જી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
જી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું
પ્રેમાનંદ સ્વામી
જાનની રાહ જોતી કન્યા
જી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું,
અલબેલા ઉતાવળો આવ,
  મુખડું જોઈને સુખ ઉપજે... ટેક

જી રે આવડી તે વાર તમને ક્યાં થઈ,
સુંદરવર નટવર નાવ... ૧

જી રે વાટડી જોઉં ઊભી ક્યારની,
કેસરિયા વર તારે કાજ... ૨

જી રે રાતદિન રટના લાગી રહી,
મારાં નેણ સફળ કરો રાજ... ૩

જી રે દીન જાણીને દયા આણજ્યો,
હું તો દાસી ચરણની નાથ... ૪

જી રે માળા રટું તારા નામની,
લળી લળી લાગું તારે પાય... ૫

જી રે વિઠ્ઠલ આવો ઉતાવળા,
હરી ગ્રહણ કરો મારો હાથ... ૬

જી રે સંભારતાં સમાચાર આવિયા,
આવી કેસરિયા કુંવરની જાન... ૭

જી રે પ્રેમાનંદ કહે પ્રભુજી પધારિયા,
આવ્યાં ગગન અમર વેમાન... ૮