છપ્પન ભોગ જીહાં
છપ્પન ભોગ જીહાં નરસિંહ મહેતા |
પદ ૩૨ રાગ એજ.
છપ્પન ભોગ જ્યાં, કવણ તાંદુલ ત્યાં? આપતાં ઉર સંકોચ આવે;
જેરે જોઇયે તે, આવી મળે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે.
– છપ્પન. ૧
ધાઇ લીધા હરિ, મૂઠી તાંદુલ ભરી, પ્રેમે આરોગિયા તૃપ્તિ પામી,
ઇંદ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો, રૂકમિણી કર ગ્રહ્યો શીશ નામી
– છપ્પન. ૨
એક રહ્યાં અમો , બીજા તમો, ભક્તને અઢળક દાન કરતાં,
પ્રેમદાયે પ્રેમના, વચન એવાં કહ્યાં, હાથ સાહ્યો ત્રીજી મુઠ્ઠી ભરતાં
– છપ્પન. ૩
વિનતા વચન તે, વિપ્ર સમજ્યો નહીં, ચાલવા ઘર ભણી શીખ માગી;
નરસૈંન નાથે, દુરબળપણું ટાળિયું, ભૂખના દુઃખની ભીડ ભાંગી.
– છપ્પન. ૪
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]છપ્પન ભોગ જીહાં, કવણ તાંદુલ તિહા? આપતા ઉર સંકોચ આવે,
જોઈએ સરવા તે આવી મળે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે. – છપ્પન. ૧
ધાઈ લીધા હરિ, મુષ્ટિ તાંદુલ ભરી, પ્રેમે આરોગીયા તૃપ્તિ પામી,
ઈન્દ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો, ઋકમણીએ કર ગ્રહયો શીશ નામી – છપ્પન. ૨
એક રહ્યા અમો , એક બીજા તમો, ભક્તને અઢળક દાન કરતા,
પ્રેમદાએ પ્રીતના વચન એવા કહ્યા, હાથ સાહયો ત્રીજી મુઠ્ઠી ભરતાં – છપ્પન. ૩
વીનતાના વચન તે વિપ્ર સમજ્યો નહીં, ચાલવા ઘર ભણી શીખ માગી,
નરસૈને નાથે જઈ દ્વાર વળાવિયો, મન તણી આરત સર્વેભાગી. – છપ્પન. ૪