ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
દેખાવ
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય અજ્ઞાત |
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ નવ ખાય
મારા તે ઘરમાં સસરોજી એવા
હાલતાં જાય ચાલતાં જાય
લાપસીનો કોળિયો ભરતાં જાય
મારા તે ઘરમાં નણંદબા એવા
નાચતાં જાય કૂદતાં જાય
રાંધી રસોઈ ચાખતાં જાય
મારા તે ઘરમાં દિયરજી એવા
રમતાં જાય કૂદતાં જાય
મારું ઉપરાણું લેતાં જાય
મારા તે ઘરમાં સાસુજી એવાં
વાળતાં જાય બેસતાં જાય
ઊઠતાં બેસતાં ભાંડતાં જાય
મારા તે ઘરમાં પરણ્યાજી એવા
હરતાં જાય ફરતાં જાય
માથામાં ટપલી મારતાં જાય
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ નવ ખાય