જવાળામુખી

વિકિસ્રોતમાંથી
શોભના
રમણલાલ દેસાઈ




જ્વાળામુખી

'સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હોઈ શકે ?'

હજી જગત - જગતના વિધાયકો - આ પ્રશ્નનો ઉકેલ નથી કરી શક્યા તો કૉલેજના વિધાર્થીઓ તેનો ઉકેલ લાવી શકે ?

છતાં વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ઉકેલવા મથે છે તો ખરા જ. સંસાર-વિધાનમાં તેમનો ઘણો ફાળો છે, અગર તેમને ઘણો ફાળો આપવાનો છે એવી માન્યતા તેમના હૃદયના ઊંડાણમાં વસતી હોય છે. એટલે તેમની વક્તૃત્વસભાઓમાં આવા પ્રશ્નો ખૂબ ચર્ચાય છે. કૉલેજમાં એ પ્રશ્ન ઉપર વાદવિવાદ રાખવામાં આવ્યો હતો.

કેટલાક પ્રશ્નો જ રસમય હોય છે. 'ગામડાનો ખેડૂત કેમ જીવે છે ?', 'કૉલેજનું ભણતર ગામડાં માટે નિરુપયોગી છે', 'વિઘાર્થીઓ અને વ્યસન' એવા એવા પ્રશ્નોની ચર્ચા રાખવાની ભૂલ જે સભાનો મંત્રી કરે તો ચશ્માં પહેરેલા સૂકા ત્રણચાર વિધાર્થીઓ અને જિંદગીથી કંટાળી ગયાનો દેખાવ કરતો એકાદ પ્રોફેસર સભાગૃહમાં હાજર હોય, પરંતુ 'લગ્નની જરૂરિયાત', 'સ્ત્રીપુરુષના હક્ક', 'સન્નારીઓનું સત્યાગ્રહમાં સ્થાન' એવા એવા રસનિર્ઝર વિષયોનું નિરૂપણ થવાનું હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓથી સભાગૃહ એટલું ઊભરાઈ જાય કે ઘણાને ઊભા રહેવાનું સ્થાન પણ ન મળે.

ઉપરાંત શિક્ષણ માટે ઓછામાં ઓછી તકલીફ લઈ વધારેમાં વધારે પગાર ખેંચી જવા છતાં શહીદીનો સદાય દેખાવ કરતાં ગંભીર પ્રોફેસરો પણ વધારે સંખ્યામાં આવા ચર્ચાપ્રસંગે હાજર રહી શકે છે. આ તેવો જ પ્રસંગ હતો.

વિદ્યાર્થીઓ ધક્કામુક્કી કરતા, હસતા, લડતા, બૂમો પાડતા, વિચિત્ર નાદપ્રયોગો કરતા આખા સભાગૃહને જીવંત બનાવી દેતા હતા. ઘડીકમાં તાળીઓ પડતી, ઘડીકમાં પગધબકારા થતા ઘડીમાં રણ ગર્જનાને ભુલાવે એવી સિસોટીઓ વાગતી તો ઘડીમાં માનવી કે પશુપક્ષીમાંથી કોઈને પણ ન આવડે એવા વિચિત્ર ઉદ્દગારોથી વિદ્યાર્થી સભ્યોમાં હાસ્યનાં મોજાં ઊછળતાં આંખ મીંચીને આવનાર એમ જ જાણે કે અહીં કોઈ મહાસંગ્રામની તૈયારી થઈ રહી છે, ફરજિયાત શારીરિક કેળવણીથી ભય પામતા વિદ્યાર્થીઓ આવા પ્રસંગોમાંથી કેવો વીરરસ કેળવે એ સમજી શકાય એમ છે.

સભાના અગ્ર ભાગના એક વિભાગમાં કૉલેજની વિદ્યાર્થિનીઓનું એક જૂથ બેઠેલું હતું, સોગન ખાઈ શકાય એવી સાદાઈ પાછળ આકર્ષણની અદ્ભુત જાળ ગૂંથવાની આવડતવાળી વર્તમાન યુવતી વિદ્યાર્થીઓના આવા ધાંધળથી બહુ વ્યાકુળ બનતી નથી. ક્વચિત્ હસતી, ક્વચિત્ નાખુશી બતાવતી. ક્વચિત્ ઉપેક્ષા કરતી વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓની અર્થહીન વેવલાશ અને નિરંકુશ છતાં પોકળ ઊભરાઓમાં હજી સમાન હક્ક માગતી હોય એમ લાગતું નથી.

પ્રોફેસરે પ્રોફેસરે વિદ્યાર્થીઓ તાળીઓ પાડતા કેટલાક પ્રોફેસરો પોતાને મળતી તાળીઓથી હસતા. કેટલાક વિદ્યાર્થીના છિછલ્લા વર્તનથી ગંભીર બની જતા અને કેટલાક સાચા વેદાન્તી પ્રોફેસરો તાળીઓની માયાને મિથ્યા માની અલિપ્ત જ રહેતા.

કૉલેજો આપણા વિદ્યાસ્થાનો હોય, પાઠશાળાઓ આપણા સંસ્કારની ગંગોત્રીઓ હોય અને પ્રાચીન ગુરુકુળ - અરે ગયા યુગની કૉલેજનો કોઈ શિક્ષિત પુરુષ વર્તમાન સભાસ્થાનો જુએ તો તેને પ્રથમ દર્શને એમ જ લાગે કે આજનાં વિદ્યાસ્થાનોની વિદ્યા વંઠી ગઈ છે, અને આજના સંસ્કાર ગંગોત્રીના મૂળમાં કાંઈ વિષ રેડાયું છે.

છતાં એ જ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના સંઘની પાછળ જગતનું ભાવિ ઘડાયે જાય છે અને ઘડતરમાં વિષ રેડાયું હોય તો ક્યાંથી રેડાયું એ પ્રશ્ન ઊભો જ રહે છે. વિદ્યાર્થી અવસ્થા વટાવી ગયેલી આગલી પેઢીને વિદ્યાર્થીઓ ઘડતાં આવડવું નથી એમ આરોપ આવે પણ ખરો.

બાહ્ય તોફાનોની પાછળ આજ વિદ્યાર્થીવર્ગ એક મહાપ્રશ્ન વિચારી રહ્યો હતો: હસતે હસતે વિચારી રહ્યો હતો કે 'સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હોઈ શકે ?'

નિવૃત્ત થવાની અણી ઉપર આવેલા એક વિધુર પ્રોફેસર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા સ્ત્રીના હક્ક પુરુષ જેટલા રાખવાની તેમને હવે કાંઈ હરકત આવે એમ ન હતું - ઘરમાં તેમ જ નોકરીમાં. અશાંત વિદ્યાર્થીઓને શાંત રહેવાનો ઉપેક્ષા પામતો બોધ કરી તેમણે સભાનું કામ આગળ ચલાવ્યું અને ચર્ચા માટે મુખ્ય વક્તાને સૂચના કરી.

સભાઓ તાલી પાડવા માટે, હસવા માટે, બૂમો પાડવા માટે અને બેઠકો ઠોકવા માટે જ હોય છે એમ માનતા વિદ્યાર્થીઓએ મુખ્ય વક્તાના વ્યાખ્યાનના થોડા ટુકડા સાંભળ્યા અને મોટાભાગને ઘોંઘાટમાં ડુબાવી દીધો. સ્વમાનભંગ થયેલો એ વક્તા એક ઊંડો ઘા પામી બેસી ગયો. સ્ત્રી અને પુરુષના હક્ક સમાન ન હોઈ શકે એવો પક્ષ એણે લીધો હતો.

સામો વાદ કરવાને એક બીજો વિદ્યાર્થી ઊભો થયો. તેને પણ પૂરતા પ્રમાણમાં તાળીપ્રદાન મળ્યું, એટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાનસ્થાન પાસે જતાં તેને આછી ઠોકર વાગી એટલે તાળીઓનાં પૂર ઊભરાયાં. વિદ્યાર્થીજગત ક્રૂર અને અન્યની વિટંબણામાં ખૂબ હસી શકે એવું નિર્દય બની ગયું છે એવો વિચાર આવતાં પ્રમુખે નિશ્વાસ નાખ્યો. સામા વાદમાં શું કહેવાયું તે કોઈના પણ સાંભળવામાં આવ્યું નહિ. પ્રમુખે પ્રથમ હસીને, ગાંભીર્યથી, ત્યાર બાદ મેજ ઉપર મુક્કો ઠોકીને અને અંતે અત્યંત ક્રોધપૂર્વક વિદ્યાર્થીઓને ગૃહસ્થાઈ વાપરવા વિનતિ કરી. જગતમાં ગૃહસ્થાઈ હોય તો વિદ્યાર્થીવર્ગમાં તે આવે ને ? રહ્યોસહ્યો ગૃહસ્થાઈનો ટુકડો સભાગૃહમાં થાડી ક્ષણો માટે પ્રવેશ પામ્યો, અને એક આકર્ષક યુવકે જરા પણ ક્ષોભ વગર વ્યાખ્યાનસ્થાન ઉપર પગ મૂક્યો. શાંત રહેલી વિદ્યાર્થીજનતાએ પાછો હોકાર શરૂ કરી દીધો. અદબ વાળી ઊભા રહેલા એ યુવકે વિદ્યાર્થીઓના એ ઊભરાને ઊભરાઈ જવા દીધો. સમુદ્રના ઊછળતાં મોજાં ખડક સામે અથડાઈ રહ્યાં પરંતુ ખડક ખસ્યો નહિઃ યુવક આછા સ્મિતસહ ઊભો જ રહ્યો.

સહજ શાંતિ ફેલાતાં તેણે સ્થિરતાભર્યો ઉચ્ચાર કર્યો:

"પ્રમુખ સાહેબ !

સ્ત્રીઓ અને પુરુષોના હક્ક સમાન કદી ન હોઈ શકે..."

વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી, પરંતુ આગળ સાંભળવાની સહુને આછી લાલચ થઈ.

યુવકે તેનો લાભ લીધો અને અસરકારક ભાષામાં તેણે ચર્ચા કરી. સ્ત્રીએ જગતના વિકાસમાં કશો જ ફાળો આપ્યો નથી, એને પુરુષ દોરે તેમ દોરાવાનો તેનો ધર્મ જ છે, એવો તેના વક્તવ્યનો ધ્વનિ હતો.

સહુએ તેને શાંતિથી અને વખાણની તાળીઓ સહ સાંભળ્યો. વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ મળે એવી ઘણી ઘણી રસપ્રદ બાબતો એમાં હતી.

પરંતુ વિદ્યાર્થીનીઓને આ વ્યાખ્યાન રુચ્યું નહિ. તેમની સંખ્યા ઓછી હતી એ વાત ખરી, વિદ્યાર્થીઓ જેટલું તોફાન તે કરતી નહિ એ વાત પણ સાચી; પરંતુ એનો અર્થ એમ નહિ કે વિદ્યાર્થિનીઓની સંખ્યા ભવિષ્યમાં વધી ર્વિદ્યાર્થીઓની બરાબરી ન કરી શકે. અને તેમ થાય તો તોફાનની શક્તિમાં પુરુષવર્ગ કરતાં ઊતરતું સ્થાન લેવાની તેમની તૈયારી ન જ હોય, પુરુષો વિરુદ્ધની અનેક દલીલો વિદ્યાર્થીનીઓના હૃદયમાં સળવળી રહી. ચંપલ પછાડવા માટે તેમના પગ વેગવાન બનતા હતા, અને જરૂર પડ્યે કયુટેક્સથી રંગી લાલ બનાવેલા અને ખાસ ઓજારથી સ્વચ્છ અને અણીદાર બનાવી આગળ વધારેલા કલામય નખ આયુધ તરીકે ન જ વાપરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી ન હતી.

પરંતુ હજી સ્ત્રીજાતિએ પુરુષ સરખા હક્ક માગ્યા છતાં ઘણા હક્ક વાપર્યા નથી. હૃદયના ભાવ વિદ્યાર્થિનીઓએ આછા સ્મિત નીચે છુપાવી રાખ્યા. માત્ર એક વિદ્યાર્થિનીના હૃદયે તેના પગને વેગ આપ્યો. તેણે ઊઠી વ્યાખ્યાનસ્થાન તરફ જવા માંડ્યું.

પાછો તાળીઓનો વરસાદ વરસ્યો. એ વરસાદ માનવાચક ન લાગ્યો. વિદ્યાર્થિનીઓ પ્રજળી ઊઠી છતાં શાંત રહી શકી. પ્રમુખે હાથ ઊંચા કર્યા સહુને શાંત પડવા વિનતિ કરી, ધમકી આપી, મેજ પછાડ્યું અને સભા છોડી જવાની બહુ થોડા સાંભળી શકે એવી બીક બતાવી એટલામાં એ વિદ્યાર્થિની જરા પણ ભય વગર પ્રમુખની પાસે આવી ઊભી રહી. તેણે પણ તાળીઓના વરસાદને વરસી જવા દીધો. સહજ શાંતિ થતાં, પ્રમુખે કહ્યું:

'સ્ત્રીઓ પ્રત્યે સભાએ વધારે સારું વર્તન રાખવું જેઈએ.'

“ના, ના !” પોકારો વિદ્યાર્થીઓમાંથી ઊછળી આવ્યા: “સમાન હક્ક, સરખા હક્ક, સરખું વર્તન !” એવા જવાબ પ્રમુખને મળ્યા.

“હું પુરુષોની તલપૂર પણ મહેરબાની માંગતી નથી. પ્રમુખ સાહેબ !" વિદ્યાર્થિનીએ પોકારો વચ્ચે પોતાના વ્યાખ્યાન માટે સ્થાન મેળાવી શરૂઆત કરી. "બેસી જા" "બહુ થયું" "પરણ્યા પછી બોલજો" જેવા વિદ્યાર્થી જતગતની શિષ્ટતા દર્શાવનારા ઉદ્‌ગારો સંભળાતા હતા, છતાં તેમને ન ગણકારી તેણે સહુના ધ્યાનને ખેંચવા માંડ્યું. અને જોત જોતામાં તેણે સહુના ધ્યાનને સર કર્યું. તેનો રણકારભર્યો મધુર અવાજ, છટારહિત છટા, પુરુષજાતિ ઉપરના પ્રહારો અને સ્ત્રીજાતે માનવ સંસ્કારમાં આપેલા ફાળાનો ઈતિહાસ તેના વ્યાખ્યાનને આકર્ષક બનાવી રહ્યાં હતાં. તેણે સાબિત કર્યું કે સ્ત્રીઓને પુરુષની દોરવણીની જરાય જરૂર નથી. એટલું જ નહિ, પણ પુરુષ સર્વદા સ્ત્રીથી દોરાયો છે, અને જેટલે અંશે એ સત્ય તે સમજશે તેટલે અંશે જ તે અને દુનિયા સફળ થશે.

વ્યાખ્યાન પૂરું થતાં સુધી પૂરી શાંતિ જળવાઈ રહી. વિદ્યાર્થિનીને પણ સાચાં વખાણની તાળીઓથી સહુએ વધાવી લીધી. પરંતુ તેમાંથી પાછી અવ્યવસ્થા શરૂ થઈ ગઈ.

પ્રમુખે સહુના મત માગ્યા વિદ્યાર્થીઓએ સમાન હક્કની તરફેણમાં પણ હાથ ઊંચા કર્યા અને વિરુદ્ધમાં પણ હાથ ઊંચા કર્યા વ્યાખ્યાન માટે કોઈ ને ગંભીરતા હતી જ નહિ, કોઈના જ્ઞાનમાં એથી વધારો થાય એમ લાગતું ન હતું. શાનમાં વધારો કરવાની ઈચ્છાથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ભણે છે. ભણવાની જરૂર છે, ભણવાની ટેવ પડી છે, બીજો ભણે છે માટે દેખાદેખીથી વિદ્યાર્થીઓ ભણ્યે જાય છે.

કશો ઠરાવ પસાર થયો નહિ, અને પ્રમુખે પોતાનો આભાર માનવાની તક ન આપતાં સભા બરખાસ્ત કરી. સભા બરખાસ્ત થતાં રાક્ષસી બૂમાબૂમ, પછાડાપછાડ, ભાંગતોડ અને ધક્કાધક્કી સહ આ હિંદના - જગતના ભાવિની કૂંચી ધારણ કરનારો વિદ્યાર્થીવર્ગ વ્યાખ્યાનગૃહની બહાર નીકળવા લાગ્યો. સમાન હક્ક માગતી કન્યાઓએ પોતાના હક્કને રાખ્યો, અને પુરુષવિદ્યાર્થીઓને પહેલાં બહાર નીકળવાની તક આપી.

બહાર શયતાન ઊછળતો હતો. અંદર વિદ્યાર્થીઓનું ટોળું ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યું.

'શોભના ! તે બહુ સારો જવાબ આપ્યો.' એક યુવતીએ વ્યાખ્યાન આપી ચૂકેલી વિદ્યાર્થિનીને કહ્યું.

'હં.' તિરસ્કારથી શોભનાએ માનનો સ્વીકાર કર્યો એનો તિરસ્કાર એની સહિયર પ્રત્યે નહોતો: વિદ્યાર્થીવર્ગનો અવિનય તેને જરૂર ખૂંચતો હતો.

'પાછું રસ્તે એનું એ જ થશે.' બીજી યુવતીએ કહ્યું, સહશિક્ષણથી વિદ્યાર્થીઓની વાસના તીવ્ર બની છે અને શૌર્યની કક્ષા નીચે ઊતરી છે એમ કોઈ આરોપ મૂકે તો તેના પુરાવા કૉલેજ અને કૉલેજની બહાર છેક ન મળે એમ કહેવાય નહિ. છોકરીઓને નિહાળવાની તક મળે એવા ઉદ્દેશથી સરસ્વતીપૂજન કરતો વિદ્યાર્થીવર્ગ છેક નાનો નહિ હોય !

'હું તો ચંપલ જ લગાવી દઉ !' ત્રીજી યુવતીએ કહ્યું, એ પ્રમાણે બને કે કેમ એ જુદી વાત છે; પરંતુ પુરુષોના ભણતરની સાથે વર્તનનું ઘડતર ચંપલને પાત્ર છે એવો અભિપ્રાય તો ઘણી વિદ્યાર્થિનીઓ ધરાવે છે. સહુને બહાર નીકળવા દઈ શોભના છેલ્લી બહાર આવી.

બારણાં પાસે દસબાર યુવકો લટાર મારી રહ્યા હતા. સ્ત્રીઓને નિહાળવાની સૃજનનજૂની પુરુષઘેલછા બ્રહ્મચર્યાશ્રમમાં પણ ભભૂકવા લાગે છે. કોઈએ તીરછી આંખે, કોઈએ સીધી નજરે, કોઈએ હસીને કોઈએ સહજ ટટાર બનીને નીકળતી વિદ્યાર્થિનીઓ તરફ નજર નાખી.

પગથિયા પાસે એક ચમકતી મોટરકાર ઊભી હતી. મહત્તાની ભાવના સાથે જડાઈ અનેક યુવકયુવતીઓને ચંચલ બનાવતી આ કહેવાતી જડ ગાડીની પાછળ હિંદની રસિકતાનો ઇતિહાસ પણ રચાતો જાય છે. ગાડીમાંથી એક યુવક છટા અને સ્વચ્છતાથી બહાર નીકળી આવ્યો. એણે જ સ્ત્રીઓના સમાનહક્ક વિરુદ્ધની દલીલ કરી હતી. પહોળો પાયજામો, રેશમી પહેરણ, સફાઈદાર ચશ્માં અને વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત રાખેલા વાળથી સોહામણો દેખાતો એ યુવક જરા પણ સંકોચ વગર શોભનાની પાસે ગયો.

'મારી કાર ખાલી છે, આપને એમાં હું મૂકી આવું.' યુવકે કહ્યું.

'ના, મને ચાલવાની ટેવ છે.' શોભનાએ જવાબ આપ્યો.

'ટેવનો સવાલ નથી સગવડ છે તો બેસી જાઓ. સંધ્યાકાળ થાય છે.'

'હરકત નહિ; મારી જોડે વિની, તારિકા અને રંભા છે.'

'એ બધાંય એમાં આવી શકશે.'

“ચાલો ત્યારે, બેસી જઈએ વળી !” રમતિયાળ બાળકી જેવો અભિનય કરતી સહજ સ્થૂલ તારિકા બોલી ઊઠી, અને પગથિયાં નીચે આવતાં યુવકે ગાડીનું બારણું ખોલી અંદર બેસવાનું લાલિત્યમય મૂક આમંત્રણ ચારે સાહેલીઓને આપ્યું.

લટાર મારતા યુવકોનાં ટોળાંએ મોટેથી હસવા માંડ્યું “બેસો. બેસો." "હરકત નહિં." "હું સાથે આવું?" વગેરે ઉચ્ચારો પણ વર્તમાન શિષ્ટતાને શોભાવતા સંભળાવા લાગ્યા. હાસ્ય હઠીલાઈ ઉત્પન્ન કરે છે. આવા આકસ્મિક આમંત્રણથી કદી પણ કારમાં ન બેસે એવી ગર્વિષ્ઠ શોભનાને પણ યુવકોના હાસ્યનો જવાબ આપવા કારમાં બેસવાની દૃઢ ઈચ્છા થઈ. ચીડવીને સુધારવાની રીત નિષ્ફળ નીવડી છે, પરંતુ વિદ્યાર્થીઓ ચીડવીને સુધરવા-સુધારવા ક્યાં માગતા હતા ? તેમને પણ યુવતીઓની સોબત જોઈતી હતી. મશ્કરી કરવા છતાં યુવતીનો સંગ મળી જાય તો તેમને ગમે એમ હતું.

'આપનો આભાર માનું છું. આપના આમંત્રણનો લાભ લઈએ જ.' શોભનાએ જવાબ આપી પોતાની સહિયરોને અંદર બેસાડી.

'આપ આગળ બેસો; હું ચલાવીશ.' કહી યુવકે શોભનાને કારની આગલી બેઠક પર બેસાડી. કારનો હાંકનારો બારી પાસે ઊભો હતો તે ખસી ગયો. તેને યુવકે કહ્યું:

'તું પાછળ આવ; હું ગાડી લઈ જાઉં છું.'

સફાઈપૂર્વક શોભનાની સાથે બેસી યુવકે ગાડીનું સુકાન હાથમાં લીધું. ગાડીમાં જીવ આવ્યો દેખાયો.

એકાએક કોઈ વિચિત્ર ખાદીધારી યુવક ગાડી પાસે આવી શોભનાને જોતો ત્યાંથી પસાર થયો દેખાયો.

શોભના એ યુવકને જોઈ રહી. સહેજ આશ્ચર્ય તેની આંખમાં રમી રહ્યું. કારના માલિકે ગાડી આગળ ધપાવી. તેણે પેલા ખાદીધારીને જોયો નહોતો.

'કોણ હતો એ બબૂચક ?' તારિકાએ પૂછ્યું.

'કોની વાત છે ?' રંભાએ પૂછ્યું.

'પેલો આમ ગયો તેની.'

'આવા કૈક ફરે છે, ગમારો !'

શોભના કાંઈ બોલી નહિ. કાર આગળ વધી કૉલેજના વંડાની બહાર નીકળી. સૂચક તાળીઓ અને ઉદ્ગારો વચ્ચે થઈ તે પસાર થઈ.

યુવકયુવતીના આ જગતમાં ઉત્સાહ, ઉન્માદ, અશિષ્ટતા, અદેખાઈ, અછકલાપણું અને અતંત્રતા ચારે પાસ દેખાયા કરતાં હતાં. એ વંટોળિયા વચ્ચે થઈ ઝડપથી આગળ વધતી ગાડીમાં એ જ યુવકયુવતીનો એક વિભાગ અત્યંત નિયંત્રણપૂર્વક આગળ વધતો હતો. જ્વાલામુખીના ટુકડાઓ વ્યવસ્થિત અને નિયમનભર્યા વાહનને જ વશ વર્તતા હતા.

અગર પછી નિયમન માગતા વાહનને જ એક જવાળામુખી દોરતો હતો ?

હરકત ન હોય તો મારા ઘર આગળથી જઈએ.' યુવકે સહજ એકાંત રસ્તો આવતાં શોભનાને પૂછ્યું. શોભના તરફ તેની નજર ન હતી. ગાડીનું સુકાન હાથમાં રાખનારથી પાસે બેસનારનું મુખ મરજીમાં ફાવે ત્યારે જોઈ શકાતું નથી.

'મને હરકત નથી.' શોભનાએ કહ્યું. સરખા હક્ક માગતી યુવતીઓ આવી સૂચનાથી ગભરાતી નથી.

'મને ઓળખતાં નહિ હો.' યુવકે પૂછ્યું.

'અંગત પરિચય નથી. કૉલેજમાં - અને ખાસ કરી મેળાવડાઓમાં તમને જોયા છે.'

'હું થિસિસ[૧] તૈયાર કરું છું.'

'કયા વિષય ઉપર ?'

“સમાજવાદ અને હિંદની ગ્રામજનતા.'

“સમાજવાદના વિરોધી છો ?'

યુવકે અત્યંત કેળવાયેલું સુશિક્ષિત હાસ્ય કર્યું અને પૂછ્યું:

'શા ઉપરથી એમ પૂછો છો ?'

'આપના આજના વ્યાખ્યાન ઉપરથી, સ્ત્રીસ્વાતંત્ર્યના આપ વિરોધી લાગો છો.'

'ઓહ ! એ તો સહજ. વિદ્યાર્થીઓ માટે વિષયને જુદો ઝોક આપવા પૂરતું. જાણીજોઈને મેં વિરોધ પક્ષ લીધો. હું તો અક્ષરેઅક્ષર તમારી દલીલને મળતો થાઉ છું.'

'મને બહુ આનંદ થયો. પણ - પણ તમે મારી તરફેણમાં બોલ્યા હોત તો હું આમ તમારી સાથે ભાગ્યે જ આવત.'

'કારણ ?'

'વિરુદ્ધ બોલનાર - વિરુદ્ધ બોલનાર પુરુષનો મને ભય નથી એમ સાબિત કરવા મેં તમારી માગણી સ્વીકારી.'

'જૂઠ બોલવાથી થતા લાભનો આ એક દાખલો !' સહજ હસીને યુવકે કહ્યું અને શોભના તરફ જોયું. પાસે થઈને બીજી કાર ચાલી જતી હતી તેની સાથે અથડાઈ જવાત એવો ભય શોભનાને લાગ્યો; તે છુપાવતી શોભનાએ પૂછ્યું :

'આપનું નામ તો ભાસ્કર ને ?'

'હા જી; મારું મકાન પણ આ આવ્યું. તમે બધાં જ પાંચ મિનિટ ઊતરી મારું ઘર જોઈ પછી જાઓ તો કેવું ?” એક સરસ બંગલાના બગીચા આગળ પ્રવેશદ્વાર પાસે ગાડી અટકાવી દઈ ભાસ્કરે પૂછ્યું.

'ઘણું મોડું થશે, બીજી કોઈ વાર આવીશું.” શોભનાએ કહ્યું,

'સર્વાનુમતે ? કે આપનામાંથી બીજું કોઈ મારી સહાયમાં આવશે ?' ભાસ્કરે અંદર જોઈ પૂછ્યું.

ત્રણે સહિયરો હસી પડી. સ્ત્રીઓ બહુ સહેલાઈથી હસી પડે છે એનો અનુભવ ભાસ્કરને થઈ ચૂક્યો હતો એમ લાગ્યું.

'હું મૌનને નહિ પણ હાસ્યને સંમતિ માનું છું. ચાલો, હવે ચા પીધા વગર હું નહિ જવા દઉં.'

એટલું કહી ભાસ્કરે ગાડી બંગલા પાસે લીધી અને બારણા પાસે પહોંચતાં તેને ઊભી રાખી.

ગાડી ઊભી રહેતાં બરોબર એક સફાઈદાર વસ્ત્રોવાળા નોકરે આવી ગાડીનાં બંને બારણાં ખોલી નાખ્યાં, અને ભાસ્કર તથા તેની નૂતન સ્ત્રીમિત્રો બહાર નીકળ્યાં. વિવેકપૂર્વક આગળ માર્ગ બતાવી ભાસ્કરે સહુને અંદર દોર્યાં, અને અત્યંત શણગારભરેલા એકબે ઓરડાઓ વટાવી બગીચા ઉપર ઝૂકતી એક ઓસરી ઉપર ગોઠવેલી ખુરશીઓ ઉપર તેણે સહુને બેસાડ્યાં.

સમાજવાદી ભાસ્કરનું મકાન એક અત્યંત ધનવાનના ઘરનો ખ્યાલ આપતું હતું. ખુરશીઓ એટલી બધી સુંવાળી અને ભરેલી હતી કે સહુને સ્વાભાવિક રીતે જ બેસવાનું મન થાય. બગીચાની લીલોતરી અને ક્યારીઓમાં ઝૂલતાં ફૂલ તરફ સહજ નજર જાય એમ હતું. ઓસરીની ભીંતે મોટા મોટા જાણીતા કલાકારોનાં ચિત્રો હતાં. મેજ ઉપર ચિત્રસંગ્રહો પડ્યા હતા અને સુશોભિત અભરાઈઓ ઉપર નવાં નક્કોર જોવાં ગમે એવાં પુસ્તકો ગોઠવાયેલાં હતાં.

'આ મારી બેઠક. દિવસ અને રાતનો ઘણો ભાગ હું અહીં જ ગાળું છું.” ભાસ્કરે કહ્યું.

'બહુ સરસ જગા છે. ગમે એવી.' રંભાએ કહ્યું. 'આપ કોઈ કોઈ વાર આવશો તો હું આભારી થઈશ.' ભાસ્કરે કહ્યું.

“કોઈ કોઈ જ વાર ? આ આમંત્રણ ખરું !' તારિકાએ વાંધો કાઢ્યો.

'બોલાવી જુઓ.' વિનીએ કહ્યું, ચબરાક વાતચીત આ યુગમાં માન્ય બનતી જાય છે.

'આપ રોજ આવી શકો તો મારા જેવો કોઈ ભાગ્યશાળી નહિ.'.

'કેમ ?' શોભનાએ પૂછ્યું.

'હું આપને મારા મતમાં ભેળવી શકું. મારે આખા જગતને મારા મતનું બનાવવું છે - શેમ ![૨] હજી પેલો ચા નહિ લાવ્યો ! આપણા નોકરો બહુ જ અણઘડ ! છટાથી ભાસ્કરે વીજળીનું બટન દાબી ઘંટડી વગાડી.

ધીમે પગલે પરંતુ ઉતાવળથી એક નોકર આવી ડોકું નમાવી ઊભો રહ્યો.

'હજી કેમ ચા નથી લાવ્યો ?' ભાસ્કરે ખરાબ ન લાગે એટલી ધમકીથી પૂછ્યું.

'જી, તૈયાર છે; હું લાવું.' નોકરે કહ્યું.

'તો વાર શાની ? લાવ જલદી.' એક મહારાજાને શોભે એવી અદાથી ભાસ્કરે હુકમ આપ્યો. ભાસ્કરનું સુઘડ પૌરુષ જોરદાર પણ દેખાયું. નોકર ગયો. બગીચામાં એક આકૃતિ ફરતી દેખાઈ તે તરફ સહુનું ધ્યાન ગયું.

'મારા પિતા છે; પરંતુ એ ગાંધીવાદી છે. સમાજવાદ એમના મનમાં ઊતરતો જ નથી.' ભાસ્કરે કહ્યું.

'પરંતુ ગાંધીવાદને જ કેટલાક સમાજવાદ માને છે.' શોભનાએ કહ્યું.

'વિચારનો ગૂંચવાડો, બીજું શું ! ગાંધીવાદથી દેશને કાંઈ જ ફાયદો થયો હોય એમ હું માનતો નથી.' ભાસ્કરે કહ્યું.

'ઊલટી અંઘોળ પેઠી.' વિની બોલી.

'અને એક ન્યાત વધી - ખાદીધારીઓની' તારિકાએ સંમતિ આપી.

નોકરે આવી ચાનાં પ્યાલારકાબી ગોઠવ્યાં બિસ્કિટની નવામાં નવી જાત વડે તાસકો ભરી અને ફળનો ખુમચો ખુલ્લો મૂક્યો. ચાની શરૂઆત થાતામાં દીવા થયા, એટલે સહુએ ઉતાવળે ચા પીવા માંડી.

'સરખા હક્ક માગતી સ્ત્રીઓ દીવા થતાં કેમ ડરતી હશે ?' ભાસ્કરે કહ્યું.

'હજી હક્ક આપો તો ખરા !' તારિકાએ હસીને કહ્યું.

'આપે કોણ ? આપણે હક્ક લેવાના છે.' રંભા બોલી.

'અને તે લડીને !' શોભનાએ કહ્યું.

'બધાં સાથે લડી શકાય; સ્ત્રીઓ સાથે માત્ર નહિ. અમારાં હથિયાર તમારી સામે અમે નીચે મૂકીશું.' ભાસ્કરે કહ્યું અને સહુ હસી પડ્યાં.

બહાર કાંઈ બૂમો સંભળાઈ, પરંતુ આ જંગલી જગતમાં સભ્ય બંગલાઓ પાસે બૂમો પાડનારા લોકો હજી વસે છે એટલે તે તરફ ભાસ્કરે ધ્યાન આપ્યું નહિ, પરંતુ વાતોને અટકાવતો એક નોકર વગર બોલાવ્યો આવ્યો એટલે ભાસ્કરે પૂછયું :

'શું છે ?'

'બહાર કોઈ માણસ આવ્યો છે, અને તે આપને મળવા માગે છે.' નોકરે કહ્યું.

'અત્યારે કોણ આવ્યો ?'

'ખબર નથી.'

'એનું કાર્ડ ક્યાં છે ?'

'એ કાર્ડ નથી રાખતો; મેં માગ્યું હતું.'

'કેવા લોકો છે ! ગમે ત્યારે આવવું અને તે પાછું કાર્ડ વગર ! જા, એનું નામ કાપલી ઉપર લખાવી આવ.'

'તેની પણ ના પાડે છે.'

'તો પછી બેસવા દે, હું થોડી વાર પછી મળીશ.'

નોકર ગયો. ચા ઉપર બેસીને સ્ત્રીઓના હક્કની ચર્ચા પછી ગરીબોની પરિસ્થિતિ ઉપર પણ સારી ચર્ચા થઈ શકે એમ છે. ગરીબીથી પર રહી, ગરીબોથી તટસ્થ રહી, બંગલામાં ચાંદીની ચાંદનીના પડછાયા નીચે બેસતાં ગરીબોના પ્રશ્રો બહુ જ અસરકારક રીતે ઊકલી શકે છે. છતાં ઊઠતે ઊઠતે શોભનાથી એક ટીકા થઈ ગઈ :

'પણ આપણે બધાં આમ મોજ કરીએ તો ગરીબોની ગરીબી કેમ જાય ?'

'એ જ ગાંધીવાદ, એ જ ભુલભુલામણી. સમાજવાદ તો ગરીબોને આવી જ મોજ આપવા માગે છે; જેની મોજ છે તેની લઈ લેવા માગતો નથી.' ભાસ્કરે કહ્યું.

'તો પછી વિગ્રહ કેમ થશે ? અમીરો અને મધ્યમવર્ગીય ધનિકો પાસેથી મિલકત લેવાની જ ને ?' શોભનાએ પ્રશ્ન કર્યો. યુવતીઓએ પણ સમાજવાદનું હાર્દ ઓળખવા માંડ્યું છે.

'વિગ્રહમાં યુવકો - આપણે- ગરીબો સાથે જ હોઈશું, પણ એ વિગ્રહ વ્યક્તિગત ન હોય; સમગ્ર વર્ગનો હોય.' સમાજવાદી ભાસ્કરે તાત્ત્વિક ભેદ સમજાવ્યો અને સઘળાં બહાર આવ્યાં. ઓટલા નીચે એક ખાદીધારી યુવક લટાર મારતો હતો. હસતી હસતી બહાર આવતી ટોળી તરફ તેણે જોયું નહિ; પરંતુ ભાસ્કરની દૃષ્ટિ તેની પર પડી.

'અરે પરાશર ! તું છે? ભાસ્કર એકદમ બોલી ઊઠ્યો, અને સહુએ તેની તરફ નજર કરી.

'બપોરનો તને શોધ્યા કરું છું.' પરાશર નામના યુવકે કહ્યું. ભાસ્કરની કાર પાસે વ્યાખ્યાન પૂરું થયે એ જ યુવક આવ્યો હતો એની તારિકા તથા રંભાને ખાતરી થઇ.

'કૉલેજના પુસ્તકાલયમાં ગયો. અને જાણ્યું કે ત્યાં વ્યાખ્યાન છે, એટલે ત્યાં જ રોકાઈ ગયો. હું દિલગીર છું. પણ તું અંદર કેમ ન આવ્યો ?'

'તારી રજા વગર કોણ પેસવા દે ? અને કાર્ડ તો હું રાખતો જ નથી.' પરાશરે કહ્યું.

આ ચારે મારાં નવાં મિત્રો ! ઓળખ : આ તારિકા, આ રંભા, આ વિની અને શોભના હાથ શાનો જોડે છે ! હાથ મેળવ !'

ત્રણ યુવતીઓએ હાથ આગળ ધર્યા અને સંકોચસહ પરાશરે સહુની સાથે હાથ મેળવ્યા. માત્ર શોભના બાજુએ જોઈ રહી. તેણે પોતાનો હાથ આગળ ન ધર્યો.

'હું આ બધાંને મૂકી આવું ?' ભાસ્કરે પૂછ્યું.

'તારી મરજી, પણ મને હવે એક કલાકની જ ફુરસદ છે.' પરાશરે કહ્યું.

'અમે ચાલ્યા જઈશું.' રંભાએ કહ્યું.

'કાર તો આવશે જ. હું ફરી આપને મળીશ. માફ કરજો. આપનો ઘણો સમય લીધો છે.' ભાસ્કરે કહ્યું અને ચારે યુવતીઓને મોટરકારમાં તેણે બેસાડી દીધી. ગાડી બહાર રસ્તા ઉપર આવી અને વિનીએ કહ્યું:

'આજે મઝા આવી, નહિ ?'

'શી મઝા ?' શોભનાએ પૂછ્યું.

'તારું ભાષણ સાંભળ્યું એ પહેલી મઝા.' વિની બોલી.

'કારમાં બેઠાં એ બીજી.' રંભા બોલી. 'અને આ ઢબે ચા પીધી એ ત્રીજી.' તારિકાએ કહ્યું.

'જાણે કારમાં બેઠાં જ ન હોઈએ અને ચા કદી પીધી જ ન હોય !' શોભનાએ કહ્યું.

છતાં શોભનાની આંગળી કારની સુંવાળશ ઉપર ચોરીથી ફરતી હતી તેનો શોભનાને જ ખ્યાલ આવ્યો. એટલે આગળ પડતી બેઠેલી તારિકાની છૂટી સેર ઉપર સાહજિક રીતે તેણે હાથ ફેરવ્યો.

“આપણામાં કોના વાળ લાંબા હશે ?” તારીકાએ પૂછયું. તે જાણતી હતી કે સુંવાળાશ અને લંબાઈ માટે તેના પોતાના વાળ ઘણી વખત વખણાયા હતા.

'આપણને તો બૉબ્ડ વાળ ગમે. ઓ રે ! આ વિની જો ને ચૂંટી ભરે છે.' રંભાએ કહ્યું.

'તને ગમતા હોય તો રાખતી કેમ નથી ?' વિનીના વાળ બૉબ્ડ તરીકે જાણીતી થયેલી કેશશૃંગારની પદ્ધતિના હતા; એટલે પોતાની મશ્કરી થતી માની વિનીએ રંભાને ચૂંટી ભરી કહ્યું.

'ભાસ્કર વિષે તમારો શો મત થયો ?' શોભનાએ પૂછ્યું.

'એટલે ?' વિનીએ પૂછ્યું.

'સામાન્ય છાપ કેવી પડી ?' શોભનાએ પૂછ્યું.

'સમાજવાદી છે એટલે આગળ પડતા વિચારો તો ખરા જ !' તારિકાએ કહ્યું.

'અને સુઘડ બહુ લાગે છે. દેખાવે ઠીક, નહિ ?' વિનીએ કહ્યું.

'તારે દેખાવને શું કરવો છે, બહેન ?' રંભાએ આંખમાં તોફાન લાવી પૂછ્યું.

'સારો દેખાવ હોય તો વળી સારો જ લાગે ને?' વિનીએ ચોખ્ખી વાત કરી.

'પત્ર લખવાનું એક સાધન વિનીને વધ્યું.'

'બહુ સારું, તમે કોઈને નહિ લખતાં હો, ખરું ને ? મોટી સતીઓ !' વિનીએ કહ્યું.

'અરે, પેલો શૉફર સાંભળશે.' તારિકા બોલી.

'છો સાંભળે ! આપણે બધાથી જ બીવાનું કાંઈ કારણ?' રંભાએ કહ્યું.

'પણ પેલો પરાશર કોણ હશે ? ભાસ્કરને એવો મિત્ર !' વિની બોલી.

'શોભના તો કાંઈ બોલશે જ નહિ.' તારિકાએ કહ્યું. 'મારું ઘર આવ્યું. બોલવાનું બંધ રાખીએ એ જ સારું.' શોભનાએ કહ્યું, અને પોતાના ઘર તરફ કારને દોરવાની સૂચના આપી. ઘર આવતાં કાર ઊભી રાખી.

'કોઈ લડે એમ હોય તો હું સાથે આવું.' વિનીએ કહ્યું.

'મને વળી લડનાર કોણ છે ?'

'તારાં માબાપ.'

'તને તો બીક લાગતી હશે. મારાં માબાપ તો મને કાંઈ

કહેતાં નથી.' શોભનાએ કહ્યું અને ચારે યુવતીઓ છૂટી પડી.


સીડી ઉપર શોભના છટાદાર ત્વરાથી ચડી ગઈ અને બારણું ખોલી ઓરડામાં દાખલ થઈ. દીવો બળતો હતો. એક આરામખુરશી ઉપર બેસી શોભનાના પિતા વર્તમાનપત્ર વાંચવા મથતા હતા; પરંતુ તેમની નજર વર્તમાનપત્રમાં ન હતી. વારંવાર બારણા તરફ તેઓ જોયા કરતા હતા. શોભનાને જોતાં બરાબર તેઓ બોલી ઊઠ્યા :

'આવી ગઈ બહેન ?'

'હા, આજે જરા મોડું થયું.'

'હરકત નહિ; વાદવિવાદ બહુ ચાલ્યો હશે.'

'ના ના, પણ સભા પૂરી થયા પછી હું એક મિત્રને ત્યાં ગઈ હતી.'

'પુરુષમિત્ર કે સ્ત્રીમિત્ર' એટલું પૂછવાની પિતાને ઇચ્છા તો થઈ આવી, પરંતુ આ સ્વાતંત્ર્યયુગમાં પુત્રપુત્રીની પણ બહુ પૂછપરછ સારી રીતભાતમાં લેખાતી નથી.

'બહેન ! જમવાનું તૈયાર છે. તું કપડાં બદલે એટલી વાર.' અંદર ઓરડામાંથી બહાર આવી શોભનાની માએ કહ્યું.

'તેં શા માટે રસોઈ કરી ? હું ન કરી નાખત ?' શોભના બોલી.

'થાકી-હારી તું આવે અને તારે માથે પાછી રસોઈ નાખવી ?' માતાએ કહ્યું. શોભનાએ માતા તરફ નજર કરી. શોભનાની માતા જયાગૌરી ગોરાં, સહજ સૂકાં અને જીવનથી થાકી ગયેલાં લાગતાં સન્નારી હતાં. દસબાર વર્ષ ઉપર કદાચ તેઓ રૂપાળાં પણ કહેવાતાં હોય.

'તું આરામ લે. હું હમણાં આવું.' - કહી શોભના અંદર ચાલી ગઈ.

ઘર કાંઈ ઘણું મોટું ન હતું. એક ઓરડામાં થતી વાતચીત બીજા ઓરડામાં સંભળાઈ જાય એવો પૂરો સંભવ હતો. ઘર ઉપર સામાન્ય સ્થિતિની છાપ પડેલી હતી. જયાગૌરીએ ચારે પાસ જોયું અને ધીમેથી, બીતે બીતે પણ સ્પષ્ટતાથી કહ્યું :

'મને તો એમ થાય છે કે આ છોકરીનું ભણવાનું બંધ કરાવીએ.'

'કેમ ?'

'તમે તો જોતા નથી, પણ જરા વિચાર કરો. આજ કેટલી મોડી આવી? ભણતર આજનાં છોકરાંને વંઠેલ બનાવી મૂકે છે.' 'આપણાં માબાપ આપણા માટે પણ એમ જ કહેતાં હતાં, નહિ ? ફિક્કું હસી શોભનાના પિતા કનકપ્રસાદે જવાબ વાળ્યો. કનકપ્રસાદ શિક્ષકનું કામ કરતા હતા.

'મારાં તો નહિ, પણ તમારાં માબાપ કહેતાં હોય તો કોણ જાણે ! અને એ કહેતાં હોય તો એમાં બહુ ખોટું પણ શું હતું ?' જયાગૌરીએ હસીને ધીમેથી કહ્યું. તેમના હાસ્યમાં યૌવનના ભણકારા સંભળાતા હતા. થાકેલા દેહ અને થાકેલા મન પણ વર્ષોના પડદા પાછળ જુએ છે, ત્યારે પૂર્વજીવનના રંગ તેમને રંગી જાય છે.

'એટલે ?'

'એટલે એમ કે તમારી નફટાઈનો પાર નહોતો.' જયાગૌરીએ કહ્યું. પતિપત્નીએ પુત્રીની ગેરહાજરીમાં પ્રાચીન પ્રેમને સંભાર્યો. દેહ સહી ન શકે એવો પ્રેમ કજળી ગયા જેવો જ હતો. કદાચ અતિ ઉગ્ર પ્રેમ અંગારેજ જીવનથાકને વહેલો લાવી મૂક્યો હોય. પરંતુ લગ્નને વળગી રહેલો પ્રેમ, દેહને ભસ્મ કરતો હોય છતાં તે પવિત્ર મનાયે જાય છે. જયાગૌરી પોતાને પવિત્ર મનાવતાં - જોકે તેમનું શરીર દસબાર વર્ષથી ઘસાવા લાગ્યું હતું. અને કનકપ્રસાદ પણ આરોગ્યના નમૂનારૂપ ન જ હતા.

'હું શું કરતો હતો ?'

'મારે સંભારવું નથી, પણ આજનું ભણતર અને મોટી ઉમર બંને મને તો મૂંઝવી નાખે છે.'

શોભનાએ બારણું ઉઘાડ્યું અને પૂછ્યું :

'બા ! કોણ તને મૂંઝવે છે ?'

'તુંસ્તો, બીજું કોણ ?'

'કારણ ?'

'કારણ કશું જ નહિ: પણ આ તમારાં ભણતર...'

'એમ તો તુંયે ભણેલી છે.'

'તારા જેટલું નહિ ને ! અમારું ગુજરાતી-અંગ્રેજી ભણતર જુદું હતું. મારે તો તને મેટ્રિક પછી ઉઠાડી લેવી હતી, પણ તારા બાપને ગ્રેજ્યુએટ દીકરીનો મોહ અને તારી જક !'

'હવે બહુ વાર નહિ થાય, પરીક્ષા પાસે આવે છે.' કનકપ્રસાદે કહ્યું. ભણતરનો ભય માતાપિતાને - ખાસ કરીને માતાને - ઘણો રહેતો હતો એ શોભના જાણી હતી. જયાગૌરી ભણેલાં હતાં. થોડો અંગ્રેજી અભ્યાસ પણ તેમણે કરેલો હતો. વર્તમાનપત્રો અને નવલકથાઓનું વાચન તેમને બહુ પ્રિય હતું. સ્ત્રીઓના સરખા હક્કમાં તેઓ માનતાં હતાં. પરંતુ તે બીતે બીતે. છોકરીઓને ભણાવવી જોઈએ એમ એમનો મત હતો. પરંતુ એ ભણતરનો ઉદ્દેશ છોકરીને સારો વર મળે એટલો જ હતો. કન્યાઓને કલા શીખવવી જોઈએ એમ તેઓ કહેતાં હતાં. પરંતુ નૃત્ય-અભિનય ને સંગીત જેવી કળાઓએ કન્યાની સોળ વર્ષની ઉમર પછી અદૃશ્ય રહેવું જોઈએ એવો તેમનો છૂપો અભિપ્રાય હતો જે ઘણી વખત એક અગર બીજા સ્વરૂપે વ્યક્ત થતો. તેઓ જાતે હાર્મોનિયમ વગાડતાં, અને સિતારની કેટલીક ગતો પોતાને આવડતી હતી એમ કહેતાં. વર્ષો પહેલાં તેઓ સારા ગરબા ગાઈ-ગવડાવી શકતાં, અને હજી પણ ગરબાની મિજલસોમાં અચૂક હાજરી આપતાં. સભા, મેળાવડા અને નાટક-સિનેમામાં જવાની તેમને ઈચ્છા રહેતી. અને એ ઈચ્છા સામાન્યતઃ પૂરી પણ પડતી. તેમણે પોતાની શાળાના દિવસોમાં બેત્રણ વાર ઉત્સવો પ્રસંગે કોઈ સ્ત્રી (દુષ્યંતની શકુંતલા)ના કે કન્યા (સલીમની અશ્રુમતી)ના અભિનયો કર્યા હતા એમ ઘણી વખત કહેતાં. પરંતુ પુરુષ વિદ્યાર્થીઓની નાટ્યપત્ની બની જાહેર અભિનય કરવાની વર્તમાન યુવતીઓની વૃત્તિમાં તેમને નિર્લજ્જતા લાગતી. અને તેમાંથી નૈતિક અધઃપતન થવાનો પૂરો સંભવ તેઓ સ્વીકારતા હતાં, તથા બની શકે ત્યાં સુધી શોભના એવા પ્રયોગોમાં ન પડે એમ ઈચ્છતાં. જો કૉલેજમાં વિદ્યાથીઓ અને વિદ્યાર્થિનીઓએ નાટક ભજવવાં જ હોય તો ભાઈ-બહેન કે બાપ દીકરીના ભાવને જ વ્યક્ત કરતાં નાટકો રચી ભજવવાં જોઈએ એવી તેમની દલીલ હતી. તેઓ સારાં, સ્વચ્છ કલામય કપડાં પહેરવાની તરફેણમાં હતાં. અને તેમના યૌવનકાળમાં વસ્ત્ર અને વાળપ્રયોગમાં તેઓ અનેક યુવતીઓમાં ગુરુ બની શક્યાં હતાં. પરંતુ બૉબ્ડ વાળ, કાન, કપાળ અને ગાલ ઉપરના અલકપટા અને ખુલ્લી લાંબી સેર, બાંયરહિત કબજા અને અંગ સાથેના અણગમતા સંબંધની અકળામણ દર્શાવ્યા કરતી નાસતી, ભાગતી, સરકતી સાડીનો તેઓ વિરોધ કરતાં હતાં.

આવા વિરોધોની વચ્ચે વર્તમાન યુવકયુવતી પોતપોતાના સ્વભાવ અને સ્વાંગ બદલ્યે જ જતાં હતાં, અને પિતાઓ અને માતાઓ કરતાં જુદી જ ભાવનાઓ જુદા પરિધાનમાં વિકસાવતાં હતાં. એ સ્થિતિ જયાગૌરીને દુ:ખદ નહિ તો મૂંઝવનારી તો હતી જ. એક જ પ્રશ્ન તેમણે પોતાને પૂછ્યો ન હતો : નવો અણગમતો યુગ લાવવામાં તેમનો પોતાનો કેટલો ફાળો હતો ?

'પરીક્ષા પાસ કરીનેયે શું ? એને તો નોકરી કરવી છે !' માતાએ કહ્યું 'શું ખોટું ! સહુએ પોતપોતાના પગ પર ઊભા રહેવું જ જોઈએ ને? કનકપ્રસાદે વધારે પ્રગતિમાન વિચાર દર્શાવ્યો.

શોભનાએ આ વાદવિવાદમાં ભાગ લીધો નહિ. વાદવિવાદ વગર વહેતા સમયના પ્રતીક સમી શોભનાએ જ્યાં જ્યાં અવ્યવસ્થા લાગી ત્યાં ત્યાં ગોઠવણ કરી દીધી. અને ત્રણ જણે જમી વાંચવાનું શરૂ કર્યું. ભણેલી સામાન્યતાને સમય વિતાવવામાં વાચન ઉપયોગી થઈ પડે છે. જયાગૌરીએ સિનેમાની નટીઓનાં ચિત્રો અને પરિચયવાળું એક છાપું અણગમો બતાવી હાથમાં લીધું; કનકપ્રસાદે અંગ્રેજી છાપું હાથમાં લીધું. ગુજરાતી છાપાં એ કચરો છે એવી તેમની યુવાનીની માન્યતા ઘસાઈ ગયેલી છતાં જીવતી હતી. શોભના પોતાના અભ્યાસની ઓરડીમાં ગઈ.

અભ્યાસની ઓરડી એ તેની બેઠકની ઓરડી તેમ જ સૂવાની ઓરડી હતી. એમાં એક પાસ ચોપડીઓ ગોઠવેલી હતી; સાદી પણ સ્વચ્છ શેતરંજી અને ગાદી એ તેને અને તેની બહેનપણીઓને બેસવાનું અને વાતો કરવાનું સ્થાન હતું. નાનું મેજ અને બે ખુરશીઓ એ તેનાં લેખનસાધન હતાં, અને બારી પાસેનો ખાટલો એ તેનું નિદ્રાસ્થાન હતું. કનુ દેસાઈના ચિત્રની એક સ્ત્રીપ્રતિકૃતિ નૃત્યભાવ દર્શાવતી તેના મેજ ઉપર મૂકેલી હતી; ગાંધીજી અને ટાગોરની છબીઓ સાથે જ ભરાવેલી હતી; બાજૂમાં એક સિનેમા નટીની અર્ધનગ્ન છબી અને રુડોલ્ફ વેલેન્ટીનો તથા શેવેલિયરની છબીઓ પણ લટકાવેલી હતી. ખાટલાની બાજુમાં એક મોટો આયનો પણ દેખાતો હતો; તેની ઉપર જક જૉન્સન સરખા મુક્કાબાજની અને હૉબ્સ તથા દુલીપસિંહ સરખા ખેલાડીઓની પણ છબીઓ ગોઠવેલી હતી.

શોભનાએ ઓરડીમાં જઇ નર્તકીની છબી જોઈ, વેલેન્ટીનો તરફ દૃષ્ટિ ફેંકી. આયના પાસે જઈ પોતાનું મુખ નિહાળ્યું તથા સમાર્યું. વાળની એક લટ નીચી ઉતારી. લૂગડાને વધારે ખૂલતું કર્યું અને નર્તકીના સરખી અંગુલિમુદ્રા બનાવવાનો પ્રયત્ન કર્યો. તેને સહજ હસવું આવ્યું; હાસ્ય તેને મધુરું લાગ્યું; એ હાસ્ય સતત મુખ ઉપર ચાલુ રહે તો કેવું દેખાય તે તેણે હાસ્યને લંબાવી જોયા કર્યું. સતત હસતાં મુખ સર્વદા સુંદર લાગતાં નથી એવી એની ખાતરી થઈ; એટલે આડી આંખે હાસ્ય વગરનું મુખ જોયું. અને તેને સ્મૃતિમાં રાખી મેજ પાસે ચાલી ગઈ. પોતાનું મુખ પોતાને ભાગ્યે જ યાદ રહી શકે છે. તેને વિની અને તારીકાનાં મુખ યાદ આવ્યાં. બંને બહુ સોહામણાં હતાં. અને ભાસ્કરનું મુખ ?

શોભનાએ વેલેન્ટીનોની છબી તરફ પાછી નજર કરી. તેને લાગ્યું કે ભાસ્કર અને વેલેન્ટીનોના મુખમાં કંઈ ન સમજાય એવી સામ્યતા હતી. સામે પડેલાં પુસ્તકોએ તેનું ધ્યાન ખેંચ્યું એટલે તેણે પુરુષોની મુખસરખામણી મનમાંથી ખસેડી નાખી અને પુસ્તકોમાંથી એક પસંદ કરી ઉઘાડી તે ખુરશી ઉપર બેસી ગઈ.

એક કલાક સુધી એકાગ્રતાપૂર્વક તેણે પુસ્તક વાંચ્યા કર્યું. તેની એકાગ્રતા કોઈ યોગીને શોભે એવી હતી. આસપાસનાં મકાનો બંધ થયાં. પ્રકાશ બંધ થયો; વાહનોની અવરજવર ઓછી બની ગઈ, અને તેની પાસેના જ ઓરડામાં પાણીનો પ્યાલો પડી ગયો. પરંતુ શોભનાને તો કશાનો ખ્યાલ નહોતો. પુસ્તક વાંચવાની શરૂઆત કર્યા પછી તેને પુસ્તકના વિષય સિવાય આખી સૃષ્ટિની વિસ્મૃતિ થઈ હતી. પરંતુ જોડેના મકાનની એક ઘડિયાળે શોભનાની એકાગ્રતાને હલાવી એકસરખી નિયમિતતાથી વાગતા ધીમા કર્કશ લાગતા અગિયાર ટકોરાએ શોભનાને બાહ્ય સૃષ્ટિનું ભાન કરાવ્યું. તેણે ચોપડી જેારથી બંધ કરી હતી ત્યાં મૂકી.

'હજી સૂતી નથી, બહેન ?' પાસેના ઓરડામાંથી જયાગૌરીનો સ્વર સંભળાયો.

'ના, જાગું છું.' શોભનાએ જવાબ આપ્યો.

'તો હવે સૂઈ જા અગિયાર વાગ્યા.'

'થોડું લખવાનું બાકી છે, હું હમણાં જ સૂઈ જાઉં છું.'

'આ ભણવાનુંયે ભઈ તોબા છે !' જયાગૌરી બોલ્યાં, અને તેમના સૂરની આસપાસ શાંતિ વીંટાઈ વળી. શોભનાને લાગ્યું કે જયાગૌરીનો અવાજ તેમના સૂવાના નિશ્ચિત સ્થળ ઉપરથી આવતો ન હતો.

તેણે કાંઈ લખવાનું શરૂ કર્યું. થોડી થોડી વારે જુદાં જુદાં પુસ્તકો ઉઘાડી તેમાંથી નોંધ કરી લેતી શોભનાનો બીજો કલાક પણ એમ જ નીકળી ગયો. અંતે તેણે લખવાનું બંધ કરી દીધું અને ખુરશી ઉપરથી ઊઠી ઊભી થઈ. અકસ્માત - અગર વિચારપૂર્વક તેની દૃષ્ટિ દેખાવડા નરને બદલે ગાંધી અને ટાગોરની છબી તરફ વળી. કદરૂપા છતાં બાલક સમું ખુલ્લું હાસ્ય કરતાં ગાંધી અને તત્ત્વચિંતનમાં ઊંડા ઊતરેલા તેજસ્વી આંખોથી દીપતા ગંભીર સૌંદર્યના ભરેલા ટાગોર તરફ તે થોડી ક્ષણ જોઈ રહી.

'કાલ માર્ક્સ જેવી તીક્ષ્ણ ઉગ્રતા કોઈનામાંયે નહિ.' શોભનાને વિચાર આવ્યો. તેના પિતાને માર્ક્સવાદ બિલકુલ પસંદ ન હતો એટલે તેમનું મન મનાવવાના ઉપચાર તરીકે શોભનાએ ખુલી રીતે તેની છબી પોતાની ઓરડીમાં લટકાવી ન હતી: કોકે પિતાના ખંડમાં તો તેણે માર્ક્સ, એન્જલ્સ અને લેનીન એ ત્રણ મહાક્રાન્તિકારીઓની પ્રતિકૃતિને આગળ પડતી મૂકી હતી. પિતાએ હસીને પુત્રીની આ ઘેલછા ચલાવી લીધી હતી. અને પુત્રીએ આ માનસિક છેતરપિંડીમાં પિતાની ઉદારતા અને પોતાની સહિષ્ણુતાને જ કારણભૂત માન્યાં હતાં.

શોભનાને બુદ્ધિમાં પુરુષો કરતાં આગળ વધતું હતું. તેનો અભ્યાસ એ જ ઉદેશથી બહુ વ્યવસ્થિત અને કાળજીભર્યો થતો હતો. તેને ખાતરી હતી કે તે પરીક્ષામાં ઘણો ઊંચો ક્રમ લાવી શકશે. કૉલેજની બધી જ પરીક્ષાઓમાં તેણે પોતાની ઉચ્ચ બુદ્ધિની પ્રતીતિ કરાવી હતી. એને સ્વાભાવિક રીતે જ એ સંબંધી ગર્વ રહેતો. સ્ત્રીજાતિના પ્રતિનિધિ તરીકે તેના મનમાં પુરુષજાતિ વિરુદ્ધ ઊંડો ડંખ રહ્યા કરતો હતો. સ્ત્રીઓને સર્વદા પરતંત્ર રાખવાની જ પુરુષવર્ગની કોશિશ હોય છે એમ તે માનતી. સ્ત્રીને પુત્રી તરીકે, પત્ની તરીકે કે માતા તરીકે પરાધીનતામાં જ પૂરવાની યુક્તિ સમાજે - પુરુષ પ્રેરિત સમાજે - કરી રાખી છે એમ તે જોઈ શકતી. ઘણી વખત આ વિચારે તે પ્રજળી ઊઠતી અને સમાજ વિરુદ્ધ અનેક બંડ ઉઠાવવાની તે યોજનાઓ પણ ઘડતી. પરંતુ તેના મનમાં એક નિશ્વય તેણે કર્યો હતો. જ્યાં સુધી પુરુષવર્ગની સફળ હરીફાઈ બુદ્ધિજીવનમાં તે ન કરે ત્યાં સુધી તેના કાર્યમાં, તેની યોજનાઓમાં તેના બંડમાં બળ આવશે નહિ. એટલે પોતાના વિચારો પોતાની સહિયરો આગળ રજૂ કરવા છતાં અભ્યાસને જ તે વધારે પકડી રાખતી હતી અને જોકે યુવતીઓની વસ્ત્ર કે વર્તન-નવીનતામાં સ્ત્રીઓના આત્મસ્ફોટનનો અધિકાર તે સ્વીકારતી. અને એ નવીનતામાં ભળતી. છતાં એ નવીનતાને જ વળગી રહેવાના કાર્યને સઘળો સમય આપતી નહિ. બોંબ્ડ હેરવાળી વિનીના કેશ સ્વાતંત્ર્યને શોભના આવકારતી હતી, છતાં તેવા વાળ ગોઠવવાનો તેણે હજુ સુધી સમય મેળવ્યો ન હતો. બુદ્ધિમાં પોતે પુરુષની બરાબરી કરી શકે છે એ સાબિત કરવાનો જ તેને સતત ઉત્સાહ રહેતો. એટલે તે મોડી રાત સુધી અભ્યાસ કરતી અને દિવસે પણ કૉલેજની સઘળી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.

તેના મનમાં પુરુષો પ્રત્યે એક જાતનો વિરોધ વસી રહ્યો હતો. સ્ત્રીઓની પરતંત્રતાના પ્રશ્રે તેને ધીમે ધીમે સમાજવાદના અભ્યાસ તરફ દોરી, અને તેમાંથી કાર્લ માર્ક્સના સામ્યવાદમાં એક જ પગલે આવી જવાય એમ હતું. ગરીબ અને ધનિકના જગતવ્યાપી વર્ગો વચ્ચે સમાજની શરૂઆતથી જ ચાલતા છૂપા અગર ચાસન વિગ્રહને ઉગ્ર બનાવવામાં માનવજાતનો ઉદ્ધાર છે એમ માનતી - મનાવતી શોભનાને સદાય એક ભય રહ્યા કરતો હતો : ગરીબ અને ધનિકનો ભેદ ટળી ગયા પછી ? સ્ત્રીનું શોષણ કરતો પુરુષજાત વિગ્રહહીન સમાજમાં પણ સ્ત્રીનું શોષણ નહિ કરેં એની ખાતરી શી ? કદાચ ગરીબ અને ધનિકના વર્ગ કરતાં સ્ત્રી અને પુરુષના વર્ગ વધારે સાચા તો નહિ હોય ? અને એ જ વર્ગોનો - સ્ત્રીપુરુષનો વિગ્રહ એ જ સાચો ઇતિહાસ તો નહિ હોય ?

એમ હોય તોય શું ? ગરીબ અને ધનિકના વિગ્રહને અંતે ઐતિહાસિક બળોથી પ્રાપ્ત થનાર સામ્ય સમાજવ્યવસ્થામાં પુરુષ અને સ્ત્રીના વર્ગો આર્થિક શોષણના સ્વરૂપ ધારણ કરશે તો તે યુગની સ્ત્રી, યંત્રવાદ અને વિજ્ઞાનમાં પણ પુરુષોની બરાબરી કરી, પુરુષોને અંકુશમાં રાખવા જેટલી સત્તા મેળવી જ રહેશે; પરંતુ તેને માટેય આજથી જ તૈયારી કરવી જોઈએ.

વર્ગવિગ્રહની પોતે વિકસાવેલી આખી માન્યતા શોભના કોઈને કહેતી નહિ, છતાં તે જગતના અગ્રણી નમૂનારૂપ પુરુષોનાં જીવન અને કાર્યો પ્રત્યે એક અભ્યાસીની દૃષ્ટિ-વિવેચકની દૃષ્ટિ રાખ્યા કરતી હતી. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી આર્થિક સ્વાતંત્ર્ય મેળવીને તે અનેક કાર્યો કરવાના મનોરથ સેવતી હતી. ટાગોર, ગાંધી, માર્ક્સ અને હિટલર સરખા પુરુષ-નમૂનાઓનો તે વારંવાર વિચાર કરતી હતી. માર્ક્સના દેખાવનું બરછટપણું તેને ટાગોરના અમીરી દેખાવમાં અગર ગાંધીની શ્રમજીવી કુરૂપતામાં દેખાયું નહિ.

'ત્રણ વચ્ચે શો ફેર ?' તેણે દીવો બૂઝવતાં મનમાં જ પ્રશ્ન પૂછ્યો. 'દેવ જાણે !' અંધકારમાં પોતાના ખાટલા ઉપર જઈ સૂતાં તેના મને જવાબ આપ્યો.

શોભનાને સૂવું ગમ્યું. દેહને આરામ ગમે છે, અને થાક પછીનો આરામ વધારે સુખમય હોય છે. તેણે હાથપગ લંબાવ્યા. તકિયાને વધારે અનુકૂળ રીતે ગોઠવ્યો અને એક ઝીણું વસ્ત્ર ઓઢી લીધું. એ ઓઢેલા વસ્ત્ર નીચે લંબાયલો શોભનાનો દેહ શોભનાને અત્યંત જીવંત લાગ્યો. તેનું અંગેઅંગ જીવી રહ્યું હોય, સ્થિરતાથી - પ્રફુલ્લતાથી ધડકી રહ્યું હોય એમ તેને ભાસ થયો. માથામાં એક પિન રહી ગઈ હતી તે સૂતે સૂતે જ દૂર કરી. તેમ કરતાં તેને પોતાના વાળની સુંવાળાશ સમજાઈ. તેની આંખો ઉપર હળવો હળવો ભાર આવવા લાગ્યો - જાણે વિની તારીકા તેની આંખો મીંચી દેતી ન હોય ! 'શોભના સૂઈ ગઈ !'

ઊંડાણમાંથી - દૂર દૂરથી અત્યંત ધીમે ધીમે કોઈએ એ શબ્દો ઉચ્ચાર્યા ! પિતાએ ઉચ્ચાર્યા કે માતાએ ? પોતાના મનને ઝાંખો પ્રશ્ર પૂછી શોભના કોઈ આનંદભરી વિસ્મૃતિમાં લીન થઈ ગઈ અને જગતના બાહ્ય અંધકારની સાથે તન્મય બની ગઈ.


અંધકાર નીચે કેટકેટલાં પ્રકાશબિંદુઓ ચમકતાં હશે ? વિસ્મૃતિ નીચે જાગ્રતિના કેટકેટલા થર સળવળતા હશે?

શોભના ઝબકી જાગી. તેને પ્રથમ સમજ ન પડી કે પોતે ક્યાં હતી. તેનો દેહ આનંદથી થરથરતો હતો કે ભયથી ? તેણે ધીમે ધીમે પોતાના સ્થાનની ખાતરી કરી. તે પોતાના ખાટલામાં જ સૂતી હતી, તેની પોતાની જ એ પથારી હતીઃ પથારીમાં જ નહિ પણ આખી ઓરડીમાંય તે એકલી હતી. જગત પણ શાંત હતું. રાત્રિ હજી સંપૂર્ણ થઈ ન હતી, જોકે પ્રભાતની શીતલતા શોભનાના દેહને સહજ કંપ આપી રહી હતી.

દેહકંપ એ શીતલતામાંથી આવ્યો પરંતુ તેનો હૃદયકંપ ક્યાંથી આવ્યો ? એકલા આદર્શમય, અભ્યાસી જીવનને હલાવી નાખનાર આ અનુભવ માત્ર સ્વપ્નની મિથ્યા જાળ હતો શું ?

પરંતુ સ્વપ્નને મિથ્યા જાળ કેમ કહી શકાય ? જીવનના સાચામાં સાચા ટુકડાઓને ભેગા કરી સ્વપ્ન જીવંત બને છે, જીવનના એક વિભાગ તરીકે બની રહે છે, એમ સ્વપ્ન વિજ્ઞાનીઓ કહે છે. શોભનાના સ્વપ્ને તેના જીવનના કયા ટુકડાઓ ઝડપ્યા હતા ? તેનું પોતાનું જીવન સુંવાળું ન હતું, ધનિકતા અને વૈભવમાં તે ઊછરી ન હતી, અને ભવિષ્યમાં પણ સાહેબી ભોગવવાની તેને ખાસ અભિલાષા ન હતી. તે સુખ માગતી હતી એ ખરું; પણ વૈભવ નહિ. તો પછી એ મોટરકારમાં કેવી રીતે બેઠી ?

તેને શોધતાં સ્વપ્નનું મૂળ જડી આવ્યું. ગઈ સાંજે તે મોટરકારમાં જ બેઠી હતી. અને તેની ગાદીમાં રહેલી સુંવાળાશે તેનું ધ્યાન ખેંચ્યું હતું, નહિ? વળી પોતાના વાળની કુમાશ પણ તેને સૂતા પહેલાં ગમી હતી.

પરંતુ એને નૃત્ય કદી આવડતું ન હતું. સ્વપ્નમાં એ આટલું સુંદર નૃત્ય કેમ કરી શકી ? એક નર્તકીનું ચિત્ર અને માત્ર આયના સામેનો રમતાં રમતાં કરેલો અભિનય એક રાતમાં તેને આખું નૃત્યશાસ્ત્ર શીખવી શક્યાં ?

વળી એક પુરુષ તેનો હાથ પકડી રાખતો હતો ! પેલી રંભા તો ચંપલ મારવા સુધીની વાત કરતી હતી, અને શોભનાએ તેમ શા માટે ન કર્યું ? જીવનમાં નહિ તો સ્વપ્નમાં તો એ સંતોષ લેવો હતો ! ઊલટું એ પુરુષનો સ્પર્શ તેને ગમવા લાગ્યો હતો, નહિ ? અને એ પુરુષ પણ કેવો ! ઘડીમાં કદરૂપો લાગે, ઘડીમાં રૂપાળો લાગે ! એ કોણ ? ભાસ્કર ? ભાસ્કર તો ખાદી પહેરતો જ નથી ! ત્યારે ?

શોભનાનું હૃદય પાછું ધડકવા લાગ્યું. તે બેઠી થઈ અને પથારીમાંથી બહાર આવી અને તેની વિકળતા ઓસરી ગઈ.

'જે હશે તે ! સ્વપ્નાં તો કૈંક આવે, એને કોણ સંભારી રાખે ? શું કરવાને ?'

દીવો સળગાવતાં શોભના બબડી, સાડા છ વાગ્યા હતા; બહાર અજવાળું પથરાયે જતું હતું. શોભના બરાબર સમયે જ ઊઠી હતી. પક્ષીઓનો ચીંચીંકાર પણ સંભળાયો. દીવાએ તેને પાછાં ચિત્રો દેખાડ્યાં. મધરાતે જોયેલાં ચિત્રો જે અસર ઉપજાવે તે પ્રભાતે જોયેલાં ચિત્રો ન ઉપજાવે - ચિત્રો તેનાં તે હોય તોપણ. દૂરથી રેડિયોમાં ગીત પણ શરૂ થઇ ગયાં હતાં. શોભનાને ગીત ગમતાં, સારું સંગીત ગમતું પરંતુ તેને સંગીતનું જ્ઞાન ન હતું. તે ક્વચિત્ ગાતી ખરી, પરંતુ તે એકલી હોય ત્યારે. એની માતા એને ગાતાં સાંભળી જાય ત્યારે માતા હસતી.

'તું બધું શીખી પણ તને ગાતાં ન આવડ્યું.' જયાગૌરી કહેતાં.

'એ રાગડા કોણ તાણે ?' શોભના જવાબ આપતી.

'ગીતને તું રાગડા કહે છે ? તને તો સિતારેય નથી આવડતો.' જયાગૌરી કહેતાં અને દયારામ કે ન્હાનાલાલની એકાદ ગરબી ગઈ નાખતાં. તેમનું ગાવું મધુર હતું એમ શોભનાને લાગતું. પરંતુ ગાતાં ગાતાં જયાગૌરી થાકી જતાં એ પણ તે જોઈ શકતી હતી. મા જેવું ગળું તેનું ન હતું.

રેડિયો ઉપર એક રેકર્ડ સંભળાઈ.

'જો મૈં એસા જાનતી પ્રીત કીયે દુ:ખ હોય,
નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરીઓ કોય !'

જૂની ઉમદા ચીજોમાંની કેટલીકને સિનેમા રેડિયો સજીવન કરે છે. શોભનાને ખબર ન હતી કે પ્રીત વિરુદ્ધનો પોકાર બહુ જૂનો હતો. તેને સ્ત્રીપુરુષના સંબંધની માંદી ભાવના એમાં દેખાઈ. કોઈ પણ નિષ્ફળતાસૂચક બોલ એ અશક્તિનું પ્રતિબિંબ છે. તે હસી અને ગીતને તથા સ્વપ્નને હડસેલી તે નિત્ય કામમાં પરોવાઈ.

માતાની નિત્ય માંદગી અને પિતાની અર્ધ માંદગી શોભનાને ઘરકામમાં પણ ઠીક ઘડી રહી હતી. નાનકડા ઘરને વાળીઝૂડી સાફ કરવામાં તેને નાનમ લાગતી નહિ. અલબત્ત કોઈના દેખતાં સાવરણી લઈને ઝઝૂમવું તેને ગમતું નહિ. આજ તે કાર્ય કરતાં એક વિચાર તેને આવ્યો.

ભાસ્કરના મહેલ જેવા બંગલાને સાફ કરતાં કેટલો સમય જાય ? અને કેટલા નોકર રોકાય ? ધનિક કુટુંબનાં કુટુંબીઓ સ્ત્રી હોય કે પુરુષ હોય છતાં ઘર સાફ કરવાનું કામ નોકરો ઉપર જ છોડે છે ! કુટુંબીઓ પક્કાં સમાજવાદી કે સામ્યવાદી હોય તોપણ તેમનો એ વાદ જીભથી નીચે ઊતરી હાથ કે પગ સુધી આવતો નથી. શારીરિક મહેનત માગતાં આવાં કાર્યો કરી શોભના શ્રમજીવનની વધારે નજીક શું નહોતી જતી ?

શા માટે તેને ભાસ્કર પાછો યાદ આવ્યો ? એની આકર્ષક સફાઈ અને મોહક રીતભાત જરૂર ગમે એવાં હતાં અને એમ યુવકો યાદ આવે તેથી નૈતિક ગભરાટમાં પડવાની વર્તમાન યુવતીને જરૂર પણ ન જ હોય. એનાં નીતિમાપ ચલણ વગરનાં બની ગયા છતાં વપરાયા કરે છે એની શોભનાને ખબર હતી. યુવકયુવતી ભેગાં ભળે, ભેગાં રમે, ભેગાં ભણે એ બહુ જ ઈચ્છવા યોગ્ય છે એમ દૃઢતાથી કહેનાર સુધારકો અને આગેવાનો એવા પ્રસંગને જુએ ત્યારે અસ્વસ્થ થતા હતા. અરે, કૉલેજમાં જ ભણતાં યુવકયુવતી આવા ભેગા ભળવાના પ્રસંગોની કેટલકેટલી નિંદા કરતાં હતાં ! વિની અને તારિકાને ઘણા યુવકમિત્રો હતા: તેમને પત્રવ્યવહાર પણ ચાલતો. રંભા, દક્ષા, સુલક્ષણા એ બધાં એમની વિરુદ્ધ કેટકેટલો કટાક્ષ કરતાં હતાં !

અને શોભના પોતે એક વિદ્યાર્થીયુવક સાથે હસીને વાત કરતી હતી, ત્યારે વિની જેવી આગળ વધેલી યુવતીએ કેવી આંખ મિચકારી હતી ! સારું છે એમ એકને કહી તેને બીજી પાસે વગોવવું એ જૂની દુનિયાનો અવગુણ નવી દુનિયા પણ સ્વીકારતી હતી, નહિ ? ભાસ્કરની સાથે કદાચ મૈત્રી થાય તો તેની જ બહેનપણીઓ તેને વગોવવા ચોવીસ કલાક તત્પર રહે તો તેમાં નવાઈ ન કહેવાય...

માતાપિતાની જાગૃતિએ શોભનાને બીજા વિચારો તરફ દોરી, અને વાંચન તથા ઘરકામ પૂરું કરી તે કૉલેજમાં જવાની તૈયારી કરવા લાગી; તેના પિતાએ પણ પોતાની શાળામાં જવા કપડાં પહેરવા માંડ્યાં. એટલામાં તેના મકાન પાસે મોટરકારનું ભૂંગળું વાગ્યું.

શોભના સહજ ચમકી. આવી ગાડીઓ ઘણીયે જતી અને આવતી. ત્યારે શા માટે તેને આવી ચમક થઈ આવી ? કદાચ ભાસ્કરની મોટરકાર તો નહિ આવી હોય ?

શોભનાની કલ્પના ખરી પડી. એ ભાસ્કરની જ કાર હતી. અને ભાસ્કર જાતે તેમાંથી ઊતરી શોભનાના ઘરમાં આવતો હતો !

શોભનાએ વગરકારણે પોતાની ઓરડીના બારણાની કડી ભરવી દીધી. છતાં બહારના ખંડમાં થતી વાતચીત તેના સાંભળળામાં આવી.

કનકપ્રસાદે કહ્યું :

'પધારો, સાહેબ !'

'આપે મને ઓળખ્યો નહિ હોય.' ભાસ્કરે જવાબ આપ્યો.

'ના જી, આપને મારું કામ છે ?'

'કામ તો ખાસ કાંઈ નથી, પણ હું આપને મળવા આવ્યો.'

'હું બહુ રાજી થયો. આપનો પરિચય ?'

'હું તો આપની પાસે જ શાળામાં ભણ્યો છું, હું ભાસ્કર.'

'ભાસ્કરભાઈ ! ઓ હો ! ઘણાં વર્ષ થઈ ગયાં. માફ કરજો, મેં ઓળખ્યા નહિ.' કનકપ્રસાદે કહ્યું.

શિષ્યની માફી માગતા શિક્ષકનું દૃશ્ય શોભનાને રુચ્યું નહિ. તેના પિતાની આવી નમ્રતા પ્રત્યે તેને ક્રોધ ચડ્યો. તે કપડાં પહેરી પુસ્તકો લઈ બહાર આવી.

'એમાં માફ શું કરવાનું ? મિસ શોભના ! નમસ્તે ! કેવો અણધાર્યો લાભ !' ભાસ્કરે કહ્યું.

'નમસ્તે.' કહી શોભના ઊભી રહી. ભાસ્કર પણ ઊભો જ રહ્યો. શોભના તરફથી વધારે વાત ચાલી આવશે એમ ન લાગતાં ભાસ્કરે કહ્યું:

'કાલે જ શોભનાગૌરીની મુલાકાત થઈ. આજે આમ થઈને જતો હતો. મને લાગ્યું કે હું મળી લઉં; પણ અત્યારે તો શાળા અને કૉલેજનો સમય થયો, એટલે કોઈની વાતચીતનો લાભ નહિ મળે.'

'આપ ખુશીથી બેસો, મારી મા ઘરમાં જ છે. હું બોલાવું ?' શોભનાએ કહ્યું.

'હા હા, જા કહે અંદર.' કનકપ્રસાદે સંમતિ આપી.

'નહિ જી, હું ફરી આવીશ. ચાલો હું આપને મારી કારમાં પહોંચાડી આવું.' ભાસ્કરે કહ્યું.

'એવી તકલીફ ન લેશો.' કનકપ્રસાદે કહ્યું.

'એમાં મને શી તકલીફ પડવાની છે ? કારને જવું છે. એને ક્યાં થાક લાગવાનો છે ?'

કનકપ્રસાદની ના કહેવાની શક્તિ જતી રહી હતી. અનેક મહત્ત્વાકાંક્ષાઓથી શરૂ થયેલી તેમની જિંદગી શિક્ષણના શુષ્ક રણમાં પથરાઈ ગઈ હતી. કિશોર વયમાં બૉમ્બ બનાવતાં પકડાયલા કનકપ્રસાદ, કૉલેજમાં હડતલો પડાવી પ્રિન્સિપાલના રોષને પીઈ જનાર કનકપ્રસાદ આજે ના કહેવાની શક્તિ ખોઈ બેઠેલું નિર્માલ્ય માનસ ધરાવતા થઈ ગયા હતા. ધનપ્રાપ્તિ એ આવડતનું પરિણામ ગણાય છે, બંગલો એ ડહાપણના પ્રતીક સરખો મનાય છે, મોટરકાર એ માનવીની દક્ષતાનું ફળ લેખાય છે. ધન, બંગલો અને કાર એ ત્રણે મેળવવા માટે ઝૂઝતા કનકપ્રસાદે જીવનમાં જોઈ લીધું કે તેમનામાં આવડત નથી, ડહાપણ નથી અને દક્ષતા નથી. નિષ્ફળતા સામે વારંવાર અથડાઈ પડતાં તેમણે અભિલાષાઓ અને આકાંક્ષાઓને હળવી બનાવી દીધી. કૉલેજજીવનમાં સ્વરાજ્યના સૈન્યની આગેવાની ઈચ્છતા કનકપ્રસાદ શિષ્યોના વાર્ષિક ઓળખાણ ઉપર સલામો મેળવતા સામાન્ય શિક્ષક બની ગયા. અધિકારીઓને ઉથલાવી પાડવાની યોજના ઘડતા યુવક કનકપ્રસાદ આધેડ વય આવતાં તો સહુને રીઝાવવા મથતા ધન, બંગલા અને કારથી અંજાઈ જતા સામાન્ય માનવી બની ગયા. મોટા માણસને - મોટા માણસના પુત્રને ના કેમ કહેવાય ?

'આપની મરજી હોય તો ભલે, બાકી જરૂર નથી.' કનકપ્રસાદે કહ્યું.

'તમે જાઓ, હું પાછળથી આવું છું.' શોભનાએ કહ્યું.

'કેમ ? એમ શા માટે ? કયું કામ છે ?' શોભનાનું માનસ ન સમજી શકેલા કનકપ્રસાદે પૂછ્યું.

'હવે ચાલો, ચાલો; બહુ મોંઘા ન થશો. કાર ઘસાઈ નહિ જાય.' ભાસ્કરે કહ્યું.

ભાસ્કરની વિવેકી લઢણ વિરોધને પણ બાજુએ મુકાવે એવી હતી. વળી ઘણી ના કહેવામાં પણ કશો અર્થ શોભનાને દેખાયો નહિ; જોકે રાતનું સ્વપ્ન ટુકડે ટુકડે જાગ્રત થતું હતું. જયાગૌરીનો પરિચય થયા બાદ ભાસ્કરે બાપ અને દીકરીને પાછલી બેઠકમાં બેસાડ્યાં. શૉફરને બાજુએ બેસાડી તેણે જાતે કાર ચલાવવા માંડી. વાંકવળાંક આવતાં છટાબંધ હાથ આગળપાછળ કરતા ભાસ્કરને માટે કનકપ્રસાદને માન ઉત્પન્ન થયું. માત્ર તેમને એક અસંતોષ ઊપજ્યો. ભાસ્કરની આવી આકર્ષક આવડતમાં પોતે આપેલા શિક્ષણનો કશો પણ ભાગ આવતો દેખાયો નહિ.

કનકપ્રસાદને શાળામાં ઉતારી દીધા પછી ગાડી ચલાવવાનું કામ શૉફરને સોંપી ભાસ્કર શોભના સાથે બેસી ગયો. વર્તમાન કેળવણીની માફક વર્તમાન ગાડી પણ સ્પર્શાસ્પર્શના ભેદને ભુલાવી દે છે એમ ભાસ્કરના બેઠા પછી શોભનાને લાગવા માંડ્યું; પરંતુ ભાસ્કર જાણી જોઈને અડકવા મથતો હોય એવું એક પણ ચિહ્ન દેખાયું નહિ. ભાસ્કર શાંત હતો. તેના મુખ ઉપર નિર્દોષતા છવાઈ રહેલી હતી. બન્નેમાંથી કોઈ કૉલેજ પહોંચતાં સુધી બોલ્યું નહિ. જોતજોતામાં કૉલેજ આવી અને ગાડી ઊભી રહી. ગાડીમાંથી ઉતરતાં શોભનાએ કહ્યું :

'હવે ફરીથી કાર લાવશો નહિ.'

'કેમ ? આપને ન ફાવી ?' ભાસ્કરે પૂછ્યું.

કાર ન ફાવી એમ તો કહી શકાય એવું ન હતું. આરામ આપવાની. સુખ આપવાની તેની શક્તિ અદ્ભુત હતી પરંતુ શોભના ક્યાં તેની માલિક હતી ? માલિકી વગરની મઝા ઝાકળ સરખી લાગે છે, અને પારકાની મહેરબાની જીવનને અળખામણું બનાવી દે છે. આ બન્ને મુશ્કેલીઓ શોભનાના શોખને મર્યાદિત બનાવી રહી હતી.

'એમ નહિ પણ...' શોભનાથી કશું કારણ આપી શકાયું નહિ. બહુ મળ્યા કરતા યુવકો પણ યુવતીઓને અણગમતા થઈ પડે છે. એ પણ કારણ હશે ? ભાસ્કર અણગમતો થઈ પડે એવો લાગ્યો નહિ. લોકોની આંખ આવી બાબતમાં બહુ ચપળ રહે છે એ બીક પણ કારણ હોય. શોભનાને કારણ સમજાયું નહિ. પુરુષવર્ગ વિરુદ્ધ એક પ્રકારની ફરિયાદ કરી રહેલી સ્ત્રીપ્રતિનિધિનું એ લધુત્વપીડિત માનસ તો ન હોય ?

'મારાથી કશી ભૂલ થઈ ગઈ ?' ભાસ્કરે દયા ઉપજાવતો વિવેક વાપર્યો. શોભનાને ખરેખર લાગ્યું કે સહાનુભૂતિ બતાવતા પુરુષને તેણે અન્યાય કર્યો છે. અન્યાય એને ગમ્યો નહિ.

'હું પછી કહીશ - પરીક્ષા થઈ જશે એટલે.'

'ત્યાં સુધી હું ન મળું, નહિ ?'

'હા.'

શોભના ઝડપથી કૉલેજમાં ચાલી ગઈ. કૉલેજનાં વ્યાખ્યાનોમાં આજે તેનું ધ્યાન રહ્યું નહિ. તેને પોતાનું વર્તન ખૂંચ્યા કરતું હતું. ભાસ્કરે ગાડી આપવામાં એવો શો ગુનો કર્યો હતો કે શોભનાએ તેને તરછોડ્યો ? મહાશિક્ષકો-પ્રોફેસરો-નાં વ્યાખ્યાન મોટે ભાગે રસરહિત જ હોય છે, અને શાળાના શિક્ષકોને તપાસણીની જે બીક હોય છે તે આ મહાશિક્ષકોને હોતી નથી. એટલે સારો પગાર મળવાથી શિક્ષકનું કાર્ય સુધરે છે એમ કહેનારને જૂઠા પાડવાની તજવીજ માટે જ જાણે તેમને રોકવામાં આવ્યા હોય એવા પ્રોફેસરો શિક્ષણ કરતાં સેનેટમાં વધારે ધ્યાન રાખે છે અને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા કરતાં પરીક્ષામાં પોતે પરીક્ષક કેમ નિમાય તેની વધારે કાળજી રાખે છે. આ મહાશિક્ષકોનું તબિયતતંત્ર પણ એવું નાજુક બની ગયું હોય છે કે અવારનાવર indisposed અસ્વસ્થતાના કારણે શિક્ષણના રોજના ઠરાવેલા કલાકોને પણ તેઓ ગપાવી દે છે.

આજ શોભનાના એક પ્રોફેસર પણ અસ્વસ્થ બની ગયા એટલે છેલ્લા કલાકમાં શોભનાને બેસવાનું ન હતું. યુવાન વિદ્યાર્થીઓની નજર ખેંચતી વિદ્યાર્થીઓ કૉલેજની ઓસરીમાંથી પસાર થતી હતી. ઝીણી સિસોટી કોઈએ વગાડી: પરંતુ વેવલા વિદ્યાર્થીની તજવીજ નિરર્થક કરતી યુવતીઓમાંથી શોભનાએ બીજી તરફ જોયું. ભાસ્કર એક પ્રોફેસર સાથે પ્રોફેસરના કરતાં પણ વધારે છટાથી વાત કરતો ઊભેલો દેખાયો. બંનેની નજર મળી, પણ ભાસ્કરની નજરમાં ઓળખાણ ન હતું. અત્યંત સફાઈથી તેણે આંખ ફેરવી વાત ચાલુ રાખી. વિદ્યાર્થિનીઓ આગળ ચાલી ગઈ.

'કેટલો ઘમંડી છે ! જાણે ઓળખતો જ ન હોય !' વિનીએ કહ્યું.

'ઓળખે અને બોલાવે તોય આપણે વાંકું પાડીએ. પછી શું થાય ?' શોભનાએ કહ્યું.

'અને ટીકા કરનારનો ક્યાં તોટો હોય છે ?' રંભાએ કહ્યું.

'જાણે સ્ત્રી એટલે માણસ જ નહિ.' તારિકાએ કહ્યું.

હસતા હસતા વિદ્યાર્થીઓનું ટોળું સામું આવ્યું. બાજુ ઉપર જોઈ ચારે વિદ્યાર્થિનીઓ આગળ ચાલી ગઈ.

બહાર ભાસ્કરની કાર ઊભી હતી.

'પગે ચાલવા કરતાં ગાડીમાં બેસવું સારું, નહિ ?' તારિકા બોલી.

'રોજ કોણ તને બેસાડે ?' રંભાએ કહ્યું.

'રોજ બેસાડે એવું કોઈ શોધી કાઢવું જોઈએ.' વિનીએ હસતાં હસતાં કહ્યું.

'એ તો તું કોઈ પૈસાદારને પરણે ત્યારે.' તારિકાએ ઉત્તર આપ્યો.

'આપણે તૈયાર છીએ.' વિનીના આ સ્પષ્ટ એકરારે પ્રથમ તો સહુને હાસ્ય પ્રેર્યું. યુવતીઓ લગ્ન પ્રત્યે જેટલો અણગમો બતાવવા પ્રયત્ન કરે છે એટલો અણગમો તેમને હોતો જ નથી. સારો દેખાવ તેમને પણ ગમે છે, અને એ દેખાવ જોડે ભણતર હોય તો આકર્ષણનું વધારે કારણ મળે છે. દેખાવ અને ભણતર સાથે ધન હોય તો એ પુરુષ પ્રત્યે અલિપ્ત લાગતી યુવતીઓનું આકર્ષણ અસહ્ય થઈ પડે છે. એ પણ હૃદય અને બુદ્ધિને ગોઠે એવી વ્યવસ્થા ગણી શકાય; પરંતુ દેખાવમાં 'મેક અપ'[૩] અને ભણતરમાં વાતચીત જ હોવા છતાં ધનિકતા જ્યારે યુવતીને આકર્ષે છે ત્યારે ધનની વિસ્મયભરી મોહકતા માટે માન ઊપજ્યા વગર કેમ રહે? હસવા છતાં સહુને એક વિચાર તો જરૂર આવ્યો :

'આટલી સગવડ હોય તો કેટલું વધારે કામ થાય ?'

પગે જવા-આવવાનું મટી જાય એટલે થાક ન લાગે. સમય ઘણો બચી જાય એટલે વંચાય વધારે અને ઘરકામ થાય. કલાના વિષયો તરફ વધારે ધ્યાન અપાય અને સેવાકાર્ય વધારે સારું થઈ શકે, નહિ ?

સેવા ! દુઃખી જગતને આપણી સેવાની કેટલી બધી જરૂર છે ! અને મોટરકારની ઝડપે આપણી સેવા બધે ફરી વળે તો જગત પણ કેટલું ઝડપથી સુખી થાય ?

ભાસ્કરની મોટરકાર સહજ ઝડપથી ચારે વિદ્યાર્થિનીઓની પાસે થઈ ચાલી ગઈ. ભાસ્કરે કોઈનીયે તરફ જોયું ન હતું.

'જોયું ને ? જાણે ઓળખતો જ નથી.' રંભાએ કહ્યું.

'એક દિવસ ગાડીમાં બેસાડ્યાં એટલે જાણે હક્ક થઈ ગયો !' શોભનાએ કહ્યું.

'એ તો શોભનાના વ્યાખ્યાનનું ઈનામ હતું.' તારિકાએ કહ્યું.

'તું નૃત્ય કરીશ તો તને ઈનામ મળશે !' વિનીએ કહ્યું.

તારિકાએ ખભો ઊંચક્યો. તારિકાને નૃત્યનો ઘણો શોખ હતો. તેના દેહનું સ્થુળતા તરફ વધતું જતું વલણ નૃત્યથી અટકી જશે એમ માની તે નૃત્ય દ્વારા દેહને કેળવતી હતી. દેહને તો નૃત્ય દ્વારા લાભ મળતો જ હતો; પરંતુ તારિકાની આસપાસના જગતને પણ એ નૃત્યનો લાભ મળતો હતો.

યૌવનમાં સહુનાં હૃદય નાચે છે, દેહ પણ નાચવા તલપી રહે છે.

'મને નૃત્ય આવડે તો ?' ઘરમાં પ્રવેશ કરતાં જ શોભનાના હૃદયમાં વિચાર સ્ફુર્યો.

કાર હોય તો સમય બચે અને એ બચેલા સમયમાં નૃત્ય શીખી શકાય.'

શોભનાની જ ઉંમરની એક યુવતી તે ક્ષણે જ ઘરમાં આવી.

'કેટલી મોડી આવે છે તું ? જયાગૌરીએ તે યુવતીને કહ્યું. મેલાં વસ્ત્રોમાં પણ સ્વચ્છ દેખાવા મથતી એ યુવતીના મુખ પર વિષાદ હતો.

'જરા મોડું થઈ ગયું બા !' યુવતીએ સહજ નરમાશથી કહ્યું, અને તેણે બીજા ઓરડામાં જવા માંડ્યું.

'ચંચળ ! એક વાત સાંભળી લે. બહેનના આવતા પહેલાં જો તું હવેથી નહિ આવે તો મારે બીજું માણસ શોધી લેવું પડશે.' જયાગૌરીએ કહ્યું.

'આજે તો બા ! જરા છોકરો વધારે રડતો હતો, અને એના બાપા પાછા ન આવ્યા એટલે મોડું થઈ ગયું. હું વાસણ તુરત માંજી નાખું છું.' યુવતી ચંચળ નોકરડી હતી તે અંદર ચાલી ગઈ.

'આપણા નોકરો એટલા અણકેળવાયલા હોય છે !' કનકપ્રસાદે વર્તમાનપત્ર વાંચતાં કહ્યું. મહારાજાઓની પણ માલિક બ્રિટિશ સત્તા વગર હિંદમાં કોઈ પણ કેળવાયેલું નથી એ વાત કનકપ્રસાદ ભૂલી જતા હતા.

ચંચળે સાફ કરેલાં વાસણોમાં શોભનાએ ચા તૈયાર કરી. શોભના કરતાં વધારે મોટી નહિ એવી ચંચળને પુત્ર હતો એ વાત શોભનાને જરા વિચિત્ર લાગી. સ્ટવના અવાજનો આશ્રય લઇ શોભનાએ પૂછ્યું :

'ચંચળ ! તારો છોકરો તને બહુ પજવે છે કે ?'

'ના રે, બહેન ! જરા માંદો હોય એટલે પાસે બેસવું પડે, નહિ તો ગમે ત્યાં નાખીએ તોય પડી રહે. બોલે જ નહિ ને !' ચંચળે કહ્યું.

બાળકનાં એથીયે વધારે વખાણ કરવાની ચંચળની વૃત્તિ હતી. શોભનાએ પૂછ્યું:

'પછી તારો વર તને મદદ કરતો નથી ?'

'એને કાંઈ છોકરાં રાખતાં આવડે ? બિચારો મજૂરી કરે અને થાક્યોપાક્યો ઘેર આવે ! એનાથી શું થાય ?'

શોભનાને ચંચળના વર પ્રત્યે નવીનતાભર્યો રોષ આવ્યો. શું ચંચળ મજૂરી નહોતી કરતી ? બન્નેના હક્ક શું સમાન નહિ ? બાળકને રાખવામાં પુરુષે પણ સમાન ફાળો કેમ ન આપવો જોઈએ ? નહિ તો બાળકની જવાબદારી એ પુરુષે ઊભી કરી જ શા માટે ?

'ચંચળ ! તારો વર કેવો છે ?' શોભનાએ પૂછ્યું.

'બહુ સારો છે, મારવાઝૂંટવાનું નહિ જેવું, અને...' બોલતાં બોલતાં ચંચળના મુખ ઉપર આવેલી રતાશ શોભનાએ જોઈ નહિ, અને એકાએક તેણે પ્રશ્ર કર્યો:

'એટલે શું એ તને મારે પણ ખરો ?'

'જરા અકળાયો હોય તો મારેય ખરો - કોઈ વાર.'

'વગરવાંકે ?'

'એ કાંઈ ખરી લઢવાડ ઓછી છે ? થોડી વારમાં સમજાવી લેવાય.' આ ઢબે વિચાર કર નારી ચંચળ સરખી સ્ત્રીને પુરુષોના અન્યાય અને જુલમ સામે થવા શી રીત પ્રેરી શકાય ? પુરુષ અન્યાય અને જુલમ, કરે છે એ વાત પણ જેને સમજાતી નથી એવી આ અજ્ઞાન ચંચળને તેના હક્ક ક્યારે સમજાય?

'ચંચળ : તું ભણે ખરી ?' શોભનાએ પૂછ્યું.

'બહેન ! અમે ભણીએ તો ભૂખે ન મરીએ ?'

ભણવું અને ભૂખે મરવું એ બન્ને તત્ત્વો હિંદમાં બહુ પાસે પાસે આવી ગયાં છે, પરંતુ શોભનાને તો એ જવાબમાં ચંચળના અજ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાયું નહિ.

'પણ હવે તું તો ભણી લે ! પછી ચંચળને ભણાવજે.' જયાગૌરીએ ચાની વાર લાગવાથી અંદર આવી આ સંવાદનો છેલ્લો ભાગ સાંભળી હસી. પુત્રીને તેના કર્તવ્યનું વહાલભર્યું સૂચન કર્યું.

પરંતુ શોભનાને ભણવામાં મૉજ આવી નહિ; પરીક્ષાના વિચારે તેને સહજ કંટાળો આવ્યો. પુસ્તકની નોંધ કરતાં ચંચળ, ચંચળનો પુત્ર અને ચંચળનો વર શોભનાને વધારે જીવંત લાગ્યાં.

તે સાથે વિનીની લગ્નતૈયારી, કારની ઈચ્છા, તારિકાનું નૃત્ય અને ભાસ્કરની ઉપેક્ષા એ બધા તેને રસહીન અભ્યાસ કરતાં વધારે મહત્ત્વનાં લાગ્યાં.

પણ ભાસ્કરે ઉપેક્ષા કરી હતી એમ કેમ કહેવાય ? શોભનાએ જ તેને આગળ વધતો અટકાવી દીધો હતો. કેવો દયામણો એ બની ગયો હતો ! એને જો વચમાં જ મળવાની તક આપી હોય તો કરેલા અન્યાયનું નિવારણ થઈ જાય.

શોભનાને લાગ્યું કે તેના અભ્યાસમાં આ બધાં વિક્ષેપ નાખે છે. એકદમ તેણે મનનું એક ખાનું બંધ કરી તેને તાળું મારવા પ્રયત્ન કર્યો. અભ્યાસ સિવાયની આખી દુનિયાને તેણે તાળામાં પૂરી એકાગ્રતાપૂર્વક તેણે અભ્યાસ આદર્યો.

પરંતુ વચ્ચે વચ્ચે પેલો ખાદીધારી પરાશર શા માટે એ તાળું ઉઘાડવા મથતો હતો ?

શોભનાનું માનસ હાલી ગયું હતું, છતાં તેણે અભ્યાસને મહત્વ આપ્યું, અને ભારે પરિશ્રમ કરી તે પરીક્ષામાં બેઠી.

અને પરીક્ષામાં તે પસાર પણ થઈ - સારે ક્રમે, જોકે તે પ્રથમ વર્ગમાં આવી શકી નહિ. પ્રથમ વર્ગમાં તો બેત્રણ પુરુષવિદ્યાર્થીઓ જ આવ્યા. શોભનાનો આનંદ એટલા પૂરતો ઓછો થયો. પુરુષોની સરખામણીમાં પોતે આગળ મુકાય એવી તેની તીવ્ર ઈચ્છા સફળ થઈ નહિ, છતાં સેંકડો પુરુષ વિદ્યાર્થીઓને તે પાછળ મૂકી શકી હતી એટલું તો તેના મનને લાગ્યું.

વળી મુબારકબાદીનાં તાર અને અભિનંદન આપતા મિત્રો અને સ્નેહીઓએ તેના મનની પ્રફુલ્લતાને વિકસાવી, ભણવાનું ભારણ ઓછું થયું એ પણ એક પ્રફુલ્લતા વધારનારું તત્ત્વ ગણી શકાય. માતાપિતાને ગર્વભરી લાગણી થાય એ સ્વાભાવિક હતું. પિતાનું આર્થિક ભારણ શોભના હવે ઓછું કરી શકશે, એમ શોભનાની ખાતરી થઈ, અને તેને માટે શું કરવું તેની યોજના પણ તેણે ગોઠવવા માંડી.

અભિનંદન આપવા આવનાર સહુને અલ્પાહાર તો કરાવવો જ પડે. આજે ચંચળની મહેનત વધી ગઈ હતી: તેનું બાળક તેની સાથે જ લાવવું પડ્યું હતું. સહિયરોની મોટે ઘાંટે થતી વાતચીત અને ઘર હાલી જાય એવા હાસ્યમાં એ બાળકનું આછું રુદન ચંચળ સિવાય કોઈના સાંભળવામાં આવતું નહિ. કદાચ સંભળાય તો તે અણગમો પણ ઉપજાવતું હતું.

'કોણ છોકરું તારા ઘરમાં રડે છે ?' તારિકાએ એક વખત કંટાળીને પૂછ્યું.

'નોકરનું છોકરું છે.' શોભનાએ કહ્યું.

'એ બાઈ વળી અહીં ક્યાં કકળાટ દાખલ કરે છે !' રંભા બોલી.

'અરે ચંચળ ! તારા છોકરાને છાનો રાખ અગર ઘેર મૂકી આવ.' જયાગૌરીને પણ નોકરનું રડતું બાળક ગમ્યું નહિ, એટલે તેમણે જ દૂરથી બૂમ પાડી.

કેટલાક પુરુષ વિદ્યાર્થીઓ પણ અભિનંદન આપવા આવતા હતા. કોઈએ પાંચ ક્ષણ શોભનાની સાથે વાત કરી હોય કે કોઈએ એકાદ ચોપડી માગી હોય, કોઈએ વરસાદ પડતાં છત્રી આપી હોય કે કોઈએ એકાંત મળતાં ચા પીવાનું આમંત્રણ આપ્યું હોય એ સર્વને આજે અભિનંદન આપવાની તક મળી. શોભનાથી અભિનંદનની ના પડાય એમ હતું જ નહિ, કૉલેજમાં ન વધેલો પરિચય હવે વધી શકશે એ ધારણા પણ કેટલાક વિદ્યાર્થીઓ સેવી રહ્યા હતા.

એક જ વિચાર શોભનાને આવ્યા કરતો હતો ભાસ્કર કેમ ન આવી શકે ? આવે નહિ તો પત્ર મોકલીને પણ અભિનંદન પાઠવે. ત્રણ માસથી તે દેખાયો ન હતો. અને દેખાયો હોય તોપણ તેણે શોભના સાથે આંખ પણ મેળવી ન હતી. હવે તેને બોલાવવો ન જોઈએ ? એણે એક વખત મોટરકારમાં તેને બેસાડી એટલામાં શોભનાએ કેટકેટલા અર્થ એમાં વાંચ્યા! ભાસ્કરને તે અન્યાય કરતી હતી. ભાસ્કર આવ્યા વગર નહિ જ રહે એમ પણ તેના મનમાં લાગ્યા કરતું હતું.

રાત પડવા આવી અને શોભના એકલી પડી. પુસ્તકો તરફ નેણ આછા તિરસ્કારભરી નજર નાંખી, છતાં એ દૃષ્ટિમાં તેને ભાસ્કર સાથેના વર્તનનું સામ્ય દેખાયું. જે પુસ્તકોએ તેને સંસ્કાર આપ્યા, તેની બુદ્ધિ વિકસાવી, તેના હૃદયમાં અકથ્ય ઊર્મિઓ ઉપજાવી, એ પુસ્તકો પ્રત્યે આવી દૃષ્ટિ નાખવી એમાં તેને કૃતઘ્નતા લાગી.

'બા ! હવે બહેનનાં લગનબગન કરવાનાં કે નહિ !' ચંચળનો પ્રશ્ર શોભનાના વિચારને અટકાવી રહ્યો,

'તારે નોકરમાણસને એ વાત કેવી કરવાની ? જયાગૌરી બોલ્યાં. નોકરો - હિંદના નોકરો - પોતાની ફરજના વર્તુલ બહાર ચાલ્યા જાય છે એ દુઃખદ સત્ય કનકપ્રસાદ અને જયાગૌરી બન્ને સમજતાં હતાં. લગ્નની વાતથી જરાય બહાર ન જઈ શકતી સ્ત્રીના પ્રશ્રે શોભનાના મુખ ઉપર એક હાસ્ય પ્રેર્યું પરંતુ એ હાસ્ય પાછું ફર્યું અને તેને સ્થાને કોઈ ગંભીર ભાવ શોભનાના મુખ ઉપર ફરી વળ્યો.

બહાર મોટરકારનું ભૂંગળું વાગ્યું. શોભનાએ તેને ઓળખ્યું તેનું હૃદય સહજ ધબકી ઊઠ્યું. ભાસ્કરની ગાડી આવ્યાથી આમ હૃદય ધબકી ઊઠે એ તેને ઠીક ન લાગ્યું, તે પોતાની ઓરડીમાંથી બહાર આવી. શૉફરે આવી એક નાનકડું કાર્ડ શોભનાને આપ્યું. ભાસ્કરના છાપેલા નામ પર 'અભિનંદન' એટલા જ હાથે લખેલા અક્ષરો હતા.

'ભાસ્કર ક્યાં છે ?' શોભનાએ પૂછ્યું.

'નીચે, ગાડીમાં.' શૉફરે જવાબ આપ્યો.

'અહીં નહિ આવે ?'

'મને કંઈ કહ્યું નથી.'

'કહો કે શોભના બોલાવે છે.'

મા થાકીને અંદર સૂઈ ગયાં હતાં. પિતા વગર બોલ્યે વાંચતા હતાં; તેમણે પત્રની બહાર નજર કરી, શૉફર ગયો. કનકપ્રસાદે પૂછ્યું : 'કોણ આવ્યું છે ?'

'ભાસ્કર.'

'હા હા, બોલાવો: મોટા માણસનો દીકરો છે. આપણે ત્યાં ક્યાંથી ?' 'આપણે ક્યાં મોટા માણસનો ખપ છે ? આ તો અભિનંદન આપવા આવે છે. ઘડી વાર બેસાડી વિદાય આપીશું.'

'આ છોકરાઓ આવે છે તે તારી બાને નથી ગમતું.'

'મનેય ગમતું નથી'

'એમ કાંઈ નથી; શિક્ષણમાં એ તો જરૂર બનવાનું જ.' કનકપ્રસાદે કેળવણીકાર તરીકે સિદ્ધાંત કહ્યો. અને ભાસ્કરે ઓરડામાં પ્રવેશ કર્યો, તેણે કનકપ્રસાદને નમસ્કાર કર્યાં. કનકપ્રસાદે અત્યંત વિવેક અને નમ્રતા દર્શાવી ભાસ્કરને સામે બેસાડ્યો. શોભનાને અને કનકપ્રસાદને એમ બન્નેને ભાસ્કરે મુબારકબાદી આપી. શોભનાને ભાસ્કરનાં વખાણ ગમ્યાં. ભાસ્કરને ખોટું લાગે એમ ન બની જાય એ અર્થે તેણે પોતાના મુખને પ્રસન્નતાવાળું રાખ્યું.

પણ જ્યારે ભાસ્કરે કહ્યું કે 'હું તો શોભનાને ગરબામાં લેઈ જવા આવ્યો છું.' ત્યારે શોભનાને પોતાને પણ જરા ક્ષોભ થયો.

'અત્યારે તો એ થાકી હશે.' કનકપ્રસાદે કહ્યું.

'ગરબામાં થાક ઊતરી જશે.' ભાસ્કરે કહ્યું.

'ફરી કોઈ દિવસ આવશે.'

'શોભનાને લૂખી મુબારકબાદી આપવી એ મને ગમ્યું નહિ. વળી આજે મારો જન્મદિવસ છે, આપ આવો તો વધારે આનંદ થાય.'

'શોભનાને ભાસ્કરની સૂચના ગમી કે નહિ, થાક લાગ્યા છતાં ગરબામાં જવું ન ગમે એવું વાર્ધક્ય શોભનામાં ન જ હોય.'

'એમ હોય તો ભલે, તું જઈ આવ.' કનકપ્રસાદે રજા આપી. તેમની માનસઉદારતા હતી.

'બાને પૂછવું પડશે અને એ તો જરા સૂઈ રહી છે.' શોભનાએ કહ્યું.

'એ તો હું કહી દઈશ.'

'નહિ નહિ, આપ સહુ પધારો. હું તમને લઈ ગયા વગર નહિ રહું.' ભાસ્કરે આગ્રહ કર્યો.

'જો કહી જો; પણ એ છોકરાંમાં અમે ક્યાં આવીએ ?'

'વડીલોને પણ ત્યાં નોતર્યા છે.'

'જા તો તૈયાર થા અને તારી મધરને પૂછી જો.'

સખીઓની સાથે શોભના કૈંક વખત ગરબામાં જતી ત્યાં વિદ્યાર્થી- ઓળખીતાઓ પણ મળતા પરંતુ આજે એક યુવકના આમંત્રણથી ગરબામાં જવાનો વિચાર કરતાં તેને અજબ અનુભવ થયો. તેણે ઝડપથી કપડાં બદલ્યાં. આયનામાં દેખાતું પોતાનું મુખ ચિત્રનાયિકા કરતાં અને ગરબામાં હાજર થનાર કોઈ પણ યુવતી કરતાં ઓછું સુંદર નહિ લાગે એવી તેણે ખાતરી કરી લીધી, અને માતાને હળવે રહીને તેણે જગાડી.

'કેમ, શું થયું બહેન?' માતાએ જાગ્રત થતાં પૂછ્યું.

'ગરબામાં આવવું છે.'

'કોને ત્યાં?'

'પેલા ભાસ્કર છે ને, એમને ત્યાં.'

'આપણે ન ઓળખીએ, ન પાળખીએ, પછી…'

'એ જાતે જ તેડવા આવેલ છે.'

'મને તો કંઈ મન નથી; પણ તને એકલીને અજાણી જગાએ ન જવા દેવાય. ચાલ, હું આવું છું.' કહી જયાગૌરીએ નિદ્રાને હડસેલી, અને નવી ઢબનાં વસ્ત્રો પહેરતી ટાપટીપમાં વખત ગુમાવતી આજકાલની છોકરીઓ કરતાં તેમના યુગમાં વધારે સાદાઈ અને સરળતા હતી એવી દૃઢ બની ગયેલી ભ્રમણાને વ્યક્ત કરતાં, દીકરીથીયે વધારે સમય વિતાવી તેમણે કહેવાતાં જૂની ઢબનાં કપડાં પહેર્યા - જે જૂની ઢબનાં વસ્ત્રો જયાગૌરીની માતા અને સાસુ બન્નેનો ભારે તિરસ્કાર પામી ચૂક્યાં હતાં.

'હું તો કાંઈ આવતો નથી.' કનકપ્રસાદે કપડાં પહેરી તૈયાર થયેલાં માદીકરીને કહ્યું.

'ગરબામાં પુરુષોનો ખપ પણ શો છે ? અને તમારી તબિયતે સારી નથી. હું જાઉં છુ એટલે ભાસ્કરભાઈને ખોટું પણ નહિ લાગે.' જયાગૌરી બોલ્યાં.

'હું તો તમને બધાંને જ તેડવા આવ્યો છું. મારો અને કનકપ્રસાદનો સંબંધ ગુરુશિષ્યનો છે.' ભાસ્કરે કહ્યું.

'જુઓ ને ભાઈ ! એટલા માટે તો હું આવું છું. બાકી અમારે હવે ગરબામાં જવું શું ?' જયાગૌરીએ કહ્યું. વર્ષો થયાં તેઓ આ સૂત્ર ઉચ્ચારી રહ્યાં હતાં. છતાં નાટક, સિનેમા, ભાષણ, પ્રદર્શન, મેળાવડા, મેળા, ખેલ, સરઘસ એ સર્વમાં ભાગ લેવાની તક બને ત્યાં સુધી તેઓ જવા દેતાં નહિ. ઉંમર વધતાં આનંદ ભોગવવાની શક્તિ કે વૃત્તિ ઓછી થાય છે એવું દેખાડવાનું શિષ્ટ જૂઠાણું એ આપણો વંશપરંપરાનો વારસો હજી લાંબો સમય ટકી રહેવા સર્જાયો છે.

જયાગૌરીએ પણ આયનામાં જોઈ ખાતરી કરી લીધી હતી કે તેઓ પોતે પણ છેક કદરૂપાં તો દેખાતાં નથી જ. માદીકરીના આગ્રહે કનકપ્રસાદને ઉજાગરામાંથી ઉગારી લીધા અને ભાસ્કર જયાગૌરી તથા શોભના બંનેને સાથે લઈ મોટરકારમાં બેસાડી પોતાને બંગલે લઈ ગયો.

વીજળીના દીવાથી ઝાકઝમાળ બનેલા બંગલાનો બગીચો ગરબા માટે આદર્શ સ્થાન બની રહ્યો હતો. સ્વર્ગ પણ શિક્ષણ લે એવા વૈભવનું દૃશ્ય રજૂ કરતા આ સ્થાનમાલિક ભાસ્કરના પિતા વિજયરાય એક આગેવાન મહાસભાવાદી હતા, અને તેમનો પુત્ર ભાસ્કર સમાજવાદ સુધી પહોંચી ગયો હતો. પરીઓને પણ લજાવે એવાં ઝીણાં, ખૂલતાં જરૂર પડે ત્યાં ચુસ્ત, દેહદીપ્તિને ખીલવે એવાં પરિધાન પહેરેલી યુવતીઓનાં ખુલ્લાં મુખ અને ખભા સુધીના ખુલા હાથ હિંદની કાળાશને દૂર કરી ગુલાબી ગોરાશથી વાતાવરણને વિદ્યુતમય બનાવી રહ્યાં હતાં. અજંતાની ગુફામાંથી સજીવન થઈ ફરતી કોઈ રૂપરાણી સરખાં લાંબાં કે ગોળ કુંડળ, પહોળી પાટલી કે પહોંચી અને દેહના કોઈ કોઈ ભાગમાંથી ઝબકી ઊઠતા હીરાને શરમાવતા બ્રુચ જોઈ કોઈ અજાણ્યા પરદેશીને તો એમ જ લાગે કે જગતવિજયી વીરો અને વીરાંગનાઓથી વસેલો આ દેશ કોઈ નવીન વિજયોત્સવ અને તેના કોઈ હળવા ભાગને ઊજવવા તત્પર થયો છે.

ગુજરાતનું ગૌરવ ગણાતા ગરબા ગુજરાતીઓની અહિંસાને જરૂર વધારે ખીલવે છે. કૉલેજના પુરુષવિદ્યાર્થીઓનો ગરબાપ્રેર્યો ઉન્માદ ઘડી પછી તેને સુકોમળતા અને લાલિત્ય તરફ દોરી તેનામાં સ્ત્રીની સુઘડતા અને સુકુમારતા ખીલવે છે. આ ખિલાવટમાંથી ગુજરાતી પુરુષ અંગમરોડ અને તાળીઓ માગતા ગરબા ગાતો બની જાય તો તેમાં નવાઈ કહેવાય નહિ. અને પુરુષો ભેગા મળી તાળીસહ ગરબા ગાય એ ગુજરાત સિવાય બીજે બન્યું છે પણ ક્યાં ?'

કોઈ કિન્નરીએ ન્હાનાલાલનો રાસ ગાયો:

'હલકે હાથે તે નાથ મહીડાં વલોવજો.'

નાથ બનવાની જવાબદારી લેતાં બીતા યુવકને પણ લાગ્યું કે તેનું હૃદય વલોવાતું હતું. કોઈ સુંદરીએ જૂના દયારામને પણ યાદ કર્યો !

'કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે !'

સહુ યુવકોએ અને કેટલાક પુખ્તવયી પુરુષોએ પણ - પોતાની આંખમાં કામણ હોવાની ખાતરી મન સાથે કરી લીધી.

કોઈ સ્વદેશપ્રેમી યુવતીએ ગાયું કે:

'અમે સ્વરાજ આજે લેશું રે,
દેશથી બની પૂજારણ.'

ગુજરાતના ભડવીર યુવકની ખાતરી થઈ ગઈ કે ઠમકા કરતી, કમરને લચકાવતી, કલામય હસ્તમુદ્રાઓથી પૂજારણનો અભિનય સાર્થક કરતી, રે અને લોલના લલકારમાં કલોલતી ગુર્જરલલનાના ગરબા વચ્ચે સ્વરાજ્ય સલામત બનતું જાય છે, અને જરૂર પડ્યે હિટલર-મુસોલિનીના શસ્ત્રસજજ સૈન્ય સામે આ પૂજારણોનો ગરબાવ્યૂહ મોરચા તરીકે રચી તેની પાછળ યુવકવર્ગથી સલામત રહી શકાય એમ છે.

સહુ કોઈ આ ગરબાના આકર્ષક લાલિત્યમાં મુગ્ધ બની બેઠાં હતાં. મહાસભાવાદી મિત્રમંડળ વિજયરાયની આસપાસ ખાદીનાં રૂપાળાં, ઘાટદાર વસ્ત્રો પહેરી બેઠું હતું. તેને આ ગુરબાઓમાં પ્રાચીન કલાગૌરવનો પુનરુદ્ધાર દેખાયો. પ્રાચીનતાના ભારને ફેંકી દેવા તૈયાર બનેલા ક્રાન્તિકારી સમાજવાદી યુવકોને આ ગરબામાં સમૂહકલાની નવીન જાગૃતિ થતી દેખાઈ.

'ગરબાને રાષ્ટ્રીય કલા તરીકે સ્વીકારવો જોઈએ.' એક યુવકે ગરબો પૂરો થતાં કહ્યું.

'એટલે તારે આખા હિંદુસ્તાનને તાળીઓ પાડતો કરી મૂકવો છે ! રાષ્ટ્ર તો લાવ, પછી રાષ્ટ્રકલા !' એક ખૂણામાં યુવકોની બાજુએ બેઠેલા પરાશરે કહ્યું.

'તારું માનસ પ્રત્યાઘાતી બનતું જાય છે. ખાદી પહેરીને તેં દેહ અને મગજ બરછટ કરી નાખ્યાં છે.' યુવકે જવાબ આપ્યો.

'તમને ગરબા નથી ગમતા ?' અર્ધ ખુલ્લી છાતી અને પૂરું ખુલ્લું માથું કરી થાકને બહાને યુવકમિત્રો વચ્ચે બેઠેલી રંભાએ પરાશરને પૂછ્યું.

'ના.' ટૂંકો જવાબ પરાશરે આપ્યો.

'કારણ ?' રંભાએ વાત ચાલુ રાખી.

'અમારા ચહેરા સામે જુઓ છો ખરાં ?' પરાશરે પૂછ્યું.

'એમને પણ આપણા ચહેરા ગમે છે; વખાણ વ્યક્ત થતાં હોય તો વધારે.' એક ચશ્માંધારી યુવકે કહ્યું.

'અમે અમારા શોખ ખાતર ગરબા ગાઈએ છીએ; તમારે માટે નહિ.' રંભાએ પુરુષથી ન હારવાનો નિશ્ચય કર્યો જણાતો હતો.

'હં.' તિરસ્કારનો આછો દેખાવ કરી પરાશરે બીજી પાસ જોયું. પરાશરના હાથને ટપલી મારી રંભાએ કહ્યું.

'તમે કારણ તો કહ્યું નહિ.'

'મેં કારણ આપી દીધું છે. મારું ચાલે તો હું તમને ગરબા ગવરાવવાને બદલે સૂર્ય-નમસ્કાર કરાવું.' પરાશરે કહ્યું. આસપાસ બેઠેલા યુવકો હસ્યા. એક યુવકે કહ્યું :

'પછી હોમ હવન કરાવજે અને ગાયત્રી-પુરુશ્ચરણ કરાવજે.'

'અને છેવટે મહંત કે મહાત્મા બની બેસજે.' બીજા યુવકે વધારે મશ્કરી કરી.

'અરે એ ગાયત્રી શું છે ? ભૂતકાળની સાથે સંપૂર્ણ અણબનાવ કરવામાં જ હિંદનો ઉદ્ધાર છે એમ માનતા ત્રીજા યુવકે અણબનાવનું દર્શન કરાવ્યું.

વિજયરાય અને તેમના મિત્રોમાંથી સૂચન આવ્યું કે ગરબાને વાતચીત ગોઠતી નથી. વાતચીત કરવાના સ્વાતંત્ર્ય ઉપર આમ તરાપ મારતા ખાદીધારી વડીલો સામે બંડ ઉઠાવવાનો પોતાનો જીવનસિદ્ધ હક્ક કૉલેજ કે સભા ન હોવાથી યુવકોએ સહજ જતો કર્યો. શિસ્તભંગની શરૂઆત કરનાર આ વડીલો હવે શિસ્તનો આગ્રહ રાખતા થયા એ તેમના પ્રત્યાઘાતી માનસના પુરાવા તરીકે લેખી શકાય એમ હતું.

ગરબા પૂરા થયે લહાણી અપાઈ અને અલ્પાહાર થયો. ગરીબ વણકરો અને ખેડૂતો માટે હૃદય પિગળાવનારાં ભાષણો કરી મહાસભાના ફાળામાં નાણા આપનાર વિજયરાયે પુત્રની વર્ષગાંઠ નિમિત્ત એકાદ વણકર કે ખેડૂતને બોલાવ્યો હતો કે કેમ તેની કોઈએ પૃચ્છા કરી નહિ. કિસાનો અને મજદૂરોનું રાજ્ય લાવવા મથનાર ભાસ્કરે પોતાની જન્મતિથિએ ઘરના મજદૂરોને મધરાત સુધી રોકી રાખ્યા હતા. એમાં શોષણનીતિ છે કે કેમ એ વિષયમાં મજદૂરોએ કે ક્રાંતિકારી યુવકમંડળે ચર્ચા કરવાનો વિચાર હજી સુધી જણાવ્યો નહોતો.

ભાસ્કરે વિવેકસહ સહુને વિદાય કર્યા. પરાશર ચાલતો જતો હતો તેને રોકીને ભાસ્કરે એક કારમાં બેસાડ્યો. એ જ કારમાં રંભા, અને બે મધ્યવયી સ્ત્રીઓ સાથે તારિકા ને વિની પણ બેઠેલાં હતાં - સંકોડાઈને. ભાસ્કરે જાણી જોઈને આ ગાડી એને માટે પસંદ કરી હતી શું ?

સહુના ગયા પછી ભાસ્કરે જયાગૌરી અને શોભનાનો વિજયરાય સાથે પરિચય કરાવ્યો. શોભનાના પરિમાણ માટે પિતા પાસે બન્નેને મુબારકબાદી અપાવી, અને તેમને મૂકવા માટે તેણે પોતે જ સાથે તૈયારી કરી.

'આપ તસદી ન લેશો.' શોભનાએ કહ્યું.

'હા હા. ઘણું થાક્યા હશો.' જયાગૌરીએ કહ્યું.

'આજ તો હું આવીશ જ.' - કહી ભાસ્કરે જયાગૌરીને પહેલાં બેસાડ્યાં, પછી શોભનાને બેસાડી, અને તેની જ સાથે ભાસ્કર બેસી ગયો. જાણીતો યુવક પુત્રીની જોડમાં જ બેઠો હતો એ આજના યુગનું ચલાવી લેવા જેવું દુષણ છે એવો વિચાર જયાગૌરીને ક્ષણ માટે આવી ગયો; પરંતુ કારની મોહક ઝડપમાં તેમણે એ વિચારને વિસારે નાખ્યો, અને ક્ષણવારમાં તેમણે એવી શાતા અનુભવી કે અડધો કલાક મધરાતે શહેર બહાર ફરવાની ભાસ્કરની સૂચનાને તેમણે સંમતિ આપી.

મધરાતનો સમય, વાળ અને વસ્ત્રને રમાડતો શીતળ પવન, યુવકયુવતીનું સાન્નિધ્ય, કારની લીસી ગતિ અને જગતભરમાં વ્યાપેલી શાંતિ યૌવનને ભાગ્યે જ શાંત પાડી શકે. એ સર્વ સંયોગો યૌવનના એકેએક ખૂણાને જાગ્રત રાખે છે. ભાસ્કર અને શોભના બન્ને સચેત હતાં. બને તેમ સ્પર્શથી દૂર રહેવા મથતાં હતાં. અને સ્પર્શ થતાં મૂક અજાણપણું દશાવતાં હતાં. સાન્નિધ્યથી ઉત્પન્ન થતા કંપમાં તેમણે વારસામાં ઊતરેલી જૂની શરમ અને નબળાઈનું પરિણામ નિહાળ્યું, અને સહશિક્ષણને અંગે ઉપસ્થિત થતા આવા સહપર્યટનના પ્રસંગોમાંથી માર્ગ કાઢી નવીન નીતિધોરણ ઘડવામાં પોતે અગ્રણી બને છે એમ તેમણે ધારી લીધું.

આવા સ્વાભાવિક ભાવથી ભય ન પામતાં તેનો નિર્દોષ આસ્વાદ લેવામાં પાપ ક્યાં થાય છે એ પ્રશ્ર મનને પૂછી એક ડગલું આગળ પણ વધી શકાય છે.

'ઠંડક તો નથી લાગતી ને ?' ભાસ્કરે બાહ્ય શાંતિનો ભંગ કરતો પ્રશ્ન પૂછ્યો અને ખાસ વાંધો ન લેઈ શકાય એવી પ્રામાણિક ચેષ્ટાસહ શોભનાના હાથ ઉપર હાથ મૂક્યો.

'ના.' શોભનાએ કહ્યું.

પરંતુ ઠંડક જોવાને બહાને ભાસ્કરે મૂકેલો હાથ ન ભાસ્કરે ખસેડ્યો કે ન શોભનાએ ખસેડ્યો.

કાર અટકી અને સુખમૂર્છામાં પડેલાં જયાગૌરી જાગ્રત થઈ ગયાં.

'ઘર આવી ગયું.' જયાગૌરીએ કહ્યું.

ઝડપથી હાથ ખેંચી લઈ ભાસ્કરે જવાબ આપ્યો :

'હા જી.'

ભાસ્કરે નીચે ઊતરી ગાડીનું બારણું ખોલી નાખ્યું, અને જયાગૌરી ન સમજાય એવા અણગમાસહ નીચે ઊતર્યાં; શોભના પણ તેમની પાછળ આવી. શોભનાના હૃદયમાં કોઈ સંકોચ જાગ્રત થયો. તેણે ભાસ્કર સામે જોયું નહિ, પરંતુ જયાગૌરીને ઘરમાં પહોંચાડી બહાર આવતા ભાસ્કરે બારણું બંધ કરવા પાછળ આવેલી શોભનાને કહ્યું.

'ગુડ નાઈટ.'

'ગુડ નાઈટ.' શોભનાએ જવાબ આપી ભાસ્કરની સામે જોયું.

'શેક હેન્ડઝ.'*[૪] કરો.ભાસ્કરે ધીમેથી કહ્યું અને પોતાનો હાથ આગળ ધર્યો.

શોભનાનો હાથ પણ લંબાયો અને બન્નેના હસ્ત ભેગા મળ્યા. એ હાથ કેટલી વાર ભેગા રહ્યા તેની ભાસ્કરને ખબર ન રહી. માત્ર શોભનાના ધીમા ઉચ્ચારણે તેને જાગ્રત કર્યો.

'પણ હું પરણેલી છું.' શોભનાએ ભાસ્કર સાંભળે એમ કહ્યું ભાસ્કરે એકાએક શોભનાનો હાથ છોડી દીધો.

  1. *મહા નિબંધ જેને આધારે અભ્યાસીઓને ચડતી ઉપાધિઓ આપવામાં આવે છે.
  2. *એક કંટાળાનો ઉદ્ગાર
  3. *ટાપટીપ
  4. * હસ્તધૂનન