ચિતવીએ ચિહ્ન મહારાજનાં અંગમાં
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ચિતવીએ ચિહ્ન મહારાજનાં અંગમાં પ્રેમાનંદ સ્વામી |
ચિતવીએ ચિહ્ન મહારાજનાં અંગમાં,
ભક્તજન ભાવસું વારવાર;
વામ ભાગે વળી કંઠ ને ભુજ વચે,
ચૌદ તિલ સૂક્ષ્મ સરસ સાર... ૧
ડાબે પડખે વળી નવ તિલ નૌતમ,
ત્રણ તિલ કાખમાં કહું છું જોઈ;
એક તિલ અનુપમ કંબુ કંઠને વિષે,
નીરખતાં ભક્ત મન રે'છે મોઈ... ૨
ચિબુક ને અધરપર કેશ રેખા છબી,
અધર પ્રવાલ જોઈ ચિત્ત લોભે;
કુંદની કળીસમ દીપ દશનાવળી,
કનકની રેખમાંહી સરસ શોભે... ૩
દાઢમાં ચિહ્ન છે શ્યામ સોહામણાં,
મંદ મુખહાસ જોઈ લાજે કામ;
ઘેરે સાદે કરી બોલતા વચન હરિ,
પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ... ૪