જેને જોઈએ તે આવો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જેને જોઈએ તે આવો
પ્રેમાનંદ સ્વામીજેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
  આજ ધર્મવંશીને દ્વાર નરનારી... જોઈએ.. ટેક
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
  વહાલો તરત ઉતારે ભવપાર નરનારી... જોઈએ.. ૧

જન્મ-મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
  શરણે આવો મુમુક્ષુ જન નરનારી... જોઈએ..
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
  હ્યાં તો તરત થાશો પાવન નરનારી... જોઈએ.. ૨

ભૂંડા શીદને ભટકો છો મતપંથમાં રે લોલ,
  આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નરનારી... જોઈએ..
આણો પ્રેમે પ્રતીતિ સાચા સંતમાં રે લોલ,
  થાશે મોક્ષ અતિશે અનૂપ નરનારી... જોઈએ ૩

જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ,
  શીદ કરો ગોળ ખોળ એક પાડ નરનારી... જોઈએ..
લીધી લાજ બીજા ગુરુ ભેખની રે લોલ,
  કામ ક્રોધ વજાડી છે રાડ નરનારી... જોઈએ.. ૪

એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
  જાશો નરકે વગાડતાં ઢોલ નરનારી... જોઈએ..
વહાલો તરત છોડાવે કાળ પાશથી રે લોલ,
  પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ નરનારી... જોઈએ.. ૫