લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો

વિકિસ્રોતમાંથી
← અંક બીજો/ પ્રવેશ પાંચમો જયા-જયન્ત
જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો
ન્હાનાલાલ કવિ
અંક બીજો/ પ્રવેશ સાતમો →




પ્રવેશ છઠ્ઠો


સ્થલકાલ: અક્ષયતૃતિયાને મેળે જવાનો માર્ગ


જોગીઓ : પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન: ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક !

નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબધૂત ! નહીં વીજળીચમકાર,
હો અબધૂત ! નહીં વીજળીચમકાર;
અગમનિગમની યે પાર; અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઉગે તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !


એક જોગી:દેવર્ષિજીએ આદેશ દીધો કે

'હિમાલયમાંથી ઉતરો,
જાવ કાશીની હરિકુંજમાં દર્શને.
સ્‍હમજાવ્યું સ્થૂલસૂક્ષ્મનું મહાસત્ય કે
'નથી મપાતા રજસ્ કે સત્ત્વ કદી
દેહના ચ્‍હડવા-ઉતરવાથી
મપાય છે મનુષ્યની મોક્ષયાત્રાના ગાઉ. '
કાલે ઉગશે અક્ષયતૃતિયા.
ગંગાસ્નાન કરી યાત્રા આદરશું
બ્રહ્મવનમાં બ્રહ્મર્ષિનાં દર્શન કાજે.
ગાવ, સાધો ! ગાવ,
જગાવો બ્રહ્મજ્યોતિનો જય !

જોગીઓ: પરમ ધન પ્રભુનાં લેજો, લોક !