જુગતી તમે જાણી લેજો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જુગતી તમે જાણી લેજો પાનબાઈ !
મેળવો વચનનો એક તાર,

વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.

મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય…. જુગતી.

ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી….

ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા… જુગતી….