ચકી તારા ખેતરમાં

વિકિસ્રોતમાંથી
ચકી તારા ખેતરમાં
અજ્ઞાત સર્જક
લોકગીત



ચકી તારા ખેતરમાં

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો
ઝીંઝવે ચડીને જોઉં કોઈ માનવી આવે

લીલી ઘોડીનો અસવાર વીર મારો આવે
ઘુઘરીયાળી વેલમાં બેસી નાનીવહુ આવે

ખોળામાં બાવલ બેટડો ધવડાવતી આવે
દૂધે ભરી તળાવડીમાં નવરાવતી આવે

ખોબલે ખારેક ટોપરાં ખવરાવતી આવે
થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે

ઝીણી ભરડાવું લાપસી માંહી સાકર ભેળું
ખોબલે પીરસું ખાંડ વા'લો વીર જમાડું

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો