જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પહેલો
← અંક બીજો - પ્રવેશ સાતમો | જયા-જયન્ત અંક પહેલો - પ્રવેશ ત્રીજો ન્હાનાલાલ કવિ |
અંક ત્રીજો - પ્રવેશ બીજો → |
અંક ત્રીજો
☘
બ્રહ્મચારીઓનું ગીત:
વનવનના અન્ધારાં વામશે, હો ! આવશે એવાં કો આભનાં તેજ; હો ! સન્તજી ! એવાં કો દેવનાં તેજ.
જેવો વિશ્વપ્રકાશી વ્યોમ વિકસે પ્રાતઃસમેનો રવિ, જેવો રાત્રિ સુહાવી ચન્દ્ર ચમકે પીયૂષનો રાજવી, જેવાં એ કિરણો અનસ્ત ધ્રુવનાં આવન્ત મિષોન્મિષે, એવાં વર્ચસ્ બ્રહ્મનાં ઉતરશે, અન્ધાર ઉજાળશે.
જગજગનાં અન્ધારાં વામશે,
- હો ! આવશે એવાં કો દેવનાં તેજ;
ઉરઉરનાં અન્ધારાં વામશે,
- હો ! આવશે એવાં કો બ્રહ્મનાં તેજ;
- હો ! સન્તજી ! એવાં કો બ્રહ્મનાં તેજ.
(કોઈ બ્રહ્મચારી યોગ, કોઈ વેદમન્ત્ર, કોઈ વીણા, કોઈ ઔષધિ ઉપાસે છે. જયન્ત પધારે છે.)
બ્રહ્મચારીઓ : શ્રી સદ્ગુરુનો જય !
જયન્ત : જય પ્રભુનો, મનુષ્યનો નહિ.
- પહેલાં પ્રભુ, પછી ત્હેના સન્તો.
- બોલો શ્રી બ્રહ્મજ્યોતિનો જય !
બ્રહ્મચારીઓ : શ્રી બ્રહ્મજ્યોતિનો જય !
જયન્ત : (એક બ્રહ્મચારીને)
- ત્હમે કોના બ્રહ્મચારી ?
બ્રહ્મચારી : હું ધનવન્તરી ભગવાનનો બ્રહ્મચારી.
જયન્ત : પુત્ર ! દેહની પેઠે
- દેહીની દવાઓ યે શોધજે.
- દિલના ઘાની વેદના વસમી છે.
- મા વીસરશો કદી પણ, તાત !
- સમાધિ ને સિદ્ધિઓ પણ સાધન છે.
- ઉદાર પ્રેમાળ બલિષ્ઠ
- મહાજ્યોત આત્મા થાય
- એ જ છે સર્વ શાસ્ત્રોનું લક્ષ્ય.
- શોધો વિશ્વના છૂપા ભેદ:
- ઉઘાડો હળવે હાથે હૈયાં
- પરમ ભંડારી પ્રકૃતિ માતાનાં
- ને પીઓ તેની અમૃતધારાઓ
- અનેકસર ને અક્ષયઝરણી
- બ્રહ્માંડ સકલ બ્રાહ્મણ કાજે છે;
- ને બ્રહ્મવતી તે સર્વ બ્રાહ્મણ.
- ધાવ્યાથી ધાવણ નહીં ખૂટે.
- પણ કોતરી રાખજો
- હૈયાની કોર ઉપર,
- સુખ તે કલ્યાણ નથી સદા.
એકબ્રહ્મચારી :
- नाहं जानामि केयूरं,
- नाहं जानामि कुंडलम ;
- नूपुरुं चैव जानामि,
- नितं पादाभिवन्दनात्।
- પિતા ! એ શ્લોકનું ભાષ્ય-
જયન્ત : પિતૃઆજ્ઞાપાલક વીરપુત્ર રાઘવ,
- રાજ્યત્યાગી માતૃત્યાગી ભરત જોગી,
- સતિકુલતિલક પરમ સાધ્વી સીતાજી,
- ભક્તશિરોમણી નૈષ્ઠિક બ્રહ્મચારી હનુમાન:
- એ સઘળું સ્હમજાય, કુમાર !
- તો સરલ છે સ્હમજવો
- લક્ષ્મણજીનો એ ભીષ્મ જીવનયોગ.
બ્રહ્મચારી : કંઈક ઝાંખી થઈ, મહાત્મા !
જયન્ત : એવો યુગે આવશે અવનીમાં
- કે મહાત્માઓનાં મહાજીવનને
- કેવળ કવિતા માનશે માનવી.
- અધૂરા આત્માના વામનજીઓ
- માપશે પોતાની ઉંચાઈએ
- મહાવીરોના વિરાટશરીર.
- આપણી દૃષ્ટિ છે
- એટલું જ કાંઈ આભ ઉંચું નથી.
- પધારો રાજેન્દ્ર ! વિરાજો મૃગચર્મે.
- કલ્યાણ થાવ સહુનું,
- તીર્થરાજ ! કાંઈ વાર લાગી આજે?
પરિજનમાંથી એક : સ્નેહયાત્રાનો શ્રમ હતો, દિલમાં ને દેહે ય તે.
- સ્નેહને આણે પધાર્યા હતા રાજેન્દ્ર.
જયન્ત : સ્નેહના શ્રમ સહુના ફળજો !
- સિધાવો, મા રોકાવ આજ
- સ્નેહીની સેવા કરો;
- સેવાનાં ફાળ ફળશે ત્હમારાં
- જાવ, પૂર્ણિમા ઉગશે પૃથ્વી ઉપર
- કે પૂર્ણિમાના ચન્દ્ર સમોવડ
- સોળે પાંખડીએ પ્રકાશતો યુવરાજ
- અજવાળશે રાજમહેલને
- દેવ પ્રગટશે પ્રાસાદમાં રમવા.
- આજ મ્હારા યે સળકે છે
- ઉરના મહાસાગર:
- જાણે ક્ષિતિજ પાછળ
- ચન્દ્ર ઉગતો હોય ને !
કાશીરાજ : (ઉઠી અંજલિ કરી રહીને)
- મહાત્માનાં આશીર્વચન પામ્યો,
- કાશીનો-મ્હારો ભાગ્યોદય વાંચ્યો
- એ પૂર્ણિમા પ્રગટશે પૃથ્વી ઉપર
- બ્રહ્મર્ષિનાં બ્રહ્મવચનથી.
એક બ્રહ્મચારી :
- चित्तवृत्तिनिरोधः योगः
- એ ભગવાન પતંજલિનું વેણ;
- चंचलं हि मनः कृष्ण ।
- प्रमाथी बलवत् द्ढम् ।
- तस्याहं निग्रहं मन्ये
- वायोरिव सुदुश्करम् ॥
- એ ગીતાજીનું વ્યાસવચન.
- એ વચનોનો સમન્વય સ્હમઝાવશો?
જયન્ત : સન્ધ્યાકાલે આવજે, પુત્ર !
- સિદ્ધોના સમાધિઆરે
- વૃદ્ધ યોગીન્દ્ર સ્હમજાવશે સહુ.
- અત્ય્હારે સ્નાનનો સમય થયો છે.
- 'બ્રહ્મર્ષિની આજ્ઞા છે કે
- ડૂબેલાંને યે તારવા.'
- धैर्यं यस्य पिता, क्षमा च जननी, शान्तिश्विरं रोहिनी,
- सत्यं सूनुरथं, दया च भगिनी, भ्राता मनस्संयमः ।
- शय्या भूमितलं दिशोsपि वसनं, ज्ञानामृतं भोजन
- मेते यस्य कुटुंबिनो वद, सखे ! कस्मात भयं योगिनी: "
જયન્ત : મ્હારા જોગીઓને ભય નથી કદા:
- જાવ, ને જીતો જગતને.
એક બ્રહ્મચારી : (આગળ દોડી આવી)
- પિતા ! મધ્યજલમાં ડૂબકીદા ખેલતા હતા,
- ત્ય્હાં એક ડૂબકીમાં આ રત્ન લાધ્યું
- જીવનદોરી નથી તૂટી;
- આશ્રમમાં લાવ્યા છીએ ઉગારવા.
જયન્ત : (લલાટના સ્વેઅબિન્દુ લ્હોતાં લ્હોતાં)
- નોરર્થક નથી સરજ્યું કાંઈ હરિએ.
- જીવશે આ સુન્દરી, ને જીવાડશે.
- યોગગુફામાં યોગાસન ઉપર સૂવાડો
- સિંહચર્મ ઓઢાડાજો એમને
એક બ્રહ્મચારી : બ્રહ્મર્ષિને પરિસ્વેદ પ્રગટ્યો સ્હવારમાં.
બીજો બ્રહ્મચારી : લલાટ ઉપરના તારલિયાના
- એ તો અક્ષય બ્રહ્મલેખ.
જયન્ત : એ તો જયા ! જગતની જ્યોત;
- પુણ્યની જાહ્નવી : સાધ્વીઓનું સંજીવન.
- આ દશા ? આ દશા કેમ ?
- શી વાર્તા હશે ગિરિદેશની ?
- ઉઘડો, ઓ કાળના પડદાઓ !
- ને કહો એ કથની.
- બ્રહ્મચારીઓ ઉગારી રાજકુમારીને.
- યોગની ઉષ્મા અર્પું,
- આત્મચેતના પાઠવું
- જાગશે ને તપશે જગત ઉપર.
(આમાતત્ત્વની આશિષલહરીઓ પાઠવે છે.) - યોગી ! યોગ તો અડગ છે ને ?
- ચાલા ત્ય્હારે યોગ ગુફામાં
- સૃષ્ટિની સકલ સુન્દરતાની સન્મુખ.
- પોઢી છે યોગાસને
- પૃથ્વીને પરમ પવિત્રતા.
- શી ઝબકી રહી છે
- નયનોમાં રમતી એ વીજળી !
- (અંજલી કરી રહીને)
- એક જ્વાલા જલે તુજ નેનનમાં,
- રસજ્યોત નિહાળી નમું-હું નમું;
- એક વીજ ઝલે નભમંડલમાં
- રસજ્યોત નિહાળી નમું-હું નમું;
- મધરાતના પહોર અઘોર હતા;
- અન્ધકારના દોર જ ઓર હતા;
- તુજ નેનમાં મોરચકોર હતા
- રસજ્યોત નિહાળી નમું-હું નમું;
- અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં;
- અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
- અહા ! લોચન લોચન માંહી ઢળ્યા;
- રસજ્યોત નિહાળી નમું-હું નમ
- એક જ્વાલા જલે તુજ નેનનમાં,
:::: દગબાણથી પ્રારબ્ધલેખ લખ્યો;
- કંઈ પ્રેમીએ પ્રમપથી પરખ્યો;
- અને આત્માએ આત્મન્ને ઓળખ્યો;
- રસજ્યોત નિહાળી નમું-હું નમું;
- ન ભાગી પડ, ઓ શરીરના માળખા !
- ન ફૂટી જાવ, ઓ અમ્મર આત્મા !
- આ તો દેહનું છે શબ;
- નથી ચેતનના બ્રહ્મમહેલ.
- ચેતજે, ઓ જયન્ત ! ચેતજે,
- પાપ તે પ્રેમ નથી.
- દીર્ઘ કાલનાં દીધેલાં દ્વાર,
- બ્રહ્માંડનાં બ્રહ્મદરવાજાં સમાં, ઉઘડ્યાં
- લોચનના એક કિરણ માત્રથી.
- થંભો, ઓ દેવને યે દૂભતા કામદેવ !
- થંભો બારણાની બહાર.
- આ જોદ્દો જૂદો છે.
- યોગેશ્વરે અંગ બાળી અનંગ કીધો.
- અનંગની યે ભસ્મ કીધી
- આપીશ ખાખ મ્હારા ખાખીઓને;
- ચોળશે ત્હેને નહિ વાગે
- કામણગારી કો કીકીના ડંખ
- (કુમળો પડી)
- આ દશા !
- ચન્દ્રિકા નીતરેલો જાણે ચન્દ્રમા.
- ગિરિદેશ ! ત્હમારી રાજકુમારી;
- રાજપિતા ! ત્હમારા કિરીટની કલગી;
- રાજમાતા ! ત્હમારા હૈયાની સ્નેહકલા;
- નિરખો આ નીરની પથારીમાંથી ઉઠતી.
- હિમાદ્રિમાં પૂર્ણિમા પ્રકાશતી,
- ને શિખરશિખરમાંથી તેજપ્રવાહ,
- દેવનયનોનાં અમૃતપૂર સમાં, ભભૂકતા;
- જયા ! ત્ય્હારે ત્હારી યે પૂર્ણિમા ખીલતી,
- અંગાંગનાં શિખરમુખમાંથી
- આત્માના અમીધોધ ઉછળતા
- (નિશ્વાસ મૂકે છે)
- ગયું, સહુ ગયું તે.
- માત્ર સ્મરણો જ રહ્યાં
- ભૂતકાલનાં ભોગવેલાં સ્વપ્નાંઓનાં
- (સ્વસ્થ ચિત્તે)
- સિધાવો, સિધાવો , રતિનાથ !
- આ ગુફા તો યોગીઓની છે.
પિતા : દેવી, पुत्रात शिष्यात् पराजयः
- આપણો મોક્ષ આજે થયો.
માતા : આર્ય ! પુત્ર એટલે પ્રગતિ;
- અધૂરો મૂક્યે હોય
- સંસારનો યજ્ઞ માતતાતે,
- ત્ય્હાંથી આદરી પૂરો કરે તે.
- આજ આપણા જીવનયજ્ઞની પૂર્ણાહુતિ.
- પુત્રે દીધાં પુણ્ય જીવનનાં તર્પણ,
- ને જગદુદ્વારની શ્રદ્ધાંજલી.
પિતા : એથી જ આપણી મોક્ષતિથિ.
માતા : પુત્રનું મુખ નિરખ્યું
- ત્ય્હારે જ નિરખ્યા હતા દેવ ત્ય્હાં.
પિતા : પૂજી લ્યો ત્ય્હારે પુત્રને.
- પુત્રપૂજા એટલે પ્રગતિની પૂજા.
- આશીર્વાદ દ્યો પુત્રધનના સૌને
- કામવિજય તો યોગજીવનનો પાયો છે
પિતા-માતા : સંસારીઓ ! એવાં સન્તાન પામજો કે
- માતા પિતાનાં અધૂરાં મૂકેલાં
- આરંભી પૂરાં કરે.
(ફરી પુષ્પવૃષ્ટિ કરે છે. જયા આળસ મરડી ઉઠે છે, ને જયન્તને નિરખી ઓળખે છે.)
જયા : કોણ ! જનમનો જોગી જયન્ત ? (જયન્તને માથે જયનો ક્યોત મુગટા પ્રગટે છે. તે નિહાળી આનન્દતા પિતૃલોકવાસીઓ બ્રહમલોકમાં સિધાવે છે.)