ગ્રામોન્નતિ/ગ્રામોન્નતિના માર્ગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૭ આદર્શ ગામડું ગ્રામોન્નતિ
આદર્શ ગામડું
રમણલાલ દેસાઈ


૨૮
ગ્રામોન્નતિના માર્ગ.
સહુનો ખ૫
ગ્રામોન્નતિનું આ સ્વરૂપ. એમાં અનેક પ્રકારની વિશિષ્ટતા અને વિવિધતા. એમાં સહુનો ખપ. કૃષિકાર, ઇજનેર, ડૉક્ટર, શિક્ષક, ફિલસૂફ, કવિ, પરિચારક, કારીગર, મજૂર, પ્રચારક, અર્થશાસ્ત્રી અને ઉત્સાહી સેવક સહુ ગ્રામોન્નતિના કાર્યમાં સમાઈ શકે એમ છે.

ગ્રામોન્નતિની ઇચ્છા પણ કેળવાયલા વર્ગમાં પ્રબળ થવા લાગી છે. અમલદાર, શાહુકાર, જમીનદાર, ધારાશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, શિક્ષક, વિદ્યાર્થી સહુ ગ્રામોન્નતિને સમજવા લાગ્યા છે, અને બની શકે તે કરવાની આતુરતા પણ દર્શાવવા લાગ્યા છે. છતાં સહુને એક પ્રશ્ન થાય છે : ગ્રામોન્નતિ કરવી શી રીતે ? એની શરૂઆત કેમ થાય ?

નોકરશાહી
ગામડાંમાં રહેતા અગર ગામડાંમાં જવરઅવર કરતા અમલદારો અને સરકારી નોકરો ધારે તો પોતાની અમલદારી પ્રતિષ્ઠાદ્વારા ઘણું કરી શકે એમ છે. માત્ર તેમનામાં એક બે મહાગુણ ખીલવા જોઇએઃ નાના મોટા સ્વાર્થનો તદ્દન અભાવ અને ગ્રામજનતા પ્રત્યે માયાભર્યું વર્તન. ગ્રામજનતાનાં સુખદુઃખ સાંભળી તેમનાં દુઃખ ટાળવાના

માર્ગ પ્રમાણિકપણે લેનાર સરકારી નોકર લોકપ્રીય બની લોકો પાસેથી ઘણું ઘણું પ્રગતિકાર્ય કરાવી શકે એમ છે. લોકો સાથે હળવા-મળવામાં નિર્બળતા ગણનાર જાતે જ નિર્બળ છે. તુમાખી, ઘમંડ, કડવી વાણી, સખ્ત થવાની અને સખ્ત દેખાવાની ઈંતેજારી તથા સત્તાનો પરચો દેખાડવાનો મોહ એ જે બાહોશ, કાબેલ અને દાબ પાડનાર અમલદારનાં લક્ષણ ગણાતાં હોય તો સરકારે અને સરકારના અમલદારોએ ગ્રામોન્નતિનું કાર્ય સરકારી નોકરીદ્વારા પાર પાડવાની આશા મૂકી દેવી, ધમકાવીને, દબાવીને, થથરાવીને કામ લેવામાં કાબેલિયત અને બાહોશી માનનાર નોકરશાહીનું કાર્ય ધૂળ ઉપર લીપણું સરખું મિથ્યા છે. અમુક અંશે નોકરશાહીની જરૂર તો રહેવાની જ છે એટલે એ પણ કાર્યસાધક માર્ગે જઈ શકે એમ છે.

શાહુકાર
શાહુકારો પોતાના ધનની સાચવણી અને વૃદ્ધિ સાથે પોતાના દેણદારોની જોડે સચ્ચાઈભર્યું વર્તન રાખે, વ્યાજના ભારણમાં તેમને દાટી ન દે, અને તેમની આર્થિક સ્થિતિ સુધરતી જાય એવા જાતે જ પ્રયાસો કરે તો શાહુકાર વર્ગ ગ્રામોન્નતિમાં સારો ભાગ ભજવી શકે. શાહુકારનું ધન એ હવાડાનું પાણી છે. એ હવાડો ગ્રામજનતાના કૂવામાંથી જ ભરી શકાય. એ કૂવો ખાલી કરી નાખનાર શાહુકાર પોતાના જ પગ ઉપર કુહાડી મારે છે.
જમીનદાર
મોટી ખેતીવાળા જમીનદારનો એક વર્ગ ઊભો થતો જાય છે, અને જૂની ઢબના જાગીરદાર, ઈનામદાર અને વતનદારની માફક ગ્રામજીવનમાં તે ભારણરૂપ બનતો જાય છે. નિરુપયોગી અને ભારણ બનતી સંસ્થાઓ અને વ્યક્તિઓને કુદરતનાં જ બળ લુપ્ત કરી નાખે છે. કુદરતનાં કઠોર બળથી ઉગરવું હોય તો ગ્રામજીવનમાં આગેવાન તરીકે

આ જમીનદારોએ સારો ફાળો આપવો પડશે. ખેતીમાં પ્રયોગો, નફામાં પ્રત્યક્ષ કામ કરનાર ખેડૂતોને ભાગ આપવાની સાચી વૃત્તિ, સહકાર્યની યોજના, અને ખેડૂતોનાં સુખદુઃખને પોતાનાં કરી લેવાની આવડત : એ તરફ જમીનદારો નહિ વળે તો કીસાનપ્રવૃત્તિ તથા ગણોતિયાઓની ચળવળ જેવા સામાજિક અને આર્થિક અસંતોષના ધરતીકંપ ગ્રામજીવનને હલાવી નાખશે એટલું જ નહિ પણ ઉથલાવી નાખશે. જમીન, જમીનદારી, શાહુકારી, અમલદારી અને રાજસત્તા એ સર્વ આ ભયાનક ધરતીકંપનો ભોગ થઈ પડે તે પહેલાં ભૂખી ગ્રામજનતાને પોષણ આપવાનું, વસ્ત્રહીન ગ્રામ જનતાને ઢાંકણ આપવાનું, અને ઉપર આકાશ અને નીચે ધરતીની નિરાધારતા અથવા બેજવાબદાર બેલગામ બની ગએલું ઝનુન અનુભવતી ગ્રામજનતાને રહેવા માટે ઘર, જીવવા માટે રોટલો, પહેરવા માટે વસ્ત્ર અને માનવતા સચવાય એ માટે આશાભર્યો ઉત્સાહ આપવાનું કાર્ય સહુએ કરવાનું છે.

ગ્રામજીવનના
આત્માની સંભાળ
અમલદાર, શાહુકાર, જમીનદાર અને ગ્રામસેવક સહુએ ગ્રામ-જનતાને ગળે બંધાયલા દેવાનો વાગતા ઘંટ સાંભળવા જેવા છે :--

સને ૧૯૧૧માં મેક્લેગન સમિતિમાં બ્રિટિશ હિંદના ગ્રામવિભાગનું દેવું ૩ અબજ = ૩૦૦ કરોડ જેટલું હતું એવો હિસાબ કાઢ્યો હતો.

ચૌદ વર્ષ પછી સને ૧૯૨૪માં ડાર્લીંગે અંદાજ કાઢ્યો તો એ દેવું વધીને ૬ અબજ = ૬૦૦ કરોડ જેટલું થયેલું જણાયું.

પછી બેન્કીંગ તપાસસમિતિ મળી. તેણે ૯ અબજ = ૯૦૦ કરોડ જેટલો ગ્રામદેવાનો અંદાજ કાઢ્યો.

આ અંદાજ પછી તે આર્થિક મંદીનાં એવાં વર્ષો આવવા માંડ્યાં છે કે એ દેવાના અંદાજની ડુંગર ૯૦૦ કરોડ જેટલી રકમ કરતાં કૈંક વધી ગયો છે. એનો આંકડો નક્કી કરવાની કડાકૂટ જ નિરર્થક બની જાય છે. દેવું ૯૦૦ કરોડથી બમણું થઈ ગયાનું આંકડાશાસ્ત્રીઓ બ્હીતે બ્હીતે જણાવે છે. કૃષિની પેદાશના ભાવ બેસી ગયા, અને વધારે ભાવ વખતે કરેલાં દેવાનો નિકાલ કરવાની જવાબદારી ગ્રામ જનતાને માથે ઊભી રહી છે.

બીજી બધી બાબતો બાજુએ મૂકીએ તો પણ આ એક ભયાનક ઓથાર નીચે દબાયલી ગ્રામજનતામાં ગ્રામોન્નતિ માટે અભિલાષા જાગે એટલો ભાર તો જરૂર હળવો કરે પડશે. શ્વાસ ન લેવાય એટલા બોજા નીચે કચરાયલી ગ્રામજનતા મૃતપ્રાય બને તો ગ્રામજીવન જ ભાંગી પડશે, અલોપ થઈ જશે, અને સહુના ખજાના ખૂટી સહુ ભૂખે મરશે. ગ્રામજીવન મરતાં આખું હિંદ મર્યું સમજવું. ગ્રામોન્નતિનો સઘળા આધાર ગ્રામજનતાના આત્મા ઉપર, એ આત્માની જાગૃતિ ઉપર, એ જાગૃતિની ગ્રાહકશક્તિ ઉપર રહેલો છે. એ આત્મા જીવતો રહે, જાગૃત રહે, અસર ઝીલે એટલે પ્રફુલ્લ રહે તો જ ગ્રામોન્નતિ શક્ય છે. ભાડુતી માણસો રાખી અનાજ અને અન્ય સમૃદ્ધિ ઉપજાવવાનો સમય આવી પહોંચે તે પહેલાં કૃષિની આસપાસ વિકસી નીકળેલી ગ્રામસંસ્કૃતિને જીવંત રાખવામાં સહુનો સ્વાર્થ છે.

ગ્રામજનતાનો સ્વાશ્રય
અંતે તો ગ્રામોદ્ધાર એ ગ્રામજનતાના સ્વાશ્રય ઉપર આધાર રાખે છે. બહારથી કોઈ આવી ગ્રામોદ્ધાર કરી જાય એ કદી બનવાનું નથી, અને રશિયાની માફક રાજસત્તા જ ગ્રામજીવનનો ચહેરો બદલી નાખે એ આજના હિંદ માટે બહુ શક્ય નથી. જે કાંઈ થઈ શકે તે એટલું જ કે

ગ્રામજનતાની મુશ્કેલીઓ સહાનુભૂતિથી સમજી લઈએ. ગ્રામજનતા સમજવાળી, સ્કૂર્તિવાળી અને સ્વાશ્રયી થાય એવા પ્રયત્નો સતત કરવા. એનું નામ ગ્રામોદ્ધારનું કાર્ય. એટલે ગ્રામોદ્ધારનો મહામંત્ર તો ગ્રામજનતામાં જ ચેતન જગાડવાનો છે, ગ્રામજનતામાં જ ઉન્નતિની ઝંખના જાગ્રત કરવાના છે. ગ્રામજનતા ઉન્નતિને, પ્રગતિને, વિકાસને ઓળખી તે ભાગે આગળ વધ્યા જ કરે એવાં સાધનો ગ્રામજનતા પાસે મૂકવાનો, એવાં સાધનો ગ્રામજનતા મેળવે એ જોવાનો પ્રયત્ન એ આજની ગ્રામોન્નતિનું મહાકાર્ય. ગ્રામોન્નતિ ખરી રીતે ગ્રામજનતાની અભિલાષામાં જ રહેલી છે. એ અભિલાષા જાગ્રત કરવાનું, એ અભિલાષા પોષવાના માર્ગદર્શનનું કામમાત્ર ગ્રામોન્નતિમાં રસ લેનારે કરવાનું છે. એ કામ કાંઈ સહેલું નથી.

કેન્દ્ર સ્થાપના
ગ્રામોન્નતિની અભિલાષા ગ્રામજનતામાં જાગૃત કરવા માટે પ્રથમ તો એક ગામ અગર ગ્રામસમૂહની પસંદગી કરી ત્યાં કેન્દ્ર સ્થાપન કરી સ્થાપના કરનાર વ્યક્તિ કે સંસ્થાની આવડત, ચારિત્ર્ય અને સંસ્કારનાં દૃષ્ટાંત અને પદાર્થ પાઠ દ્વારા બનતી પ્રવૃત્તિઓનો વિકાસ કરી શકાય. એક કેન્દ્રની સ્થાપના પ્રયોગ તરીકે સફળ નીવડે તો એ પ્રયોગ આપોઆપ અગર સહજ મહેનતથી આગળ વધારી શકાય.

એ કેન્દ્રમાં કેળવણીના પ્રયોગ થાય, દવા અને ઉપચાર પણ થાય, તથા ખેતીના કે ગૃહઉદ્યોગના અખતરાઓ પણ થઈ શકે. સગવડ પ્રમાણે અમુક તત્ત્વ ઉપર પ્રથમ ભાર મૂકી બીજાં તો દાખલ કરી શકાય. એટલે ગ્રામોન્નતિના પ્રયોગ શાળા, દવાખાનાં, કૃષિક્ષેત્રો અને ઉદ્યોગમંદિરની આસપાસ થઈ શકે.

આવાં કેન્દ્ર સરકાર પણ સ્થાપી શકે અને ખાનગી વ્યક્તિઓ પણ સ્થાપી શકે. આ યોજના સહજ ખર્ચ માગે-જે સેવાભાવી કાર્યકર્તાઓનો સમૂહ આ કેન્દ્રના કાર્યમાં જોડાયો ન હોય તો. પરંતુ એ ખર્ચ એવો ન હોવો જોઇએ કે જે કામ કરનારને સાહેબ બનાવી ગ્રામજનતાથી જુદો પાડી દે.

સામાન્ય સહાયના
માર્ગ
સ્વપોષણની શક્તિ જેનામાં ન હોય, જેને ગુજરાન ચલાવવાની ફીકર ચિંતા હોય, જેની જરૂરિયાતો શહેરી ઢબની હોય, જેનાથી અડચણ વેઠી શકાય એમ ન હોય એનાથી ગ્રામોદ્ધારનું આખું કાર્ય માથે ન જ લેઈ શકાય. એવા માણસે ખાદી વાપરીને, ગ્રામ-ઉદ્યોગથી બનતી વસ્તુઓ ખરીદીને અને સાદાઇથી રહીને ગ્રામોદ્ધારના કાર્યમાં પરોક્ષ સહાય આપી શકે.

ગ્રામોદ્વાર ઈચ્છતા સેવકથી ગામ ઉપર ભારણ રૂપ ન જ બનાય. એનું પોષણ એણે જાતે મેળવી લેવું રહ્યું. ગામ ઉપર પોષણનું ભારણ નાખી ગ્રામસેવા કરવા જનારની પ્રતિષ્ઠા જામતી જ નથી અને તેના હેતુની પ્રમાણિકતા ઉપર જનતાને વિશ્વાસ બેસતો જ નથી. આપણા દેશની ઘણી સેવાઓ આવી વૃત્તિને લીધે સફળ થઈ શકતી નથી.

ધૂન
એકલી ધૂનથી પણ ગ્રામોદ્ધારનું કાર્ય ન થાય. સેવાવૃત્તિ ઘણી વખત ઉભરા સરખી ક્ષણિક અને ધુમ્મસ સરખી પોકળ હોય છે. ધૂન એ આવશ્યક વસ્તુ છે, છતાં એ ધૂનની સાથે અભ્યાસ, લોકોની જરૂરિયાતો અને લોકોના સ્વભાવનો સહાનુભૂતિભર્યો પરિચય, લોકોને રુચિકર થઈ પડવાની આવડત અને છાપ પડે એવું ચારિત્ર્ય, આર્થિક અને નૈતિક પ્રલોભનથી પર રહેવા જેટલો સંયમ અને નૈતિક બળ, ગામની પક્ષાપક્ષીથી દૂર રહેવા જેટલી અલિપ્તતા અને કીર્તિની ઝંખનાનો અભાવ એટલા ગુણ કેળવ્યા સિવાય એકલી ધૂન નિરર્થક

છે. એકલી ધૂન બહુ ઝડપથી ઓસરી જાય છે. એમાં નિરાશા, નિષ્ફળતા અને પ્રત્યાઘાત અચૂક ઉત્પન્ન થાય છે.

થોડું થોડું કાર્ય
આવી કેન્દ્ર સ્થાપના ઉપરાન્ત બીજા પ્રકારોને પણ ગ્રામોન્નતિ અર્થે ઉપયોગ થઈ શકે એમ છે. અમલદાર પોતાની ફેરણીમાં ગ્રામોન્નતિનાં અનેક કાર્યો–સફાઈનાં, તંદુરસ્તીનાં, સમૂહ બળના ઉપયોગ દ્વારા રસ્તા ઠીક કરાવવાનાં વગેરે કરી શકે; શિક્ષક ગામે રહીને શિક્ષણ વિસ્તારી શકે અને રમતગમત દ્વારા ગ્રામજીવનમાં બળ અને ફૂર્તિ લાવી શકે; ડૉક્ટરો ગામડાના દેહને તપાસી શકે; વિદ્યાર્થીઓ રજાના સમયનો ગ્રામોન્નતિમાં

ઉપયોગ કરી શકે. આમ જેનાથી બને તેણે ધર્મ સમજીને ગ્રામોન્નતિના કાર્યમાં સહાય અને સમય આપવાં જ જોઇએ. વર્ષમાં મહિનો, મહિનામાં અઠવાડિયું અને અઠવાડિયામાં એક કલાક પણ સહુ કોઈ ગ્રામોન્નતિના કાર્યમાં ગાળે તો ગ્રામજનતાના કેન્દ્રમાં રોકાયા સિવાય અને પોષણના માર્ગો માટે શહેરનો વસવાટ જરૂરી હોય તે છતાં ગ્રામોન્નિતિના કાર્યમાં કૈંક ફાળા સહુ કોઈ આપી શકે.

મંડળો
શહેરનાં મંડળો–સમાજ સેવાનાં, વ્યાયામનાં, બાળચમુના, સ્ત્રીઓનાં, વિદ્યાર્થીઓનાં–પણ ધારે તો શહેર પાસેનાં ગામડાંમાં ગ્રામોન્નતિનો કાર્યક્રમ ગોઠવી શકે. આર્થિક અને સામાજિક ઉન્નતિના બધા જ માર્ગ એક સાથે લેવા જ જોઈએ એમ નથી. ગ્રામજનતા સાથે હળવાભળવાનું કાર્ય પણ બહુ જરૂરી છે. તેમના જીવનનો અભ્યાસ પણ થઈ શકે. તેમનાં ગીતો, રમતગમત વગેરેમાં પણ રસ લેઈ શકાય. તેમની સાથે વાર્તાલાપ થઈ શકે. તેમને સમજાય એવાં વ્યાખ્યાનો, વાર્તાઓ, ગીત, ભજન, રાસ, નાટકો, સંવાદો વગેરે પણ મંડળો દ્વારા યોજી શકાય, અને ગ્રામજનતામાં જાગૃતિ લાવી શકાય.

ગ્રામોન્નતિ રમત
નથી
ગ્રામોન્નતિની ધૂન હોય પરંતુ એમાં પ્રવેશ શી રીતે કરવો એ પ્રશ્ન ઘણી વાર ઊભો થાય છે. સેવાવૃત્તિ અને પોષણની ચિંતાનો અભાવ એ બે આવશ્યક લક્ષણોવાળી ધૂન હોય તો કેન્દ્ર-સ્થાપના કરી ગામડામાં બેસી જવું, અને તેમ ન હોય તો ગ્રામોન્નતિનાં અનેક પાસાંમાંથી એકાદને સહાયભૂત થવા માટે અંગશક્તિ, ધન અગર બુદ્ધિનો ઉપયોગ કરવો. સાચી ઉન્નતિ ઉપરછલી રમત નથી માગતી. ગ્રામોન્નતિ સાથે રમત ન જ થાય. ડોળ વગર, સાચા ભાવથી, જેટલી બને એટલી નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ ગ્રામજીવન સાથે સંપર્કમાં આવીને કરવી એ સહુનું કામ બની જાય છે. હિંદની સર્વ શક્તિ, સર્વ બુદ્ધિ અને સર્વ લાગણીનો ગામડાંને ખપ છે. એને માટે પાત્રતા અને તૈયારી પણ જોઇએ. ગ્રામજીવનના પ્રશ્નોનો અભ્યાસ, ગ્રામજીવનમાં પ્રવેશવાની, તેમાં રહેવાની અગર તેમાં જવરઅવર કરવાની તાલીમ, ગ્રામજીવનની રસમય બાજુ ઓળખવાની અને તેને આગળ લાવવાની શક્તિ એટલું તો પ્રાથમિક પાત્રતા તરીકે ગણી શકાય.
કાર્યક્રમ
એ પાત્રતા મેળવ્યા પછી કેન્દ્ર સ્થપાય તો તેમાં અને તે ન બને તો કોઈ ગામડાંને સંસર્ગ રાખી વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષનો સતત કાર્યક્રમ પોતાની રુચિ, શક્તિ અને ગામડાની પરિસ્થિતિનો વિચાર કરી ગોઠવી રાખવો. એ કાર્યક્રમમાં શિક્ષણ હોય, અંત્યજોદ્ધાર હોય, સ્વચ્છતા હોય, અને આર્થિક પુનર્ઘટનાનો વિષય પણ હોય; એમાં ખેતી, ગૃહઉદ્યોગ, બજારબંધારણ, સહકાર્ય, દેવાંનો અભ્યાસ કે નિકાલ જેવી બાબતો પણ હાથ ઉપર લેઈ શકાય. વળી સમાજસુધારણાની પ્રવૃત્તિમાં વ્યક્ત થતા કાર્યક્રમ પણ ઘડી શકાય, જેમાં ખોટાં ખર્ચથી ગ્રામજનતાને ઉગારવા મથન થાય અને લાંચરુશ્વત વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી શકાય. રોગીની સારવાર, અને આરોગ્યરક્ષણ પણ મહત્ત્વનો કાર્યક્રમ બની

શકે. ગ્રામજીવનના આનંદવિભાગને પણ નાટક, ગીત, સંમેલનો, કવાયત, રમતગમત જેવાં કાર્યથી ખીલવી શકાય. આમ એક અગર એક કરતાં વધારે બાબતો હાથ ઉપર લેઈ તેમને વર્ષોવર્ષ વિકસાવ્યા કરવી એ જ ગ્રામન્નિતિનો માર્ગ. એ સહુને માટે ખુલ્લો છે. એક વિભાગ જાગૃત થતાં બીજા વિભાગો ઉપર પણ અસર થશે જ, અને બે પાંચ વર્ષમાં ગામના જ કાર્યકર્તાઓ તૈયાર કરી શકાશે. ગામના જ રહીશોમાંથી કાર્યકર્તાઓ જાગે એટલે ગ્રામોન્નતિનો કાર્યક્રમ સફળતાને માર્ગે ચઢી ચૂક્યો એમ સમજવું.

શહેર અને ગામડાં
શહેર–નગરની અતિ પ્રવૃત્તિનો થાક ઉતારવા માટે ગ્રામકાર્યમાં થોડા સમય માનવી રોકી શકે. શહેરની હાયવરાળ, ધન શોધવાની લોલુપતા, શરીર અને મનની ચોવીસે કલાકની વ્યગ્રતા, કાર્યને ભચડી ભચડીને સમયમાં ભરવાની ઉતાવળ, ઊભે શ્વાસે સતત ચાલતી દોડધામ અને માનવતાનો ઉપરછલો–ઝળકતો સ્પર્શ શહેરી જીવનને રોગીષ્ટ બનાવે છે. એ રોગનો ભાર હળવો કરવા માટે પણ ગામડાં જરૂરી છે. ઇશ્વરે – કુદરતે ગ્રામવિભાગમાં બગીચા સર્જ્યા છે, સાધનોના ભંડાર

ભર્યા છે, જીવનને શાન્તિ આપતાં, આરોગ્ય આપનાં તત્વો છૂટે હાથે વેર્યા છે. એમાં શાન્તિ છે, નિવૃત્તિ છે, સંતોષ છે; જગતને સ્વાથ્ય આપનારાં બલો છે. ગ્રામવર્તુલમાં કવિતા છે, સંગીત છે, સાત્ત્વિક સૌન્દર્ય છે, ફિલસૂફી છે, ભક્તિ છે. જગત અને જગતની પાર નજર નાખવાની બારીઓ ગ્રામજીવનમાં અસંખ્ય છે.

ગામડું આપણું દેવ
મંદિર

એ મંદિરના દેવ પોઢ્યા છે. એ દેવને જગાડવા એટલે હિંદ સમસ્તના – જગત સમસ્તના આત્મદેવને જગાડવા.

પુષ્પ, પત્ર, ફળ, પાણી, કંકુ, ચંદન, ધૂપ જે કાંઈ લઈ જવાય તે આપણે એ મંદિરમાં લઇ જઇએ, અને નાનો સરખો પણ ઘંટનાદ ભક્તિભાવ પૂર્વકકરીએ.

ગ્રામદેવતા જાગશે ત્યારે હિંદને દેવતા જાગશે.

હિંદનો દેવતા જાગ્યે જગતમાંથી ક્લેશ, કંકાસ, યુદ્ધ, ખૂનામરકી, ખેંચાખેંચી અદૃશ્ય થઈ જશે; જગત સમસ્તમાં ફૂલની ખુશબો અને સંગીતનું માધુર્ય ફેલાશે; ઉષારંગી કલાકૃતિઓ ખેંચાશે; માગ્યા મેહ વરસશે; અને ગરીબ તવંગર જેવા શબ્દો ભૂંસાઈ જઈ પ્રત્યેક માનવી સાચા સંસ્કાર ઝીલશે. જેટલી માનવતા ગામડાંમાં વિકસશે તેટલી જ આપણાં શહેરોમાં, આપણા સંસ્કારમાં, આપણા ચારિત્ર્યમાં, આપણા જીવનમાં આવશે. માનવતાની ફુવારો ગામની સપાટી જેટલો જ ઊંચો નીચો ઊંડો. ગામડાં નીચાં તો જગત નીચું. ગામડાં ઊંચાં તે જગત ઊન્નત.

આપણે સહુ નિશ્ચય કરીએ તો ગ્રામોન્નતિનો માર્ગ જડશે જ.