ચૂંદડીએ રંગ લાગ્યો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ચૂંદડીએ રંગ લાગ્યો
લોકગીત


રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો,

મારી ચૂંદડીના ચટકા ચાર
ચૂંદડીએ રંગ લાગ્યો.

મારા પ્રભુજી આવ્યા પરોણલા
એમને શાં શાં બેસણાં દઈશ…. ચૂંદડીએ…

છે ચૂંદડી લાલ ગુલાલ,
એમને સાંગાં માંચી હીરે ભરી…. ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં દાતણ દઈશ,
એમને દાતણ દાડમી દઈશ…. ચૂંદડીએ…

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં ઝીલણ દઈશ…. ચૂંદડીએ…
એમને તાંબાની કુંડીએ જળે ભરી,
એમને હિરકોરી ધોતિયાં દઈશ…. ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં ભોજન દઈશ… ચૂંદડીએ….
એમને સેવ, સુંવાળી ને લાપશી,
એમને ખોબલે પીરસીશ ખાંડ… ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં મુખવાસ દઈશ… ચૂંદડીએ…
એમને લવિંગ, સોપારી ને એલચી,
એમને પાનનાં બીડલાં દઈશ… ચૂંદડીએ….

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.


લોકગીતો