ગ્રામોન્નતિ/ગ્રામોન્નતિ
← ૧ ગ્રામસેવા | ગ્રામોન્નતિ ગ્રામોન્નતિ રમણલાલ દેસાઈ |
૩ ગામડું અને ઉન્નતિપ્રકાર → |
ગ્રામોન્નતિ
મહત્વનો સ્વીકાર
ગ્રામોન્નતિ અને ગ્રામસુધારણા સંબંધમાં આજકાલ ઘણું બોલાય છે અને લખાય છે, એ એક શુભ ચિહ્ન છે. ગ્રામ–ઉન્નતિ વિષે રાજ્ય અને પ્રજા તરફથી ઓછા વધતા પ્રયત્નો થવા લાગ્યા છે. એ બધા પ્રયત્નો હજી જોઈએ તેવા સંગીન નથી. એનાં અનેક–રાજકીય તેમ સામાજિક કારણો છે. ગામડાનું મહત્ત્વ સ્વીકારાયું અને તેની ઉન્નતિ કરવાની ખૂબ જરૂર છે એ વિષે કાર્યકર્તાઓમાં એક પ્રકારનું તીવ્ર ભાન જાગ્રત થવા લાગ્યું છે એ એક શુભ ચિહ્ન ગણાય.
તિરસ્કાર
ગામડું એ જાણે શહેરની કૃપા ઉપર આધાર રાખી રહેલું હોય એવો ભાવ થોડા સમય ઉપર હતો અને હજી પણ એ ભાવ તદ્દન ચાલ્યો ગયો નથી. ‘ગામડિયો’ એ શબ્દનો અર્થ તો ગામડાંનો રહેનાર એવો જ થવો જોઈએ પરંતુ ગામડાંમાં એવાં તત્ત્વો આપણે દાખલ થવા દીધાં છે કે જેથી ‘ગામડિયા’ના અર્થમાં ‘અકુલીન,’ ‘અસંસ્કારી,’ ‘અશિષ્ટ,’ ‘મંદ બુદ્ધિનો,’ ‘જડ’ એવા ભાવ દાખલ થઈ ગયા છે. શબ્દ સાથે જડાયલા એ ભાવ હજી ખસ્યા નથી એમાં જેટલો ગામડાંનો વાંક છે એટલો જ શહેરોનો પણ વાંક છે. મિથ્યાભિમાની શહેરો અને શહેરનિવાસીઓએ એટલું સમજવાની જરૂર છે કે હિંદુસ્તાનની વસ્તીને એંશી ટકા જેટલો ભાગ ગામડાંમાં રહે છે; શહેરનો મોટો ભાગ પણ ગામડાંની લગોલગ આવેલો છે; ઉપરાંત શહેરનો ખોરાક અને શહેરોની મજૂરી ગામડાં જ પૂરાં પાડે છે.
શહેરનું પાણી અને પોષણકર્તા ગામડું કેવું છે ? ધૂળથી ભરેલું, અને ગંદકીવાળું; મેલેરીઆનું તો તે ધામ; માખી અને મચ્છરનો જાણે મધપૂડો; રહેવાનાં સાધનોના અભાવવાળું – ઘણી વખત તો માણસ અને જાનવરને ભેગાં સૂવું પડે એવા ગૃહસંકોચવાળું; તેનાં જવરઅવરનાં સાધનો બહુ જ પ્રાથમિક સ્થિતિમાં, અને રસ્તાઓ તો ધૂળ, કાદવ અને ખાડાથી ભરપૂર; રાત પડ્યે ગામમાં અંધકાર ફેલાયો જ હોય; અને અનારોગ્ય ભરી ટેવો છતાં ત્યાં ઔષધનો અભાવ જ હોય; કેળવણીનું તો ત્યાં પૂછવું જ શું ? કોઈ કોઈ ગામડે મરતી મરતી શાળા ચાલતી હોય; પરંતુ ઘણી જગાએ તો તે પણ નહીં. અને ગામડાંને મોજશૉખનાં સાધનોનું તે સ્વપ્ન પણ ક્યાંથી આવે ?
ગામડામાંથી
આવાં ગામડાંમાં આપણી વસ્તીનો મુખ્ય ભાગ જીવી રહ્યો છે. એ ગામડાં જ્યાં સુધી સતેજ અને ઊજળાં બને નહિ ત્યાં સુધી શહેરનાં ઝાકઝમાળ દૃશ્યો નિરર્થક છે. રાજમહેલ કે ગવર્નમેન્ટ હાઉસ ગમે એટલાં દેદીપ્યમાન હોય છતાં ઝૂંપડી કેવી છે એ પ્રશ્નનો ઉત્તર ઉપર રાજ્યની પ્રગતિનો આધાર રહેવાનો છે; શહેરના રસ્તા ભલે ચોક્ખા અને સો ફૂટ પહોળાઈના રચાય; છતાં ગ્રામ્ય રસ્તાઓ કીચડ ભરેલા રહેશે તો ભવિષ્યનો ઈતિહાસકાર જરૂર રાજ્ય-વ્યવસ્થામાં કાંઇ મેલ શોધી કાઢવાનો. આખા જગતમાં પુનર્ઘટના થઈ રહી છે. ગામડાં શાપિત રહેવાને સર્જાયલાં નથી જ. તેમની પુનર્ઘટના બહુ જ મહત્ત્વની છે. છેવટે જગતની પુનર્ઘટનાનો અમલ તો ગામડાંદ્વારા જ થવાનો છે.
પ્રયત્નો
અંગ્રેજ સત્તાની શરૂઆતને આપણે વર્તમાન યુગના આરંભસ્થાન તરીકે ગણીએ તો તેમાં હરકત નથી. ધર્મ, સમાજ અને રાજ્ય એ સર્વમાં પ્રગતિકારી કે ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ થવા લાગી. એ પ્રવૃત્તિઓને અંગે અથવા દુષ્કાળ જેવી આફતોને અંગે ગામડાં તરફ જોવાની ઓછી વધતી જરૂર પણ પડવા લાગી. સરકારી અને બિન સરકારી બધા પ્રયત્નો ગણાવી જવાની અત્રે જરૂર નથી. માત્ર ક્રિશ્ચિયન મિશનરીઓ, સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી જેવી સમાજો, અને આર્ય સમાજનાં ગુરુકૂળો કંઈક અંશે ગ્રામપુનર્ઘટનામાં ઉપયોગી થઈ પડે એવી પ્રવૃત્તિઓ કરવા લાગ્યાં હતાં એટલું અત્રે નોંધવું યોગ્ય થશે.
સહકાર્ય
સરકારી રાહે લૉર્ડ રીપનની કારકિર્દી દરમિયાન સ્થાનિક સ્વરાજ્યનું મહત્ત્વ સ્વીકારાયું, અને ચાલુ સદીની શરૂઆતમાં સહકાર્ય પદ્ધતિથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયત્નો થવા લાગ્યા.
સ્થાન
વડોદરા રાજ્યના સદ્ગત શ્રીમંત મહારાજા સયાજીરાવ પણ ત્રણ ચાર દસકા લોકોના–દેશના-આદર્શ બની શક્યા હતા. તેમણે વહીવટમાં એક સ્વપ્નદૃષ્ટાનો ઉત્સાહ અને મુત્સદ્દીની યોજકશક્તિનું સુંદર મિશ્રણ કરી ફરજિયાત કેળવણી અને પંચાયતો સ્થાપી ગ્રામ્યજીવનને ઉન્નત બનાવવાના યશસ્વી પ્રયત્નો કર્યા છે. એ બે પ્રવૃત્તિઓમાં એમાં તેઓ બ્રિટીશ રાજ્યવ્યવસ્થાને પણ સારો બોધપાઠ આપી શકે એમ છે. તેમણે પણ સહકાર્ય પદ્ધતિ રાજ્યમાં દાખલ કરી એટલું જ નહિ પણ અંત્યજોદ્ધાર, સ્વદેશી, ગૃહઉદ્યોગોની ખીલવણી, ગુર્જર ભાષાને રાજભાષા બનાવવાની વાપરેલી દીર્ઘદષ્ટિ, સંસ્કાર જાગૃતિનાં આવશ્યક સાધન ગામડે ગામડે પહોંચાડવાનો કરેલો પ્રયત્ન એ બધું જોતાં રચનાત્મક કાર્યમાં તેઓ મહાત્મા ગાંધીજીના પુરોગામી બની શક્યા છે. ગ્રામોન્નતિના સિંહાવલોકનમાં તેમનું નામ મહત્ત્વનું છે.
પરંતુ ગ્રામોન્નતિના પ્રશ્નને ખરેખર મોખરે લાવી, તેના ઉપર આખી મહાસભાની રાજ્યનીતિનું અવલંબન કરાવી રાષ્ટ્રિય કાર્યક્રમના એક મહત્ત્વના ભાગ તરીકે તેનો સ્વીકાર કરાવનાર એક મહાન વ્યક્તિનું નામ તો સહુની જીભને ટેરવે રમી રહ્યું છે. એ વ્યકિત તે મહાત્મા ગાંધી.
ગ્રામોદ્ધાર
આ મહા પ્રખર ભાવનાશીલ સાધુ એક અદ્વિતીય કર્મચારી પણ છે. તેની વિશાલ દૃષ્ટિમાં હિંદસ્વરાજ્ય માત્ર દેખાય છે એટલું જ નહિ, સ્વરાજ્ય સ્થાપન કરવાનાં સાધનો પણ તેને હાથે ઘડાયાં જાય છે. દેશોદ્વારમાં ગામડું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલું જ નહિ પણ તેના ઉદ્ધાર વગર દેશનો ઉદ્ધાર અશક્ય છે એ તેમણે સાબિત કરી દેખાડ્યું છે.
ગ્રામનિવાસ
ગ્રામ – ઉન્નતિના પ્રથમ માર્ગ તરીકે ગ્રામ – પ્રવેશ અને ગ્રામનિવાસને તેમણે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ગ્રામપ્રજાની વચ્ચે રહેવું, તેમની ખામીઓ-ખૂબીઓ જોવી અને સમજવી, તથા ઉદ્ધતાઈભર્યા અમલદારી કે ઉપકારક દેખાવ સિવાય માત્ર સહાનુભૂતિપૂર્વક ગ્રામજનતાની જનતાની સેવા કરવી એ ગ્રામઉન્નતિનું પહેલું પગથિયું છે એમ તેમણે સિદ્ધ કરી આપ્યું છે.
જાગૃતિ
ગામડાંમાં તેમણે સ્થાપેલાં થાણાં કેવી જાગૃતિ લાવે છે તે કોઈથી અજાણ્યું નથી. તેમની રાજકીય પ્રવૃત્તિ બદલ ભલે મતભેદ હોય, પરંતુ જનતાની જે જાગૃતિ ગાંધીજીએ સાધી છે તે જાગૃતિ અદ્ભુત છે એમ તેમના વિરોધીઓને પણ કહેવું પડે છે.
આમ આ યુગપુરુષની યોજના અનુસાર ગ્રામપ્રવેશ અને ગ્રામનિવાસ એ ગ્રામોન્નતિનાં આવશ્યક પ્રથમ પગથિયાં છે.
મૂળભૂત ખામી
હિંદમાં જુદી જુદી સરકારો તરફથી ગ્રામોન્નતિના પ્રયત્નો થાય છે, એની ના નહિ. પરંતુ તે મોટે ભાગે અમલદારોની વૃત્તિ અને નિવૃત્તિ ઉપર આધાર રાખી કરવામાં આવે છે. વળી અમલદારોની અસ્થિર મુદત પણ તેમાં વિઘ્નરૂપ છે. ઉપરાંત મોટે ભાગે મુલ્કી કામમાંથી ફુરસદ મેળવી ગ્રામોન્નતિનાં કરવાના કામ માત્ર દેખાવ અને શોભા બની જઈ કાયમનું ફળ તેમાંથી ઊપજતું નથી. લોકોની ઉન્નતિના સાચા પ્રયત્ન કરતાં તેમાં અમલદારની હોંશિયારીનો દેખાવ વધારે પ્રમાણમાં થાય છે. એ દેખાવમાં ઉપરીઓને ખુશ રાખી પોતાની વ્યકિતગત પ્રગતિ સાધવાની વૃત્તિ પણ કંઈક અંશે રહેલી હોય છે. એટલે સેવાભાવી સ્વયંસેવકો અને મિશનરીઓ સરખું અમલદારોનું કામ સચોટ અને સાચું બની શકતું નથી. અમલદારોનાં ગ્રામોન્નતિનાં કાર્યોમાં મહેરબાની અને શૉખના અંશો મોટે ભાગે રહેલા હોય છે. ગામડાંને મહેરબાની જોઇતી નથી. ગામડાંની ઉન્નતિ કોઈ પરવારતા અમલદારના શૉખનો વિષય થઈ પડે એવી પણ ગામડાંને જરૂર નથી. તેમને તો જોઈએ સાચા સેવાભાવી સાધુ અને ધૂની કામકરંદો ફકીર. મહિનામાં એકાદ બે રાત્રી કે દિવસ ગાળી ગામલોકોને બોલાવી તેમને મૂર્ખ બનાવી તેમની ખામીઓ બદલ શિખામણ આપી બોધ કરી ઘણું ઉપયોગી કામ કર્યું એમ માની રાત્રે ચૉરાના પલંગમાં સૂઈ જનાર અમલદાર કરતાં ઝૂંપડી બાંધી થાણું નાખી પડેલી એક સચ્ચરિત્ સામાન્ય સેવક ગ્રામોન્નતિનું કામ વધારે સફળતાથી કરી શકશે.
શાસ્ત્ર અને પ્રયોગ
કારણ ગ્રામોન્નતિના પ્રશ્નો બહુ કપરા બની ગયા છે. ગામડાંના દેખાવથી માંડીને ગ્રામજનતાના સંસ્કાર સુધીના વિષયો એ ગ્રામ-ઉન્નતિના વિષયો બની ગયા છે. મરજીમાં ફાવે તે રીતે ગ્રામોન્નતિ કરવાની ભૂમિકા હવે પસાર થઈ ગઈ છે, અને એ પ્રશ્ને આખા શાસ્ત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે એ પ્રશ્ન અભ્યાસયોગ્ય વિષય બની ગયો છે. એટલું જ નહિ, પરંતુ તે એક મોટા વ્યવહારૂ કાર્યક્રમનું અવલંબન કરતો બની ગયો છે. તે અભ્યાસ અને પ્રયોગ બંનેને માગતા શાસ્ત્રની ભૂમિકાએ આવી ઊભો છે.
તેના અભ્યાસ અને પ્રયોગ બદલ ઠીક ઠીક પુસ્તકો રચાયાં છે. પંજાબના ગુરગામ જિલ્લાના કમિશનર બ્રૅને એ બદલ લગભગ ધ્યાન ખેંચતી શરૂઆત કરી છે. અને સારા પ્રયોગો પણ કર્યા છે. વડોદરા રાજ્યમાં પણ થતા પ્રયત્નો પરસ્પર સંકલિત બનાવાય તો એક ગ્રામોન્નિતિની વડોદરાપદ્ધતિ નામની એક સ્વતંત્ર ધ્યાન ખેંચવા લાયક વ્યવસ્થા જાહેરમાં આવી શકે. એ સિવાય મૈસુર, મદ્રાસ વગેરે પ્રદેશમાં ઓછા વધતા પ્રયત્નો થઈ રહ્યા છે. માર્તંડમમાં કેન્દ્રસ્થાન સ્થાપી બેઠેલા ડૉકટર હૅચનું કામ પણ વ્યવસ્થિત છે. મિશનરીઓની શાળાઓ, કૃષિક્ષેત્રો અને દવાખાનાં પણ આછીપાતળી ગ્રામોન્નતિના પ્રયત્નો કરે છે. દયાળબાગ અને કિર્લોસ્કરવાડી ઉદ્યોગ ઉપર ભાર મૂકી કાર્ય કરતા પ્રયોગો છે. ભીલસેવામંડળ જેવાં મંડળો પણ આ કાર્યમાં પ્રવૃત્ત બનેલાં છે. ખ્રીસ્ત સેવાસંઘનું કાર્ય પણ જાણીતું છે. સર ડેનીયલ હેમિલ્ટનની સુંદર વનપ્રદેશમાં શરૂ થએલી સહકારી વસવાટની યોજના પણ ધ્યાન ખેંચી રહી છે. વર્ધાની મગનવાડી પણ એક મહાકેન્દ્ર બની ગઈ છે. આમ કૃષિ ઉપર, ઉદ્યોગ ઉપર, આરોગ્ય ઉપર અને કેળવણી ઉપર ભાર મૂકી ગ્રામ–ઉન્નતિના પ્રયોગો ચારે પાસ થયે જાય છે. સહકારી મંડળી, પંચાયત, પુસ્તકાલય, ઔષધાલય એવી એવી સંસ્થા દ્વારા ગ્રામોન્નિતિના પ્રશ્નો ઉકેલવા મંથન ચાલી રહ્યું છે.
આમ ગામડાંના આખા જીવનમાં પરિવર્તન કરવા ઈચ્છતી ગ્રામોન્નતિ એટલે શું ? એમાં ક્યાં તત્ત્વોની ગણના થાય ? એ તત્ત્વોને પરસ્પર શો સંબંધ રહેલો છે ? એ પ્રશ્નો સહજ વિચાર માગે છે.