક દૃષ્ટિએ – સ્વાર્થદષ્ટિએ પણ હાનિકારક છે.

સ્વરક્ષણની શક્તિ જેનામાં હોય તે પરરક્ષણની હિંમત કરી

સ્વરક્ષણ અને વ્યાયામ
શકે. હિંદમાં સ્વરક્ષણની શક્તિ છે ખરી ? પૂર્વજોની જીતને આગળ કરી અંદર અંદર ગાળો દેવામાં વીરત્વ ધરાવતા હિંદુ-મુસલમાનોએ સ્વતંત્ર પૂર્વજોનું નામ લેતાં શરમાવું જોઈએ. ભાષણીઆ ગાળાગાળી, પોકળ વીરત્વભરી બોલાબોલી, નાનીનાની મારામારી, પથરાની ફેંકાફેંકી, અસાવધ નિર્દોષનાં ખૂન, અને અરક્ષિત મકાનોનો અગ્નિદાહ કરતા પરાધીન પાગલ હિંદુ મુસલમાનોએ અને ખાસ કરી તેમને ઉશ્કેરી સલામતીમાં સરકી જનાર આગેવાનોએ આપણી જૂની કહેવત પ્રમાણે ઢાંકણીમાં પાણી ઘાલી ડૂબી મરવું જોઇએ. હિંદના આજકાલના હિંદુમુસ્લીમ ઝઘડા એ હિંદે કદી ન જોયલી બેવકુફીની, હલકટપણાની અને પાપ નીતરતા ઝનુનની પરાકાષ્ટા છે. પ્રભુ એ ઝેરથી ગ્રામજનતાને બચાવે !

ગ્રામજનતામાં સ્વરક્ષણની શક્તિ પણ ખીલવી જ જોઈએ. સાધુફકીરની ગાળો ખાતા, ડગલે પગલે ગભરાઈ ઉઠતા, ચોર અને ધાડપાડુઓની વાતોથી છળી જતા, દબડાવી ખાનાર ચૌદશીયાઓ અને મવાલીઓથી કાંપી જતા, સહુની શેહમાં તણાતા ગ્રામવાસીઓ આપણી નજર આગળ હોય એ શું કોઇને પણ શોભાસ્પદ છે ? પ્રજાનો મોટા ભાગ મારેલ, હીન અને તુચ્છતા અનુભવતો હોય તો તેની પાસેથી હીમ્મતભર્યાં, મર્દાનગીભર્યાં, સાહસભર્યાં કે ઉપયોગી કાર્યોની આશા આપણાથી રાખી શકાય જ નહિ. સ્વરક્ષણનો હક્ક ગ્રામપ્રજા સમજે અને સ્વરક્ષણનું બળ મેળવે એમ કરવાની સહુની ફરજ છે. પણ એ સ્વરક્ષણનું બળ નગરવાસીઓને કસરતથી મળે તો ગ્રામજનતાને કસરતથી શા માટે ન મળે ?

પરરક્ષણ
સ્વરક્ષણનું બળ આપોઆપ પરરક્ષણના કાર્યમાં માનવીને દોરશે. સ્વરક્ષણની શક્તિથી હીન બનેલો માનવી ક્રૂર, સ્વાર્થી, બીજાનો ભોગ આપવામાં

તત્પર, લુચ્ચાઈભર્યો અને દગોફટકા કરનાર નીવડે છે. બહાદુરીને એ અવગુણો ન ખપે. અને આપણે તો આપણી ગ્રામજનતાને પણ બહાદુર જોવી છે. કસરત બહાદુરી આપી શકશે.

વ્યાયામ અને
આનંદ
કસરતથી જીવનમાં આનંદ ઉભરાતો હોય, કસરતથી જીવન સ્ફૂર્તિમય બનતું હોય તો ખરેખર એ આનંદ અને એ સ્ફૂર્તિ આપણી નિરાશ, નિસ્તેજ, નિર્જીવ બની ગએલી ગ્રામજનતાને પહોંચાડવાના માર્ગ પહેલી જ તકે લેવા જોઇએ. શહેરવાસીઓ આનંદ ઉત્સવ કરે, નગરવાસીઓ રમતગમત નૃત્ય વાદ્ય ગીતદ્વારા અગર ડ્રીલ પેરેડ કરીને સ્ફૂર્તિ વ્યક્ત કરે ! ગ્રામજનતા પણ શા માટે એ પ્રયોગ કરી આનંદ અને સ્ફૂર્તિ ન મેળવે ? ગ્રામજનતાની કસરત એટલે એકત્રીસ કરોડ માનવીઓની કસરત, ગ્રામજનતાની સ્ફૂર્તિ એટલે એકત્રીસ કરોડ માનવ ભાઈબહેનોની સ્ફૂર્તિ, ગ્રામજનતાનો આનંદ એટલે માનવજાતને હર્ષફુવારો. એ સ્ફૂર્તિ એટલે આખી દુનિયાને વેગ આપી વાળે એવી વીજળી. એ હર્ષ એટલે આખા જગતને હસતું બનાવતો પ્રવાહ.
એક કલ્પના
અને એક ક્ષણ માટે આપણે કલ્પી લઈએ કે એકત્રીસ કરોડ માનવીઓ એકસરખાં ટટાર ઉભાં છે, એક સરખાં ડગ ભરે છે, એક જ માર્ગે આગળ ધપે છે, એક જ લક્ષ્ય તરફ દૃષ્ટિ રાખે છે, એક જ કુચગીત ગાય છે, અને એક જ ઝંડો ફરકાવે છે ! કલ્પના પણ આપણા મનને મુગ્ધ કરે એવી છે. એ સત્ય બને તો ? તો શું શું ન થઈ શકે ? એકત્રીસ કરોડ માનવીઓને આગળ વધતાં કોણ રોકી શકે એમ છે ? પછી ભલે ને એ સંખ્યા નિઃશસ્ત્ર હોય !

લશ્કરી શિક્ષણ
અને એ શસ્ત્રસજ્જ હોય તો ? શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ એક સ્થળે કહે છે કે “રાષ્ટ્રનું શરીરબળસંવર્ધન એ શારીરિક શિક્ષણનું અંતિમ ધ્યેય : એ સાધ્ય કરવા માટે આપણા તરુણોને શારીરિક શિક્ષણના ભાગ તરીકે જ લશ્કરી શિક્ષણ આપવું જોઈએ... લશ્કરી શિક્ષણ લીધા સિવાય આપણા તરુણો પરચક્રથી આપણા દેશનું સંરક્ષણ કરી શકે નહિ... આપણા દેશના રક્ષણની જવાબદારી સ્વીકારવા આપણે તૈયાર થવું જ પડશે.” અને આ વિચારોને સહુનો ટેકો હોય. સાર્વભૌમ સત્તાએ આ નીતિ પ્રથમથી જ ધારણ કરી હોત તો જર્મની–રશિયાનો ભય હિંદ, ઈન્ગ્લેંડ કે ફ્રાન્સને માથે ઝઝૂમી રહ્યો ન હોત. હજી પણ એ નીતિનો સચ્ચાઈથી સ્વીકાર થાય તો જગતભરની યુદ્ધબંધીનો પ્રશ્ન ઉકેલ અર્થે પાસે આવતો જશે.

લશ્કરી શિક્ષણ લેવું એ હજી સર્વથા આપણા હાથની વાત નથી રહી. વળી અહિંંસાની પ્રચલિત ભાવના મારકણા લશ્કરી શિક્ષણને ન આવકારે એ સંભવિત છે. છતાં હિંસાની સામે અહિંસાનો મોરચો માંડવો હોય તો હિંસક પદ્ધતિનો અભ્યાસ–તેનો અનુભવ–તો જરૂરી છે જ. વળી હિંસાએ સ્વીકારેલી પદ્ધતિમાં રહેલું આજ્ઞાધારકપણું, કવાયત, કૂચ, આગળપાછળ વધવાની સમૂહયોજના, દુઃખ સહનની શક્તિ, મારવાની નહિ તો માર ખાવાની અને મરવાની સામુદાયિક આવડત એ બધાં હિંસક લશ્કરનાં લક્ષણો અહિંસક લશ્કરોમાં પણ દાખલ કરવાં જ પડશે. અહિંસા એમ ધારતી હોય કે વ્યકિતગત અને સામુદાયિક દેહાર્પણ વગર હિંસાને જીતી શકાય તો તે અશક્ય છે. અહિંસાની સ્થાપના પહેલાં અનેક અહિંસકોએ પોતાની કતલ માટે તૈયાર રહેવું પડશે.

આમ અહિંસા પણ અમુક અંશે વ્યુહરચના માગી જ લે છે.

અહિંસા અને
વ્યાયામ
ગાંધીજીની શાન્તિસ્થાપના ટુકડીઓ, અને વર્ષો પૂર્વે વિચારાતી માનવદિવાલ એ અહિંસક વ્યૂહરચનાનાં અસ્પષ્ટ સ્વરૂપો છે. અહિંસા સહુથી પ્રથમ પ્રાણાર્પણની તૈયારી માગે છે, અપાર દેહકષ્ટની તૈયારી માગે છે, અપૂર્વ મનસંયમનો આગ્રહ રાખે છે, પ્રેમની પરાકાષ્ટા ઈચ્છે છે, અને સમૂહ તરીકે થતા શાન્તિમય સામનાની શક્યતા સ્વીકારી વ્યુહરચનામાં પણ તે માને છે. નિરર્થક પ્રાણ ખોવામાં તો તેને અશ્રદ્ધા જ હોય. આમ હિંસાત્મક આક્રમણમાં જે ગુણો જરૂરી ગણાય છે તે ઉપરાંત અતિ મહત્ત્વના ગુણની અપેક્ષા અહિંસાત્મક વિરોધમાં જરૂરી છે. એટલે કસાયેલું શરીર, ખેલદીલી અને શિસ્ત – સંયમ – આજ્ઞાધારકપણું અહિંસક યોદ્ધામાં તો પૂર્ણપણે વિકસાવવાં જોઈએ. હિંસા કે અહિંસા જે માર્ગ જગતને ગ્રહણ કરવો હોય તે કરે. અંતિમ ધ્યેય તો અહિંસાનું જ રહે. છતાં હિંસામાંથી અહિંસામાં જતાં જતાં અહિંસાનો સંપૂર્ણ સ્વીકાર કરવા છતાં વ્યાયામની જરૂર તો રહેશે જ, અને હિંસા કરતાં અહિંસામાં વ્યાયામની વધારે જરૂર રહેશે. કવાયત વગર તો કોઇથી આગળ ચલાય જ નહિ. હિંદને કવાયત કરતાં ન આવડ્યું એટલે એને પરાધીનતા મળી એમ કહીએ તો છેક ખોટું નથી.

ગ્રામજનતા પણ કવાયત માગે છે. એને પણ એક સરખા પગ મૂકવા છે, એક સરખા હાથ હલાવવા છે, એક સરખી ગતિ કરવી છે, અને એક ગીત ગાવું છે.

કેટલીક મુશ્કેલીઓ
પરંતુ ગ્રામજનતા તો મહેનત કરે જ છે. સવારથી રાત સુધી ગ્રામજનતા કામગરી : પુરુષ ખેતી કરે, સ્ત્રીઓ ઘરકામ અને ઢોરઢાંક સંભાળે. એટલે ગ્રામજનતાને કસરત, રમતગમત કે કવાયતનો અવકાશ જ નથી એમ કદાચ દલીલ થાય.

આ વાત ખરી છે ? બારે માસ જરા ય વખત ન મળે એટલું બધું કામ ગ્રામજનતા ખરેખર કરે છે? ખેડૂતોને પૂરતી જમીન નથી, પૂરતો ઉદ્યોગ નથી એનો તો મોટો પડકાર છે. બાર માસમાંથી છ માસ નહિ તો ત્રણ ચાર માસ આળસ, નિવૃત્તિ કે નવરાશના હોય છે એમ સામાન્યતઃ મનાય છે. એ સાચું હોય તો ગ્રામજનતાને વ્યાયામ માટે પૂરતો વખત છે.

સમયનો અભાવ
અને આપણે ધારીએ કે ગ્રામજનતાને પૂરતો વખત નથી. તો પણ તેને આરોગ્ય અને આનંદ મળી શકે એ માટે કાં તો ગ્રામજનતાને પૂરતો વખત આપવો જોઇએ અગર તેમના ભરપૂર નિત્ય કામમાં વ્યાયામનાં તત્ત્વો પ્રવેશ પામે એમ કરવું જોઇએ. દળવું, ખાંડવું, પાણી ભરવું, પુંજો કાઢવો, લૂગડાં ધોવાં, રાંધવું, વલેણે વલોવવું એ બધાં કામ નગરનિવાસ અને ભણતરને પ્રભાવે હલકાં મનાતાં બની ગયાં છે. એ ખરેખર હલકાં છે ? માનવજીવનને માટે અત્યંત આવશ્યક કાર્યોને હલકાં માનવાની ભૂલ કે મૂર્ખાઇને લીધે આપણે ઘણું સહન કર્યું છે. એ ભૂલ અને મૂર્ખાઈ ગ્રામજનતામાં પણ પ્રવેશ કરતી બની ગઈ છે. એ જેમ બને તેમ વહેલી દૂર થાય એમાં ગ્રામજનતાને લાભ છે.

આજ જેને ધૃણાપાત્ર અને તિરસ્કારપાત્ર કામ ગણીએ છીએ એમાં આપણા જીવનની સારામાં સારી અને સાચામાં સાચી કવિતા સમાઈ હતી. ઘંટી અને દહીંમંથન, પાણીના ઘડા અને પનઘટ આજ પણ શહેરની સન્નારીઓને નૃત્યગીત અને અભિનયના વિષય પૂરા પાડે છે, અને બતાવી આપે છે કે આપણા જીવન સાથે જોડાયેલાં નિત્ય કામોને આપણે ચાહીએ તો કલા અને સંગીતમય બનાવી શકીએ અને તેમાંથી આનંદ અને બળ મેળવી શકીએ. ગ્રામજનતાનાં નિત્યકાર્યોને આપણે ચહાતાં શીખવું જોઇએ. ખાલી ઘડા લઈ ગરબે ફરી લ્હાણી લઈ જનાર બહેનોએ ખરું પાણી ભરવાની ટેવ પાછી પાડવી પડશે. વલોણાનો અભિનય કરી તાળીઓ જીતી જનાર યુવતીઓએ દૂધ, દહીં, ગોરસ, વલોણું એ સર્વને ફરીથી ઓળખવાં પડશે. નહીં તો ગરબા અને અભિનય જોતજોતામાં નિષ્ફળ અને જુઠ્ઠાં બની જશે. કવિતા, ગીત તથા અભિનયને પાત્ર બનેલાં કામથી ગ્રામજનતાએ જરા ય શરમાવાની જરૂર નથી. ગ્રામજનતા વાસીદું વાળતાં, પશુપાલન કરતાં, જમીન ખેડતાં, ઉકરડા સમેટતાં, પાણી ભરતાં, રસોઈ કરતાં, લાકડાં ચીરતાં, બાળકને હીંચોળતાં, કે ઝૂંપડી–ઘર થેપતાં બહુ જ મહત્ત્વનું કાર્ય કરે છે. એ કાર્યની પ્રતિષ્ઠા કરવી જોઇએ. એ કાર્યમાં પૂજ્ય ભાવ રાખવો જોઈએ, એ કાર્યને કલામય – સંગીતમય બનાવવું જોઈએ. એમ થતાં નિત્યકાર્યમાંથી વ્યાયામ મળી રહેશે. સંસ્કારી અગ્રણીઓએ ગ્રામજનતાને પોતાના દાખલાથી આ બધું સાબિત કરી આપવું પડશે.


નિઃરસ એકધાર્યાં કામ
વળી ગ્રામજનતાની મહેનત કરવાની શક્તિથી શહેરવાસીઓ વિસ્મય પામે છે અને માને છે કે એ નિત્ય મહેનત એ જ કસરત છે. નિત્ય મહેનતમાં કલા-રસ રહે ત્યાં સુધી એ ખરું છે. પરંતુ એક ગ્રામવાસી મણ પોણો મણ ભાર લઈ દસબાર ગાઉ ચાલી નાખે, અગર ઘાસના ભારા ઉંચકી લાવે કે ઝપાટાબંધ લાકડાં ચીરી નાખે એટલા જ ઉપરથી ગ્રામવાસીની શરીરશક્તિ વધારે માની લેવી એ વાસ્તવિક નથી. ટેવ માણસની પાસે યંત્રની માફક ઘણાં કામ કરાવે છે. કાર્યની એકધારી પરંપરા આંખને અને ઉપયોગમાં આવતા સ્નાયુઓને એક જાતની યંત્રવત્ સરળતા અને દક્ષતા અર્પે છે. એથી એ કાર્ય કરનાર કસરતી, તંદુરસ્ત અને સ્કૂર્તિવાળો છે એમ માનવાની ભૂલ

ન કરવી જોઇએ. આ દૃષ્ટિએ પણ ગ્રામજનતાને કસરતની–રમત- ગમતની ખૂબ જરુર છે.

અને શું ગામડાંમાં રમતગમતનો તથા આનંદપ્રદર્શનનો સંપૂર્ણ અભાવ જ હોય છે ?

સામુદાયિક વ્યાયામ
ગ્રામજીવનમાં સ્વાસ્થ્ય હતું ત્યારે તો ગામડાંને વર્ષભરનો કાર્યક્રમ રમતગમત, લશ્કરીઢબની હરીફાઈ, ગ્રામગીતો, મેળા, ગરબા, ઉજાણી જેવી સામુદાયિક પ્રવૃત્તિઓથી ભરપૂર રહેતો હતો. હજી તેમાંના રહ્યાસહ્યા અંશ નિસ્તેજ છતાં જીવતા છે એટલું તો આજ પણ આપણે જોઇએ છીએ. એ જીવતા અંશોને પ્રફુલ્લ કરવા, સુષુપ્ત અંશોને જાગ્રત કરવી, મૃત અશામાં અમીસિંચન કરવું અને વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈ પડે એવી નૂતનતા તેમાં ઉમેરવી એ વ્યાયામનું ગ્રામજીવન પરત્વે કર્તવ્ય છે.

આજ આપણે ત્યાં ક્રીકેટ ભલે ન આવે – ગેડીદડા તો આપણે ગામડાંમાં ઉપજાવી શકીએ. સાઈકલ રેસ આપણે ત્યાં ભલે આજ શક્ય ન હોય–દોડ, હનુમાન અને અંગદ કુદકો, તરવાની હરીફાઈ એ બધું આપણે જરૂર ગમે તે ગામડે યોજી શકીએ છીએ. આખા ગામની કવાયત ભલે શક્ય ન હોય. નિશાળિયા અને યુવાનોને તો ભેગા કરી સાથે પગ મૂકતા બનાવી શકાય, અને જૂથ દ્વારા કોઈ પણ ગામાત કામ કરી શકાય.

સમૂહ દ્વારા થતાં કામની ગામડાંને ઘણી જ જરુર છે. ગામડાંની સ્વચ્છતા ટોળબંધ બનીને કરી શકાય; માંદાની માવજતમાં કેળવાયલો સમૂહ કામ લાગે; સારે માઠે પ્રસંગે પણ ગ્રામ યુવાનોનું સંયમબદ્ધ ટોળું સહુને ઉપયોગી થઈ પડે; આગ કે રેલના પ્રસંગે ગામડાંમાં–અને શહેરોમાં–જે ગભરાટ, અવ્યવસ્થા, નિરર્થક ઉશ્કેરાટ, ઘોંઘાટ અને ઉદ્દેશને અજાણતાં નિષ્ફળ કરતી રોધક પ્રવૃત્તિ જોવામાં આવે છે એ દૂર થાય અને સંઘબળથી કામ કરવા કેળવાયલા ટોળાને સંકટના પ્રસંગો સોંપી શકાય; સીમ અને ગામની સાચવણી પણ તેમને સોંપી શકાય; કેળવાયલા સંઘદ્વારા શિક્ષણપ્રચાર પણ કરી શકાય. આમ સમૂહબદ્ધતાની, સંઘબળની, કવાયતની ગામડાંને ડગલે અને પગલે જરુર રહે છે. વ્યાયામ એ સઘળું ગામડાંને આપી શકશે.

સ્ત્રીઓ અને વ્યાયામ
ગ્રામબાલકો અને ગ્રામયુવકોની સાથે ગ્રામબાલિકાઓ અને યુવતીઓનો પ્રશ્ન પણ ઉકલી શકે છે, અંગમહેનત સહુને એક બનાવી દે છે. ગ્રામજીવનમાં તો સ્ત્રીઓ પુરુષોની બરાબરી કરી શકે એટલાં નાનાં મોટાં કામ કરે છે. નગરવાસી સ્ત્રીઓ જેટલી મિથ્યા નવરાશ ગ્રામસ્ત્રીઓને હોતી નથી એટલે પડદો, લાજ, ઘરમાં પુરાઈ રહેવું અને માત્ર વસ્ત્રાભૂષણ સજી નટીઓ બનવું એ બધું ગ્રામજીવનની સ્ત્રી પ્રવૃત્તિને રોધે એમ નથી. સ્ત્રીઓને પણ પુરુષના જેટલી જ–તેમના કરતાં પણ વધારે–કાળજીભર્યો વ્યાયામની જરૂર છે. એમના ગરબા, રાસ, વલોણાં, ખળાં, રસોઈ, સમૂહજીવન, વ્યવસ્થા અને કવાયત માગે છે. ગીત ગાઈ કૂચ કરતા સ્કાઉટોએ ભૂલવું ન જોઈએ કે દળતાં અને ખાંડતાં સ્ત્રીઓ કાર્યને અનુરૂપ ગીત ગાઈ શકે છે, અને ડોલનબદ્ધ નિયમિત હલનચલન કરી શકે છે. જૂનાં ગીતો હજી છેક ભૂલાયાં નથી. આજના સાહિત્યકારો ગ્રામજીવનના પ્રસંગોને આનંદમય, ઉત્સાહમય, સંઘબળવર્ધક બનાવી શકાય એવાં ગીતો આપી શકશે ? ગ્રામજીવનમાં સહુનો ખપ છે. વ્યાયામનો પણ. ગ્રામજનતાને વ્યાયામ ખૂબ ઉપકારક છે. ગ્રામઆરોગ્ય એથી
વ્યાયામના ગ્રામ-
જીવનને લાભ
ઘણું સુધરશે, ગ્રામજીવનમાં એથી સ્ફૂર્તિ આવશે, ગ્રામપ્રજા એથી સંગઠિત થશે, સંગઠનમાંથી સમૂહબળ કેળવાશે, પરસ્પર ઉપકારક થવાની વૃત્તિ-ભ્રાતૃભાવ જાગ્રત થશે, સુખદુ:ખમાં ભેગાં થઈ જવાનું આપ્તપણું ફેલાશે; હલકાઈ, વેરઝેર, કજીયાળાપણું, મિથ્યા મમત્વ અને ઘમંડ ઘટી જઈ સાચી ખેલદીલી વિકસશે, અને ગ્રામજીવન આનંદ અને સુખને હીંચોળે હીંચશે.
ગામડે ગામડે
વ્યાયામ
ગામડે ગામડે હીંચકા બાંધવાની એક પરોપકારી સજ્જનની પ્રવૃત્તિ મેં જોઈ હતી. કોઈ એને ઘેલછા ગણતું. ગામડે ગામડે દવાખાનાં અને શાળાઓ સ્થાપનાર જેટલી સમાજસેવા કરે છે તેટલી જ સમાજસેવા ગામડે ગામડે હીંચકો બાંધનાર, રમતગમત ગોઠવનાર, વ્યાયામસાધનો વસાવનાર અને અખાડાઓ સ્થાપનાર કરે છે એમાં જરા ય સંશય નથી. કસરત, રમતગમત અને કવાયતને ગ્રામજીવનમાં ખૂબ સ્થાન છે-ગ્રામજીવનમાં તેમને ખૂબ અવકાશ છે. જે એક ગામડે બની શકે તે બીજે ગામડે પણ બની શકે. જે ગામડામાં શક્ય બને એ જ સાચું, એ જ ખરું જરૂરનું. વ્યાયામ ગ્રામજીવનને જેટલે અંશે નિરૂપયોગી નીવડે એટલે અંશે એ નિષ્ફળ છે. સાચું હિંદ, સાચું ગુજરાત ગામડાંમાં છે.

એ સાચું હિંદ – એ સાચું ગુજરાત મજબૂત, સૌન્દર્યભરી દેહદીપ્તિવાળાં, સંગઠિત, સ્ફૂર્તિમય, આનંદી, સાથે ડગભરનારાં, ખેલદીલીભર્યાં સ્ત્રીપુરુષોથી ઉભરાય એ ગ્રામોન્નતિનું એક ધ્યેય. વ્યાયામમાં એ ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ છે. વ્યાયામવીરો, વ્યાયામ શૉખીનો, વ્યાયામ નિષ્ણાતો આ કાર્ય જેટલી ઝડપથી સાધે એટલી એમની સફળતા.

વ્યાયામસંમેલનો પણ વ્યાયામપ્રચાર માટે બહુ જરૂરનાં છે.

સંમેલનો

સંમેલનો ગ્રામજીવનને બહુ ઉપયોગી નીવડે છે.

સંમેલનો દ્વારા વ્યાયામની વિવિધતાનું ગ્રામજનતાને દર્શન થાય છે, અને વ્યાયામ પ્રત્યે તેને સહાનુભૂતિ તથા પ્રેમ થાય છે.