ચાંદની રાત ને કેસરિયા તારલા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ચાંદની રાત ને કેસરિયા તારલા
અરદેશર ખબરદાર
(ઢાળ : કુંજલડી રે ! સન્દેશો અમારો, જઈ વ્હાલમને કહેજો જી રે)


<poem> ચાંદની રાત ને કેસરિયા તારલા, રાસે રમવા આવજો જી રે ! સરખી સમાણી સૌ સહિયર સાહેલીઓ સાથે તેડી લાવજો જી રે !

આણી મેર પેલી મેર ગંગા ને જમના, વચ્ચે વૃંદાવન ચોક છે જી રે; ગોકુળ ને મથુરાં ને વ્રજ ને વૈકુંઠ, આવ્યાં ચૌદે લોક છે જી રે.

પગલે-પગલે ઝબૂકજો વીજળી, ફૂલડાં ફૂટજો હાથમાં જી રે; રાસે રમતાં ને ઘૂમરી ઘૂમતાં તાળી પૂરજો સાથમાં જી રે !

નન્દનવનથી મોંઘી છે ગુર્જરી ગરબા ગરબી રાસથી જી રે; ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી ગુર્જરી રાસના ઉલ્લાસથી જી રે !

સારા સંસારના તાપથી તારવા સૂરના ફૂવારા ઉડાડજો જી રે; કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં, રસની પરબ કંઈ માંડજો જી રે !

આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં હાથમાં આવ્યા તારલા જી રે: રસની રસીલી સૌ સજનીઓ ! આવજો, કંઠે ઝૂલાવજો એ હારલા જી રે !

ચાંદની રાત ને કેસરિયા તારલા; રૂમઝૂમ રૂમઝૂમ ખેલજો જી રે ; ઉરને આંગણ ધમકે ધમકતાં અદલ આનંદે રેલજો જી રે !