લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/ ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ

વિકિસ્રોતમાંથી
← ૨૫ ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો ગ્રામોન્નતિ
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ
રમણલાલ દેસાઈ
૨૭ આદર્શ ગામડું →

૨૬
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ
પ્રદર્શન
ઘણી વખત ગ્રામજીવનને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે : ગામડાનું જીવન એ પ્રદર્શનમાં વ્યક્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રામજીવનમાં રસ ઉપજાવવા, ગ્રામજીવનની રસભરી કે વિકૃતિભરી સ્થિતિનો ખ્યાલ સહુને કરાવવા માટે આવાં પ્રદર્શન બહુ ઉપયોગી છે. ઘણું ખરું ઉદ્યોગ કે ખેતીના પાકના નમૂનાઓ ભેગા કરી પ્રદર્શન ભર્યાનો સંતોષ ધારણ કરવામાં આવે છે. અને પ્રદર્શન મોટે ભાગે ખેતીના પાક, કે ગ્રામઉદ્યોગની વસ્તુઓના સંગ્રહમાત્ર બની રહે છે. એ સંગ્રહો જરૂરના છે, પરંતુ ગ્રામજીવન એ માત્ર જુવાર, બાજરી કે ઘઉંની મૂડીમાં જ સમાય છે, અગર હળ, કરબ કે ઇયળ કાતરાનાં ચિત્રોથી જ ઓળખાય છે એમ માનવું ભૂલભરેલું છે. આવાં પ્રદર્શનો સંપૂર્ણ અને રસપ્રદ બને તે માટે ગ્રામજીવનને સમેટી લે એવી તેના અંગેની રૂપરેખાનું નિરૂપણ એ પ્રદર્શનમાં હોવું જોઈએ.

ગામડાંની કુદરત સુંદર અને વિવિધતા ભરી છે. એ જ પ્રમાણે ગ્રામજનતા પણ ચિત્રવિચિત્ર મુખ, કેશ અને વસ્ત્રાલંકારથી ગામડાને આકર્ષક બનાવી રહી છે. વળી ગામડાનાં પણ દૃશ્ય ગામડાની વિશિષ્ટ સુંદરતાને વ્યક્ત કરે એવાં હોય છે. આ બધાંનો ખ્યાલ રાખી નક્શા, ચિત્રો, વસ્તુઓ, પૂતળાં, બનાવટો અને સજીવ માણસોની સુવ્યવસ્થિત ગોઠવણી કોઈ પણ ગ્રામપ્રદર્શનને ઉપયોગી અને ગ્રામના પ્રતિબિંબ સરખું બનાવી શકાશે. ગ્રામજીવનને માત્ર ધૂળકોટ માનનાર સુખવાસીઓ તથા નફા મેળવવા પૂરતું જ ગામને ઓળખનાર દલાલો અને વ્યાપારીઓ તેની બીજી બાજુ પણ એથી જોઈ શકશે અને ગામની અડચણોના ઓળા દેખી ભાગનારને ગામ તરફ વધારે આકર્ષણ થશે.

૧ ભૌગોલિક વિભાગો

પ્રથમ તો ગુજરાતનું ગ્રામજીવન લગભગ ચાર ભૌગોલિક વિભાગ Geographical divisions – માં વહેચાઈ ગયેલું છે. એના નીચે પ્રમાણે ચાર મુખ્ય વિભાગો પાડી શકાય એમ છે :

ભોગોલિક વિભાગો

(૧) કાઠિયાવાડનાં ગામ,
(૨) ઉત્તર ગુજરાતનાં ગામ,
(૩) મધ્ય ગુજરાતનાં ગામ,
(૪) દક્ષિણ ગુજરાતનાં ગામ.

આ ચારે વિભાગનાં ગામડાંની વિશિષ્ટતા અનેક રીતે પ્રદર્શનમાં લાવી શકાય એમ છે. જે તે વિભાગની જમીન, પાક, ફળ, ફૂલ, મંજરી, છોડ, પાન, કંદ, મુળ, વૃક્ષ, વરસાદના આંકડા, જાનવરો, પહાડ, નદી, જંગલ અને ખનિજના નમૂના આપી પ્રત્યેક વિભાગની વિશિષ્ટતા સમજી-સમજાવી શકાય એમ છે.

૨ અંગશૃંગાર – Personal Decorations.

આ ચારે ભૌગોલિક વિભાગનાં સ્ત્રી, પુરુષ અને બાળકોને તેમનાં

અંગશૃંગાર
શરીર ઉપરથી તેમ જ પહેરવેશ ઉપરથી પણ આપણે ઓળખી શકીએ છીએ. ચોરણાવાળો કાઠિયાવાડી ખેડૂત, મારવાડનો પડોશ સૂચવતી ઉત્તર ગુજરાતની ફરતા ઘાઘરાવાળા ઠાકરડી, મધ્ય – ગુજરાતનો સાદો ખેડૂત અને ધાતુનાં કે કડીનાં ઘરેણાંથી ખડકાયલી દક્ષિણ ગુજરાતની ચોધરણ એ બધાં મુખના તેમ જ વિવિધતા ભર્યા પોષાકના નમૂના પૂરા પાડે એમ છે. એ મુખ અને અલંકારમાંથી જાત, જાતમિશ્રણ અને સંસ્કૃતિનો ઉંડો અભ્યાસ થઈ શકે એમ છે. પ્રદર્શનમાં અંગશૃંગારને લગતાં સ્ત્રી, પુરુષ અને બાળકનાં નીચેનાં સાધનો યોજી શકાય :—

(૧) પોષાક,
(૨) ઘરેણાં, અને
(૩) મુખશૃંગાર – Toilet :

જેમાં વાળની ઢબ, તેલફૂલેલના પ્રકાર, કપુર કાચલી કે ચંદન સુખડ જેવાં અંગને સ્વચ્છ અને સુગંધીત બનાવનારાં દ્રવ્ય, કાજળ, છુંદણાં, મેંદી, રંગ વગેરે ગણાવી શકાય એમ છે.
૩ ધ્યાન ખેંચે એવા વિશિષ્ટ દેખાવ કે પોશાકવાળા લોક :
વિશિષ્ટ મુખ અને
વસ્ત્રવાળી જનતા
ચિત્ર, છબી કે પૂતળાંદ્વારા મુખ – વિશિષ્ટતાથી કે પહેરવેશની ભિન્નતાથી નીચે દર્શાવ્યા પ્રમાણેનો લોકોનો એક વિભાગ પણ પ્રદર્શનમાં રોકી શકાયઃ—


(अ) જાત ઉપરથી ઓળખાતા લોકો : (૧) કાઠી,
(૨) ગીરાસીઆ,
(૩) ભરવાડ – રબારી,
(૪) વાઘેર,
(૫) કોળી – ભીલ, વસાવા, ઠાકરડા,
(૬) ધારાળા,
(૭) પાટીદાર,
(૮) દુબળા – ગામીત, ચોધરા, ઘેાડીઓ વગેરે
રાનીપરજના લોકો,
(૯) મેમણ,
(૧૦) વહોરા,
(૧૧) વાણીઆ – શાહુકાર,
(૧૨) પારસી – શહેરી અને પીઠાંવાળા, વગેરે.

(ब) ધંધાદારી લોકો :

ધંધાદારી લોકો

(૧) ખેડૂત,
(૨) મજૂર,
(૩) સુતાર,
(૪) લુહાર,
(૫) વણકર,
(૬) ચમાર,
(૭) ગોવાળ,
(૮) વલોણું વલોવતી સ્ત્રી,
(૯) નટ,

(૧૦) મદારી,
(૧૧) લવારિયાં, વણઝારા,
(૧૨) બ્રાહ્મણ – સાધુ – ફકીર વગેરે.

૪ ગૃહ અને ગૃહશૃંગાર.
ગૃહરચના અને ગૃહ-
શૃંગાર
વળી ગૃહ અને ગૃહશૃંગારની પણ કેટલીક વસ્તુઓ ગ્રામજીવનમાં સહુને રસ લેતી કરે એવી હોય છે. તે વસ્તુઓ દ્વારા પણ પ્રદર્શનનો એક વિભાગ રચી શકાય, જેમાં નીચેની વિગતો આવી શકે:—


(૧) પ્રદેશવાર ગામની રચનાના નમૂના.
(ર) પ્રદેશવાર મકાનોની રચનાના નમૂના.
(૩) પ્રદેશવાર તબેલા – ગમાણની રચના.
(૪) વાડા – બાગ – Kitchen Gardens.
(૫) આંગણું.
(૬) તુળસીક્યારા.
(૭) હીંચકા – ઘરમાં, આંગણામાં અગર ઝાડ ઉપર બાંધેલા.
(૮) છીપાં – સાથિયા.
(૯) ગણેશ, નાગ, માતા જેવાં ચિત્રકામ.
(૧૦) લીંપણની ઓકળીઓ.
(૧૧) પાણીઆરાં.
(૧૨) ઉતરેડ – વાણસો મૂકવાની ગોઠવણ.
(૧૩) ખાટલો – સાંગામાચી.
(૧૪) દીવી – શમેદાની.
(૧૫) હીંચકાની સાંકળો.
(૧૬) બળદની ઘુઘરમાળ – શિંઘોટી – ઓઢા. (૧૭) ત્રાંબાકુંડી.
(૧૮) ચલાણાં, કાંસકી, આયના, કંકાવટી.
(૧૯) ઉઢાણી.
(૨૦) લાકડી – દંડા – ડાંગ.

૫ ગામને ઓળખાવતાં વિશિષ્ટ દૃશ્યો :
વિશિષ્ટ દૃશ્યો
એથી આગળ વધીશું તો ગ્રામજીવનની સાથે ઓતપ્રોત થએલાં છતાં ગામડાને સ્પષ્ટપણે ઓળખાવી દેતાં નીચેનાં દૃશ્યો પણ આપણે પ્રદર્શનમાં યોજી ગ્રામજીવનની તાદૃશ્યતા લાવી શકીએ :—

(૧) વિસામા.
(૨) પરબ.
(૩) તલાવ – ઓવારો – ખડીઆટ – બંધારો.
(૪) કૂવો - હવાડો.
(૫) વાવ.
(૬) પરબડી.
(૭) ચોરો.
(૮) ચૉતરો – ઝાડની આસપાસનો.
(૯) મંદિર – દીપમાળ – માંડવી.
(૧૦) ધર્મશાળા.
(૧૧) શાળા.
(૧૨) વાડી.
(૧૩) ગૌચર.
(૧૪) આંબાવાડિયું – વૃક્ષરાજી – વૃક્ષોની જાત.
(૧૫) ગંજી.
(૧૬) સમાધિ. (૧૭) ખેતર – ખેતરનો માળો.
(૧૮) પશુઓની જાત અને તેમનાં ટોળાં – પાળેલાં અને ન
પાળેલાં, નાનાં તથા મોટાં.
(૧૯) ગ્રામપક્ષીઓ – મોર, કોયલ, પોપટ, સુડા, સુગરી,
ચકલી, કાબર, તીતર, હોલા, દીવાળીઘોડા, લક્કડખોદ,
ચાસ, કબૂતર, જળકુકડી, મરઘડાં, કાગડા, સમડી,
ગીધ, સારસ, ઘુવડ, વાગોલ, બાજ, કળકળીયાં વગેરે.
(ર૦) પક્ષીઓના માળા.
(૨૧) પાળીયા – ગામડાનું શૌર્યદર્શન.

૬. સામાજિક જીવનનાં કલામય દૃશ્યો :- Cultural
Expressions of Social life.
કલામય દૃશ્યો
ગ્રામજીવન રસરહિત બનતું જાય છે – નિર્જીવ બનતું જાય છે એ ખરું. પરંતુ નિર્જીવ બનતે બનતે પણ કલામય દૃશ્યો તે હજી સામાજિક અને સમૂહજીવનને વ્યક્ત કરતા કલામય અંશો સાચવી રહ્યું છે. એના ઉપર ભાર મૂકવાથી, એને ખીલવવાથી, આપણે ગ્રામજીવનમાં રસ લઈ – લેવડાવી શકીશું. હજી પણ રમતગમત અને ઉજાણી મેળામાં સમૂહજીવનનાં સુંદર દૃશ્યો કેટલાંક ગામડામાં સચવાઈ રહ્યાં છે. ગ્રામજીવનનું પ્રદર્શન એ દૃશ્યો વગર અગર એ dRશ્યોનાં પ્રતિબિંબ વગર ઉણું – અધૂરું રહેશે. એ દૃશ્યોની તારવણી નીચે પ્રમાણે કરી શકાય :—

(૧) ઉજાણી.
(૨) મેળા.
(૩) બજાર – હાટ.
(૪) ગરબા. (૫) દાંડિયારાસ.
(૬) લોકનૃત્ય – Folk - dance, જેને દાંડિયા, ભૂંગળ, ઢોલ, તૂર, રણશિંગું, શંખ કે શરણાઈ જેવાં સાધનો હજી પણ અજબ વેગ આપી શકે છે.
(૭) રમતો.
(अ) ગૃહરમતો – Rual – Indoor-Games.
(૧) કુકા.
(૨) પાંચીકા.
(૩) શોકટાંબાજી.
(૪) ગંજીફો.
(૫) પાસાબાજી.
(૬) ઢીંગલાં.
(૭) અલ્લક્ દલ્લક.
(૮) ભમરડા દોરી.
(૯) લખોટીઓ.
(૧૦) બરુનાં રમકડાં.
(૧૧) ફેરફૂદડી.
(ब) ઘરબહારની – મયદાની રમતો - Outdoor Games.
(૧) ગીલીદંડા.
(૨) ગેડીદડા.
(૩) લકડીપટા.
(૪) આમળીપીપળી.
(૫) સાતતાળી.
(૬) વાઘબકરી. (૭) દહીનો – ડાહીનો ઘોડો.
(૮) સંતાકુકડી.
(૯) તરવું.
(૧૦) કુસ્તી.
(૧૧) ઘોડેસ્વારી.
(૧૨) ડમણી – રથ– માફા –વ્હૅલ-ની શરતો.
(૧૩) ગોફણ – ગલોલ.
(૧૪) તીર.
(૧૫) પાટ.
(૧૬) ચકભીલ્લુ.
(૧૭) પતંગ.
(૮) વરઘોડા.
(૯) ધાર્મિક સરઘસ.
(૧૦) ફૂલમંડળી, શિવકમળ વગેરે દેવસમીપની યોજનાઓ.
(૧૧) કથા, વાર્તા, ભજન જેમાં નીચેના લોકો મુખ્ય ભાગ
ભજવે છે.
. (૧) શાસ્ત્રી.
(૨) ભાટ.
(૩) ચારણ.
(૪) માણભટ્ટ.
(૫) ભજનિક.
(૬) મીર – ઢાઢી.
(૧૨) ઘાટ કે કૂવા ઉપરની પનિહારી.
(૧૩) વાંસળી વગાડતો અગર ખભે લાકડી મૂકી હાથ ટેકવતો
ગોવાળ.
(૧૪) ભવાઈ – તુરી – રામલીલા.
(૧૫) નટ – મદારી - ચામખેડા – પૂતળીઓના ખેલ કરનારા,
સ્વર્ગાનિસરણી બતાવનારા, બહુરૂપી જેવા મનરંજન
કરનારા ધંધાદારીઓ.
(૧૬) રાવણાં – કસુંબા – દાયરા.
(૧૭) લગ્નક્રિયા.
(૧૮) ભૂવા.

આ બધી વિગતો ગ્રામજનતાનું આખું માનસ સમજવા માટે જરૂરની છે. પ્રદર્શનમાં તેમને યોગ્ય રીતે ગોઠવીને આપણે ગ્રામજીવન તરફનો ઘટતો જતો રસ વધારી શકીએ એમ છે – દેખાવ પૂરતા રસને સાચો બનાવી શકીએ એમ છે. અલબત્ત ખેતીના પાક, ઓજાર અને જાનવર એ તો પ્રદર્શનમાં મુકાય છે તેમ મુકાવાં જ જોઇએ.

જે તે વિભાગના ઈતિહાસ - પ્રાચીન તેમ જ ચાલુ - ને પણ ગ્રામજીવનના પ્રદર્શનમાં યોજી શકાય, અને ગ્રામ અભિમાન પ્રફુલ્લિત થાય એવા સ્થાનિક પ્રસંગો અને બનાવોને પણ તેમાં સ્થાન આપી શકાય.