લખાણ પર જાઓ

જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ બીજો

વિકિસ્રોતમાંથી
← અંક બીજો - પ્રવેશ પહેલો જયા-જયન્ત
અંક બીજો - પ્રવેશ બીજો
ન્હાનાલાલ કવિ
અંક બીજો - પ્રવેશ ત્રીજો →




પ્રવેશ બીજો

સ્થલકાલ : કાશીનું વન

જયન્ત : નથી શિખરોમાં, નથી બરફોમાં,

નથી ગુફાઓમાં, નથી ઝાડીઓમાં;
નથી, નથી, નથી
કો તીર્થમાં, કો આશ્રમમાં.
ગિરિદેશ સદાના તજતાં
એક ઘડીના પડ્યા ફેર
ત્‍હારે ને મ્હારે, જયા !
પર્વતોમાં પગલાં પારખ્યાં,
જલતીરે પદાવલિ ઢૂંઢી.
શોધી, પૂછ્યું, ભટક્યો
વાયુની પેઠે વનવનમાં;
પણ ગઇ તું વીજળી સમી ઝબકી
વાયુના યે વેગની પાર.
પાંચ યોજન સૂધી નિરખ્યાં
ત્‍હારાં પગલાં, જયા !
ગંગાને કાંઠે કાંઠે પડેલાં;
જાણે કમળની વેરાયેલી પાંદડીઓ.
પણ જયા ! જલની ભૂલભૂલામણીમાં
ન જડી પછી ત્‍હારી પદરેખાઓ.
પાંદડે પાંદડું ફેરવી
શોધીશ વિશ્વની ઝાડીઓ,
ને પુકારીશ ત્‍હારો અહાલેક.
પડઘો પાઠવીશ ત્‍હને જગાડવા
સ્વર્ગદેશે અને પાતાળપ્રાન્તે.
વિરાટ પેઠે, ગિરિદેશનાં સન્તાનને યે
જગત એટલે તો બે જ પગલાં.
(અદૃશ્યેથી દેવર્ષિની વાણી.)
જગતમાં ખોયું તે તીર્થમાં લાધશે.
(ચમકીને જયન્ત ચોમેર જૂવે છે.)

જયન્ત : દિશા બોલી ! અન્તરિક્ષ બોલ્યું ?

ક્ય્હાંથી-કોનો એ બોલ?
ઓ ગેબી આત્મન્ !
શોધ્યાં મ્હેં તીર્થરાજનાં
જંગલ ને ઝાડીઓ, મન્દિરો ને મઠ.
નથી કાશીવિશ્વેશ્વરમાં,
નથી મણિકર્ણિકાને ઘાટે.
દુનિયાદાઝ્યાંનો દિલાસો કાશી,
સંસારમૃત્યુનું સંજીવન કાશી.
પણ ન લાધ્યું - ન લાધ્યું મ્હને તીર્થમાં
જગતમાં જે ખોયું છે તે.

ગેબી બોલ : આકાશધરતીને છેડો એ છે,

જ્ય્હાં જયન્ત ! તું ઉભો છે.
પૃથ્વીમાં ન લાધ્યું તે આભ આપશે.

જયન્ત : આભ ઉઘડશે, ને આપશે ?

વસુન્ધરાનાં ભંડાર ખૂટી ગયા ?
પુણ્યમૂર્તિ વિના પૃથ્વીલોક સૂના થયા ?
ઓ યક્ષ ! કિન્નર ! વિદ્યાધર !
ઓ આકાશી સત્ત્વ !
ઈશ્વરની આણ છે, પ્રત્યક્ષ થાવ.
કહો; ક્ય્હાં છે મ્હારી જયા ?
દેવર્ષિ પ્રત્યક્ષ થાય છે, જયન્ત લજવાઇ પાયે લાગે છે.

દેવર્ષિ : જયન્ત ! આ શો છે સંસારનો ત્રિદોષ?

જયન્ત : ગુરુદેવ ! ઢળી ગયાં આત્માનાં અમૃત,

ઉડી ગઈ પ્રાણપુષ્પની સુવાસના,
ઉપડી ગયા આત્મામાંથી યે
યોગી જનોએ ચ્‍હાડાવેલા યોગરંગ.

દેવર્ષિ : મધ્યાહ્‍ને તપતો ભાસ્કરે

સ્‍હાંજે ઝંખવાય છે, જયન્ત !
રાત્રિએ હોલવાય છે.
પાછો નથી તપતો તેનો તેજઅંબાર ?
યોગનિદ્રા યે ઉન્નતિની પાંખ છે.

જયન્ત : આદેશ, ગુરુદેવ! આદેશ.

દોરો, દોરો આ ભૂલભૂલામણીમાંથી.
મતિ મુંઝાઇ ગઈ છે મ્હારી;
આત્મા ઘૂંચવાયો છે
અન્ધકારનાં જાળાંઓમાં.

દેવર્ષિ : વત્સ ! જગાવ ધુનિ ઉભો છે ત્ય્હાં જ.

આ કુંજને હરિકુંજ કહેજે.
લગાવ અખંડ સમાધિ
તું શોધે છે ત્‍હેની.
ભમીશ તો ભૂલો પડીશ.
લે આ બ્રહ્મદીક્ષાનો અંચળો.
બ્રહ્મયોગ એ જ દેવયાન માર્ગ.
ઇચ્છે છે તે અહીં આવશે.
અલોપ થાય છે. જયન્ત દર્શનમુગ્ધ રહે છે.

જયન્ત : આદેશ, ગુરુનો આદેશ મળ્યો મ્હને.

ઉડી ગયો મ્હારો આત્મઘેર્યો ધૂમાડો,
ને જ્યોતિ ઉજ્જવળ થયો.
પ્રકાશે છે દેવહુતાશ;
જગાવું એ અલખધુનિ અંહિયાં.
માંડું એ અગ્નિના અગ્નિહોત્ર,
ને આદરૂં અખંડ એ અગ્નિચર્યા.
એ જ મ્હારૂં તપ.
ન ભટકવું ભવવનમાં મ્હારે;
'ભમીશ તો ભૂલો પડીશ.'
અહીં જ મારો ધરતીનો છેડો;
આ મ્હારી હરિકુંજ.
જયા ! હવે ત્‍હારા સ્નેહયોગ,
ને ત્‍હારી જ જપમાળા.
જાવ, ઓ ફૂલડાંની ફોરમો !
ઓ બ્રહ્માંડનાં બ્રહ્મતેજ !
જાવ જયાને દેશ,
ને દ્યો નોતરાં નિગમાગમનાં
આ આશ્રમના ઉત્સવને કાજે.
હા ! સ્થૂલ સૂક્ષ્મ થયું જાણે;
ચમક્યો જાણે એક ચેતનયોગ,
ને જયા યે જગતમાંથી સમેટાઇ
સમાઇ મ્હારા આત્મામાં.
જયા ! જયા !
તપસ્વી તપ આદરે છે.