છેલ્લો કટોરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
છેલ્લો કટોરો
ઝવેરચંદ મેઘાણી
આ કાવ્ય ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને માટે લખાયું હતું.


છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટયા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટયાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના -
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું - ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું -ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઇ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ !

જગ મારશે મે'ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના'વ્યો ગુમાની - પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુળ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

ઝવેરચંદ મેઘાણી